23 July 2026

વિશ્વ ફલક પર આયુર્વેદ નો જયઘોષ: કેનેડામાં ભારતીય ચિકિત્સા પદ્ધતિની સફળ ગાથા

1
image

    લેખક: રાકેશ આર. મોદી (આયુર્વેદગુરુ) પ્રેસિડેન્ટઆયુર્વેદિક લાઈફસ્ટાઈલ ઇન્ક., કેનેડા

    વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારતનું પ્રાચીન વિજ્ઞાન આજે સાત સમુદ્ર પાર પોતાની ધજા લહેરાવી રહ્યું છે. પશ્ચિમી દેશો, જે એક સમયે માત્ર એલોપેથી પર નિર્ભર હતા, આજે તેઓ આયુર્વેદના ‘હોલિસ્ટિક એપ્રોચ’ (સર્વગ્રાહી અભિગમ) તરફ વળ્યા છે. કેનેડાની ધરતી પર છેલ્લા સાડા ત્રણ દાયકાથી આયુર્વેદનો જે પ્રસાર થયો છે, તે ભારતીય સંસ્કૃતિની જીત છે. આ લેખમાં આપણે પશ્ચિમી જગતમાં આયુર્વેદના સંઘર્ષ, સફળતા અને ભવિષ્ય વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું.

    કેનેડામાં આયુર્વેદના ભીષ્મ પિતામહ: એક સંસ્મરણ

    કેનેડામાં આયુર્વેદનો ઇતિહાસ લખવામાં આવશે ત્યારે મારા પૂજ્ય પિતા ડો. રમેશ એન. મોદીનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. વર્ષ 1988માં જ્યારે કેનેડામાં ‘આયુર્વેદ’ શબ્દ પણ લોકો માટે અજાણ્યો હતો, ત્યારે તેમણે ત્યાં પ્રેક્ટિસ શરૂ કરવાનું સાહસ કર્યું હતું. તેમને કેનેડામાં પાયોનિયર ઓફ આયુર્વેદ તરીકે નવાજવામાં આવે છે. તેમણે માત્ર સામાન્ય જનતાને જ નહીં, પરંતુ કેનેડાના સરકારી તંત્રને પણ આયુર્વેદની વૈજ્ઞાનિકતા સમજાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.

    ખાસ કરીને યુરોપિયન દેશોમાંથી કેનેડામાં સ્થાયી થયેલા લોકોમાં આયુર્વેદનો પ્રચાર કરવો તે એક મોટો પડકાર હતો. પિતાજીએ અનેક નવા પ્રેક્ટિશનર્સને તૈયાર કર્યા, તેમને માર્ગદર્શન આપ્યું અને આજે ઉત્તર અમેરિકાના ખૂણેખૂણે આયુર્વેદિક સેન્ટરો ધમધમી રહ્યા છે, જેનો પાયો તેમણે નાખ્યો હતો.

      વૈશ્વિક જીવનશૈલીમાં આયુર્વેદનું સ્થાન

      આજે કેનેડામાં આયુર્વેદ માત્ર બીમારી મટાડવાનું સાધન નથી, પણ એક લાઈફસ્ટાઈલ બની ગયું છે. તમે કોઈપણ મોટા શહેરના સ્પા કે રિસોર્ટમાં જાઓ, ત્યાં તમને આયુર્વેદિક મસાજ અને શિરોધારાની સુવિધા જોવા મળશે. ભારતીય રસોઈના મસાલા, સુપરફૂડ્સ અને આયુર્વેદિક પીણાં (જેમ કે આમળા જ્યૂસ, હર્બલ ટી) આજે કેનેડિયન લોકોના ડાયેટનો ભાગ બન્યા છે.

      સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, કેનેડામાં આયુર્વેદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા (National Health Insurance) હેઠળ આવતું નથી. તેમ છતાં, લોકો પોતાના ગજવામાંથી મોંઘી ફી ચૂકવીને પણ આયુર્વેદિક સારવાર લેવાનું પસંદ કરે છે. આ બાબત સાબિત કરે છે કે પશ્ચિમી સમાજમાં આ પ્રાચીન ભારતીય જ્ઞાન પ્રત્યે કેટલી ઊંડી શ્રદ્ધા જન્મી છે.

      પ્રેક્ટિસના પડકારો અને કાયદાકીય મર્યાદાઓ

      વિદેશમાં આયુર્વેદની પ્રેક્ટિસ કરવી એ ભારત જેટલી સરળ નથી. ત્યાંના કાયદા મુજબ અમે અમારી જાતને ‘ડોક્ટર’ તરીકે ઓળખાવી શકતા નથી, ભલે અમારી પાસે ઉચ્ચ પદવીઓ હોય. તેમજ આયુર્વેદની કેટલીક આક્રમક ગણાતી પ્રક્રિયાઓ જેમ કે રક્તમોક્ષણ અથવા ચોક્કસ પ્રકારના એનિમા (બસ્તી) આપવા પર નિયંત્રણો છે. રસ-ઔષધિઓ (ભસ્મયુક્ત દવાઓ) ના ઉપયોગ પર પણ પ્રોટોકોલ કડક છે.

      આમ છતાં, અમે હાર માન્યા વગર જનજાગૃતિ અભિયાનો શરૂ કર્યા. કોન્ફરન્સ, સેમિનાર અને સ્થાનિક મીડિયાના માધ્યમથી અમે લોકોને સમજાવ્યું કે આયુર્વેદ માત્ર જડીબુટ્ટી નથી, પણ વિજ્ઞાન છે. આજે આયુર્વેદ કેનેડામાં ‘ટોક ઓફ ધ ટાઉન’ છે.

        દર્દીઓનો અભિગમ અને સારવારની પદ્ધતિ

        અમારા ક્લિનિક ‘આયુર્વેદિક લાઈફસ્ટાઈલ ઇન્ક.’ માં અમે દર મહિને સરેરાશ 240 જેટલા દર્દીઓને તપાસીએ છીએ. પશ્ચિમી દર્દીઓ મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ માટે અમારી પાસે આવે છે:

        1. સ્ટ્રેસ મેનેજમેન્ટ (માનસિક તણાવ)
        2. સેક્સ મેનેજમેન્ટ (જાતીય સમસ્યાઓ)
        3. પેઈન મેનેજમેન્ટ (સાંધા અને સ્નાયુના દુખાવા)

        ઉપરાંત સ્કિન કેર અને પાચન સંબંધી વિકારો માટે પણ લોકો આયુર્વેદ પર ખૂબ વિશ્વાસ મૂકે છે. અમારી સારવારનો મુખ્ય આધાર નાડી પરીક્ષણ (Pulse Assessment) છે. પશ્ચિમી લોકો માટે આ એક જાદુઈ અનુભવ જેવું હોય છે જ્યારે અમે માત્ર તેમની નાડી પકડીને તેમના શરીરની ‘પ્રકૃતિ’ (વાત, પિત્ત, કફ) જણાવીએ છીએ. ત્યારબાદ અમે તેમને કસ્ટમાઇઝ્ડ ડાયેટ પ્લાન, પંચકર્મ થેરાપી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આયુર્વેદિક જડીબુટ્ટીઓ સૂચવીએ છીએ.

        યુરોપિયન મૂળના લોકો સ્વભાવે ખૂબ જ જિજ્ઞાસુ અને જ્ઞાન સ્વીકારવામાં આક્રમક હોય છે. તેઓ વેગન (Vegan) અથવા શુદ્ધ શાકાહારી ભોજન તરફ ઝડપથી વળી રહ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં મેં જોયું છે કે પશ્ચિમમાં હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રત્યે આકર્ષણ વધ્યું છે. તેઓ યોગ, ધ્યાન અને વૈદિક જ્યોતિષને પણ આયુર્વેદના પૂરક તરીકે સ્વીકારે છે. માનસિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક આધ્યાત્મિકતા તેમને આંતરિક શાંતિ આપે છે, જેની આજે પશ્ચિમી દેશોમાં ભારે અછત છે.

        આયુર્વેદના વ્યવસ્થિત પ્રસાર માટે અમે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ કોમ્પ્લીમેન્ટરી મેડિસિન્સ ઇન્ક. ની સ્થાપના કરી છે. અહીં અમે ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવીએ છીએ. કેનેડામાં હવે આયુર્વેદિક દવાઓ માત્ર ક્લિનિક પૂરતી મર્યાદિત નથી, પણ હેલ્થ સ્ટોર્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ સરળતાથી મળે છે.

        જોકે, સરકાર દ્વારા દવાઓની આયાત માટે કડક નિયમો છે. દરેક પ્રોડક્ટ માટે NPN (Natural Product Number) મેળવવો જરૂરી છે. અમે હંમેશા પારદર્શિતામાં માનીએ છીએ, તેથી દર્દીને તે શું સેવન કરી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપીએ છીએ.

          કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વિશે વિચારતા કરી દીધા છે. વેક્સિન લીધા પછી જે સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે, તેના નિવારણ માટે લોકો હવે આયુર્વેદના શરણે આવી રહ્યા છે. અમે અમારા દર્દીઓને સલાહ આપીએ છીએ કે તેઓ તેમના ફેમિલી ડોક્ટર સાથે પણ સંપર્કમાં રહે અને મેડિકલ ટેસ્ટ કરાવતા રહે, જેથી અમે એલોપેથી અને આયુર્વેદનું યોગ્ય સંકલન (Integrative Medicine) કરી શકીએ.

          છેલ્લા 15 વર્ષોમાં ઇન્ટરનેટના કારણે આયુર્વેદ વિશેની માહિતી લોકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. વધુમાં, કેનેડામાં વસતા ભારતીય મૂળના લોકો (NRIs) પણ આયુર્વેદના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તેઓ પોતાના પશ્ચિમી મિત્રોને હળદરવાળું દૂધ, અશ્વગંધા, ચ્યવનપ્રાશ અને ઘરે બનાવેલા શુદ્ધ ઘીના ફાયદા સમજાવે છે. કેનેડાની ઠંડી આબોહવામાં કેસર, હિંગ અને મોરિંગા જેવી વસ્તુઓ વરદાનરૂપ સાબિત થઈ રહી છે.

          આટલી સફળતા છતાં, આયુર્વેદ સામે કેટલાક પડકારો હજુ પણ ઊભા છે. સૌથી મોટો અવરોધ એ છે કે આયુર્વેદ વિશે એવું પ્રચારવામાં આવે છે કે તેની પાસે પૂરતા ‘ક્લિનિકલ અને સાયન્ટિફિક પુરાવા’ નથી. કેટલીકવાર આયાત અને પ્રેક્ટિસ પરના પ્રતિબંધોને કારણે પણ લોકોના મનમાં શંકા જન્મે છે. પશ્ચિમી સરકારો હજુ પણ આયુર્વેદના વૈજ્ઞાનિક પાસાઓને સંપૂર્ણ રીતે સમજી શકી નથી.

          ભારત સરકાર હાલમાં આયુર્વેદને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપી રહી છે, જે આવકારદાયક છે. પરંતુ, પશ્ચિમી જગતમાં આયુર્વેદને વધુ મજબૂત કરવા માટે ઇન્સ્યોરન્સ કવરેજ ખૂબ જરૂરી છે. જ્યારે વીમા કંપનીઓ આયુર્વેદિક સારવારનો ખર્ચ ઉઠાવતી થશે, ત્યારે લોકોનો વિશ્વાસ અનેકગણો વધી જશે.

          અમે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ આયુર્વેદિક ફિઝિશિયન્સ ઇન્ક. દ્વારા નવા પ્રેક્ટિશનર્સને તૈયાર કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે જો ચિકિત્સક પોતે જ્ઞાની અને તાલીમબદ્ધ હશે, તો તે વિશ્વને સાચું આયુર્વેદ બતાવી શકશે. આયુર્વેદ એ માત્ર સારવાર નથી, પણ જીવવાની કળા છે અને કેનેડાની આ ધરતી પર અમે આ જ્યોતને સતત પ્રજ્વલિત રાખીશું.

            Share with friends

            What do you feel about this?

            You may have missed

            Subscribe To Our Newsletter

            Total
            0
            Share