
લેખક: હિતેશ જગડ
વાચક જોગ નોંધ : પ્રથમ 11th જુલાઈ 2025 ધ્વનિ આવૃતિ 119 મા પ્રકાશિત
કેનેડાની ધરતી પર પગ મૂકતા કોઈપણ ઈમિગ્રન્ટ માતા-પિતાને જ્યારે પૂછવામાં આવે કે, “તમને આ પરદેશમાં સૌથી વધુ શેનો ડર લાગે છે?” ત્યારે તેઓ સંપત્તિ, કારકિર્દી કે સામાજિક દરજ્જાની વાતતો અવશ્ય કરશે જ, પરંતુ તેમના અંતરમન્ ના એકખૂણામા એક વાત નો ચોક્કસ ડર છેતે : “શું મારી આવનારી પેઢી મારી માતૃભાષા ભૂલી જશે, તેની સાંસ્કૃતિક વિરાસત સાચવી શકશે ?”
આપણે જ્યારે સાત સમંદર પાર કરીને આ નવા દેશમાં આવ્યા, ત્યારે આપણી સાથે લાવેલી સૂટકેસોમાં તો માત્ર કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ હતી. પરંતુ જે અસલી ખજાનો આપણે આપણી સાથે લાવ્યા હતા, જેની ઉપર કોઈ ‘કસ્ટમ ડ્યુટી’ નહોતી, તે હતી આપણી “માતૃભાષા”. એ ભાષા જે આપણા હૃદયના ધબકારામાં વણાયેલી હતી, જે આપણા મનમાં વિચારો બનીને રમતી હતી અને જે આપણા અવાજમાં વતનનો સ્વાદ જાળવી રાખતી હતી. કેનેડાના આ બરફીલી અને બદલાતી આબોહવા વચ્ચે પણ, આપણી ભાષા જ એ હૂંફ હતી જે આપણને આપણા મૂળિયાં સાથે જોડી રાખતી હતી.
પરંતુ આજે કેનેડાના આંગણે એક કડવું સત્ય આપણી સામે આવીને ઊભું રહ્યું છે: આપણી માતૃભાષા ધીમેધીમે ક્ષીણ થઈ રહી છે. આપણે તેને મરતી જોઈ રહ્યા છીએ, અને દુઃખની વાત એ છે કે આપણે તેના મૂક સાક્ષી બની રહ્યા છીએ.
બ્રેમ્પટન, સરે, મિસીસાગા, કિચનર, લંડન, ઓટાવા, ટોરોન્ટો, વિંડસોર, હેમિલ્ટન કે વિનીપેગ અથવા અલબર્ટાના કોઈપણ સાઉથ એશિયન પરિવારના ડ્રોઈંગ રૂમમાં જો ડોકિયું કરીએ તો, ત્યાં તમને ત્રણ પેઢીઓ એક જ છત નીચે બેઠેલી જોવા મળશે, પણ તેમની વચ્ચે શબ્દોનો એવો સેતુ નથી જે તેમને સંપૂર્ણપણે જોડી શકે. દાદા-દાદી શુદ્ધ ગુજરાતી કે પોતાની પ્રાદેશિક ભાષામાં વાતો કરે છે; માતા-પિતા પોતાની માતૃભાષા અને અંગ્રેજી ખિચડી જેવા મિશ્રણમાં જવાબ આપે છે; અને ઘરના બાળકો? તેઓ લગભગ સંપૂર્ણપણે અંગ્રેજીમાં જ સંવાદ કરે છે.
આ એક એવી શાંત ઉદાસી છે જે હજારો કેનેડિયન ઘરોમાં પ્રસરેલી છે. આ નુકસાન એટલું સૂક્ષ્મ છે કે આપણે તેને તરત પારખી શકતા નથી. આપણે આપણા તહેવારો ગજવીએ છીએ, દિવાળી-નવરાત્રી ધામધૂમથી ઉજવીએ છીએ, સોશિયલ મીડિયા પર પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને ફોટા મૂકીએ છીએ, અને બાળક “જય શ્રી કૃષ્ણ” કે “નમસ્તે” બોલે એટલે સંતોષ માની લઈએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધી પરંપરાઓ જે પાયા પર ટકેલી છે, તે ‘ભાષા’ જ જો લુપ્ત થઈ જશે તો આ ઉત્સવો માત્ર બાહ્ય પ્રદર્શન બનીને રહી જશે?
ભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી; તે સંસ્કૃતિની ચેતના છે. જ્યારે બાળક તેની માતૃભાષાથી વિખૂટું પડે છે, ત્યારે તે માત્ર શબ્દો નથી ગુમાવતું, તે પોતાના પૂર્વજોના અનુભવો અને સંસ્કારોનો વારસો પણ ગુમાવે છે. આપણે ઘણીવાર આપણી જાતને છેતરીએ છીએ કે, “અત્યારે ભલે અંગ્રેજી બોલતા, મોટા થશે એટલે પછીથી શીખી લેશે.” પણ સત્ય એ છે કે એ ‘પછીથી’ ક્યારેય આવતું નથી. ભાષા એ કોઈ સ્વીચ નથી કે જે પુખ્ત વયે પહોંચતા જ ચાલુ થઈ જાય. ભાષા તો એક નાજુક છોડ જેવી છે, જેને રોજિંદા સંવાદના પાણીથી સીંચવો પડે છે. જો પાંચ વર્ષનું બાળક ગુજરાતી બોલતા અચકાય કે શરમાય, તો પંદર વર્ષની ઉંમરે તે અચાનક અસ્ખલિત વક્તા નહીં બની જાય. પરિણામે, આપણા બાળકો પોતાના જ વારસાથી એ રીતે વિખૂટા પડી રહ્યા છે જેનો ઈલાજ માત્ર તહેવારોના વસ્ત્રો કે વોટ્સએપના ફોરવર્ડ મેસેજ પાસે નથી.
ઘણા માતા-પિતા માને છે કે કેનેડામાં સફળ થવા માટે અંગ્રેજીમાં જ વાત કરવી અનિવાર્ય છે. તેઓને ડર લાગે છે કે જો બાળક ઘરે ગુજરાતી બોલશે, તો તે શાળામાં પાછળ રહી જશે અથવા તેના ઉચ્ચારો (Accent) બગડશે. પણ આ એક મોટી ગેરસમજ છે. કેનેડા એ ‘મેલ્ટિંગ પોટ’ નથી, પણ એક ‘મોઝેક’ (Mosaic) છે. અહીંની સુંદરતા જ એ છે કે તમે તમારી ઓળખ જાળવી રાખીને પણ ઉત્તમ કેનેડિયન બની શકો છો. કેનેડિયન હોવાનો અર્થ એ ક્યારેય નથી કે તમારે તમારી માતૃભાષા કે સંસ્કૃતિના પાના કોરા કરી દેવા.
જ્યારે એક ભાષા લુપ્ત થાય છે, ત્યારે માત્ર શબ્દો નથી મરતા; તેની સાથે આખી એક સભ્યતા, ઇતિહાસ અને વડીલોનું શાણપણ દટાઈ જાય છે. ગુજરાતીમાં કહેવાતી ‘કહેવતો’માં જે ધાર છે, જે રમૂજ છે, તે અંગ્રેજી અનુવાદમાં ક્યારેય નથી આવતી. બાળકને જ્યારે માતા “બેટા” કે “વહાલા” કહીને બોલાવે, ત્યારે એ શબ્દમાં જે મમતા અને મીઠાશ હોય છે, તે “ડિયર” કે “સ્વીટી” માં શોધવી અશક્ય છે.
ભાષાના અભાવે સૌથી મોટું નુકસાન પારિવારિક સંબંધોને થાય છે. દાદા-દાદી પાસે અનુભવોનો ખજાનો હોય છે, વાર્તાઓ હોય છે, અને આશીર્વાદ આપવાની પોતાની એક રીત હોય છે. પણ જ્યારે પૌત્ર-પૌત્રીઓ એ ભાષા જ નથી સમજતા, ત્યારે સંવાદ માત્ર “How are you?” અને “I am fine” સુધી સીમિત થઈ જાય છે. બાળકો માત્ર માથું હલાવતા શીખે છે, પણ હૃદયથી જોડાઈ શકતા નથી. આ અંતર બંને પેઢીઓ માટે અત્યંત પીડાદાયક છે.
આ માત્ર લાગણીવેડા નથી. આધુનિક મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર કહે છે કે જે બાળકો દ્વિભાષી હોય છે, તેમની બૌદ્ધિક ક્ષમતા અન્ય બાળકો કરતા વધુ હોય છે. માતૃભાષા બાળકને વિચારવાની મૌલિક શક્તિ આપે છે. જો પાયાના વિચારો માતૃભાષામાં સ્પષ્ટ હોય, તો અન્ય ભાષાઓ (જેમ કે અંગ્રેજી કે ફ્રેન્ચ) શીખવી અત્યંત સરળ બની જાય છે. જે બાળક પોતાની સંસ્કૃતિ અને ભાષામાં સુરક્ષિત અનુભવે છે, તેનું આત્મસન્માન (Self-esteem) હંમેશા ઊંચું રહે છે.
છતાં, આ બધું જાણવા છતાં આપણે સુવિધા ખાતર કે થાકને કારણે માતૃભાષાને અવગણીએ છીએ. માતા-પિતા લાંબા કામના કલાકો પછી ઘરે આવે ત્યારે અંગ્રેજીમાં વાત કરવી તેમને ‘સરળ’ લાગે છે. બાળકો પ્રતિકાર કરે ત્યારે આપણે નમી જઈએ છીએ. પરંતુ યાદ રાખજો, જે આજે આપણને ‘દયા’ લાગે છે, તે આવતીકાલે ‘પસ્તાવો’ બની શકે છે. જ્યારે તે જ સંતાનો કોઈ કૌટુંબિક પ્રસંગે કે સામાજિક મેળાવડામાં મૂંગા બનીને બેસી રહેશે, ત્યારે આપણને અહેસાસ થશે કે આપણે તેમને કેવડી મોટી ભેટથી વંચિત રાખ્યા છે.
પરિવર્તનની જવાબદારી કોઈ સંસ્થા કે સરકારની નથી, તે આપણી પોતાની છે. આપણે આપણી ભાષાને માત્ર સંગ્રહાલયની વસ્તુ કે રવિવારની પ્રાર્થના પૂરતી મર્યાદિત ન રાખવી જોઈએ. ભાષા ત્યારે જ જીવે જ્યારે તે બોલાય.
આપણે શું કરી શકીએ?
- ઘરમાં નિયમ બનાવો: ઘરમાં માત્ર માતૃભાષામાં જ સંવાદ કરો. બાળકો અંગ્રેજીમાં પૂછે તો પણ તેમને ગુજરાતીમાં જવાબ આપવા પ્રેરો. તેમની ભૂલો પર હસવાને બદલે તેમને ધીરજથી સુધારો.
- વાર્તાઓ અને ગીતો: રાત્રે સૂતી વખતે ગુજરાતી લોકકથાઓ કે બાળગીતો સંભળાવો. સંગીત અને લય ભાષાને જલ્દી પકડે છે.
- આધુનિક સાધનોનો ઉપયોગ: YouTube પર ગુજરાતી બાળવાર્તાઓ, ફિલ્મો કે સંગીતની પ્લેલિસ્ટ બનાવો. ટેકનોલોજીનો ઉપયોગ ભાષા શીખવવા માટે કરો, માત્ર મનોરંજન માટે નહીં.
- સામાજિક સંસ્થાઓની ભૂમિકા: આપણા મંદિરો, મંડળો અને સાંસ્કૃતિક જૂથોએ ભાષાના વર્ગોને વધુ રસપ્રદ અને સંવાદાત્મક બનાવવા જોઈએ. માત્ર ગોખણપટ્ટી નહીં, પણ નાટક અને રમતગમત દ્વારા ભાષા શીખવવી જોઈએ.
યાદ રાખો, આપણે આપણા બાળકોના જીવનમાંથી અંગ્રેજી બાદ નથી કરવાનું, પણ તેમાં આપણી માતૃભાષાનો ઉમેરો કરવાનો છે. અંગ્રેજી તેમને આજીવિકા આપશે, પણ માતૃભાષા તેમને જીવન જીવવાની રીત અને સંસ્કાર આપશે. સફળતા એટલે માત્ર સારી નોકરી કે મોટું ઘર નથી; સફળતા એટલે એવા સંસ્કારી બાળકોનો ઉછેર જેઓ ગર્વથી કહી શકે કે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે.
આપણે કેનેડામાં આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવ્યા છીએ. પરંતુ સફળતાની વ્યાખ્યા માત્ર ડૉલર કે ડિગ્રી નથી. સાચી સફળતા એ છે કે જ્યારે આપણું સંતાન વિશ્વના કોઈપણ ખૂણે ઊભું હોય, ત્યારે તે ગર્વથી કહી શકે કે “હું મારી સંસ્કૃતિ અને મારી ભાષાનો વારસદાર છું.”
માતૃભાષા એ આપણા બાળકો માટે બોજ નથી, પરંતુ એક અણમોલ ભેટ છે. તે તેમને માનસિક રીતે વધુ સશક્ત અને ભાવનાત્મક રીતે વધુ સમૃદ્ધ બનાવે છે. જો આપણે ખરેખર તેમને પ્રેમ કરીએ છીએ, તો આપણે તેમને આ ભેટથી વંચિત નહીં રાખીએ. આપણે “પછીથી” ની રાહ જોઈ શકીએ તેમ નથી. સમય રેતીની જેમ સરકી રહ્યો છે. જો આજે આપણે સભાનપણે પ્રયત્ન નહીં કરીએ, તો આપણી સદીઓ જૂની ધરોહર આ પરદેશી ધરતીમાં કાયમ માટે દફન થઈ જશે.
આપણી ભાષા એ આપણું અસ્તિત્વ છે. ચાલો, આપણે સૌ સાથે મળીને આ દીવાને પ્રજ્વલિત રાખીએ. કેનેડાને આપણું ‘ઘર’ બનાવતી વખતે, આપણા હૃદયમાં વસતા ‘ગુજરાત’ ને ક્યારેય વિસ્મૃત ન કરીએ.
જય જય ગરવી ગુજરાત! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!



