મતભેદ છોડો, મનભેદ તોડો: મ્યુનિસિપલ ચૂંટણી – આપણી શક્તિ બતાવવાની સોનેરી તક

    ગુજરાતી સમાજ માટે આત્મમંથન અને સંગઠિત થવાની ઘડી: શું આપણે વ્યક્તિગત મતભેદો ભૂલીને સમુદાયના હિતમાં એક થઈશું? બદલાઈશું ?

    મુખ્ય સંપાદક હિતેશ જગડનો વિશેષ લેખ – સંપર્ક: dhwaninewsmedia@gmail.com

    ઑન્ટારિયોના આંગણે જ્યારે મ્યુનિસિપલ ચૂંટણીનો શંખનાદ વાગી રહ્યો છે, ત્યારે આ માત્ર મતોની ગણતરી, ઝંઝાવાતી પ્રચાર કે રાજકીય ચર્ચાઓનો સમય નથી. આ આપણા સમાજની પરિપક્વતાની કસોટી નો સમય છે. આ એક એવો પડકાર છે જે નક્કી કરશે કે શું આપણે આંતરિક મતભેદોથી ઉપર ઉઠીને એક સમાન ઉમદા હેતુ માટે સાથે ઉભા રહેવા સક્ષમ છીએ? શું આપણે ખરેખર રાજકીય પ્રતિનિધિત્વમાં માનીએ છીએ, કે પછી માત્ર તેની વાતો કરવામાં જ સંતોષ માનીએ છીએ?

    લેખની શરૂઆત કરતાં પહેલાં, હું ઈચ્છું છું કે તમે આ વાતને ઊંડાણપૂર્વક સમજો. આપણે બધા અવારનવાર એવા વિશ્વનેતાની વાત કરીએ છીએ જેમના આપણે પ્રશંસક છીએ, જેમના કાર્ય અને સમર્પણને આખી દુનિયા વંદન કરે છે – તે એટલે આપણાં સૌના લાડક્વાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. કેનેડામાં વસતા આપણા સમાજમાં મોદીજીના અસંખ્ય ચાહકો છે, જેઓ તેમના ભારત માટેના કાર્યોને બિરદાવે છે અને મક્કમ સમર્થન આપે છે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે તેમનું સમર્પણ સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.

    પરંતુ, મોદીજીના જીવનનો સૌથી મોટો મંત્ર કયો છે?  તે છે—એકતા અને બદલાવ . જેમ આયર્ન મેન સરદાર વલ્લભભાઈ પટેલે વિખરાયેલા ભારતને એક તાંતણે બાંધીને અખંડ રાષ્ટ્ર બનાવ્યું, તેમ પીએમ મોદીએ પણ ‘એકતા’, “બદલાવ” અને ‘વિશ્વાસ’ને સૌથી ઉપર રાખ્યા છે. તેઓ એકતાના પ્રતીક તરીકે અડીખમ ઉભા છે.

      હવે વિચારવા જેવી વાત એ છે કે, આપણે આજે ભારતમાં નથી, આપણે કેનેડામાં છીએ. આપણે ઇન્ડો-કેનેડિયન છીએ અને આ દેશના નાગરિક છીએ. અહીં આપણી વસ્તી માંડ 2 થી 3 ટકા છે. આટલી ઓછી સંખ્યા હોવા છતાં, શું આપણે અંદર-અંદર એક છીએ?

      હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ આખી કવર સ્ટોરી વાંચો. મારા માટે નહીં, તમારા માટે નહીં, પણ આપણા સમગ્ર ગુજરાતી સમાજ માટે. અને લેખના અંતે તમારી જાતને એક પ્રશ્ન પૂછજો: “જે નેતામાં આપણે આટલી અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ, શું આપણે ખરેખર તેમના બતાવેલા એકતાના માર્ગ પર ચાલી રહ્યા છીએ?”

      વર્ષોથી આપણો ઇન્ડો-કેનેડિયન ગુજરાતી સમુદાય સંખ્યા, આર્થિક શક્તિ અને પ્રભાવમાં સતત વધી રહ્યો છે. આપણે અહીં હજારો માઇલ દૂર રહીને પણ મજબૂત વ્યવસાયો સ્થાપ્યા છે, અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે, પરોપકારી કાર્યો કર્યા છે અને આપણી સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખી છે. પરંતુ, જ્યારે વાત રાજકીય પ્રતિનિધિત્વની આવે છે—જ્યારે નિર્ણય લેનારા ટેબલો પર આપણો અવાજ પહોંચાડવાની વાત આવે છે—ત્યારે આપણે વારંવાર નિષ્ફળ જઈએ છીએ.

      શા માટે?

      • શું આપણી પાસે સક્ષમ ઉમેદવારોની કમી છે? ના.
      • શું આપણી પાસે સંસાધનોનો અભાવ છે? બિલકુલ નહીં.
      • તો પછી ક્યાં ખોટ છે? ખોટ છે માત્ર અને માત્ર એકતાની.

      આ ચૂંટણી માત્ર કાઉન્સિલર, ટ્રસ્ટી કે મેયર પસંદ કરવા માટે નથી. આ એ સાબિત કરવા માટે છે કે જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે આપણે એક થઈ શકીએ છીએ. જો આપણે ખરેખર આપણા એવા ‘ચેમ્પિયન્સ’ને ચૂંટાયેલા જોવા માંગતા હોઈએ જેઓ આપણી મુશ્કેલીઓ, આપણી આકાંક્ષાઓ અને આપણી સાંસ્કૃતિક વાસ્તવિકતાઓને સમજે છે, તો આપણે તેમને સામૂહિક રીતે ટેકો આપવો જ પડશે.

      આપણી સૌથી મોટી નબળાઈ આંતરિક જૂથબંધી અને અંગત પૂર્વગ્રહો છે. આપણે પક્ષો અને જૂથોમાં વહેંચાઈ જઈએ છીએ. પરંતુ જરા વિચારો—આ વિભાજને અત્યાર સુધી આપણને શું આપ્યું છે?

      જ્યારે પણ આપણે જૂથોમાં વહેંચાઈએ છીએ, જ્યારે પણ આપણે ઉમદા હેતુ કરતાં અહંકારને પ્રાધાન્ય આપીએ છીએ, અને જ્યારે પણ આપણે “આપણો સમુદાય” ના બદલે “મારું ગ્રુપ” પસંદ કરીએ છીએ, ત્યારે આપણે હારીએ છીએ. આપણે માત્ર એક ચૂંટણી નથી હારતા, પણ ભવિષ્યની મોટી તકો ગુમાવીએ છીએ. આવી તકો વારંવાર આવતી નથી.

      આથી જ, આ અપીલ માત્ર વ્યક્તિઓ પૂરતી સીમિત નથી. આ અપીલ એ દરેક સંસ્થાઓ માટે છે જે આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. ભલે તમે મોટું ફેડરેશન હોવ, સાંસ્કૃતિક જૂથ હોવ, બિઝનેસ એસોસિએશન હોવ કે ચેમ્બર ઓફ કોમર્સ—આ તમારી નેતૃત્વ શક્તિ બતાવવાની ક્ષણ છે. નેતૃત્વ એટલે માત્ર કાર્યક્રમો કરવા કે નિવેદનો આપવા એ નથી. નેતાઑ સાથે ફોટા પડાવવા એ નથી, સાચું નેતૃત્વ એટલે જરૂરિયાતના સમયે મક્કમતાથી આપણી કમ્યૂનિટી ના ઉમેદવારો સાથે મક્કમતા સાથે ઉભા રહેવું તે છે.

        આપણાં ઉમેદવારોને સપોર્ટ આપો. તેમના અવાજને પ્રોત્સાહન આપો. તેમને લોકો સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડો. અને સૌથી મહત્વનું—નકારાત્મકતા ન ફેલાવો.

        આજના ડિજિટલ યુગમાં કોઈની છબી બગાડવી ખૂબ સરળ છે. એક અફવા, એક નકારાત્મક પોસ્ટ અથવા ગુપ્ત નેગેટિવ પ્રચાર મહિનાઓની મહેનત અને હિંમત પર પાણી ફેરવી શકે છે. યાદ રાખો—જે પણ ઉમેદવાર મેદાનમાં ઉતરે છે, તે આ દેશમા મોટી બહાદુરીનું કામ કરે છે. ચૂંટણી લડવી એ સરળ નથી; તેમાં બલિદાન, લડાયક મિજાજ અને સેવાની અતૂટ ભાવનાની જરૂર હોય છે.

        અંગત કે રાજકીય કારણોસર આવી વ્યક્તિઓને પાડી દેવી એ માત્ર અન્યાય નથી, પરંતુ તે સમગ્ર સમાજ માટે હાનિકારક છે. જેઓ આજે “તટસ્થ” (Neutral) હોવાનો દાવો કરે છે, તેમણે સમજવું પડશે કે તટસ્થતાનો અર્થ મૌન કે નિષ્ક્રિયતા નથી. જો તમે ખરેખર તટસ્થ રહેવા માંગતા હોવ, તો દરેક ઉમેદવારને સમાન તક આપો. લોકશાહી મૌનથી નહીં, પણ સહભાગીદારીથી ખીલે છે.

        તેવી જ રીતે, જેઓ પોતાને રાજકીય વિશ્લેષકો અથવા વિવેચકો તરીકે ઓળખાવે છે, તેમણે પણ પોતાની જવાબદારી સમજવી જ પડશે. લોકશાહીમાં વિશ્લેષણ અને ચર્ચાઓ અનિવાર્ય છે, પરંતુ જ્યારે આ ચર્ચાઓ અંગત સ્વાર્થ અથવા સમાજને વહેંચનારા એજન્ડાથી પ્રેરિત હોય, ત્યારે તે આપણા સામૂહિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. આ સમય બૌદ્ધિક પાંડિત્ય પ્રદર્શન કરવાનો કે શ્રેષ્ઠતા સાબિત કરવાનો નથી. આ સમય માત્ર અને માત્ર એકતા બતાવવાનો છે.

        ઘણા લોકો પૂછશે કે: “તમે ઉમેદવારો માટે શું કરશો?” આ એક વ્યાજબી પ્રશ્ન છે અને તેનો જવાબ પણ સ્પષ્ટ છે. ‘ધ્વનિ’ ઇન્ડો-કેનેડિયન ગુજરાતી સમુદાયનું અખબાર માત્ર અવાજ ઉઠાવતું નથી, પણ સક્રિય ભાગ પણ લે છે.

        અમે અમારા સમુદાયના ઉમેદવારોને ઓળખ અપાવવા, તેમની વાત લોકો સુધી પહોંચાડવા અને મતદારો સાથે જોડાવા માટે મક્કમ છીએ. ‘ધ્વનિ’ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યુ અને તેમના સંદેશને વિસ્તૃત કરવા માટે વન-ટાઇમ જાહેરાત સહાય પૂરી પાડવામાં મદદ કરીશું. કારણ કે પ્રતિનિધિત્વની શરૂઆત ઓળખથી થાય છે. અગાઉ ફેડરલ ઇલેક્શન સમય દરમ્યાન આ વાત અમે સાબિત કરી જ છે આપ સૌ જાણો જ છો, ધ્વનિ માત્ર એક જ અખબાર છે જે દરેક ઉમેદવાર સુધી પહોંચવા પ્રયત્નશીલ રહ્યું હતું અને ફેડરલ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો નો ઇન્ટરવ્યૂ પણ લીધા હતા અને પબ્લિશ પણ કર્યા હતા.  

          જો લોકો જાણતા જ નહીં હોય કે ઉમેદવાર કોણ છે, તેમના વિચારો શું છે અને તેઓ શું હાંસલ કરવા માંગે છે—તો તેઓ સપોર્ટ કેવી રીતે આપશે?  અને તેથી જ અહીં મીડિયાની ભૂમિકા મહત્વની છે અને ‘ધ્વનિ’ એ તમામ સાહસિક ઉમેદવારો સાથે ઉભું છે જેઓ આગળ આવશે.

          જો તમે તમારા વિસ્તાર માં આપણા સમાજના કોઈ ઉમેદવારને જાણતા હોવ, તો તેમના પ્રયત્નોને એળે ન જવાદો. અમારો સંપર્ક કરો, તેમની વિગતો શેર કરો.

          • Email: dhwaninewsmedia@gmail.com
          • WhatsApp: 519-731-0057 મુખ્ય સંપાદક હિતેશ જગડનો સંપર્ક કરો.

          આ લડાઈ માત્ર જીતવા વિશે નથી. આ લડાઈ મેદાનમાં ઉતરવા વિશે છે, ભાગીદારી વિશે છે અને હિંમત વિશે છે. જીતવું મહત્વનું છે, પણ હિંમત પરિવર્તનશીલ છે. જે વ્યક્તિ રાજકીય ક્ષેત્રે ડગલું માંડે છે, તે સમાજને શક્તિશાળી સંદેશ આપે છે: કે આપણો સમાજ નેતૃત્વ કરવા તૈયાર છે, યોગદાન આપવા તૈયાર છે અને તેનો અવાજ સંભળાવવા સક્ષમ છે.

          પરંતુ આ સંદેશો ત્યારે જ મજબૂત બનશે જ્યારે તેની પાછળ સામૂહિક સમર્થન હશે. કલ્પના કરો કે જો દરેક સંસ્થા, દરેક નેતા અને દરેક નાગરિક આપણા ઉમેદવારોની પાછળ કોઈ શરત વગર, પૂરા દિલથી ઉભા રહે, તો તેની કેવી અસર પડશે? આ માત્ર રાજકીય સંસ્થાઓને જ નહીં, પણ આપણી આવનારી પેઢીઓને પણ એક મોટો સંકેત આપશે.

          આપણે વારંવાર વારસા (Legacy) ની વાત કરીએ છીએ. આપણા બાળકો માટે કંઈક અર્થપૂર્ણ છોડી જવાની વાતો કરીએ છીએ. આ વારસો શબ્દોથી નહીં, પણ કાર્યોથી બને છે. આ ચૂંટણી સીઝન આપણો ઈતિહાસ ફરીથી લખવાની તક છે. વિખવાદથી એકતા તરફ, ખચકાટથી આત્મવિશ્વાસ તરફ અને મૌનથી શક્તિ તરફ જવાની આ ઘડી છે.

            આ સોનેરી તકને વેડફશો નહીં. અંગત મતભેદોને સામૂહિક સપનાઓ પર હાવી થવા ન દો. અહંકારને હેતુ પર વિજય મેળવવા ન દો. તેના બદલે, સ્પષ્ટતા, પ્રતીતિ અને હિંમત સાથે એકઠા થાઓ.

            કારણ કે જ્યારે કોઈ સમુદાય એક થઈને ઉભો રહે છે, ત્યારે તે માત્ર ચૂંટણી નથી જીતતો; તે આદર મેળવે છે, તે દુનિયાનું ધ્યાન ખેંચે છે, અને સૌથી મહત્વનું—તે એવું ભવિષ્ય બનાવે છે જ્યાં તેના અવાજને ક્યારેય નજરઅંદાજ કરી શકાતો નથી.

            “અને અંતે, જો તમે ‘ધ્વનિ’ના નિયમિત વાચક નથી, જો તમે આ લેખ પહેલીવાર વાંચી રહ્યા છો, અથવા જો તમે મુખ્ય સંપાદક હિતેશ જગડને નથી ઓળખતા — તો તે બિલકુલ ચિંતાનો વિષય નથી. કારણ કે આ કોઈ સંસ્થા કે વ્યક્તિ વિશે નથી. આ આપણા વિશે છે. આ આપણા સમુદાય વિશે છે. અને જો તમને લાગે છે કે આ સંદેશમાં સચ્ચાઈ છે, જો તમને લાગે છે કે આ સમય કંઈક કરી છૂટવાનો છે, તો એક ડગલું આગળ વધો. જાગૃતિ લાવવાના આ સામૂહિક પ્રયાસનો ભાગ બનો. આ સંદેશને શેર કરો. લોકો સાથે ચર્ચાઓ શરૂ કરો. અન્યોને આ લેખ વાંચવા, વિચારવા અને એક થવા માટે પ્રોત્સાહિત કરો. કારણ કે સાચું પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે વધુ અવાજો એક થાય છે, જ્યારે વધુ નેતાઓ જોડાય છે, અને જ્યારે સમગ્ર સમાજ એક સમાન ઉદ્દેશ્ય, ગૌરવ અને એકતા સાથે એક મંચ પર આવે છે.”

            સમય આવી ગયો છે. જવાબદારી આપણી છે. બદલાવ પણ આપણે જ લાવવો પડસે અને પસંદગી એકદમ સરળ છે: વિભાજિત રહો અને મૂક પ્રેક્ષક બની જોતાં રહો… અથવા એક બનો અને આગળ ધપો, જીત તમારી જ છે !

            ધ્વનિ ઇન્ડો-કેનેડિયન ગુજરાતી ન્યૂઝ પેપર છે તમારા ધ્વનિ ની શક્તિ, તમારા સમાજ નીઓળખ. સંપર્ક: dhwaninewsmedia@gmail.com

              Share with friends

              Leave a Reply

              Your email address will not be published. Required fields are marked *

              Next Post

              એકતાનો રથ, અસ્મિતાનો પથ: કેનેડામાં રામ રથયાત્રા શું શક્ય છે ?

              Thu Apr 30 , 2026
              Total 0 Shares 0 0 0 0 0 0 લેખક: હિતેશ જગડ : dhwaninewsmedia@gmail.com સમયના અવિરત પ્રવાહમાં ઘણા વિચારો પરપોટાની જેમ જન્મે છે અને વિલીન થઈ જાય છે. જ્યારે અમુક વિચારો પથ્થર પરની લકીરની જેમ મનમાં અંકિત થઈ જાય છે.—શાંત પણે, અત્યંત ધીરજથી—એક એવી ક્ષણની પ્રતીક્ષામાં જ્યારે તેમને ખુલીને બોલી […]

              આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

              સમાચાર હાઇલાઇટ્સ

              Subscribe Our Newsletter

              Editor in Chief

              Ethan Hunt

              Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

              Quick Jump

              Newsletter

              Total
              0
              Share