22 September 2026

કૅનેડામાં રેસ્ટોરન્ટ સેક્ટર પર સંકટના વાદળો: ૨૦૨૬માં ૪,૦૦૦ રેસ્ટોરન્ટ્સ બંધ થવાની ભીતિ; ભારતીય રેસ્ટોરન્ટ્સના અસાધારણ ઉછાળાએ નવી ચિંતાઓ જન્માવી

        ધ્વનિ, કમ્યુનિટી કોરસપોન્ડન્ટ | Guelph

        મોંઘવારી અને સ્ટાફની અછત વચ્ચે રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં મોટા ફેરફારો; ચેઈન રેસ્ટોરન્ટ્સના આક્રમણ સામે નાના ગુજરાતી અને પંજાબી સાહસિકોનું અસ્તિત્વ જોખમમાં

        કૅનેડાનો રેસ્ટોરન્ટ ઉદ્યોગ હાલમાં તેના ઈતિહાસના સૌથી ગંભીર અને પરિવર્તનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ સમગ્ર દેશમાં હજારો રેસ્ટોરન્ટ્સ આર્થિક બોજ હેઠળ દબાઈને કાયમી તાળાં લગાવી રહી છે, તો બીજી તરફ ભારતીય ભોજન પીરસતા આઉટલેટ્સમાં આવેલો અભૂતપૂર્વ ઉછાળો નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ડેલહાઉસી યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬માં કૅનેડામાં અંદાજે ૪,૦૦૦ રેસ્ટોરન્ટ્સ ચોખ્ખા ધોરણે (Net basis) બંધ થઈ જશે, જે આ ક્ષેત્રમાં કામ કરતા લાખો ભારતીયો માટે ખતરાની ઘંટડી સમાન છે.

        ચોંકાવનારો આંકડો: ૨૦૨૫માં ૭,૦૦૦ રેસ્ટોરન્ટો ને તાળાં લાગ્યા

        ‘એગ્રી-ફૂડ એનાલિટિક્સ લેબ’ ના અહેવાલ અનુસાર, કૅનેડામાં નવી રેસ્ટોરન્ટ્સ ખુલવાની સરખામણીએ બંધ થવાની ગતિ ઘણી વધારે છે. વર્ષ ૨૦૨૫માં જ સમગ્ર દેશમાં અંદાજે ૭,૦૦૦ રેસ્ટોરન્ટ્સે કામકાજ સમેટી લીધું છે. ખાદ્ય નીતિના નિષ્ણાત સિલ્વેન ચાર્લેબોઈસ જણાવે છે કે, ૨૦૨૧થી સરકાર દ્વારા આપવામાં આવેલી કોરોનાકાળની લોન, ટેક્સ માફી અને ભાડામાં રાહત જેવી સહાયો હવે બંધ થઈ ગઈ છે, જેના કારણે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા ઉદ્યોગસાહસિકો હવે ટકી શકતા નથી. હાલમાં ૪૧ ટકા ફૂડ બિઝનેસ ખોટમાં અથવા માંડ ખર્ચ નીકળે તેવી સ્થિતિમાં છે.

          ભારતીય રેસ્ટોરન્ટ્સનો વણથંભ્યો પ્રવાહ: તક કે જોખમ?

          સમગ્ર ઉદ્યોગમાં જોવા મળી રહેલી મંદીની વચ્ચે એક વિરોધાભાસી ચિત્ર પણ સામે આવ્યું છે. કૅનેડાના મોટા શહેરોથી લઈને મધ્યમ કદના ટાઉન્સમાં ભારતીય રેસ્ટોરન્ટ્સ ખુલવાની ગતિ અત્યંત ઝડપી અને અભૂતપૂર્વ છે. લગભગ દર અઠવાડિયે નવી ભારતીય રેસ્ટોરન્ટ્સના ઉદઘાટન થઈ રહ્યા છે. ખાસ કરીને ઓન્ટારિયો, બ્રિટિશ કોલંબિયા અને આલ્બર્ટામાં ભારતીય ફૂડ ચેઈન (Franchise) અને બ્રાન્ડેડ આઉટલેટ્સનો દબદબો વધી રહ્યો છે.

          જોકે, નિષ્ણાતો આ આક્રમક વિસ્તરણ સામે ચેતવણી આપી રહ્યા છે. ઉદ્યોગ વિશ્લેષકોના મતે, ઘણા નવા સાહસિકો એવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ્સ ખોલી રહ્યા છે જે પહેલેથી જ ‘સેચ્યુરેટેડ’ (સંતૃપ્ત) છે. એટલે કે, એક જ નાના વિસ્તારમાં ઘણી બધી સમાન મેનૂ અને કિંમત ધરાવતી રેસ્ટોરન્ટ્સ ખુલવાને કારણે ગળાકાપ સ્પર્ધા સર્જાઈ રહી છે. એક કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “લોકોમાં એવી ગેરસમજ છે કે એથનિક (ભારતીય) ફૂડ લોકપ્રિય હોવાથી તે બિઝનેસ હંમેશા સફળ રહેશે. પરંતુ જ્યારે એકસાથે ઘણા સમાન બિઝનેસ ખુલે છે, ત્યારે નફાનું માર્જિન ઘટે છે અને દરેકને નુકસાન થાય છે.”

          આ પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન વર્ષોથી સ્થાયી થયેલા નાના અને સ્વતંત્ર (Independent) ભારતીય રેસ્ટોરન્ટ માલિકોને થઈ રહ્યું છે. ઘણા ગુજરાતી અને પંજાબી પરિવારો જેઓ દાયકાઓથી પોતાની આગવી ઓળખ સાથે રેસ્ટોરન્ટ ચલાવતા હતા, તેમને હવે મોટી ફૂડ ચેઈન્સ સામે લડવું પડી રહ્યું છે. મોટી ચેઈન રેસ્ટોરન્ટ્સ પાસે જંગી માર્કેટિંગ બજેટ, સેન્ટ્રલાઈઝ્ડ ખરીદી અને આધુનિક ટેકનોલોજી હોવાથી તેઓ ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહે છે, જ્યારે નાના ફેમિલી-રન બિઝનેસ માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

            મોંઘવારી, સ્ટાફની અછત અને ગ્રાહકોની બદલાતી માનશીકતા

            રેસ્ટોરન્ટ્સને અત્યારે ચોમેરથી માર પડી રહ્યો છે. કાચા માલના ભાવ, ભાડું, અને વીમા પ્રીમિયમમાં તોતિંગ વધારો થયો છે. વધુમાં, ‘ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ’ માં ફેરફાર થવાથી લેબરની અછત ઊભી થઈ છે, જેણે ઓપરેટિંગ ખર્ચમાં વધારો કર્યો છે.

            બીજી તરફ, મોંઘવારીને કારણે કૅનેડિયનો હવે બહાર જમવાનું ટાળી રહ્યા છે. લોકો હવે રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર્સ, મીઠાઈ કે દારૂ (Alcohol) ઓર્ડર કરવાનું ઘટાડી રહ્યા છે. નોંધનીય છે કે, તાજેતરના ડેટા મુજબ આલ્કોહોલના વેચાણમાં ૧૦.૬ ટકાનો ઘટાડો થયો છે, જે રેસ્ટોરન્ટના નફાનો મુખ્ય ભાગ હતો. વધુમાં, સેલ્ફ-સર્વિસ કાઉન્ટરો પર વધતા જતા ‘ટિપિંગ’ (બક્ષિસ) ના દબાણથી ગ્રાહકોમાં ગુસ્સો જોવા મળી રહી છે, જે તેમને બહાર જમવાથી દૂર કરી રહી છે.

            ‘રેસ્ટોરન્ટ્સ કૅનેડા’ ના પ્રમુખ કેલી હિગિન્સન માને છે કે, “જ્યારે દેશમાં જીવનનિર્વાહનો ખર્ચ આટલો ઊંચો હોય, ત્યારે ખોરાક પર ટેક્સ લેવો એ નબળી જાહેર નીતિ છે.” ઉદ્યોગ જગત હવે સરકાર પાસે GST/HST માં કાયમી રાહતની માંગ કરી રહ્યું છે. ઓન્ટારિયોમાં મળેલી ટૂંકા ગાળાની ટેક્સ રાહતે થોડો ફાયદો કરાવ્યો હતો, પરંતુ તે પૂરતું નથી.

            ચાર્લેબોઈસ આ પરિસ્થિતિને ઉદ્યોગનું ‘રાઈટ-સાઈઝિંગ’ ગણાવે છે, જેનો અર્થ છે કે બજાર તેની ક્ષમતા મુજબ સંકોચાઈ રહ્યું છે. પરંતુ આ પ્રક્રિયામાં હજારો નાના સાહસિકોના વર્ષોના સપના હોમાઈ જશે. ૨૦૨૬નું વર્ષ કૅનેડાના ફૂડ લેન્ડસ્કેપને કાયમી ધોરણે બદલી નાખશે.

            ભારતવંશી સમુદાય માટે આ કટોકટી માત્ર આર્થિક નથી, પણ સામાજિક અને સાંસ્કૃતિક પણ છે. આપણી લોકપ્રિય રેસ્ટોરન્ટ્સને બચાવવા માટે હવે સમુદાયનો ટેકો, સરકારના યોગ્ય નિર્ણયો અને સાહસિકોની સૂઝબૂઝ અત્યંત અનિવાર્ય બની ગયા છે.

              Share with friends

              What do you feel about this?

              You may have missed

              Total
              0
              Share