શ્રી હરિધામ સોખડા સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અન્નકૂટનું ભવ્ય આયોજન

    Dhwani : October, 03, 2025

    આપની વાનગી ઠાકોરજીને ધરાવવાનો શુભ અવસર

    કેલેડન, ઓન્ટેરિયો: શ્રી હરિધામ સોખડા અને પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેલેડનનાં ફેરવ્યુલેસ હાર્ટ લેક રોડ (12942 Heart Lake Road, Caledon, ON) ના હોલ ખાતે તારીખ ૫ ઓક્ટોબર, રવિવાર ના રોજ સવારે ૯:૩૦ વાગ્યાથી ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    અન્નકૂટ ઉત્સવનો મહિમા: અન્નકૂટ એક એવો પવિત્ર ઉત્સવ છે જેમાં ભક્તો દ્વારા દેવતાઓને, ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણને, વિવિધ પ્રકારના શાકાહારી ભોજન અર્પણ કરવામાં આવે છે. આ અન્ન-અર્પણ ઠાકોરજી પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે. અન્નકૂટ, એટલે કે ‘અન્નનો પર્વત’, ગોવર્ધન પર્વતનું પ્રતિનિધિત્વ કરે છે, જેને ભગવાન કૃષ્ણએ વૃંદાવનના ગ્રામજનોના રક્ષણ માટે ટચલી આંગળી પર ઉપાડ્યો હતો.

    પૂજ્ય ગુરુહરિની પ્રેરણા અને સંતોના આશીર્વચન: પૂજ્ય ગુરુહરિ શ્રી પ્રેમસ્વામીજીની પ્રેરણાથી, આ ઉત્સવમાં શ્રદ્ધાળુ હરિભક્તો સહકુટુંબ સભાખંડમાં એકત્રિત થઈ ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે. હરિધામ સોખડાથી પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી, અભેદસ્વામી અને પરમ ભક્ત શ્રી પ્રવીણભાઈ વાઘેલા પધારીને આશીર્વચન વરસાવશે.

    ઉજવણીની શરૂઆતમાં જયેશભાઈ, અનંતભાઈ, નિસર્ગભાઈ, સ્વરભાઈ, સહજભાઈ, હર્ષભાઈ, કંદર્પભાઈ, ઘનશ્યામભાઈ, ધાર્મિકભાઈની ભજનમંડળી કૃષ્ણભક્તિના ભજનો દ્વારા ઉપસ્થિત ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી દેશે.

    ઠાકોરજીને વાનગી અર્પણ કરવાની તક: કોઈપણ ભક્તજન શ્રદ્ધાપૂર્વક અનાજ, દૂધ અને શાકભાજીમાંથી બનેલી વસ્તુઓ સહિત કોઈપણ પ્રકારની વાનગી તૈયાર કરીને ઠાકોરજીને અર્પણ કરવા ઈચ્છતા હોય તો તેમનું હાર્દિક સ્વાગત છે. આપની વાનગી ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકવામાં આવશે, ત્યારબાદ આ પવિત્ર વાનગીઓ સેંકડો ભક્ત પરિવારોમાં ધન્ય પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.

    • લાડુ, અડદિયા, મોહનથાળ, ટોપરાપાક જેવી સૂકી મીઠાઈની વાનગીઓ ૪ તારીખે સાંજે.
    • ફ્રેશ શાક, દૂધની મીઠાઈ જેવી વાનગીઓ ૫ તારીખે વહેલી સવારે અન્નકૂટના સ્થળે પહોંચાડી દેવા વિનંતી છે, જેથી સ્વયંસેવક ટીમ તમામ વાનગીઓને સુશોભિત સ્ટેજ પર સમયસર ગોઠવી શકે.

    ભવ્યાતિભવ્ય અન્નકૂટ તમામ ભક્તજનોના દર્શન માટે ખુલ્લો રહેશે. ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ છે.

    શ્રદ્ધાવંત ભક્તોને કુટુંબ અને મિત્રમંડળ સહિત અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે ૫ ઓક્ટોબર, સવારે ૯:૩૦ વાગે પધારવા વિનંતી કરવામાં આવે છે. અન્નકૂટ દર્શનનો લ્હાવો લઇ, ધન્યતા અનુભવીને ઠાકોરજીની આરતી કરીને કૃત-કૃત્યતા અનુભવીને નવા વર્ષની શરૂઆત કરવાનો આ એક ઉત્તમ અવસર છે.

    વધારે માર્ગદર્શન માટે અનિલભાઈ (416 560 4849), ધર્મવત્સલભાઈ (647 834 8690), હસમુખભાઈ (416 786 9401), ચેતનભાઈ (416 564 9699) નો સંપર્ક કરવો.

    પ્રેસનોટ સંકલન: ડો. હસમુખ મેરાઈ માર્ગદર્શન: પ્રમુખ શ્રી ધર્મવત્સલ પટેલ

      Next Post

      પાટીદાર સમાજ કેનેડા અને સોલાસ ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ કેનેડામાં ગૂંજ્યો ગુજરાતનો વૈભવ: ટોરોન્ટોમાં ભવ્ય "રાસ ગરબા" મહોત્સવની યાદગાર રાત

      Fri Oct 3 , 2025
      Dhwani | October, 03rd, 2025 સ્કારબોરો, ON : વિદેશની ધરતી પર જ્યારે સંસ્કૃતિનો ધબકાર ગૂંજે ત્યારે તેનું ગૌરવ અનેરો હોય છે. આવી જ એક યાદગાર રાતનું આયોજન પાટીદાર સમાજ કેનેડા અને સોલાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ટોરોન્ટોના સ્કારબોરો મેટ્રોપોલિટન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. શનિવાર, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ની શુભ રાત્રીએ, નવરાત્રીના […]

      આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

      સમાચાર હાઇલાઇટ્સ

      Subscribe Our Newsletter