


Dhwani | October, 03rd, 2025
સ્કારબોરો, ON : વિદેશની ધરતી પર જ્યારે સંસ્કૃતિનો ધબકાર ગૂંજે ત્યારે તેનું ગૌરવ અનેરો હોય છે. આવી જ એક યાદગાર રાતનું આયોજન પાટીદાર સમાજ કેનેડા અને સોલાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ટોરોન્ટોના સ્કારબોરો મેટ્રોપોલિટન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. શનિવાર, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ની શુભ રાત્રીએ, નવરાત્રીના પાંચમા નોરતાના પાવન અવસરે, અહીં એક ભવ્ય “રાસ ગરબા” મહોત્સવ ઉજવાયો, જેણે કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયમાં નવી ઊર્જાનો સંચાર કર્યો.
આયોજક શ્રી વિજય પટેલ (પાટીદાર સમાજ કેનેડા) અને સોલેસ ફાઉન્ડેશનના પ્રયાસોથી આ કાર્યક્રમ ગરબા પ્રેમીઓ માટે એક અનોખો ઉત્સવ બની રહ્યો. સેન્ટર ખેલૈયાઓથી ઊભરાઈ ગયું હતું, જેમાં ૨,૦૦૦થી વધુ ઉત્સાહી લોકો ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. યુવાન, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ સૌ કોઈએ રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ, ઊર્જાસભર પગલાં સાથે ખેલની મોજ માણી. આ દ્રશ્ય જાણે ગુજરાતની સંસ્કૃતિને વિદેશમાં જીવંત કરતું હતું.
















મહોત્સવમાં સંગીતની ધૂન પણ એટલી જ જોરદાર હતી. પ્રસિદ્ધ ગાયક શ્રી સુનિલ પટેલ અને તેમના ગ્રુપે લોકપ્રિય ગુજરાતી ગરબાની એક પછી એક રસપ્રદ રજૂઆત કરી, જેનાથી આખું વાતાવરણ મસ્તી અને ઉમંગથી ભરાઈ ગયું. તેમનું ઉમદા સંગીત દરેક વ્યક્તિ માટે એક યાદગાર અનુભૂતિ બની ગયું.
ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ વચ્ચે, વિરામ દરમિયાન આસ્થા મહિલા જૂથે એક વિશિષ્ટ ગરબા નૃત્ય પ્રસ્તુત કર્યું. તેમની ઉત્સાહી રજૂઆતે દર્શકોના દિલ જીતી લીધા અને આખા સભાખંડમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઊઠ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા હોસ્ટ અજીત પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. તેમના વિવેકપૂર્વકના સંવાદ અને ઉમંગભર્યા અભિગમે કાર્યક્રમને જીવંત રાખ્યો.
આ ભવ્ય આયોજનમાં રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, સામાજિક નેતાઓ અને મીડિયાના પ્રતિનિધિઓની પણ વિશેષ હાજરી જોવા મળી હતી. તમામ મહેમાનોએ ગુજરાતી સંસ્કૃતિના આ જશ્ન ની ખૂબ પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે, ગ્રુપ પ્રમુખ વિજય પટેલ, ઉપપ્રમુખ ભાવિન પટેલ, અને બોર્ડ ઓફ ડિરેક્ટર પ્રગ્નેશ પટેલે મંચ પરથી તમામ સ્વયંસેવકો, પ્રાયોજકો અને ભાગ લેનારાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, “આવો પ્રેમ અને ઉત્સાહ જોઈને આપણો સાંસ્કૃતિક વારસો જીવતો હોવાનો ગૌરવ થાય છે.”
સારી સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, અને વિવિધ ફૂડ સ્ટોલની સુવિધા સાથે આ મહોત્સવે એક આદર્શ પારિવારિક માહોલ સર્જ્યો હતો. આ ભવ્ય ગરબા મહોત્સવ પાટીદાર સમાજ કેનેડા અને સમગ્ર ગુજરાતી સમુદાય માટે માત્ર મનોરંજનનું સાધન નહોતો, પરંતુ એકતા, સંસ્કૃતિ અને સમાજસેવાના ઉદ્દીષ્ટને સિદ્ધ કરનારી એક ગૌરવની ક્ષણ બની રહ્યો. વિદેશમાં માતૃભૂમિની સંસ્કૃતિને જાળવી રાખવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.









