ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાને એક દિવસ બાકી છે. જેમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં વૈશ્વિક નામના ધરાવનાર ટેસ્લા કંપની પણ ભાગ લેવા આવે એ વાત પાઇપલાઇનમાં હોવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. બીજી તરફ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે અને દેશ-વિદેશના ૧.૦૭ લાખ મહાનુભાવોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૯ જાન્યુઆરીએ ગાંધીનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે માહિતી આપવા યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ટેસ્લા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે મોઘમમાં કહ્યું હતું કે ‘આપણે માટે આનંદની વાત છે કે વિશ્વમાં મોટી જે ૫૦૦ કંપનીઓ કહેવાય છે એમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં છે. અનેક કંપનીઓ આપણા સંપર્કમાં છે, હું સ્પષ્ટ નિવેદન આપું છે કે પાઇપલાઇનમાં છે. કોઈ વાત પૂરી થાય તો નક્કી થઈ ગયું કહેવાય અને હજી એ પાઇપલાઇનમાં છે. આપણે ઇચ્છીએ કે મોટી કંપનીઓ અહીં આવે.’
તેમણે વધુમાં કહ્યું કે ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયગાળા દરમ્યાન તેમના દૃષ્ટિવંત નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના થઈ અને ૨૦૦૩ના વર્ષમાં પ્રથમ સમિટ યોજાઈ હતી. બે દાયકામાં ગુજરાત માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં વિકાસનું રોલ મૉડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.’
#gujarat #ahmedabad #tradeshow #tesla #EV #market #investment #India