12 October 2026

કેનેડામાં વધતો હિન્દુફોબિયા ?: મોહન ભાગવતની યાત્રા સામેનો વિરોધ કેનેડિયન હિન્દુ સમુદાય ને લક્ષ્ય બનાવવાનું વૈચારિક કાવતરું?

    ટોરોન્ટો — ધ્વનિ એડિટોરિયલ ડેસ્ક

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતની ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાનારી પ્રસ્તાવિત ટોરોન્ટો મુલાકાતને લઈને શરૂ થયેલો વિવાદ હવે માત્ર એક વ્યક્તિગત વિઝિટ પૂરતો સીમિત રહ્યો નથી. ૨૬૭ સંસ્થાઓ, અધિકારવાદીઓ અને સમુદાયના નેતાઓએ સંયુક્ત પત્ર લખીને કેનેડાની ફેડરલ સરકાર પાસે ભાગવતને વિઝા ના આપવાની અને પ્રવેશબંધી ફરમાવવાની માંગ કરી છે. જોકે આ ગઠબંધન એવો દાવો કરે છે કે તેમનો વિરોધ હિન્દુ ધર્મ સામે નથી પરંતુ આરએસએસની વિચારધારા સામે છે, પણ કેનેડામાં સતત વધી રહેલી ભારત વિરોધી અને હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓના સંદર્ભમાં આ સમગ્ર ઘટનાક્રમને જોવામાં આવે તો એક અત્યંત ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય છે: શું આ વિરોધ માત્ર રાજકીય છે, કે પછી કેનેડામાં હિન્દુફોબિયા (Hinduphobia) અને હિન્દુ વિરોધી પૂર્વગ્રહનો એક નવો અને ખતરનાક ચહેરો છે?

    કેનેડાના મલ્ટીકલ્ચરલ સામાજિક માળખામાં હિન્દુફોબિયા એક વાસ્તવિક અને ચિંતાજનક મુદ્દો બની રહ્યો છે. હિન્દુફોબિયાને હિન્દુઓ, હિન્દુ ધર્મ, હિન્દુ પ્રતીકો, ઓળખ અથવા સાંસ્કૃતિક પ્રથાઓ પ્રત્યેના પૂર્વગ્રહ, શત્રુતા, નફરત કે અસહિષ્ણુતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. લોકશાહીમાં કોઈપણ રાજકીય વિચારધારા કે નેતાની ટીકા કરવાનો સૌને પૂરો અધિકાર છે. પરંતુ જ્યારે કોઈ ચોક્કસ ધાર્મિક-સાંસ્કૃતિક સમુદાયના અવાજ, તેમની ધાર્મિક આસ્થાઓ અને તેમના સાંસ્કૃતિક પ્રતિનિધિઓને સતત શંકાની નજરે જોવામાં આવે, અને તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાથી વંચિત રાખવાનો પ્રયાસ થાય, ત્યારે તે રાજકીય વિરોધની સીમાઓ ઓળંગીને સીધો હિન્દુફોબિયા બની જાય છે.

    આ સરખામણી ત્યારે વધુ સ્પષ્ટ બને છે જ્યારે આપણે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી આંદોલનોને મળતી છૂટછાટ જોઈએ છીએ. કેનેડા સરકારે દાયકાઓથી ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનોને પોતાની વાણી સ્વાતંત્ર્ય અને ફ્રીડમ ઓફ એક્સપ્રેસનની નીતિ હેઠળ રક્ષણ આપ્યું છે. પરંતુ મે ૨૦૨૫માં ટોરોન્ટો વિસ્તારમાં યોજાયેલી પરેડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરના પૂતળાં બનાવીને તેમને બનાવટી જેલમાં દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ કાર્યક્રમો દરમિયાન અવારનવાર અત્યંત ઉશ્કેરણીજનક હિન્દુ વિરોધી નારાઓ અને પ્રતીકોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો કેનેડાની ધરતી પર આવા ઉશ્કેરણીજનક અને હિંસાત્મક પ્રતીકો ધરાવતા પ્રદર્શનોને લોકશાહી અભિવ્યક્તિ ગણવામાં આવતી હોય, તો પછી એક પ્રમુખ હિન્દુ સાંસ્કૃતિક સંગઠનના નેતા મોહન ભાગવત કેનેડા આવ્યા પણ નથી તે પહેલાં જ તેમને અસ્વીકાર્ય ગણાવીને પ્રવેશબંધી લાદવાની માંગ કેમ કરવામાં આવી રહી છે? આ બેવડા માપદંડ કેનેડિયન હિન્દુ સમુદાયમાં એવી લાગણી જન્માવે છે કે તેમની સાથે પૂર્વગ્રહયુક્ત વર્તન થઈ રહ્યું છે.

    આ વિવાદમાં ૨૬૭ સંસ્થાઓના એકત્ર થવા પાછળનું ગણિત પણ સમજી લેવું જરૂરી છે. જ્યારે કોઈ પ્રમુખ હિન્દુ નેતાની મુલાકાત સામે આટલી મોટી સંખ્યામાં સંગઠનો એક સાથે વિરોધ દર્શાવે છે, ત્યારે કેનેડાના હિન્દુઓ અને ઇન્ડો-કેનેડિયન સમુદાયને આપમેળે જ અપરાધી અથવા ‘કટ્ટરપંથી’ તરીકે ચિત્રિત કરવાનો પ્રયાસ થાય છે. જે કેનેડિયન હિન્દુઓ મોહન ભાગવતને સાંભળવા માંગે છે, અથવા આરએસએસની સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સમર્થન કરે છે, તેમને પણ સમાજમાં શંકાસ્પદ કે ભયરૂપ ગણાવી દેવામાં આવે છે. રાજકીય મતભેદોને કારણે આખા સમુદાયને નિશાનો બનાવવો એ જ હિન્દુફોબિયાનું મુખ્ય લક્ષણ છે.

    કેનેડા એક એવો દેશ છે જ્યાં વિશ્વભરના વિવિધ ધર્મો, સંપ્રદાયો અને સમુદાયોના ધાર્મિક તથા સામાજિક નેતાઓ મુક્તપણે આવે છે. ખ્રિસ્તી પાદરીઓ, મુસ્લિમ વિદ્વાનો, સિખ ધર્મગુરુઓ અને જૈન કે બૌદ્ધ આધ્યાત્મિક નેતાઓ પોતાના સમુદાયોને સંબોધિત કરવા નિયમિતપણે કેનેડાની મુલાકાત લે છે. પ્રવાસી સમુદાયો પોતાની માતૃભૂમિ અને મૂળ સંસ્કૃતિ સાથે ભાવનાત્મક અને સાંસ્કૃતિક સંબંધો જાળવી રાખે તે કેનેડિયન બહુસાંસ્કૃતિકવાદનો આત્મા છે. પરંતુ જ્યારે અન્ય સમુદાયોની રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે અને હિન્દુ સમુદાયના કાર્યક્રમો કે તેમના નેતાઓની મુલાકાત સામે બંધનો લાદવાનો પ્રયાસ થાય, ત્યારે કેનેડિયનોએ સવાલ પૂછવો જ જોઈએ કે શું આ નીતિ સમાન છે કે પૂર્વગ્રહદૂષિત?

    મમદાનીના વિરોધથી નવો વળાંક આવ્યો છે. આ વિવાદ માત્ર કેનેડા સુધી સીમિત નથી. ભાગવતની હાલની યુએસ મુલાકાત દરમિયાન, ન્યૂ યોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ તે કાર્યક્રમનું સમર્થન કરતા નથી જેમાં ભાગવત હાજરી આપવાના છે, અને તેમણે આરએસએસ સાથે જોડાયેલી રાજકીય ચળવળને સમાવેશી ન હોવાનું ગણાવ્યું હતું. મમદાનીને ભાગવતની ટીકા કરવાનો પૂરો અધિકાર છે. પ્રદર્શનકારીઓને તેમના કાર્યક્રમની બહાર વિરોધ કરવાનો પૂરો અધિકાર છે. ભાગવતના સમર્થકોને પણ તેમાં હાજરી આપવાનો એટલો જ અધિકાર છે. આ જ લોકશાહી છે. કોઈ વિવાદાસ્પદ વક્તાનો જવાબ સામાન્ય રીતે વધુ વાણી, વધુ પ્રશ્નો અને વધુ ચર્ચા હોવો જોઈએ — શ્રોતાઓને તેમને સાંભળતા આપમેળે રોકવા તે નહીં.

    વાસ્તવમાં લોકશાહીનો સાચો માર્ગ સંવાદને રોકવામાં નથી, પરંતુ સંવાદ સ્થાપિત કરવામાં છે. જો મોહન ભાગવતના વિચારો સામે વિવેચકોને વાંધો હોય, તો કાયદાના દાયરામાં રહીને તેમના કાર્યક્રમ બહાર વિરોધ કરવાનો અધિકાર પણ છે અને તેમને કઠિન પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર છે. ભારતમાં લઘુમતીઓની સ્થિતિ, હિન્દુ રાષ્ટ્રની કલ્પના કે માનવ અધિકારો અંગે તેમને ખુલ્લા મંચ પરથી પ્રશ્નો પૂછવા એ સાચી લોકશાહી પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિને સાંભળતા પહેલાં જ તેના પર પ્રતિબંધ મૂકી દેવો એ વૈચારિક અસહિષ્ણુતાનું ઉદાહરણ છે.

    આપણે એ ન ભૂલવું જોઈએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખરી કસોટી આપણે જે અવાજો પસંદ કરીએ છીએ તેનું રક્ષણ કરવામાં નથી, પરંતુ જે અવાજોનો આપણે તીવ્ર વિરોધ કરીએ છીએ તેને પણ કાયદાકીય દાયરામાં સાંભળવાની છૂટ આપવામાં છે. જો કેનેડામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી લાગણીઓને મુક્ત વાતાવરણ મળતું હોય અને સામે પક્ષે હિન્દુ સમુદાયના નેતા માટે દેશના દરવાજા બંધ કરવાની વકીલાત થતી હોય, તો કેનેડાની સરકારે અને નાગરિકોએ એ ગંભીર વિચાર કરવો પડશે કે શું આપણે જાણ્યે-અજાણ્યે સિસ્ટમિક હિન્દુફોબિયાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ? કેનેડિયન સરકારે કોઈ પણ દબાણમાં આવ્યા વગર પોતાના કાયદા અને ન્યાયના સિદ્ધાંતોને નિષ્પક્ષપણે લાગુ કરવા જોઈએ.

    ડો . મોહન ભાગવત જાણવા જેવુ :

    ડૉ. મોહન ભાગવતનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે એક સંઘીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના પિતા મધુકર રાવ ભાગવત આરએસએસના વરિષ્ઠ પ્રચારક હતા અને તેમણે ગુજરાતમાં પ્રાંત પ્રચારક તરીકે પણ સેવા આપી હતી, જ્યારે તેમના માતા માલતીબાઈ રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલાં હતાં. તેમણે નાગપુરની ગવર્નમેન્ટ વેટરનરી કૉલેજમાંથી પશુચિકિત્સા (વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી)માં બૅચલર ડિગ્રી મેળવી હતી. પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન ૧૯૭૫માં દેશમાં લાદવામાં આવેલી ઇમરજન્સી વખતે તેમણે પોતાનો અભ્યાસ છોડીને આરએસએસમાં પૂર્ણકાલીન પ્રચારક તરીકે જોડાવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

    ઇમરજન્સી દરમિયાન ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા બાદ ૧૯૭૭થી ૧૯૯૦ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના આકોલા, નાગપુર અને વિદર્ભ ક્ષેત્રમાં સંગઠનના વિસ્તારનું કાર્ય સંભાળ્યું હતું. ૧૯૯૧થી ૧૯૯૯ સુધી અખિલ ભારતીય શારીરિક પ્રમુખ તરીકે સમગ્ર દેશમાં સ્વયંસેવકો માટે શારીરિક તાલીમ અને સંગઠનાત્મક શિસ્તનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૦થી ૨૦૦૯ દરમિયાન તેમણે સંગઠનમાં જનરલ સેક્રેટરી એટલે કે સરકાર્યવાહ તરીકે સેવા આપી, જે સંગઠનનું દ્વિતીય ક્રમનું સૌથી મહત્વપૂર્ણ પદ ગણાય છે. ૨૧ માર્ચ ૨૦૦૯ના રોજ તેઓ કે. એસ. સુદર્શનના ઉત્તરાધિકારી તરીકે આરએસએસના ૬ઠ્ઠા સરસંઘચાલક બન્યા હતા. ડૉ. કે. બી. હેડગેવાર અને એમ. એસ. ગોલવલકર પછી તેઓ સૌથી નાની વયે આ સર્વોચ્ચ પદ સંભાળનાર નેતાઓમાંના એક છે.

    પોતાના નેતૃત્વ હેઠળ તેમણે સંગઠનને વધુ આધુનિક અને વ્યાપક બનાવવાની દિશામાં કામ કર્યું છે, જેમાં વિવિધ સમુદાયો, મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથેનો પ્રત્યક્ષ સંવાદ શામેલ છે. વૈચારિક દ્રષ્ટિએ તેઓ ભારતમાં રહેતા તમામ નાગરિકોની સાંસ્કૃતિક ઓળખને ‘હિન્દુ’ ગણાવે છે અને રાષ્ટ્રીય એકતા પર ભાર મૂકે છે. જોકે આરએસએસ પોતે સીધા ચૂંટણી રાજકારણમાં ભાગ લેતું નથી, પરંતુ ભાજપ સહિત સમગ્ર સંઘ પરિવારના સંસ્થાકીય માળખા અને નીતિઓ પર ડૉ. ભાગવતનું માર્ગદર્શન અત્યંત નિર્ણાયક અને પ્રભાવશાળી માનવામાં આવે છે.

    Share with friends

    What do you feel about this?

    You may have missed

    Total
    0
    Share