27 August 2026

ટોરોન્ટોમાં ૮૦મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી: NYCO ના ‘ગુજરાત ફ્લોટ’ વડે ઈન્ડો-કેનેડિયન સમુદાયે પોતાની અસ્મિતાનો ડંકો વગાડ્યો

0

    Dhwani News By Hitesh Jagad

    ટોરોન્ટો :

    NYCO પ્રસ્તુત ગુજરાત ફ્લોટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, યોગ અને ટેકનોલોજીની પ્રદર્શની રજૂ કરી કેનેડાના હજારો નાગરિકોના દિલ જીત્યા.

    નેથન ફિલિપ સ્ક્વેર ખાતે NYCO દ્વારા પ્રસ્તુત ગુજરાતના મનોહર ફ્લોટે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભવ્ય સંસ્કૃતિ અને ઈનોવેશનની ઝાંખી રજૂ કરી કેનેડાના હૃદયસમા ટોરોન્ટો શહેરને મંત્રમુગ્ધ કર્યું.

    ટોરોન્ટો શહેરનું હૃદય ગણાતા ડાઉનટાઉન વિસ્તારમાં ભારત દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અને ગૌરવશાળી પ્રસંગે નટરાજ યુથ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (NYCO) દ્વારા અત્યંત આકર્ષક અને ગૌરવવંત ‘ગુજરાત ફ્લોટ’ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેણે કેનેડામાં વસતા ભારતીય સમુદાય સહિત સ્થાનિક નાગરિકોના દિલ જીતી લીધા હતા. ટોરોન્ટોના નેથન ફિલિપ સ્ક્વેર ખાતે રવિવાર, ૧૬ ઓગસ્ટના રોજ યોજાયેલા પેનોરમા ઈન્ડિયા ડે ફેસ્ટિવલ અને ગ્રાન્ડ પરેડમાં આ શાનદાર ફ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભારતની આઝાદીના અમૃતકાળ અને ઈન્ડો-કેનેડિયન સમુદાયની વિવિધતાસભર સાંસ્કૃતિક વિરાસતને બિરદાવવા માટે હજારોની સંખ્યામાં ઉત્સાહી દર્શકો આ પરેડના સાક્ષી બન્યા હતા.

      આ વર્ષે NYCO દ્વારા ફ્લોટની મુખ્ય થીમ ‘ઈનોવેટિવ ઈન્ડિયા, ગ્લોબલ ઈમ્પેક્ટ’ રાખવામાં આવી હતી. આ મનોહર થીમ પાછળનો મુખ્ય હેતુ ભારતની આઝાદીની ચળવળ તથા રાષ્ટ્રીય એકતામાં ગુજરાતના ઐતિહાસિક અને અવિસ્મરણીય યોગદાનને આધુનિક ભારતની વૈશ્વિક સિદ્ધિઓ સાથે જોડીને એક પ્રેરણાદાયી સંદેશ આપવાનો હતો. ફ્લોટ પર વિશ્વભરમાં અહિંસાનો સંદેશ ફેલાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વતંત્ર ભારતને એક તાંતણે બાંધનાર લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય અને ભવ્ય પ્રતિમાઓ વિરાજમાન કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ પ્રતીક ભારતની અખંડિતતાનો સમર્થ સંદેશ આપી રહ્યું હતું. આ ઐતિહાસિક પ્રતીકોની સાથે સાથે ગુજરાતની વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા, યોગની પરંપરા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેમજ ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશનના ક્ષેત્રમાં ગુજરાતે સાધેલી આધુનિક પ્રગતિની અદભુત પ્રદર્શની ગોઠવવામાં આવી હતી.

      NYCO ના આયોજકો માટે આ પ્રસ્તુતિ માત્ર પરેડનો એક ભાગ નહોતી, પરંતુ પોતાની માતૃભૂમિથી હજારો કિલોમીટર દૂર કેનેડાની ધરતી પર ઉછરી રહેલી નવી પેઢીને પોતાના મૂળિયાં અને વારસાથી માહિતગાર રાખવાનું એક જીવંત માધ્યમ હતી. ફ્લોટની વિધિવત શરૂઆત માટે એક વિશેષ અને પવિત્ર આરતી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોરોન્ટો ખાતેના ભારતીય કોન્સ્યુલ જનરલ મહાવીર સિંઘવીના વરદ હસ્તે આ પરંપરાગત આરતી સંપન્ન થઈ હતી, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહવર્ધક બનાવી દીધું હતું. ભારતીય કોન્સ્યુલેટ જનરલની અધિકૃત માહિતી મુજબ કોન્સ્યુલ જનરલ સિંઘવીએ આ પાવન પર્વે ઈન્ડો-કેનેડિયન ડાયસ્પોરાને અભિનંદન પાઠવ્યા હતા અને આઝાદીના ૮૦મા વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણીને વધાવી હતી.

      આ ઝાંખીને વધુ નયનરમ્ય અને જીવંત બનાવવા માટે NYCO ના સભ્યો અને સમર્થકો પરંપરાગત ગુજરાતી પરિધાનમાં સજ્જ થઈને જોડાયા હતા. રંગબેરંગી બાંધણી અને લહેરિયા સાડીઓમાં સજ્જ મહિલાઓ તેમજ કૂર્તા-પાયજામા ધારણ કરેલા પુરુષો ઢોલના તાલે અને ગરબાના સૂર સાથે ફ્લોટની સાથે ચાલી રહ્યા હતા. કેનેડાના સૌથી મોટા શહેરના માર્ગો પરથી જ્યારે આ ઝાંખી પસાર થઈ ત્યારે માર્ગની બંને બાજુ ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે આ દ્રશ્યને વધાવી લીધું હતું. આ ક્ષણ માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ કેનેડિયન ઓળખ સાથે પોતાની માતૃભૂમિની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓને હૃદયમાં જીવંત રાખતા ઈન્ડો-કેનેડિયન સમુદાયની આગવી અસ્મિતાને પ્રતિબિંબિત કરતી હતી.

      આ પ્રસંગે NYCO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “આ વર્ષનો ફ્લોટ ‘ઈનોવેટિવ ઈન્ડિયા, ગ્લોબલ ઈમ્પેક્ટ’ના મંત્ર હેઠળ ગુજરાતની નેતૃત્વ ક્ષમતા, કળા, વારસો અને ઈનોવેશનની ગૌરવશાળી વિરાસતને સમર્પિત હતો. કેનેડાની મલ્ટિકલ્ચરલ ભૂમિ પર આપણા સાંસ્કૃતિક મૂળિયાંને જીવંત રાખવા અને કેનેડિયન સમુદાય સમક્ષ ગુજરાતની સુંદરતા તથા સિદ્ધિઓ રજૂ કરવી એ અમારા માટે અત્યંત ગૌરવ અને આદરની વાત છે.”

      ઉલ્લેખનીય છે કે, આ વિશાળ ઈન્ડિયા ડે ફેસ્ટિવલનું આયોજન ‘પેનોરમા ઈન્ડિયા’ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૯માં ટોરોન્ટો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલના સહયોગથી સ્થાપિત થયેલી આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કેનેડામાં વિવિધ ભારતીય સાંસ્કૃતિક સંગઠનોને એક મંચ પર લાવવાનો, ભારતની કળા અને વારસાનું પ્રદર્શન કરવાનો તેમજ ‘વિવિધતામાં એકતા’ના ભારતીય સિદ્ધાંતને સાકાર કરવાનો છે. આ મહોત્સવમાં મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો, ચાર ભારતીય ભાષાઓમાં બાળકો દ્વારા ગવાયેલા દેશભક્તિના ગીતો અને ગ્રાન્ડ પરેડ મુખ્ય આકર્ષણ રહ્યા હતા, જેમાં ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા અનેક સુશોભિત ફ્લોટ્સ શામેલ હતા.

      વર્ષ ૨૦૨૬માં ભારતે આઝાદીના ૮૦ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી આ ઉજવણીનું મહત્ત્વ બેવડાઈ ગયું હતું. આ ઐતિહાસિક ઝાંખીને સફળ બનાવવા બદલ NYCO ના સ્થાપક અને પ્રમુખ ચિંતન ભવસારે તમામ સ્પોન્સર્સ, સ્વયંસેવકો, કમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ, મીડિયા પાર્ટનર્સ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય આયોજન પાછળ NYCO ટીમની ભારે જહેમત રહી હતી, જેમાં વાઈસ પ્રેસિડેન્ટ કેતન ગાંધી, ડિરેક્ટર્સ પ્રફુલ્લ ભવસાર અને એન.વી. સોંદરવા, વેબસાઈટ સંભાળનાર ધ્રુવ ભવસાર તેમજ એડવાઈઝરી બોર્ડના તુષાર ઉનાડકટનો સમાવેશ થાય છે.

      આ કાર્યક્રમમાં કોર્પોરેટ પાર્ટનર્સ તરીકે મીના પટેલ લો-પ્રોફેશનલ કોર્પોરેશનના મીના પટેલ, મેઘ ફૂડના કુણાલ ભવસાર અને બેસાઇડ મોટેલના શિરીષ પટેલે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. જ્યારે મીડિયા પાર્ટનર્સ તરીકે ‘ધ્વનિ’ ન્યૂઝપેપરના હિતેશ જગડ, ગુજરાત ન્યૂઝ લાઈનના લલિત સોની, ગુજરાતનો રણકારના પ્રજ્ઞેશ પટેલ, રેડિયો મુસ્કાનના નીલમ પંડિતપૌત્રા, સ્વદેશના નિલેશ ટેલર, ગુજરાત એબ્રોડના શિલ્પેશ પરીખ, ઈ-વ્યાપારના ચિંતન ઉપાધ્યાય, કનેક્ટ હાઈવ મીડિયાના ધ્રુવ ભવસાર, શીતલ સંગીતના હસુ બિહારી અને મુક્તા એડવર્ટાઈઝિંગના તુષાર ઉનાડકટે પૂરતો સપોર્ટ આપ્યો હતો. કમ્યુનિટી પાર્ટનર્સ તરીકે નરેન્દ્ર મોદી વિચાર મંચ, મિશન ન્યૂ ઈન્ડિયા અને હમ (HUM) ફાઉન્ડેશન જોડાયા હતા.

      કાર્યક્રમની સફળતામાં દિપ્તેશ પટેલ, અલકા પંડ્યા, બિંદુ પુરોહિત, ભારતીબેન આચાર્ય, પ્રીતેશ પટેલ અને કલ્પેશ પટેલ જેવા સમર્પિત સ્વયંસેવકોનો સીંહફાળો રહ્યો હતો, જ્યારે સાઉન્ડ સિસ્ટમ માટે હરકાંતભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધ્રુવી ટેલર, રેણુકા ભવસાર અને જલધારા પટેલે ફ્લોટના મુખ્ય સહભાગી તરીકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

      બહુસાંસ્કૃતિક દેશ કેનેડાના આંગણે યોજાયેલી આ ઉજવણી માત્ર એક મહોત્સવ ન હતો પરંતુ એક ગૂઢ સંદેશ હતો કે જ્યારે કોઈ સમુદાય વિદેશમાં સ્થાયી થાય છે ત્યારે તેણે પોતાની સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાની જરૂર નથી હોતી. ઊલટાનું, પરંપરાઓનું જતન કરીને તેને નવી પેઢી સુધી પહોંચાડી શકાય છે અને કેનેડાના વૈવિધ્યસભર સમાજનો એક અભિન્ન ભાગ બનાવી શકાય છે. NYCO નો ગુજરાત ફ્લોટ બિન-નિવાસી ભારતીયોની આ જ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો હતો. નેથન ફિલિપ સ્ક્વેર ખાતે ત્રિરંગા, પરંપરાગત વસ્ત્રો અને સંગીતના સૂર વચ્ચે જ્યારે આ ફ્લોટ આગળ વધ્યો ત્યારે તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો: “ભૂતકાળની યાત્રાને યાદ રાખો, વારસાની ઉજવણી કરો અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ કદમ વધારો.”

      Share with friends

      What do you feel about this?

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      You may have missed

      Total
      0
      Share