12 October 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરણાદાયી ટોરોન્ટો પ્રવાસથી ગુજરાત અને કેનેડા વચ્ચે આર્થિક તથા વ્યાપારિક સંબંધોનું નવું પ્રભાત: ‘ધ્વનિ’ વિશેષ

ભૂપેન્દ્ર પટેલની ટોરોન્ટો મુલાકાતમાં ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત–કેનેડા કેન્દ્રસ્થાને

    25 August 2026 : ‘ધ્વનિ’ વિશેષ – હિતેશ જગડ

    ટોરોન્ટો : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેનેડાની ઉચ્ચસ્તરીય તથા ઐતિહાસિક મુલાકાત દરમિયાન ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ (FoG Canada) દ્વારા ટોરોન્ટો ખાતે એક અત્યંત ભવ્ય, પ્રભાવશાળી અને પરિણામલક્ષી સ્નેહમિલન સમારંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હોલિડે ઇન ટોરોન્ટોના વિશાળ બેન્ક્વેટ હોલમાં યોજાયેલા આ વિશેષ વિચાર-વિમર્શ કાર્યક્રમમાં કેનેડાભરમાંથી પધારેલા ઇન્ડો-કેનેડિયન સમુદાયના અગ્રણી ગુજરાતી બિઝનેસ લીડર્સ, વિઝનરી ઇન્વેસ્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, સોફ્ટવેર એન્જિનિયર્સ, આઇટી પ્રોફેસનલ્સ અને વિવિધ સામાજિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓના સિનિયર પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઔપચારિક સ્વાગત કરવાનો ન હતો, પરંતુ માતૃભૂમિ ગુજરાત અને કેનેડા વચ્ચે વ્યાપારિક, આર્થિક તથા તકનીકી સંબંધોનો એક મજબૂત અને ટકાઉ સેતુ નિર્માણ કરવાનો હતો.

    આ કાર્યક્રમ માત્ર એક પરંપરાગત કમ્યુનિટી રિસેપ્શન પૂરતો સીમિત ન રહેતા, ગુજરાત અને કેનેડામાં વસતા વિશાળ ગુજરાતી ડાયસ્પોરા વચ્ચેના દાયકાઓ જૂના ભાવાત્મક, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને કઈ રીતે પ્રત્યક્ષ વેપાર, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી પાર્ટનરશિપ, રિસર્ચ, ઇનોવેશન અને મોટા પાયે જોબ ક્રિએશનમાં રૂપાંતરિત કરી શકાય તેની ગંભીર અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ચર્ચા કરવાનું એક અત્યંત સબળ આંતરરાષ્ટ્રીય મંચ બની રહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું કેનેડા સ્થિત સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું અને ભાવુક સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સાત સમુંદર પાર કેનેડામાં સફળતાપૂર્વક સેટલ થયેલા ગુજરાતીઓ આજે પણ પોતાની માતૃભૂમિ અને વતનની પવિત્ર માટી સાથે કેટલો ગાઢ, પવિત્ર અને અડીખમ ભાવાત્મક સંબંધ ધરાવે છે.

    ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ માટે આ પ્રસંગ માત્ર ભૂતકાળના સાંસ્કૃતિક સંબંધોને યાદ કરવાનો કે ઉજવવાનો નહોતો, પરંતુ બંને પ્રદેશો વચ્ચે એક અત્યંત સશક્ત અને વ્યવહારુ ઇકોનોમિક રિલેશનશિપનું નવું માળખું રચવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન ગુજરાતના અભૂતપૂર્વ ઝડપી ઔદ્યોગિક વિકાસ, વર્લ્ડ-ક્લાસ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી નીતિઓ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે જ રિન્યુએબલ એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હાઇ-ટેક એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રોમાં રહેલી અસીમ તકો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

    ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વેપાર, રોકાણ, ટેકનોલોજીના આદાન-પ્રદાન, નોલેજ શેરિંગ અને સંસ્થાકીય ભાગીદારી દ્વારા ગુજરાત અને કેનેડા વચ્ચેના સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેના વિવિધ માર્ગો પર વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો. આ બેઠકથી કેનેડા અને ગુજરાત બંને દેશોના નવા અને સ્થાપિત ઉદ્યોગસાહસિકો તથા રોકાણકારો માટે વ્યાપારિક પ્રોજેક્ટ્સ શરૂ કરવાના દ્વાર ખૂલ્યા છે.

    ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ના અધ્યક્ષ અખિલ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ કેનેડા મુલાકાતને સમગ્ર કેનેડામાં વસતા ગુજરાતીઓ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ, પ્રેરણાદાયી અને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોના લાંબા અંતરાલ પછી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીનું કેનેડામાં પધારવું એ સમગ્ર કેનેડિયન-ગુજરાતી કમ્યુનિટી માટે અનંત આનંદ અને છાતી ફુલાવનારી ઘટના છે.

    શાહે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીશ્રીની આ પ્રત્યક્ષ મુલાકાતથી કેનેડાના એવા તમામ ઉદ્યોગપતિઓ અને ભવિષ્યના રોકાણકારોનો આત્મવિશ્વાસ ગુણાંકમાં વધશે, જેઓ ગુજરાતમાં પોતાના નવા વ્યાપારિક સાહસો શરૂ કરવા કે રોકાણ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. આ મુલાકાતથી ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, તકનીકી ભાગીદારી અને કોમર્શિયલ કોઓપરેશનને એક નવું બળ અને દિશા મળશે. આજે ગુજરાત ભારતનું સૌથી વધુ પ્રગતિશીલ, ઉદ્યોગ-સાનુકૂળ અને બિઝનેસ-ઓરિએન્ટેડ રાજ્ય ગણાય છે. બીજી તરફ, કેનેડામાં પણ હજારો ગુજરાતીઓએ પોતાની સખત મહેનત, પ્રામાણિકતા અને વ્યાપારિક સૂઝબૂઝથી સ્મોલ બિઝનેસથી લઈને મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અને પ્રોફેશનલ ક્ષેત્રોમાં સફળતાના ઝંડા ગાડ્યા છે.

    આ બંને પરિબળોનો અદ્ભુત સમન્વય એક અભૂતપૂર્વ તક ઊભી કરે છે. કેનેડા સ્થિત ગુજરાતી ઉદ્યોગસાહસિકો માત્ર નાણાકીય મૂડી જ નહીં, પરંતુ તેમનો ગ્લોબલ અનુભવ, અદ્યતન વેસ્ટર્ન ટેકનોલોજી, ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ એક્સપર્ટાઇઝ અને વિશાળ આંતરરાષ્ટ્રીય વ્યાપારિક નેટવર્ક પણ ગુજરાતના આગામી તબક્કાના વિકાસમાં અમૂલ્ય યોગદાન તરીકે આપી શકે છે. અખિલ શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ બંને દેશોના રોકાણકારો, સંગઠનો અને સરકારી સંસ્થાઓ વચ્ચે એક અત્યંત કાર્યક્ષમ અને સક્રિય સેતુ તરીકે કામ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સાંસ્કૃતિક જોડાણ જાળવી રાખવાનો નથી, પરંતુ આ સંબંધોને નવા વેપાર, પ્રોજેક્ટ રોકાણ, રોજગાર સર્જન અને દીર્ઘકાલીન આર્થિક સહયોગમાં પરિવર્તિત કરવાનો છે.

    ટોરોન્ટો ખાતે યોજાયેલા આ સંમેલનની સૌથી મોટી અને પ્રભાવશાળી જાહેરાત કરતાં ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ સંસ્થાએ વિધિવત પુષ્ટિ કરી હતી કે તેઓ જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭’ અને ‘પ્રવાસી ભારતીય દિવસ’ (PBD) માં ભાગ લેવા માટે કેનેડાથી એક વિશાળ અને સશક્ત કેનેડિયન બિઝનેસ ડેલિગેશન ભારત લઈ જશે. આ ડેલિગેશનમાં કેનેડાના અગ્રણી ગુજરાતી અને ઇન્ડિયન ઉદ્યોગપતિઓ, રોકાણકારો, વિવિધ કોર્પોરેટ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના આદરણીય પ્રતિનિધિઓ સામેલ થશે.

    આ પહેલનો પ્રાથમિક હેતુ કેનેડા અને ગુજરાત વચ્ચેની વાતોને માત્ર નેટવર્કિંગ કે શુભેચ્છા મુલાકાતો સુધી સીમિત રાખવાને બદલે તેને પ્રત્યક્ષ વ્યાપારિક કરારો અને કમર્શિયલ ડીલ્સમાં બદલવાનો છે. ભારત પ્રવાસ દરમિયાન આ ડેલિગેશન ગુજરાત તથા ભારતના ટોચના ઔદ્યોગિક આગેવાનો, કેબિનેટ મંત્રીઓ, સરકારી સચિવો, ઇન્ડસ્ટ્રી ચેમ્બર્સ અને સંભવિત જોઇન્ટ વેન્ચર પાર્ટનર્સ સાથે રૂબરૂ બેઠકો કરશે. આ બેઠકોનો મુખ્ય મુદ્દો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, કોમર્શિયલ પાર્ટનરશિપ અને અન્ય વ્યૂહાત્મક સહયોગ પર રહેશે.

    ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ આ પહેલને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ગણાવે છે. કેનેડામાં સ્થાયી થયેલો મોટો ગુજરાતી સમુદાય એક કુદરતી વ્યાપારિક સેતુ તરીકે કામ કરી શકે છે, જે કેનેડિયન કંપનીઓને ગુજરાતમાં રહેલી આર્થિક તકો સમજવામાં મદદ કરશે અને સાથે સાથે ગુજરાતની કંપનીઓને કેનેડિયન માર્કેટ, ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં મદદરૂપ થશે.

    અખિલ શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચે પહેલેથી જ ઊંડા માનવીય, શૈક્ષણિક અને વ્યાપારિક સંબંધો પ્રવર્તે છે, પરંતુ કેનેડામાં વસતા વિશાળ ભારતીય અને ગુજરાતી ડાયસ્પોરાની અસીમ ક્ષમતાઓનો આર્થિક ભાગીદારીમાં જે રીતે ઉપયોગ થવો જોઈતો હતો તે હજુ પૂર્ણપણે થઈ શક્યો નથી. કેનેડામાં સફળતાપૂર્વક સ્થાપિત થયેલો ગુજરાતી સમુદાય બંને દેશોને જોડતી સૌથી મોટી સામાજિક અને આર્થિક શક્તિ છે. હવે સમય આવી ગયો છે કે આ માનવીય સંબંધોને વધુ સશક્ત અને પરિણામલક્ષી ઇકોનોમિક પાર્ટનરશિપમાં બદલવામાં આવે.

    ગુજરાતની પરંપરાગત વ્યાપારિક સંસ્કૃતિ અને કેનેડાના ગુજરાતીઓની ગ્લોબલ ક્ષમતાઓનો મિશ્રણ નવીનતા, રોકાણ, રોજગાર અને સર્વાંગી આર્થિક વિકાસની નવી દિશાઓ ખોલી શકે છે. આ જ મેસેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવચનમાં પણ સ્પષ્ટપણે ઝળકતો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓની સખત મહેનત, સાહસિકતા, વ્યાપારિક દ્રષ્ટિ અને તેઓ જે દેશમાં વસે છે ત્યાંના સમાજમાં સુમેળપૂર્વક ભળી જવાની અદ્ભુત ક્ષમતાના મુક્ત મને વખાણ કર્યા હતા.

    તેમણે નોંધ્યું હતું કે ગુજરાતીઓ વિશ્વના ગમે તે ખૂણે જાય, પોતાની મહેનત અને સંસ્કૃતિથી હજારો કિલોમીટર દૂર પણ ‘એક નાનું ગુજરાત’ ઊભું કરી દે છે. કેનેડામાં સ્મોલ અને મીડિયમ સાઈઝ બિઝનેસ, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને વિવિધ પ્રોફેશનલ ક્ષેત્રોમાં ગુજરાતીઓનું યોગદાન આજે અત્યંત અગ્રણી અને દ્રશ્યમાન છે. મુખ્યમંત્રીશ્રીએ કેનેડાના આર્થિક વિકાસમાં ગુજરાતીઓના પ્રદાનને બિરદાવવાની સાથે સાથે ડાયસ્પોરાના સભ્યોને પોતાની માતૃભૂમિ અને જન્મભૂમિમાં પણ ઉભરી રહેલી નવી આર્થિક તકોમાં ભાગીદાર બનવા હૃદયપૂર્વક આહ્વાન કર્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટોરોન્ટોના તમામ કાર્યક્રમોમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭’ કેન્દ્રસ્થાને રહી હતી. તેમણે કેનેડાના રોકાણકારો, ઉદ્યોગપતિઓ, નવી પેઢીના ઇનોવેટર્સ અને ડાયસ્પોરાના તમામ સભ્યોને આ સમિટમાં સક્રિયપણે ભાગ લેવા અને ગુજરાતમાં રોકાણની નવી ક્ષિતિજો શોધવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાત આજે માત્ર પરંપરાગત ટેક્સટાઇલ કે કેમિકલ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્શિયલ ટેકનોલોજી (FinTech), સ્ટાર્ટઅપ્સ અને ગિફ્ટ સિટી (GIFT City) થકી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યું છે.

    મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૦માં રાજ્યની સ્થાપનાથી લઈને આજ સુધીના ગુજરાતના અદ્ભુત વિકાસની યાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતે જે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, તેના કારણે આજે ગુજરાત ભારતના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન બની ગયું છે. ટોરોન્ટોમાં આપવામાં આવેલો સ્પષ્ટ સંદેશ એ હતો કે ગુજરાતનો આગામી વિકાસ તબક્કો ઇનોવેશન, હાઇ-ટેકનોલોજી અને ગ્લોબલ પાર્ટનરશિપ પર આધારિત હશે.

    ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના કાર્યક્રમ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) સાથે પણ એક અત્યંત સફળ અને પરિણામલક્ષી રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ડાયરેક્ટ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) સહયોગ, ટ્રેડ લિન્કેજ અને ક્રોસ-બોર્ડર ઇન્વેસ્ટમેન્ટ પર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ CHCCની વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૭માં જોડાવાની ઉત્સુકતાને વધાવી હતી અને કેનેડિયન કંપનીઓને ગુજરાતને માત્ર એક એક્સપોર્ટ માર્કેટ તરીકે નહીં, પરંતુ ઉત્પાદન, સંશોધન અને સમગ્ર ભારતના અર્થતંત્રમાં વિસ્તાર કરવા માટેના એક મજબૂત બેઝ તરીકે જોવાની અપીલ કરી હતી.

    આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ TiE ટોરોન્ટો ના યંગ એન્ટરપ્રિન્યોર્સ, ટેક-સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને યુવા ઇનોવેટર્સ સાથે વિશેષ સંવાદ યોજ્યો હતો. આ ચર્ચામાં કેનેડાના યુવા ટેકનોલોજીસ્ટ્સ માટે પોતાના સ્ટાર્ટઅપ્સને ગુજરાતના માધ્યમથી સ્કેલ-અપ કરવાની અને ગ્લોબલ માર્કેટમાં પહોંચવાની તકો વિશે વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતનો હેતુ સ્થાપિત મોટા બિઝનેસ હાઉસીસની સાથે સાથે નવી પેઢીના ટેકનોલોજીસ્ટ્સને પણ પોતાના ગ્રોથમાં ભાગીદાર બનાવવાનો છે.

    ઇન્ડો–કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ (ICCC) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ અને મુખ્યમંત્રીના અપર મુખ્ય સચિવ વિક્રાંત પાંડે સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ICCCના પ્રમુખ પ્રશાંત શ્રીવાસ્તવે ચેમ્બર દ્વારા ગુજરાત સાથે સતત જાળવી રાખેલા વેપારી સંબંધો, ૨૦૨૪ની ટ્રેડ મિશન, ગિફ્ટ સિટીની મુલાકાત અને જીએલએસ યુનિવર્સિટી સાથેના સહયોગ વિશે માહિતી આપી હતી.

    આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્કિલ ડેવલપમેન્ટ, ટૂરિઝમ, હોસ્પિટાલિટી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. કેનેડામાં ક્રિકેટ રમત ઝડપથી લોકપ્રિય થઈ રહી હોવાથી ક્રિકેટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બંને દેશોના લોકોને જોડતું નવું માધ્યમ ગણાવવામાં આવ્યું હતું. ICCCએ પણ વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૭માં પોતાની સક્રિય ભાગીદારીની પુષ્ટિ કરી હતી અને કેનેડા-ઇન્ડિયા કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) અંગે પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.

    ટોરોન્ટો ખાતેના કોન્સ્યુલેટ જનરલ મહાવીર સિંઘવીએ મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરી ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં વસતા ગુજરાતીઓ અને ભારતીય ડાયસ્પોરાના સશક્ત જોડાણને બિરદાવ્યું હતું. કન્સુલેટ દ્વારા ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ના સહયોગથી આયોજિત આ ભવ્ય સ્નેહમિલને સરકારી પ્રતિનિધિમંડળ અને કેનેડાના વ્યાપારિક તથા સામાજિક આગેવાનો વચ્ચે પ્રત્યક્ષ સંવાદની ઉત્કૃષ્ટ તક પૂરી પાડી હતી.

    આ સફળ આયોજન પાછળ FoG કેનેડાના પ્રમુખ અખિલ શાહ, પૂર્વિશ ભવસાર અને પથિક શુક્લની અથાક મહેનત અને નેતૃત્વ રહ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરકારી ડેલિગેશન, રાજદ્વારીઓ, વ્યાપારિક આગેવાનો અને સમગ્ર ગુજરાતી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો.

    ટોરોન્ટોનું આ સંમેલન માત્ર એક મુખ્યમંત્રીના સ્વાગત સમારંભથી ઘણું આગળ વધીને કેનેડાનો સફળ ડાયસ્પોરા ગુજરાતના આર્થિક ભવિષ્યને ઘડવામાં કઈ રીતે ભાગીદાર બની શકે તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરનારું બની રહ્યું. કેનેડા પાસે મૂડી રોકાણ, અદ્યતન ટેકનોલોજી, સંશોધન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારિક અનુભવ છે, જ્યારે ગુજરાત પાસે વિશાળ ઔદ્યોગિક માળખું, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, સાહસિકતા અને મોટું બજાર છે. ગુજરાતી ડાયસ્પોરા આ બંનેની વચ્ચે એક અજોડ અને શક્તિશાળી કડી તરીકે ઊભો છે. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ટોરોન્ટોથી નીકળેલો સંદેશ અત્યંત સ્પષ્ટ છે: ગુજરાતી ડાયસ્પોરાએ ભૂતકાળમાં ગુજરાત અને કેનેડા વચ્ચે જે સાંસ્કૃતિક સેતુ બાંધ્યો છે, ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા’ હવે તેને વેપાર, ટેકનોલોજી, રોકાણ અને સમૃદ્ધિના એક વિશાળ ધોરીમાર્ગમાં બદલવા માટે સજ્જ છે.

    Picture Courtesy : Friends of Gujarat Social Media, CM Shri Bhupendra Patel Social Media, Toronto Consulate General of India Social Media

    Share with friends

    What do you feel about this?

    You may have missed

    Total
    0
    Share