ભારત દેશ જ નહીં દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાંસ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માગો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે.
એકલા ભારતમાં જ નહીં વિશ્વમાં કૃષિક્ષેત્ર સામે આવી રહેલા પડકારો વચ્ચે દુનિયાના 65થી વધુ દેશોના ખેડૂતો છેલ્લા એક વર્ષ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. જેમા સારા નિકાસદરો વિનિમય દરોથી લઈ ટેક્સમાં ઘટાડા સહિતની માગણીઓ સામેલ છે.
ભારતમાં એમએસપી સહિતના મુદ્દે ખેડૂતોએ દિલ્હી ભણી કૂચ કરી હતી. તેમની સઘળી માગો સ્વીકારવામાં આવે તેવી માગ સાથે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. એશિયામાં 21 ટકા દેશોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શનની ઘટના સામે આવી છે. જેમા ભારતમાં 9 રાજ્યોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં સામેલ છે.
યુરોપના લગભગ 47 ટકા દેશોમાં ખેડૂતોને વિરોધ કરવાની ફરજ પડી છે. પાકના વાજબી ભાવ ન મળવા, વધતા ખર્ચ, ઓછી કિંમતની આયાત અને યુરોપિયન યુનિયન દ્વારા બહાર પાડવામાં આવેલા પર્યાવરણીય નિયમો જેવા કારણોને લઇને વિરોધ પ્રદર્શ કરાયા હતા.
વર્તમાન વર્ષની શરૂઆર્તથી જર્મની, ફ્રાંસ અને ઈટાલીના ખેડૂતોએ પોષણક્ષમ ભાવો અને ડીઝલ સબસિડી મુદ્દે પોતાના દેશમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેમા કેટલાક અંશે સમાધાન થયુ છે. તેમ છતા યુરોપિયન યુનિયનમાં જોડાયેલા દેશોના ખેડૂતો પડતર માગણી મુદ્દે નક્કર સમાધાન ઈચ્છે છે. બેલ્જિયમમાં બ્રસેલ્સમાં ટ્રેક્ટર રેલી કાઢીને ખેડૂતો દેખાવો કરેલા છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન દક્ષિણ અમેરિકાના 67 ટકા દેશોના ખેડૂતો કોઈને કોઈ માગણી સંદર્ભે રસ્તા પર ઉતર્યા છે. આર્જેન્ટિનામાં ભારે દુષ્કાળની સ્થિતિને પગલે ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા. બ્રાઝિલમાં ખેડૂતોએ એટલે વિરોધ કરી રહ્યા છે કે સંશોધિત મકાઈને કારણે બજારોમાં ભારે હરિફાઈનું વાતાવરણ છે. વેનેઝુએલામાં ખેડૂતોએ સસ્તા ડીઝલની માગને લઈને પ્રદર્શન કર્યુ. કોલંબિયામાં પણ અનાજના સારા દામ નહીં મળતા ખેડૂતો પ્રદર્શન કરી ચુક્યા છે.
ઉત્તર અને મધ્ય અમેરિકાના 35 ટકા દેશોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. મેક્સિકોના ખેડૂતોને મકાઈ અને ઘઉંના યોગ્ય દામ નહીં મળતા તેમની સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોસ્ટારિકાના ખેડૂતો બેંકના દેવામાં જીવી રહ્યા છે અને રાહત પેકેજ ઝંખે છે.
આફ્રિકાના લગભગ 22 ટકા દેશો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત સપ્ટેમ્બરમાં કેન્યામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોએ યોગ્ય કિંમત ન મળતા બટાટા રસ્તા પર ફેંક્યા હતા. બેનિનમાં કોકોની ખેતી જમીન સંપાદનના કારણે નષ્ટ થઈ રહી છે. કેમરૂન અને નાઈજીરિયામાં કોકોની નિકાસ બંધ કરતા સરકારના નિર્ણય સામે ખેડૂતોએ બાંયો ચડાવી હતી. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ખેડૂત આંદોલનોથી બાકાત રહ્યા નથી.
આમ અનેક દેશોમાં ખેડૂતોએ વિવિધ માગ સાથે વિરોધ, ધરણા, પ્રદર્શન કર્યા છે. કેટલાક દેશોમાં ખેડૂતો સાથે સમાધાનકારી વલણ દાખવવામાં આવ્યું છે. ભારતમાં પણ ખેડૂતો સાથે એમએસપી સહિતના મુદ્દે સરકાર ચર્ચા કરી રહી છે.
#Farmers-Protest #UROPE #World #India #MSP