ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટના એટલી ગંભીર હતી કે, પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયો હતો. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર પથ્થરમારા બાદ આ યાત્રા રોકી દેવાઈ હતી અને લગભગ બે-અઢી કલાક બાદ પોલીસ બંદોબસ્ત અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિ સાથે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ ઘટનામાં હિન્દુ અને મુસ્લિમ એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે.
જોકે, મહેસાણા રેન્જ આઈજીપી વીરેન્દ્ર યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “શોભાયાત્રા દરમિયાન પોલીસે પૂરતો બંદોબસ્ત કર્યો હતો. સ્થિતિને બગડી ત્યારે ત્રણ ટીયર ગૅસના શેલ પણ છોડવામાં આવ્યા છે. હાલમાં તપાસ ચાલુ છે અને પથ્થરમારાની ઘટનામાં જોવા મળેલા લગભગ 15 લોકોને રાઉન્ડ-અપ પણ કરવામાં આવ્યા છે.”
ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આ યાત્રાની આયોજક રામસેવા સમિતિના અધ્યક્ષ હેમંત શુકલે કહ્યું, “આજે દેશભરમાં રામરથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, તેમ ખેરાલુમાં પણ આવી શોભાયાત્રાનું આયોજન થયું હતું. અહીં દર વર્ષે રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન થાય જ છે. શોભાયાત્રા નીકળી ત્યારે ગામના હાટડિયા વિસ્તારમાં આવેલા બેલિમવાસમાંથી પથ્થરમારો શરૂ થયો. જેના કારણે અમારે યાત્રા ત્યાં જ રોકી દેવી પડી. યાત્રામાં રહેલા એક ટ્રેક્ટરને પણ પંક્ચર કરી દેવામાં આવ્યું. બે કલાક બાદ પૂરતા પોલીસ બંદોબસ્ત અને ધારાસભ્યની હાજરીમાં આ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે.”
બેલિમવાસમાં રહેતા આલમખાન બેલિમ કહે છે, “ખેરાલુમાં હિન્દુ મુસ્લિમો સાથે મળીને કામ કરે છે. મને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં બોલાવવામાં આવે છે. હું દર વખતે આવી મિટિંગોમાં હાજર રહું છું, પરંતુ ગુરુવારે હું એક સામાજિક પ્રસંગે નજીકના ચાચરિયા ગામ ગયો હતો અને આજે જ્યારે આ ઘટના બની ત્યારે પણ હું ગામમાં હાજર નહોતો. હું હાજર હોત તો આવી ઘટના ન બનવા દેત.”
તેમણે વધુમાં જણાવ્યું, “સામાન્ય રીતે ખેરાલુમાં કોમી સદભાવ હોય છે. ક્યારેય આવી ઘટનાઓ બનતી નથી. પણ બન્ને પક્ષે શાંતિને ડહોળવાના પ્રયાસ કરતાં તત્ત્વો હોય છે જ અને અમે તો પોલીસને પણ કહીએ છે ઉપદ્રવી તત્ત્વો અમારી કોમના હોય કે બીજી કોઈ કોમના બધાની સામે કાર્યવાહી થવી જ જોઈએ.”
વડોદરા બોટ દુર્ઘટના: નિયમો નેવે મૂકીને કૉન્ટ્રાક્ટ અપાયો? કૉર્પોરેશન સામે શું આરોપ લાગ્યા?
ખેરાલુમાં પોલીસ છાવણીમાં ફેરવાયું
શોભાયાત્રા દરમિયાન બનેલી આ ઘટનામાં પોલીસે કરેલા બંદોબસ્ત વિશે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
ખેરાલુના સ્થાનિક પત્રકાર મનોજ બ્રહ્મભટ્ટ કહે છે, “દર વખતે રામનવમીના દિવસે યોજાતી શોભાયાત્રામાં પોલીસ સંવેદનશીલ પૉઇન્ટ પર પૂરતો બંદોબસ્ત રાખે છે. આવી શોભાયાત્રા છેલ્લા પાંચ વર્ષથી નિયમિત યોજાય છે. ક્યારેય આવી ઘટના બની નથી. આ વખતે શોભાયાત્રામાં પણ કોઈએ ઉશ્કેરણીજનક વર્તન કે સૂત્રોચ્ચાર નહોતાં કર્યાં. પરંતુ પોલીસે આજની યાત્રામાં અગાઉની યાત્રામાં જેમ સંવેદનશીલ પૉઇન્ટ્સ પર જે પ્રકારે બંદોબસ્ત કરે છે, તે પ્રકારે બંદોબસ્ત નહોતો ગોઠવ્યો. પોલીસને સંવેદનશીલ સ્થળો વિશે પૂરતી માહિતી હોવા છતાં યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા નહોતી કરવામાં આવી, જેને કારણે આ છમકલું થયું છે.”
કોની સામે નોંધાઈ ફરિયાદ?
આ ઘટનામાં પોલીસે નામજોગ 32 લોકો સામે ફરિયાદ નોંધી છે. પીએસઆઈ જે.કે.ગઢવી પોતે જ ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં આ લોકો સામે પૂર્વાયોજિત કાવતરું રચી શોભાયાત્રામાં પથ્થરમારો કરવો, પથ્થરમારા બાદ તલવાર જેવાં હથિયારથી ઈજા પહોંચાડવી, પોલીસ અને શોભાયાત્રાના માણસો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવી, શોભાયાત્રાના માણસો પાછળ હથિયારો લઈ દોડી ભય ઊભો કરવો જેવા આરોપો મૂકવામાં આવ્યા છે.
ફરિયાદી પીએસઆઈ જે.કે. ગઢવીને પથ્થર વાગ્યો હતો તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સિવાય પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી મહેસાણા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તમામ આરોપીએ ખેરાલુના બહેલીમવાસના રહેવાસી છે.
વડોદરામાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા પર પથ્થરમારો
- ભોજ ગામે પથ્થરમારાના મામલામાં 16 લોકો વિરુદ્ધ એફઆઈઆર
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહને પગલે વડોદરાના ભોજ ગામમાં શોભા યાત્રા નીકળી હતી, આ દરમિયાન સરઘસ પર પથ્થરમારો કરવાના કથિત કેસમાં ગુજરાત પોલીસે સોમવારે હત્યાના પ્રયાસ મામલે 16 લોકો સામે ગુનો નોંધ્યો હતો. વડુ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆરમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા અને ઉમેર્યું હતું કે, “શોભા યાત્રામાં ભાગ લેતા હિન્દુ સમુદાયના લોકોની હત્યા કરવાનું ગુનાહિત કાવતરું હતું”. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
પોલીસે 16 આરોપીઓની ઓળખ કરી, જે તમામ ભોજ ગામના રહેવાસી છે, અને 10 અન્ય લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી કે, જેઓ શોભા યાત્રામાં સહભાગીઓ પર હુમલો કરનાર ટોળાનો ભાગ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે શોભાયાત્રા નગીના મસ્જિદની ગલીમાંથી પસાર થઈ, ત્યારે બે સમુદાય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો.
“આ ગામમાં 70 ટકા જેટલી વસ્તી લઘુમતી સમુદાયની છે. એવું કહેવાય છે કે, યાત્રા મસ્જિદ લેન નજીક આવી, ત્યારે બંને સમુદાયના યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. વડોદરાના પોલીસ અધિક્ષક રોહન આનંદે મીડિયાને જણાવ્યું હતુ કે,, “લગભગ 30-40 સેકન્ડમાં પરિસ્થિતિ ભડકી ગઈ અને પથ્થરમારો શરૂ થયો. અમે માનીએ છીએ કે, આ એક પૂર્વ આયોજિત હુમલો હતો કારણ કે, ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ હતો.” આનંદે જણાવ્યું હતું કે, યાત્રાનું આયોજન કરી રહેલા હિન્દુ સમુદાયના સભ્યોએ સરઘસ પહેલાં પણ, અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મંદિરમાં લગાવેલા ધાર્મિક ધ્વજને હટાવવા અંગે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડુ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, “વડુ પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલને પણ પથ્થરમારામાં તેની પીઠની ડાબી બાજુએ ઈજા થઈ હતી. 18 જાન્યુઆરીએ ભગવાન રામના ધ્વજ અને હાર ચઢાવવામાં આવ્યા હતા.” શોભા યાત્રાના રૂટ પર હિન્દુ સમાજ દ્વારા લગાવવામાં આવેલ સામાન પણ આ લોકોએ હટાવી લીધો હતો અને આ માટે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત સમાજના સભ્યો તેમજ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે ભગવાન રામનું સરઘસ ગામની નગીના મસ્જિદ નજીકથી પસાર થયું, ત્યારે તેમાં ભાગ લેનારા હિંદુઓને મારી નાખવાના ઈરાદે એક આયોજિત ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. અને સરઘસમાં ભાગ લેનારા લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો, જ્યારે તેઓને મારવાના ઇરાદે ઇંટો અને પથ્થરોનો મારો પણ કર્યો હતો. આનંદ, જે ઘટના પછી તરત જ ગામમાં પહોંચ્યો હતો, તેણે જણાવ્યું હતું કે, પોલીસ આરોપીઓને શોધવા માટે ગામમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવાની આશા વ્યક્ત કરી છે.
#rammandir #baroda Vadodara #bhoj #Stones-pelting #police #FIR