23 September 2026

એકતાનો રથ, સફળતાનો પથ : ૨૦૨૬ની ચૂંટણી પહેલા બ્રેમ્પટનમાં “ધ્વનિ” દ્વારા પ્રથમ ‘ગુજરાતી કેન્ડીડેટ મીટ એન્ડ ગ્રીટ’ ઈવેન્ટ

    બ્રેમ્પટન — હવે આપણી રાજકીય ચર્ચાઓને ઘરોના ડ્રોઈંગ રૂમ સુધી મર્યાદિત રાખવાને બદલે તેને એક વાસ્તવિક અને મજબૂત સામાજિક મંચ પર લાવવાનો સમય આવી ગયો છે. કેનેડાના લોકશાહી માળખામાં ગુજરાતી ઈન્ડો-કેનેડિયન સમુદાયની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અટલ સંકલ્પ સાથે, ‘ધ્વનિ’ કમ્યુનિટી ન્યૂઝપેપર એક અત્યંત ઐતિહાસિક અને પ્રગતિશીલ પગલું, ધ્વનિ ન્યૂઝપેપર દ્વારા આગામી ૨૦૨૬ની બ્રેમ્પટન મ્યુનિસિપલ ઈલેક્શનમાં ચૂંટણી લડી રહેલા તમામ ગુજરાતી ઈન્ડો-કેનેડિયન ઉમેદવારો સાથે સમુદાયના સભ્યોનો સીધો સંવાદ કરાવવા માટે ‘બ્રેમ્પટન મ્યુનિસિપલ ઈલેક્શન ગુજરાતી ઈન્ડો-કેનેડિયન કેન્ડીડેટ મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરી રહ્યું છે.

    આ અભૂતપૂર્વ પહેલ પાછળનો હેતુ અત્યંત સરળ, પારદર્શક અને શક્તિશાળી છે. ઉમેદવારોને રૂબરૂ મળો, તેમના વિચારો અને એજન્ડાને સાંભળો, તેમને તમારા પ્રશ્નો પૂછો અને તમારો કિંમતી વોટ આપતા પહેલા તેમને સંપૂર્ણપણે ઓળખો. લોકશાહીમાં મતદાન એ માત્ર એક અધિકાર નથી પણ એક મોટો અધિકાર સાથેની જવાબદારી છે, અને આ આયોજન બ્રેમ્પટનના નાગરિકોને તે જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડશે. આ કાર્યક્રમમાં બ્રેમ્પટનના દરેક રહેવાસીને પોતાના ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પાસેથી સીધા જવાબો મેળવવાની તક મળશે. ઉમેદવારો આ મંચ પરથી જણાવશે કે તેઓ આ ચૂંટણી કેમ લડી રહ્યા છે, બ્રેમ્પટનના ભવિષ્ય માટે તેમનું વિઝન શું છે, જો તેઓ ચૂંટાશે તો સિટી હોલમાં કયા મહત્ત્વના મુદ્દાઓ પર કામ કરશે અને સૌથી અગત્યનું, તેમના નિર્ણયો બ્રેમ્પટનના સ્થાનિક લોકોના રોજના જીવન અને તેમની સુવિધાઓ પર કેવી રીતે સકારાત્મક અસર પાડશે. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોને પોતાની રોજબરોજની મુશ્કેલીઓ, ટેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, સેફ્ટી અને અન્ય મ્યુનિસિપલ મુદ્દાઓ વિશે ઉમેદવારોને સીધા પ્રશ્નો પૂછવાની તક મળશે.

    પરંતુ ધ્વનિ ન્યૂઝપેપરનું આ પગલું માત્ર ચૂંટણી લક્ષી ચર્ચા પૂરતું સીમિત નથી, તેનો મૂળ આધાર આનાથી પણ ઘણો મોટો અને ઊંડો છે — અને તે છે આપણા સમુદાયની એકતા (Unity). આપણે અવારનવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે કેનેડાના રાજકારણમાં, આપણી સિટી હોલમાં અને નિર્ણય લેતી સરકારી સંસ્થાઓમાં ગુજરાતી ઈન્ડો-કેનેડિયન કમ્યુનિટીનું પ્રતિનિધિત્વ (Representation) વધુ મજબૂત હોવું જોઈએ. પરંતુ આપણે એ વાત સમજવી પડશે કે આ પ્રતિનિધિત્વ માત્ર વોટ્સએપ ગ્રુપોના મેસેજીસ, સોશિયલ મીડિયા પરની બિનજરૂરી ચર્ચાઓ કે ડ્રોઈંગ રૂમની બેઠકોથી ક્યારેય શક્ય બનવાનું નથી. સાચું અને અસરકારક પ્રતિનિધિત્વ ત્યારે જ શક્ય બને છે જ્યારે આખો સમુદાય એક થઈને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લે.

    કેનેડા જેવા દેશમાં જાહેર જીવનમાં આવવું અને ચૂંટણી લડવી એ અત્યંત હિંમત, સમર્પણ, સમય અને વ્યક્તિગત ત્યાગ માગી લે છે. આ સંજોગોમાં, ધ્વનિ કમ્યુનિટીના તમામ સ્થાનિક અગ્રણીઓ, બિઝનેસ લીડર્સ, સ્વયંસેવકો અને રહેવાસીઓને આગળ આવવા, નાના મોટે મતભેદ કે મનભેદ છોડી ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપવા અને આ સમગ્ર સિવિક પ્રોસેસને સમર્થન આપવા માટે હૃદયપૂર્વક આહ્વાન કરે છે.

    ઉલ્લેખનીય છે કે આ સંદેશ માત્ર બ્રેમ્પટન શહેર પૂરતો મર્યાદિત નથી. કેનેડાના અન્ય શહેરોમાં અને પ્રોવિન્સમાં પણ જ્યાં જ્યાં ગુજરાતી ઈન્ડો-કેનેડિયનો મ્યુનિસિપલ ચૂંટણી લડી રહ્યા હોય, ત્યાંના સ્થાનિક સમુદાયોએ પણ આવા પ્લેટફોર્મ્સ તૈયાર કરવા જોઈએ જેથી નાગરિકો ઉમેદવારોને મળી શકે, પ્રશ્નો પૂછી શકે અને નાગરિક ભાગીદારીને નવું બળ આપી શકે. તમારો એક સિંગલ વોટ ચૂંટણીનું પરિણામ બદલી શકે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં તમારી સક્રિય ભાગીદારી સમગ્ર સમુદાયનું ભવિષ્ય બદલી શકે છે.

    આ ઐતિહાસિક પહેલને વ્યાપક સ્તરે સફળ બનાવવા માટે ધ્વનિ ન્યૂઝપેપર સમુદાયના તમામ સ્પોન્સર્સ, સ્થાનિક વ્યવસાયો અને સહયોગીઓને આ કાર્યક્રમમાં જોડાવા અને સહયોગ આપવા આમંત્રણ આપે છે. આ માત્ર એક બિઝનેસ સ્પોન્સરશિપ નથી, પરંતુ આપણા પોતાના સમુદાયના સશક્તિકરણ અને સિવિક એન્ગેજમેન્ટને મજબૂત બનાવવાની એક શ્રેષ્ઠ તક છે.

    માટે, આ મહત્વપૂર્ણ સંદેશને માત્ર વાંચીને અટકી ન જશો. આ સંદેશને તમારા પરિવાર, મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. આ સમારોહમાં મોટી સંખ્યામાં જોડાઓ, ઉમેદવારોને પ્રશ્નો પૂછો, રાજકીય પ્રક્રિયાનો ભાગ બનો અને મતદાન અવશ્ય કરો. ચાલો આપણે બધા એક થઈએ, લોકશાહીના આ મહાપર્વમાં સક્રિયપણે ભાગ લઈએ અને વર્ષ ૨૦૨૬ની મ્યુનિસિપલ ઈલેક્શનને કેનેડાના ઇતિહાસમાં એક યાદગાર અને પરિવર્તનકારી ચૂંટણી બનાવીએ.

    વધુ માહિતી માટે વાંચતાં રહો ધ્વનિ ઓનલાઇન ન્યુસ –

    Contact for more information – Hitesh Jagad – email : dhwaninewsmedia@gmail.com

    Share with friends

    What do you feel about this?

    You may have missed

    Total
    0
    Share