
લેખક: હિતેશ જગડ : dhwaninewsmedia@gmail.com
સમયના અવિરત પ્રવાહમાં ઘણા વિચારો પરપોટાની જેમ જન્મે છે અને વિલીન થઈ જાય છે. જ્યારે અમુક વિચારો પથ્થર પરની લકીરની જેમ મનમાં અંકિત થઈ જાય છે.—શાંત પણે, અત્યંત ધીરજથી—એક એવી ક્ષણની પ્રતીક્ષામાં જ્યારે તેમને ખુલીને બોલી શકાય, જીવી શકાય. મારા માટે, કેનેડાની ધરતી પર એક ભવ્ય ‘રામ રથયાત્રા’નું આયોજન કરવાનો વિચાર એ શ્રેણીમાં આવે છે. આ કોઈ સામાન્ય સૂચન નથી, કે નથી આ કોઈ પ્રતીકાત્મક પ્રસ્તાવ. આ એક એવું વિઝન છે જેના વિશે મેં મિત્રો ઉપરાંત સામાજિક લીડરો સાથે પણ ચર્ચાઓ કરી છે, આજે જ્યારે હું આ લખી રહ્યો છું, ત્યારે મને લાગે છે કે આ વિચાર જેટલો પ્રેરણાદાયી છે, એટલો જ આપણી નિષ્ક્રિયતા માટે ચિંતાજનક પણ છે. આ લેખને અંત સુધી વાંચો. અને જો આનો નાનો અમથો ભાગ પણ તમારા હૃદયને સ્પર્શે, તો તેને અહીં જ અટકવા ન દેતા. તેને આગળ શેર કરજો. એવા લોકોને મોકલજો જેઓ વિવિધ બોર્ડના સભ્યો છે, જેઓ સંસ્થાઓનું નેતૃત્વ કરે છે, જેઓ એકતા વિશે વાતો કરે છે અને જેઓ માને છે કે તેઓ આપણા સમુદાયના ભવિષ્યને આકાર આપી રહ્યા છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં મેં કેનેડામાં આપણા ભારતીય સમુદાયને (Indo-Canadian community) વટવૃક્ષની જેમ ફેલાતા જોયો છે. આપણે કેનેડાના દરેક મોટા શહેરમાં આપણા મજબૂત મૂળિયાં નાખ્યા છે. આપણે અહીં સફળ વ્યવસાયો સ્થાપ્યા છે, આપણી શૈક્ષણિક ક્ષમતા સાબિત કરી છે, ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું છે અને કેનેડાના બહુસાંસ્કૃતિક માળખામાં આપણી એક આગવી ઓળખ ઊભી કરી છે. દિવાળી, નવરાત્રિ અને ગણેશોત્સવ જેવા તહેવારો આજે કેનેડાના સાંસ્કૃતિક કેલેન્ડરનો અભિન્ન હિસ્સો બની ગયા છે. આપણી સાંસ્કૃતિક ગરિમા અને આધ્યાત્મિક જોડાણ આજે પણ એટલા જ જીવંત છે જેટલા ભારતમાં હતા.
પરંતુ, જ્યારે આપણે આ પ્રગતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે એક પ્રશ્ન અચૂક ઉભો થાય છે: શું આપણી આ શક્તિ વિખરાયેલી છે? વ્યક્તિગત રીતે ઘણીવાર એવું લાગે છે કે આપણે અનેક નાના-નાના ટુકડાઓમાં વહેંચાયેલા છીએ. આપણા આયોજનો મોટાભાગે પ્રાદેશિક સંસ્થાઓ અથવા ચોક્કસ ગ્રુપ પૂરતા મર્યાદિત રહી જાય છે. એક સમુદાય તરીકે, આપણી પાસે એવું કોઈ સર્વસામાન્ય પ્લેટફોર્મ નથી જે કેનેડાના રાષ્ટ્રીય સ્તરે આપણી એકતાનો સચોટ પરિચય કરાવી શકે. આ વિખરાયેલી શક્તિને કારણે જ ઘણીવાર આપણી વાસ્તવિક ક્ષમતા સમાજ અને સરકાર સમક્ષ પૂરી રીતે પ્રગટ થતી નથી, અને ઘણીવાર પ્રશ્ન થાય છે: શું આપણે માત્ર પર્સનલ પ્રોગ્રેસ માટે જ અહીં આવ્યા છીએ? શું આપણી સામૂહિક અસ્મિતાનો કોઈ અવાજ નથી?
રામ રથયાત્રા માત્ર એક ધાર્મિક સરઘસ નથી; તે એક સાંસ્કૃતિક આંદોલન બની શકે છે. રામ એ માત્ર એક આસ્થાનું નામ નથી, પણ તે ‘મર્યાદા પુરુષોત્તમ’ છે જે શિસ્ત, ન્યાય અને સૌને સાથે લઈને ચાલવાના આદર્શોનું પ્રતીક છે. કેનેડા જેવા દેશમાં, જ્યાં આપણે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ, ત્યાં રામનું નામ આપણને જોડવાનું કામ કરી શકે છે. એક એવું મંચ બનાવવાની વાત છે જે તમામ દાયરાઓથી ઉપર હોય. એક એવી ભવ્ય, શિસ્તબદ્ધ અને સર્વસમાવેશક યાત્રા જે આપણી એકતા, આપણી અવિરત પરંપરા અને આપણી સહિયારી ઓળખનું પ્રતીક બને.
આ યાત્રા માટે મે મહિનાના બીજા અઠવાડિયાની પસંદગી કરવા પાછળ પણ એક દૂરંદેશી છે. કેનેડામાં ઠંડીની મોસમ આયોજનો માટે અવરોધક બને છે, ત્યારે મે મહિનો વસંતના આગમનનો અને અનુકૂળ વાતાવરણનો સમય છે. આ સમયે કોઈ અન્ય મોટા તહેવારોની વ્યસ્તતા હોતી નથી, જેથી સમગ્ર સમુદાય પોતાનું ધ્યાન અને શક્તિ આ એક કાર્ય પર કેન્દ્રિત કરી શકે. મારું માનવું છે કે જો આપણે આ સમયગાળાને ‘કેનેડા રામ રથયાત્રા’ તરીકે સ્થાપિત કરી શકીએ, તો તે આવનારા વર્ષોમાં કેનેડાની સૌથી મોટી સાંસ્કૃતિક ઘટના બની રહેશે. આ એક એવો દિવસ બની જશે જેની તેઓ આખું વર્ષ આતુરતાથી રાહ જોશે.
આપણે કેનેડામાં મલ્ટિકલ્ચરલિઝમની વાત કરીએ છીએ, કેનેડાના મલ્ટિકલ્ચરલ માળખામાં આપણી વિઝિબિલિટી (Visibility) વધારવા માટે આપણે અન્ય સફળ સમુદાયો પાસેથી શીખવાની જરૂર છે. ‘ખાલસા ડે વૈશાખી પરેડ’ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. છેલ્લા ૩૦-૪૦ વર્ષોમાં શીખ સમુદાયે જે રીતે પોતાની પરંપરાઓને કેનેડિયન મેઈનસ્ટ્રીમમાં વણી લીધી છે, તે ખરેખર પ્રશંસનીય છે. જ્યારે ટોરોન્ટો કે સરેના રસ્તાઓ પર હજારોની મેદની એક શિસ્તમાં ચાલે છે, ત્યારે સરકાર અને સમાજે તેમની શક્તિની નોંધ લેવી પડે છે.
નેતાઓ અને નીતિ નિર્ધારકો એ જ સમુદાયને માન આપે છે જે સંગઠિત હોય. અહીં પ્રશ્ન સંખ્યાબળનો નથી, પણ સંકલ્પબળનો છે. આપણી પાસે સાધનો છે, બૌદ્ધિક પ્રતિભા છે અને આર્થિક સદ્ધરતા પણ છે; કમી છે માત્ર એક જ છત્ર નીચે એકઠા થવાની. જો આપણે પણ એક ભવ્ય રથયાત્રાનું આયોજન કરી શકીએ, જેમાં તમામ હિન્દુ સંસ્થાઓ ભેદભાવ ભૂલીને જોડાય, તો કેનેડાના સામાજિક નકશા પર આપણી ગરિમા અનેકગણી વધી જશે.
ધર્મ એ માત્ર પૂજા-પાઠ નથી, તે એક સામાજિક બંધન છે જે લોકોને જોડે છે. હિન્દુ પરંપરાની વિરાસત હજારો વર્ષ જૂની છે. સંસ્કૃત જેવી પવિત્ર ભાષા જેમાંથી દુનિયાની અનેક ભાષાઓ જન્મી છે, એ આપણી ધરોહર છે. છતાં, કેનેડા જેવા દેશમાં આપણે આપણી જાતને એક ‘યુનાઈટેડ ફોર્સ’ તરીકે રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. આપણે વાતો બહુ કરીએ છીએ, પણ જ્યારે મેદાનમાં ઉતરીને કામ કરવાની વાત આવે ત્યારે આપણે પાછા પડીએ છીએ.
કોઈપણ મોટા કાર્યને સિદ્ધ કરવા માટે ધૈર્ય અને સાતત્યની જરૂર હોય છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણની જે સદીઓ જૂની લડત હતી, તે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સફળ થઈ. આ ઘટના આપણને શીખવે છે કે જો કોઈ હેતુ પવિત્ર હોય અને સમુદાય એક મનથી તેની પાછળ લાગે, તો સમય ગમે તેટલો લાગે, સફળતા નિશ્ચિત છે.
કેનેડામાં રથયાત્રાનું આયોજન કરવું એ ભારત જેટલું કદાચ મુશ્કેલ નથી, કારણ કે અહીંનું તંત્ર સહયોગી છે. પરંતુ, સૌથી મોટો સંઘર્ષ આપણી અંદરની માનસિકતા સાથે છે. શું આપણે આપણા નાના ગ્રુપો અને પદની લાલસા છોડીને એક મોટા લક્ષ્ય માટે સાથે મળી શકીશું? આ પ્રશ્ન આજે દરેક ઈન્ડો-કેનેડિયન હિન્દુના મનમાં ઉઠવો જોઈએ. રામ મંદિરના નિર્માણે આપણને એક નવો આત્મવિશ્વાસ આપ્યો છે, અને તે આત્મવિશ્વાસને હવે આપણે કેનેડાના સામાજિક ઉત્થાનમાં વાપરવાની જરૂર છે.
કોઈપણ સફળ આયોજન પાછળ કુશળ નેતૃત્વ હોય છે. ભારતમાં જે રીતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને ત્યારબાદ નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગીજી જેવા નેતાઓએ સામૂહિક વિઝનને અમલમાં મૂક્યું, તે નેતૃત્વની ક્ષમતા દર્શાવે છે. કેનેડામાં પણ આપણને એવા નેતૃત્વની જરૂર છે જે તમામ સંસ્થાઓને જોડી શકે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) જેવી સંસ્થાઓ પાસે અહીં મજબૂત નેટવર્ક છે. પરંતુ આ આયોજન કોઈ એક સંસ્થા પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તે ‘પીપલ્સ મુવમેન્ટ’ એટલે કે જન-આંદોલન બનવું જોઈએ. જ્યારે સામાન્ય નાગરિક એમ માનતો થશે કે આ રથયાત્રા તેના ઘરનો ઉત્સવ છે, ત્યારે જ તે સાચા અર્થમાં સફળ થશે. નેતૃત્વનું કામ અહીં માત્ર માર્ગદર્શન આપવાનું છે, વાસ્તવિક શક્તિ તો જનતાના સહયોગમાં છે.
આપણે કેનેડામાં આપણા બાળકોને એક સુરક્ષિત ભવિષ્ય તો આપ્યું છે, પણ શું આપણે તેમને આપણી સાંસ્કૃતિક જડ (Roots) સાથે જોડી શક્યા છીએ? પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહમાં વહેતા આપણા યુવાનોને જો આપણે આપણી પરંપરાઓનો ગર્વ નહીં કરાવીએ, તો આવનારા થોડા દાયકાઓમાં આપણી ઓળખ અસ્પષ્ટ થઈ જશે.
રામ રથયાત્રા જેવી ભવ્ય ઇવેન્ટ્સ યુવા પેઢી પર ઊંડી મનોવૈજ્ઞાનિક અસર કરે છે. જ્યારે તેઓ હજારો લોકોને એક શિસ્તમાં, ભક્તિભાવથી અને ગૌરવથી જોશે, ત્યારે તેમનામાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેની લઘુતાગ્રંથિ દૂર થશે. આ યાત્રા તેમના માટે એક એવું પ્લેટફોર્મ બનશે જ્યાં તેઓ પોતાની કલા, સંગીત અને સામાજિક સેવાની ભાવનાને વ્યક્ત કરી શકશે. આપણે તેમને માત્ર વાતોથી નહીં, પણ અનુભવોથી સંસ્કાર આપવાના છે. એક વાર્ષિક રથયાત્રા તેમના માટે માત્ર એક ઉત્સવ નહીં, પણ એક ‘સાંસ્કૃતિક એન્કર’ બની જશે. તે તેમને સમજાવશે કે તેઓ એકલા નથી, તેમનો સમુદાય વિશાળ છે અને તેમની સંસ્કૃતિ ગૌરવશાળી છે.
કોઈપણ સારો વિચાર ત્યારે જ મરે છે જ્યારે તેના પર અમલ નથી થતો. કેનેડામાં રામ રથયાત્રા એ માત્ર મારો વિચાર નથી, તે આપણા હજારો લોકોની અંતરની ઈચ્છા છે. આ આયોજન માટે આપણને કોઈ અબજો રૂપિયાની જરૂર નથી. આપણને જરૂર છે માત્ર એક ટેબલ પર બેસીને વાત કરવાની, ઈગો બાજુ પર મૂકવાની અને પ્રોફેશનલ રીતે પ્લાનિંગ કરવાની.
જો આપણે આ કરી શકીએ, તો મે મહિનાનું એ બીજું અઠવાડિયું કેનેડાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તે દિવસે આપણે માત્ર એક મૂર્તિનો રથ નહીં ફેરવતા હોઈએ, આપણે આપણા આત્મસન્માનનો રથ ફેરવતા હોઈએ.
મેં આ વિચાર માત્ર કલ્પનાના આકાશમાં વિહાર કરવા માટે વ્યક્ત નથી કર્યો, પણ તેને વાસ્તવિકતાના ધરાતલ પર સાકાર કરવો છે. આ લેખના માધ્યમથી હું કેનેડાની પ્રત્યેક હિન્દુ સંસ્થાને—પછી તે ગમે તેટલી નાની હોય કે પ્રતિષ્ઠિત—એક વિનમ્ર છતાં મક્કમ આહવાન કરું છું.
વિશ્વ હિન્દુ પરિષદ સહિતના તમામ અગ્રણી સંગઠનો, જેઓ અવિરતપણે હિન્દુ હિત અને સંગઠન પર ભાર મૂકે છે, તેમને મારો પ્રશ્ન છે: શું આપણે ખરેખર એક થઈ શકીએ? શું તમે તમારા સંસ્થાકીય હોદ્દા કે બેનરોને ગૌણ ગણીને માત્ર ‘શ્રી રામ’ અને ‘હિન્દુ એકતા’ના ઉમદા ઉદ્દેશ્ય માટે એક મંચ પર આવી શકશો? સમગ્ર સમાજ આજે તમારી સક્રિયતા અને નિર્ણયશક્તિની પ્રતીક્ષા કરી રહ્યો છે.
જો આપણે પરસ્પર સહયોગનો સંકલ્પ કરીશું, તો આ રથયાત્રા અવશ્ય નીકળશે. તે દિવસે આ આયોજન કોઈ વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ સામૂહિક અસ્મિતાનું પ્રતીક હશે. એ રથમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ આપણા સૌના હશે અને પ્રત્યેક ડગલું આપણી એકતાની સાક્ષી પૂરશે. સ્વપ્ન મારા એક નું નથી, આપણાં સૌનું છે, હું તો એક માત્ર નિમિત છું, પણ તેને સિદ્ધ કરવાની જવાબદારી આપણા સૌની છે. શું તમે આ ભગીરથ કાર્ય માટે સજ્જ છો?
આ લેખના અંતે, હું વ્યક્તિગત રીતે અમારા તમામ ગુજરાતી સમાચાર મીડિયા ભાગીદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. લલિતભાઈ સોની (ગુજરાત ન્યૂઝલાઇન), શિલ્પેશભાઈ પરીખ (ગુજરાત એબ્રોડ), પ્રજ્ઞેશભાઈ પટેલ (ગુજરાત-નો-રણકાર) અને સુગ્નેશભાઈ પટેલ (ગરવી ગુજરાત)—આ તમામ મિત્રોનો આ લેખને સદભાવના સાથે અને આપણા ઈન્ડો-કેનેડિયન સમુદાયના હિતમાં પ્રકાશિત કરવા બદલ હું ખૂબ આભારી છું. તમારા સહયોગ વગર સમુદાય સુધી આ અવાજ પહોંચાડવો શક્ય ન હોત.






