
ટોરોન્ટો/અમદાવાદ:
વર્તમાન વૈશ્વિક વ્યાપાર જગતમાં જ્યારે અનિશ્ચિતતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારત વિશ્વના નાના-મોટા દેશો સાથે વ્યૂહાત્મક કરારો કરીને વૈશ્વિક અર્થતંત્રને સ્થિરતા બક્ષવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ કડીમાં ભારત અને કેનેડા વચ્ચે સૂચિત ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) બંને દેશો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બિઝનેસ મેન્ટર અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના પ્રણેતા ડો. જગતભાઈ શાહે કેનેડાના વિવિધ શહેરોની મુલાકાત દરમિયાન આ ડીલ અંગે આશાસ્પદ ચિત્ર રજૂ કર્યું છે.
મેન્ટોર ઓન રોડ: કેનેડામાં બિઝનેસ મેન્ટરશીપનો પ્રારંભ
બિઝનેસ જગતના દિગ્ગજ અને 50થી વધુ દેશોમાં વ્યાપાર સલાહકાર તરીકે જાણીતા ડો. જગત શાહે તેમના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘મેન્ટોર ઓન રોડ’ હેઠળ તાજેતરમાં 16 થી 30 માર્ચ, 2026 દરમિયાન કેનેડાના મુખ્ય શહેરોનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ઇન્ડો-કેનેડિયન અને સ્થાનિક કેનેડિયન ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ગત 28 માર્ચ, 2026ના રોજ ગ્વાલિયા રેસ્ટોરન્ટના હોલ ખાતે આયોજિત એક વિશેષ પ્રેઝન્ટેશનમાં ડો. શાહે જણાવ્યું હતું કે, “ભારત આજે અંદાજે 4 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, જ્યારે કેનેડા પણ 2.3 ટ્રિલિયન ડોલરની મજબૂત ઇકોનોમી ધરાવે છે. આ બંને દેશો વચ્ચેની ફ્રી ટ્રેડ ડીલ આગામી સમયમાં નવો ઇતિહાસ રચશે, જેની ભવિષ્યની વ્યાપારી કિંમત 60 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.”
રોકાણ માટેના 10 મુખ્ય ક્ષેત્રો
ડો. જગત શાહે ભારત અને કેનેડા વચ્ચેના સહયોગ માટે 10 મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લીન એનર્જી ટેકનોલોજી, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, સસ્ટેનેબલ પેકેજિંગ અને સર્ક્યુલર ઇકોનોમી, ક્રિટિકલ મિનરલ્સ, એગ્રી-ટેક અને એથનિક ફૂડ માટે કોલ્ડ ચેન, ઇન્ડિજિનસ ઇકોનોમી કોલાબોરેશન અને ટિયર-2 અને ટિયર-3 શહેરો વચ્ચેની ભાગીદારીનો સમાવેશ થાય છે.
ભારતના વિકાસની ગતિ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, ભારતનું ફૂડ, ટેક્સટાઇલ, બિલ્ડિંગ મટીરીયલ્સ, હેલ્થકેર, ઓટોમોટિવ અને એનર્જી સેક્ટર અત્યારે તેજીમાં છે. ખાસ કરીને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) જેવા નવતર અભિગમોને કારણે નાના ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ મળી રહ્યું છે. વધુમાં, કેનેડા અને ભારતમાં ‘સેન્ટ્રલ વેરહાઉસિંગ સર્વિસ’ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તેમના ઓપરેશન્સ સરળ બનાવવામાં મદદરૂપ થશે.






શા માટે દુનિયા ભારત તરફ મીટ માંડી રહી છે?
ડો. શાહે આંકડાકીય વિગતો આપતા સમજાવ્યું હતું કે વૈશ્વિક રોકાણકારો માટે ભારત કેમ પ્રથમ પસંદગી છે:
- ભારત વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે.
- ભારત પાસે 1 બિલિયનથી વધુ લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે, જે વિશ્વનો સૌથી મોટો યુવા કાર્યબળ છે.
- ભારતમાં 8,50,000 મિલિયોનર્સ (કરોડપતિઓ) છે અને દેશ વિશ્વમાં ત્રીજા નંબરના સૌથી વધુ બિલિયોનર્સ ધરાવે છે.
- આગામી વર્ષોમાં વિશ્વના કુલ વર્કફોર્સમાં 21 ટકા હિસ્સો ભારતનો હશે.
સામે પક્ષે કેનેડાની તાકાત તેના પ્રાકૃતિક સંસાધનો જેમ કે વુડ પલ્પ, પેપર, કઠોળ, કોલસો, પોટાશ અને ફર્ટિલાઇઝર્સમાં રહેલી છે. કેનેડાની અદ્યતન ટેકનોલોજી અને ભારતના વિશાળ બજારનો સમન્વય અદભૂત પરિણામો લાવી શકે તેમ છે.
આગામી ધમાકો: ‘વાઇબ્રન્ટ કેનેડા ગ્લોબલ એક્સપો 2027’
વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ડો. જગત શાહે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી 15 થી 17 સપ્ટેમ્બર, 2027 દરમિયાન ટોરોન્ટો ખાતે ‘વાઇબ્રન્ટ કેનેડા ગ્લોબલ એક્સપો’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ એક્સપોમાં બંને દેશોના અગ્રણી બિઝનેસ હાઉસ ભાગ લેશે, જે દ્વિપક્ષીય વ્યાપારને નવી ઉંચાઈ પર લઈ જશે.
મેન્ટરશીપનું મહત્વ: રાકેશ મોદીનો અનુભવ
ડો. જગત શાહના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહેલા રાકેશ મોદીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, “બિઝનેસની દુનિયામાં ડો. જગત શાહ જેવા અનુભવી ‘ગુરુ’ મળવા મુશ્કેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમની મેન્ટરશીપ હેઠળ મેં બિઝનેસ એક્સપોર્ટના જે પાઠ શીખ્યા છે તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમની સરળ અને સચોટ માહિતી કોઈપણ મીડિયા હાઉસ પાસે ઉપલબ્ધ નથી.”
આમ, ડો. જગત શાહના પ્રયાસોથી કેનેડામાં વસતા ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક વ્યાપારીઓ માટે ભારત સાથે વેપાર કરવાની એક સુવર્ણ તક ઊભી થઈ છે. ભારત-કેનેડા વચ્ચેના આ વ્યાપારી સંબંધો આગામી દાયકામાં વૈશ્વિક અર્થતંત્રના સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે.




