₹૬૪૧ કરોડના કુલ ૨૬ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અ.મ્યુ.કો. અને લોકસભા વિસ્તારોના અંદાજિત ₹૬૪૧ કરોડના કુલ ૨૬ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૭૨૪ આવાસો અને ૨૦ દુકાનોનો કમ્પ્યૂટરરાઇઝ ડ્રો સંપન્ન

આરોગ્ય વિભાગના ૯૬૨ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નવી કાર્યરીતિ અપનાવી છે.
  • દરેક સરકારી યોજનાના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી ઘરે ઘરે પહોંચ્યા
  • વડાપ્રધાનશ્રીએ વિકાસની ગેરંટી અને ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી પણ આપી છે
  • આજે વિશ્વફલક પર ભારતની અને ભારતના નેતૃત્વની નોંધ લેવાઈ રહી છે
  • સેમિકન્ડક્ટર ઉદ્યોગને ભારત લાવવાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે
  • અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત લીડ લેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ગાંધીનગર લોકસભા અને અમદાવાદ પૂર્વ તથા પશ્વિમ લોકસભા વિસ્તારમાં અનેકવિધ વિકાસ પ્રકલ્પોની નગરજનોને ભેટ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર લોકસભા અને અમદાવાદ પૂર્વ તથા પશ્વિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત ₹૬૪૧ કરોડના કુલ ૨૬ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ, કુલ ૧૭૨૪ આવાસો અને ૨૦ દુકાનોનો કમ્યુટરરાઇઝ ડ્રો પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ તથા આઇસીડીએસ અંતર્ગત પસંદગી પામેલા કુલ ૯૬૨ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નવી કાર્યરીતિ અપનાવી છે. આજે દેશમાં એક તરફ દિવ્ય તીર્થસ્થાનોનું નિર્માણ થઇ રહ્યું છે, તો બીજી તરફ દેશમાં એઇમ્સ જેવી મોટી હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

    એક તરફ આપણી સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે, તો બીજી તરફ એરપોર્ટ, બુલેટ ટ્રેન, ડાયમંડ બુર્સ જેવા ભવિષ્યલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ થઈ રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પો અને યોજનાઓ વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે વર્ષોની પ્રતીક્ષા બાદ ભવ્ય-દિવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા છે, તો બીજી તરફ દેશમાં કરોડો નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના સપનાંના ઘર મળી રહ્યા છે.

      વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ગરીબોના માથે પાકી છત હોય, કોઈ ભૂખ્યું ન સૂવે, કોઈ ગરીબ ઈલાજ વગર ન રહી જાય, એ સુપેરે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. છેવાડાના માનવીને મુખ્યપ્રવાહમાં કેવી રીતે લાવી શકાય તેનો હરહંમેશ પ્રયાસ શ્રી નરેન્દ્રભાઈએ કર્યો છે. તેમના નેતૃત્વમાં નાનામાં-નાના અને સામાન્યમાં સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને દરેક યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

      મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક સરકારી યોજનાના લાભો સાચા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી ઘરે ઘરે પહોંચ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગુજરાતનો એક પણ છેડો એવો બાકી નથી રહ્યો, જ્યાં લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ ન મળ્યો હોય. વડાપ્રધાનશ્રીએ વિકાસની ગેરંટી અને ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી આપી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

      મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સુરાજ્ય અને સુશાસન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, દેશના અમૃત કાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ વિકાસકાર્યો થકી લોકો સુરાજ્ય એટલે કે ગુડ ગવર્નન્સનો  પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે.

        તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ચીંધેલી દિશામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત લોકસભા વિસ્તારોમાં અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. અમદાવાદ શહેરમાં કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશનનું પણ આજે લોકાર્પણ સંપન્ન થયું છે. એટલું જ નહીં, મેટ્રો ફેઝ-૨નું કામ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

        ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૦ જેટલા લોકોને નોકરીના પ્રમાણપત્ર એનાયત કરાયા અને આજે ફરીથી AMC દ્વારા ૯૬૦ લોકોને નોકરીના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

        ગુજરાતમાં ગયા અઠવાડિયે જ વડાપ્રધાનશ્રીના હસ્તે ૧ લાખ ૧૦ હજાર કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. એ અગાઉ પણ ૧ લાખ ૩૨ હજાર કરોડના આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીના હસ્તે સંપન્ન થયું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.

        સુરાજ્ય અને સુશાસન વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના આદર્શ નેતૃત્વમાં સુશાસન દ્વારા આજે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનાં સંતાનો પોતાનાં સ્વપ્ન સાકાર કરીને કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે.

          આજે ડિજિટલ યુગમાં ઘરે બેઠા તમામ ફરિયાદોનું સમાધાન મળી રહ્યું છે, તેમજ વિવિધ યોજનાઓના લાભો ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગને વિદેશમાંથી ભારત લાવવાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ગુજરાતમાં માઇક્રોનના પ્લાન્ટની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પણ પ્રારંભ થઈ જશે.

          આજે વિશ્વફલક પર ભારતની અને ભારતના નેતૃત્વની નોંધ લેવાઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું તથા અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત લીડ લેશે, એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

          આ અવસરે સ્વાગત પ્રવચન કરતાં શહેરના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ શહેર વિવિધ વિકાસલક્ષી જનપ્રકલ્પોના નિર્માણ થકી ઝડપથી વિકાસ કરી રહ્યું છે. શહેરને લિવેબલ અને વિકસિત શહેર બનાવવાના ધ્યેય સાથે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત દરેક ક્ષેત્રે સતત વિકાસ કામો પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

          અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૫૧૩ કરોડના ખર્ચે કુલ ૧૩ પ્રજાલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૨ કરોડના ખર્ચે કુલ ૧૦ પ્રજાલક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

          આ પ્રસંગે AMCના વિવિધ વોર્ડમાં કુલ 8 સ્થળોએ આવેલા માર્ગો, સરોવર, સર્કલ વગેરેનું નામાભિધાન કરવામાં આવ્યું હતું તથા કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ આ પ્રસંગે કરવામાં આવ્યો હતો.

          આ પ્રસંગે વિવિધ ધાર્મિક/સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

          અમદાવાદના બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં અમદાવાદ લોકસભા વિસ્તારના સર્વે સાસંદશ્રીઓ, વિધાનસભા વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, AMCના હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ કમિટીઓના સભ્યો, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

          Next Post

          AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત 'બોનસાઇ શો'

          Mon Mar 4 , 2024
          Total 0 Shares 0 0 0 0 0 0 AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ ‘બોનસાઇ શો’ શહેરીજનોને આકર્ષિત કરશે દેશ-દુનિયાના વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ જોવા મળશે […]

          આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

          Subscribe Our Newsletter

          Total
          0
          Share