અયોધ્યામાં રામમંદિર બન્યા પછી પ્રૉપર્ટી ના ભાવમાં ઉછાળો

ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે. અયોધ્યામાં અત્યારે ચારે તરફ રામ અને તેના નામ પર કરવામાં આવેલું નિર્માણકાર્ય નજરે પડે છે. રામમંદિર તરફ જતા દરેક રસ્તા પર કાર્ય થઈ રહ્યું છે. કેટલાય કિલોમીટર લાંબા રામપથને એક રંગમાં રંગવામાં આવ્યો છે.

ભારતની સર્વોચ્ચ અદાલતે નવેમ્બર 2019માં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદના કેસમાં ચુકાદો આપ્યો અને રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ ચુકાદા પછી એવાં અનુમાનો હતાં કે અયોધ્યામાં પ્રૉપર્ટીના ભાવોમાં વધારો થશે પરંતુ આટલો ધરખમ વધારો થશે તે કોઈએ પણ વિચાર્યું ન હતું.

ઉત્તર પ્રદેશ સરકારે નવેમ્બર 2018માં ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું હતું. અહીં સરકારે 2017 પછી સર્કલ રેટ એટલે કે સરકારી ભાવ વધાર્યો નથી. આ એક સ્ટાન્ડર્ડ દર છે અને જિલ્લાનું વહીવટીતંત્ર આ દરને નક્કી કરે છે. આ દરના આધારે જ ખરીદ-વેચાણ થાય છે અને વ્યક્તિ આ દરના આધારે જ સરકારને સ્ટેમ્પ ડ્યૂટી આપે છે. જોકે, છેલ્લાં ચાર વર્ષોમાં અયોધ્યામાં મિલકતના ભાવોમાં દસ ગણાથી વધુ ઉછાળો આવ્યો છે.

અયોધ્યાના વેપારી અને પ્રૉપર્ટી ડીલર રાજીવકુમાર ગુપ્તાએ કહ્યું, અયોધ્યામાં હવે મિલકતના ભાવનો કોઈ માપદંડ નથી. કારણ કે જ્યારે ભરતી આવે છે ત્યારે નદીની ગતિનો કોઈ માપી શકતું નથી. હાલમાં અયોધ્યાના પ્રૉપટી માર્કેટમાં તેજી છે. કોઈ પણ મિલકત ગમે તેટલા મોંઘા ભાવે વેચાઈ જાય તો આશ્ચર્ય નહીં થાય. લખનૌ-ગોરખપુર હાઇવેથી એક રસ્તો નવા ઘાટ બાજુ જાય છે, જ્યાંથી રામમંદિર નજીક છે. અહીં પાંચ હજાર ચોરસ ફૂટની એક કૉમર્શિયલ મિલકતનો ભાવ 2019માં 4,500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ એટલે કે બે કરોડ 25 લાખ હતો, 2020માં વધીને તે ત્રણ કરોડ થઈ ગયો અને આજે તે વ્યક્તિ તેને પાંચ કરોડમાં પણ વેચવા માટે તૈયાર નથી.

અયોધ્યામાં રિયલ ઍસ્ટેટ સલાહકાર અમિતસિંહ કહે છે કે સરકારે રામમંદિરના આસપાસના વિસ્તારને ધાર્મિક ક્ષેત્ર તરીકે જાહેર કર્યો છે. અહીં ચાર વર્ષ પહેલાં જે જગ્યાની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી તે અત્યારે 15 હજાર પ્રતિ ચોરસ ફૂટમાં પણ મળતી નથી. જોકે, મિલકતોના ભાવ માત્ર રામમંદિરની આસપાસ જ નહીં પરંતુ અયોધ્યા અને તેની આસપાસના જિલ્લાઓમાં પણ વધી રહ્યા છે.

અમિત સિંહે કહ્યું, “મંદિરના 15-20 કિલોમીટર વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરે છે, તેઓ પહેલાં વીઘામાં વાત કરતા કે અમારી પાસે આટલા વીઘા જમીન છે. તેમને પછી બોલવાનું શરૂ કર્યું કે અમારી પાસે આટલા બિસ્વા (1361 ચોરસ ફૂટ) જમીન છે. હવે તેઓ કહે છે કે અમારી પાસે આટલા ચોરસ ફૂટ જમીન છે. ખેડૂતોએ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં જમીનના માપદંડ બદલી નાખ્યા છે.”

તેઓ કહે છે કે દસ વર્ષ પહેલાં જે મિલકતની કિંમત 300 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી તેની કિંમત અત્યારે ઓછામાં ઓછી પાંચ હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. મિલકતનો ભાવ દસ ગણો વધી ગયો છે.

અયોધ્યા ડેવલપમેન્ટ ઑથોરિટીએ જુલાઈ 2022માં રાજ્યના ધાર્મિક શહેર અયોધ્યાના વિકાસ માટે એક માસ્ટર પ્લાન ‘અયોધ્યા માસ્ટર પ્લાન 2031’ બનાવ્યો છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઑથોરિટીએ આ પ્લાનમાં લગભગ 133 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સામેલ કર્યો છે અને તે પ્રમાણે જ હવે જમીનનું ખરીદ-વેચાણ થઈ શકે છે.

રિયલ એસ્ટેટ સલાહકાર અમિતસિંહે કહ્યું, અયોધ્યા ડેવલપમેન્ટ ઑથોરિટીના માસ્ટર પ્લાનને કારણે હવે એવું નહીં થઈ શકે. હવે, ઑથોરિટીના નિયમ અનુસાર જ કામ થશે. માસ્ટર પ્લાનમાં ઑથોરિટીએ જમીનને અલગ-અલગ રંગોમાં માર્ક કરી છે. રામમંદિર અને તેની આસપાસના વિસ્તારોને ધાર્મિક સ્થળના રૂપે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પ્લાનમાં એ સ્પષ્ટ છે કે અયોધ્યાના ક્યો વિસ્તાર રહેણાક, વ્યાપારી અને ઔદ્યોગિક રહેશે. જમીનની વાત કરીએ તો અયોધ્યાના એક છેડે નદી છે અને બીજી તરફ એક મોટો હિસ્સો કેંટનો છે. સરકારે આ સિવાય મંદિરની આસપાસ લગભગ 3,000 એકડ જમીનને ગ્રીન બેલ્ટ જાહેર કર્યો છે, જ્યાં મંજૂરી વગર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકાય.

જો કોઈ વ્યક્તિ અયોધ્યામાં જમીન ખરીદવા માગે છે તો તેમને જમીનનું ખરીદ-વેચાણ આ માસ્ટર પ્લાનના આધારે જ કરી શકશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ થવાની સાથે જ અનેક મોટી સરકારી યોજનાઓ આવવા લાગી.

અયોધ્યાના વેપારી અને વેપાર અધિકાર મંચના સંયોજક સુનિલ જાયસ્વાલ કહે છે કે સરકારે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવાની સાથે જ રોડ, એરપૉર્ટ, રેલવે સ્ટેશન, હૉસ્પિટલ, પહોળા રસ્તાઓ પર તાત્કાલિક કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી લોકોનું ધ્યાન અચાનક અયોધ્યા તરફ વળ્યું અને અહીંયા જમીનના ભાવો અણધાર્યો વધારો જોવા મળ્યો. શહેરમાં ઝડપથી થઈ રહેલા વિકાસને કારણે પણ જમીનના ભાવો વધ્યા છે.

અયોધ્યામાં હાલમાં ઉત્તર પ્રદેશ સરકારના 26 વિભાગો લગભગ 30 હજાર કરોડના 187 પ્રોજેકટો પર કામ કરી રહ્યા છે. અર્બન ડૅવલપમેન્ટ વિભાગના સૌથી વધારે 54, પબ્લિક વર્કસ વિભાગના 35 અને ટૂરિઝમ વિભાગના 24 પ્રોજેક્ટસ અયોધ્યામાં ચાલી રહ્યા છે. આ ઉપરાંત અયોધ્યામાં મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ પણ રોકાણ કરી રહી છે.

મુંબઈના લોઢા ગ્રૂપે મંદિરથી સાત કિલોમીટર દૂર 25 એકડ જમીન ખરીદી છે, જ્યાં હાલ પ્લૉટિંગનું કામ ચાલી રહ્યું છે. આ ટાઉનશિપમાં એક ચોરસ ફૂટની કિંમત 15,700 રૂપિયા છે. કંપની શરૂઆતમાં 1,270 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટની ઑફર આપી રહી હતી, જેની કિંમત લગભગ એક કરોડ 80 લાખ રૂપિયા છે.

ઉત્તરાધી મઠ માધવા સંપ્રદાય સાથે જોડાયેલો છે. આ મઠે થોડા સમય પહેલાં રામમંદિરથી લગભગ દોઢ કિલોમીટર દૂર લગભગ 13 હજાર ચોરસ ફૂટ જમીન ખરીદી છે, જ્યાં ડિસેમ્બર 2023માં કામ શરૂ થયું. મઠની આ જમીન પર બાંધકામ કરનાર મુંબઈના ડેવલપર ચિંતન ઠક્કરે કહ્યું કે અહીં શ્રદ્ધાળુઓ માટે ચાર માળનું નિવાસસ્થાન બનાવવામાં આવશે, જેમાં મંદિર પણ હશે અને મુસાફરો અહીં મફતમાં રહી શકશે.

અયોધ્યા જિલ્લાના સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગ પ્રમાણે રામમંદિર કેસના ચુકાદા પહેલાં એટલે કે એક એપ્રિલ 2017 થી 31 માર્ચ 2018 સુધીમાં અયોધ્યામાં 13 હજાર 542 નોંધણી થઈ હતી. આ સંખ્યા 2021માં વધીને 22 હજાર 478 થઈ અને 2022માં 29 હજાર થઈ હતી. સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગનો આ ડેટા દર્શાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અયોધ્યા જિલ્લામાં મિલકતની નોંધણીમાં 50 ટકાથી વધારાનો ઉછાળો આવ્યો છે.

અયોધ્યામાં કામ કરતા પ્રૉપર્ટી ડીલરોની વાત માનવામાં આવે તો શહેરમાં 100થી વધારે મોટી કંપનીઓ હાજર છે, જે મોટેભાગે હોટલ ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છે. સ્થાનિક પ્રૉપર્ટી ડીલર રાજીવ ગુપ્તા કહે છે કે આ મોટી કંપનીઓ કોઈ પણ કિંમતે જમીન ખરીદી રહી છે અને દરરોજ નવા રેકૉર્ડ બને છે. આ કારણે તેમની પાસે પણ જમીન નથી.

આમ, રામમંદિરના નિર્માણ પછી લોકોએ વિચાર્યું પણ ન હોય તેટલી કિમત વધી ગઇ છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી મિલકતના ભાવોમાં આટલો મોટો ઉછાળો આવશે તે રિયલ એસ્ટેટમાં કાર કરતા લોકોને પણ અંદાજો ન હતો. #UP #ayodhya #realestate #bussiness #industry

Next Post

ગુજરાત : વડોદરા અને ખેરાલુમાં ભગવાન શ્રીરામ ની શોભાયાત્રા પર પથ્થરમારો

Tue Jan 23 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share