23 September 2026

ડેવિડ ઈબીની ‘સ્નેપ ઈલેક્શન’ની જાહેરાતથી બ્રિટિશ કોલંબિયામાં રાજકીય ગરમાવો

0
David Eby beside a Buy Canadian display
    British Columbians will vote on Oct. 24, 2026, one week after municipal elections. File photo used in an editorial graphic.

    ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | વાનકુવર

    બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ ઈબી (David Eby) દ્વારા અચાનક ‘સ્નેપ ઈલેક્શન’ (મુદ્દત પહેલા ચૂંટણી)ની જાહેરાત કરવામાં આવતા સમગ્ર પ્રોવિન્સમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ૨૪ ઓક્ટોબરે નાગરિકો મતદાન કરશે. એક તરફ સરકારનો દાવો છે કે અમેરિકા તરફથી મળી રહેલા આર્થિક પડકારો અને વ્યાપારી જોખમો સામે મજબૂત મેન્ડેટ મેળવવો જરૂરી છે, તો બીજી તરફ વિપક્ષ તેને વિરોધ પક્ષોની આંતરિક ખેંચતાણનો રાજકીય ફાયદો ઉઠાવવાનો દાવ ગણાવી રહ્યો છે.

      ગત ૨૨ સપ્ટેમ્બરે કરવામાં આવેલી આ જાહેરાતને પગલે હવે પ્રોવિન્શિયલ કેમ્પેઇન અને મ્યુનિસિપલ ચૂંટણીનો માહોલ એકસાથે જામશે. પ્રોવિન્સમાં સ્થાનિક મ્યુનિસિપલ ચૂંટણી ૧૭ ઓક્ટોબરે યોજાવાની છે. ‘ઈલેક્શન્સ બીસી’ (Elections BC) ના જણાવ્યા મુજબ મતદારો ૯૩ ધારાસભ્યો (MLAs) ને ચૂંટશે. પ્રોવિન્સમાં એડવાન્સ વોટિંગ ૧૬ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન યોજાશે, જે મ્યુનિસિપલ ઇલેક્શનના દિવસે જ ઓવરલેપ થાય છે. ઈબી સરકારે પોતાની બે વર્ષથી પણ ઓછા સમયની ટર્મમાં જ સરકાર બરખાસ્ત કરવાની માંગ કરી છે. તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન સાર્વભૌમત્વ, સ્થાનિક કામદારો અને બિઝનેસ પર ઉભા કરાયેલા ખતરાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ઈબીનું કહેવું છે કે હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોનોમિક ડાઇવર્સિફિકેશન (આર્થિક વૈવિધ્યકરણ) ક્ષેત્રે બીસીની જનતાએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કરવો પડશે.

        ઈબીના આ નિર્ણય સામે વિપક્ષોએ આકરો પ્રહાર કર્યો છે. કન્ઝર્વેટિવ પક્ષના કાર્યકારી નેતા લોર્ન ડોર્કસને ઈબી પર રાજકીય તકવાદી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે એનડીપી (NDP) સરકારની આર્થિક નીતિઓ અને વ્યાપારી ક્ષેત્રે નિષ્ફળતાના કારણે જ બ્રિટિશ કોલંબિયા અમેરિકાના દબાણ સામે નબળું પડ્યું છે. આ ચૂંટણી એવા સમયે આવી છે જ્યારે કન્ઝર્વેટિવ પક્ષ પુનર્ગઠનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ૨૦ સપ્ટેમ્બરે કૈરી-લિન ફાઇન્ડલે માત્ર ચાર મહિનામાં જ નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, પક્ષ છોડી ગયેલા પાંચ ધારાસભ્યો સોમવારે પરત ફર્યા હતા, પરંતુ પક્ષ બદલવાની આ હોબાળાથી અસ્થિરતા સ્પષ્ટ દેખાય છે.

          સેન્ટરબીસી (CentreBC) છોડીને પુનઃ કન્ઝર્વેટિવ પક્ષમાં જોડાયેલા પિટર મિલોબારે ડોર્કસન સાથે મળીને નાણાકીય શિસ્ત, પબ્લિક સેફ્ટી, હેલ્થ કેર ટ્રીટમેન્ટ અને પર્યાવરણ સુરક્ષા સાથે આર્થિક વિકાસનું વચન આપ્યું હતું. બીજી તરફ, સેન્ટરબીસીના પ્રેસિડેન્ટ માઇક વિગ્નાલે મિલોબારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિપક્ષી દળો એક તરફ પોતાની એકતા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ વારંવાર બદલાતી રાજકીય વફાદારીનો બચાવ કરી રહ્યા છે.

          ગ્રીન પાર્ટીના નેતા એમિલી લોવાને આ ચૂંટણીને ખર્ચાળ અને બિનજરૂરી ગણાવી હતી. તેમણે કહ્યું કે સરકાર નવી ચૂંટણી યોજ્યા વિના પણ વ્યાપારી દબાણ હેઠળ આવેલા ઉદ્યોગો અને વર્કર્સને સીધી મદદ કરી શકતી હતી. પૂર્વ કન્ઝર્વેટિવ નેતા જોન રુસ્ટેડે પણ ભારપૂર્વક જણાવ્યું કે ઈબી પાસે પહેલાથી જ વિધાનસભામાં બહુમતી હતી, જેથી તેઓ જરૂરી કાયદાઓ સરળતાથી પસાર કરી શકતા હતા.

          બીજી તરફ, લેબર ક્ષેત્રનો દ્રષ્ટિકોણ અલગ જોવા મળ્યો હતો. ‘બીસી ફેડરેશન ઓફ લેબર’ના પ્રેસિડેન્ટ સુઝાન સ્કિડમોરે જણાવ્યું કે આ ચૂંટણી કામદારો માટે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સ્થિરતા લાવનારી સરકાર પસંદ કરવાની ઉત્તમ તક છે.

            મ્યુનિસિપલ ઉમેદવારોએ આશંકા વ્યક્ત કરી છે કે પ્રોવિન્શિયલ ઈલેક્શનના કારણે તેમના સ્થાનિક મુદ્દાઓ ઢંકાઈ જશે. વાનકુવરના મેયર કેન સિમે ચૂંટણીના સમય અને ખર્ચ સામે સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે વિક્ટોરિયાના મેયર મરિઆને આલ્ટોએ નાગરિકોની ઓછી ભાગીદારી અને સ્થાનિક સંસાધનો પર પડનારા દબાણ અંગે ચેતવણી આપી હતી. સરરેના ઉમેદવાર લિન્ડા એનિસે વોટર્સમાં મૂંઝવણ તેમજ વોલન્ટિયર્સ અને ડોનેશન (ફંડ) મેળવવામાં ભારે સ્પર્ધા થવાની ચિંતા વ્યક્ત કરી હતી.

            આ ચિંતા પાછળ વ્યવહારુ કારણો પણ છે. પ્રોવિન્શિયલ અને મ્યુનિસિપલ ચૂંટણીઓ તદ્દન અલગ પ્રક્રિયા છે. ‘ઈલેક્શન્સ બીસી’ દ્વારા પ્રોવિન્શિયલ વોટિંગનું સંચાલન થાય છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓ મ્યુનિસિપલ ઇલેક્શન યોજે છે. એક ચૂંટણીમાં મત આપવાથી બીજી ચૂંટણીમાં ભાગ લીધો ગણાશે નહીં. આ ઉપરાંત, એબોટ્સફોર્ડ-મિશન (Abbotsford–Mission) ની યોજાનારી બાય-ઈલેક્શન (ઉપચૂંટણી) રદ કરવામાં આવી છે. જે લોકોએ અગાઉથી વોટ આપ્યા હતા તે માન્ય ગણાશે નહીં અને તેમને સામાન્ય ચૂંટણીમાં ફરીથી મતદાન કરવું પડશે.

            ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૩ ઓક્ટોબર છે અને ૧ ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવનાર મતદારોને ‘વ્હેર ટુ વોટ’ (Where to Vote) કાર્ડ મળશે. હાલ બે મોટા પ્રચારો સામસામે છે, જેમાં એક તરફ ઈબીનો આર્થિક સુરક્ષાનો દાવો છે અને બીજી તરફ વિપક્ષો દ્વારા સમય, ખર્ચ અને કામગીરી અંગે પૂછવામાં આવી રહેલા આકરા સવાલો છે.

            Share with friends

            What do you feel about this?

            Leave a Reply

            Your email address will not be published. Required fields are marked *

            You may have missed

            Total
            0
            Share