બ્રામ્પટન બદલાયું છે, સિટી હૉલ મા પણ બદલાવ લાવવો જ પડશે: વોર્ડ ૨ અને ૬ વોર્ડ ઉમેદવાર કેવલ શાહ

બ્રામ્પટન : બ્રામ્પટન સિટી ૨૦૨૬ની મ્યુનિસિપલ ઇલેક્શન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ‘ધ્વનિ ઇન્ડો-કેનેડિયન ન્યૂઝપેપર’ નિષ્પક્ષ રહીને લોકલ કમ્યુનિટી સમક્ષ ઉમેદવારો સાથે કમ્યૂનિટી અસર કારક મુદ્દા પર ચર્ચા કરી, શા માટે કમ્યૂનિટી તેમેન આ ઇલેક્શન વોટ આપે.? અમારો મુખ્ય હેતુ ચૂંટણીના માત્ર પોકળ દાવો કે પ્રચારના બેનરો છાપવાનો નથી, પરંતુ નાગરિકોના રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા મૂળભૂત પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવાનો છે. આ સિરીઝના ભાગરૂપે ‘ધ્વનિ’ના ચીફ એડિટર હિતેશ જગડ દ્વારા વોર્ડ ૨ અને ૬ ના સિટી કાઉન્સિલર પદના દાવેદાર કેવલ શાહ સાથે એક વિશેષ ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા ચર્ચા થઈ હતી. આ વાતચીત દરમિયાન ઝડપી ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોપર્ટી ટેક્સ, રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલ્સ, ક્રાઇમ, કાર ચોરી, હોમ ઇન્વેઝન, મેન્ટલ હેલ્થ, એડિક્શન, બાળકોની સેફ્ટી અને સિટી હોલમાં બદલાવ લાવવાની જરૂરિયાત જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી.
કેવલ શાહ માટે સમગ્ર ચૂંટણી ચર્ચાનો એક જ મુખ્ય આધાર છે કે બ્રામ્પટન સતત વધી રહ્યું છે, પરંતુ શું નાગરિકોને સુવિધા આપતું માળખું પણ તે જ ઝડપે વિકસિત થયું છે? શાહ છેલ્લા ૨૫ વર્ષથી કેનેડામાં અને ૧૧ વર્ષ થી બ્રામ્પટનમા રહે છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ વોર્ડ ૬ માં વસવાટ કરે છે. તેઓ માને છે કે સ્થાનિક રહેવાસી હોવાને કારણે તેઓ સમુદાયની તકલીફોને ખૂબ નજીકથી અનુભવી શક્યા છે. શાહે ‘ધ્વનિ’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હું અહીં જ રહું છું. રહેવાસીઓ જે જુએ છે તે જ હું જોઉં છું અને તેઓ જે મુશ્કેલીઓ વેઠે છે તેનો જ હું અનુભવ કરું છું. જ્યારે તમે એક વિસ્તારમાં દાયકા સુધી રહ્યા હોવ, ત્યારે તમને ખબર પડે છે કે ત્યાં શું ઉપલબ્ધ છે અને કઈ પાયાની સુવિધાઓનો અભાવ છે.”
તેમનો સ્થાનિક પરિવારો સાથેનો સંબંધ માત્ર પાડોશી તરીકેનો જ નથી, પરંતુ વ્યાવસાયિક પણ છે. શાહ છેલ્લા ૧૮ વર્ષથી એક સફળ અને પ્રોફેશનલ રિયલ્ટર તરીકે કાર્યરત છે. આ વર્ષો દરમિયાન તેમણે વિવિધ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા બ્રામ્પટનના અસંખ્ય પરિવારો સાથે સઘન કામ કર્યું છે. શાહના જણાવ્યા મુજબ, રિયલ્ટર અને ક્લાયન્ટ વચ્ચેની વાતચીત માત્ર ઘર ખરીદવા કે વેચવા પૂરતી સીમિત નથી રહેતી. પરિવારો મોર્ગેજ, નોકરીઓ, ઘરનું બજેટ, બાળકોનું શિક્ષણ, ટ્રાફિક, સેફ્ટી, એફોર્ડેબિલિટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવાના આર્થિક કારણો અંગે ખુલ્લીને વાત કરતા હોય છે. આ માત્ર એક વ્યાવસાયિક સેવા નથી, પરંતુ લોકો સાથે એક અજાણ્યો સામાજિક નાતો બંધાઈ જાય છે. લોકો તેમના જીવનના સંઘર્ષો અને આર્થિક તંગીની વાતો શેર કરે છે. આ વાતોએ જ કેવલ શાહને સમુદાયના આક્રોશ અને આર્થિક બોજનું મૂળ કારણ સમજવામાં મદદ કરી છે.
વોર્ડ ૬ માટે કેવલ શાહ માને છે કે સૌથી મોટો પડકાર અનિયંત્રિત અને ઝડપી રેસિડેન્શિયલ ડેવલપમેન્ટને માને છે. ઘરો સતત બની રહ્યા છે, પરંતુ તે ઘરોની સાથે રસ્તા, સ્કૂલો, રિક્રિએશન સેન્ટર્સ, કોમર્શિયલ સ્પેસ અને સ્થાનિક સ્તરે જૉબ્સ ઉપલબ્ધ થાય છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. શાહ સ્પષ્ટપણે પૂછે છે કે મુદ્દો માત્ર ઘરો બાંધવાનો નથી, પરંતુ ત્યાં રહેવા આવતા પરિવારો માટે કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે તે છે. એક સફળ અને સમૃદ્ધ પાડોશ માત્ર કોંક્રીટના મકાનોથી નથી બનતો. ત્યાં રહેતા પરિવારને પાર્ક, ગ્રોસરી માર્કેટ્સ, બિઝનેસ, સ્થાનિક રોજગાર અને મજબૂત ટ્રાન્સપોર્ટેશનની જરૂર હોય છે. હાલમાં ઘણા ડેવલપિંગ એરિયામાં રહેવાસીઓને નાની-મોટી ખરીદી માટે પણ કિલોમીટરો સુધી ડ્રાઇવ કરવું પડે છે અને નોકરી માટે કલાકો સુધી કોમ્યુટ કરવું પડે છે.
કેવલ શાહના આ ચૂંટણી ઝુંબેશ અને સેવાકીય દ્રષ્ટિકોણને તાજેતરમાં એક મોટું સમર્થન મળ્યું છે. ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) ની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજ કંપની HomeLife Miracle ના બ્રોકર ઓફ રેકોર્ડ અજય શાહ દ્વારા કેવલ શાહની દાવેદારીને સત્તાવાર રીતે સમર્થન (Endorse) આપવામાં આવ્યું છે. અજય શાહ અને હોમલાઇફ મિરેકલ ગ્રૂપનું આ મોટું સમર્થન દર્શાવે છે કે રિયલ એસ્ટેટ અને બિઝનેસ કમ્યુનિટી પણ કેવલ શાહની પ્રામાણિકતા, નેતૃત્વ ક્ષમતા અને વ્યવહારુ વિચારસરણીમાં વિશ્વાસ ધરાવે છે. અજય શાહના આ એન્ડોર્સમેન્ટથી કેવલ શાહના પ્રચાર અભિયાનને એક નવું બળ અને સ્થાનિક સ્તરે વિરાટ મજબૂતી મળી છે.
બીજી તરફ, વોર્ડ ૨ નો પ્રશ્ન થોડો અલગ છે. વોર્ડ ૬ ના નવા ડેવલપમેન્ટથી વિપરીત વોર્ડ ૨ એ પહેલેથી જ સ્થિર અને જૂનો રહેણાંક વિસ્તાર છે. કેવલ શાહના મતે, અહીં મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે નવા પ્રોજેક્ટ્સની ઘેલછામાં આ જૂના વિસ્તારો ઉપેક્ષિત ન રહી જાય. રસ્તાઓનું મેન્ટેનન્સ, ટ્રાફિક જામ, સ્નો રિમૂવલ, પાર્કિંગ, પાર્ક્સ અને જૂના થઈ ગયેલા સરકારી માળખા પર સતત ધ્યાન આપવું જરૂરી છે. ભવિષ્યમાં જો આ વિસ્તારોમાં ડેન્સિટી વધારવામાં આવે, તો તે પહેલાં જોવું પડશે કે હાલ તે વિસ્તાર કેટલો બોજ સહન કરી શકે તેમ છે. માત્ર ઘરો ઉમેરી દેવાથી વિકાસ નથી થતો, પરંતુ ટ્રાફિક, પાર્કિંગ, સ્કૂલો અને લોકોની ક્વોલિટી ઓફ લાઇફ પર તેની શું અસર પડશે તેનો ગંભીર વિચાર થવો જોઈએ. જૂના વિસ્તારોમાં સ્પીડિંગ, શોર્ટકટ મારતા વાહનો અને સ્કૂલો પાસે બાળકોની સુરક્ષા અત્યંત ચિંતાજનક બની છે. બાળકોની સેફ્ટી અને સ્ટ્રીટ સુરક્ષા કેવલ શાહ માટે પ્રાથમિકતા છે. તેઓ માને છે કે બાળકો પોતાના વિસ્તારમાં સુરક્ષિત રીતે ચાલીને સ્કૂલે જઈ શકે કે પાર્કમાં રમી શકે તેવું વાતાવરણ હોવું જોઈએ.
આ ઉપરાંત, જાહેર સુરક્ષા એટલે કે પબ્લિક સેફ્ટી અંગે વાત કરતા શાહે ગાડીઓની ચોરી, ઘરફોડ ચોરી અને હોમ ઇન્વેઝન જેવા ગુનાઓ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પરિવાર માટે ગુનાખોરી એ માત્ર સરકારી આંકડો નથી, પરંતુ પોતાના ઘરમાં ડર વગર જીવવાનો હક છે. તેઓ મજબૂત ક્રાઇમ પ્રિવેન્શન અને પોલીસ બજેટના યોગ્ય ઉપયોગની માંગ કરે છે. પરંતુ તેઓ એ પણ સ્વીકારે છે કે માત્ર પોલીસ દરેક પ્રશ્નનો ઉકેલ નથી. મેન્ટલ હેલ્થ, નશાની લત અને હોમલેસનેસ જેવા મુદ્દાઓ પબ્લિક સેફ્ટી સાથે જોડાયેલા છે. જરૂરિયાતમંદ લોકોને યોગ્ય મદદ મળવી જોઈએ જેથી કરીને આખો સમુદાય સુરક્ષિત રહી શકે. આ સિવાય, હેલ્થકેર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે હોસ્પિટલો રાજ્ય સરકાર હેઠળ આવે છે પરંતુ મ્યુનિસિપલ નેતાઓએ બ્રામ્પટનના હક માટે પ્રોવિન્શિયલ સરકાર સામે મજબૂત અવાજ ઉઠાવવો જ પડશે.
છેલ્લે, પ્રોપર્ટી ટેક્સ જેવા મહત્વના પ્રશ્ને શાહે જણાવ્યું કે ટેક્સ નિયંત્રણમાં રાખવાનો એકમાત્ર રસ્તો સિટી હોલના ખર્ચાઓ પર કાપ મૂકવાનો છે. આજે પરિવારો મોર્ગેજ, ગ્રોસરી અને ઈન્સ્યુરન્સના બોજ તળે દબાયેલા છે, ત્યારે ટેક્સપેયર્સના એક-એક ડોલરનો હિસાબ અને મૂલ્ય મળવું જોઈએ. તેઓ એક એવું નેતૃત્વ આપવા માંગે છે જે ચૂંટણી પત્યા પછી પણ લોકો માટે સરળતાથી ઉપલબ્ધ રહે.
જ્યારે તેમને પૂછવામા આવ્યું કે વોર્ડ ૨ અને ૬ ના રેસિડન્ટ્સે તમને જ વોટ શા માટે આપવો જોઈએ?
ત્યારે કેવલ શાહે સહજતા થી કહ્યું કે “હું માત્ર એક કેન્ડીડેટ છું એટલા માટે લોકોને મને વોટ આપવાનું નથી કહી રહ્યો. હું તો લોકોને અપીલ કરું છું કે તેઓ પોતાના નેબરહૂડમાં ચારેય તરફ જુએ અને જાતે નક્કી કરે કે શું ખરેખર બદલાવની જરૂર છે કે નહીં.
મારી પ્રોફેશનલ સર્વિસિસ દ્વારા મેં અસંખ્ય બ્રામ્પટન ફેમિલીઝને એફોર્ડેબિલિટી, મોર્ગેજ, ટ્રાફિક, સેફ્ટી, સ્કૂલ્સ અને ડેઇલી લાઇફના સ્ટ્રેસ વિશે વાત કરતા સાંભળ્યા છે. કમ્યુનિટીની આ ચિંતાઓ અને પ્રોબ્લેમ્સ ક્યાંથી આવી રહી છે તે હું ખૂબ સારી રીતે સમજું છું.
આજનું બ્રામ્પટન બદલાઈ ચૂક્યું છે, તેથી સિટી હોલમાં આપણી વિચારસરણી પણ બદલવી જ જોઈએ. આપણને રિસ્પોન્સિબલ ગ્રોથ, બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેફર નેબરહૂડ્સ અને ટેક્સપેયર્સના ડોલર માટે પૂરી એકાઉન્ટેબિલિટી જોઈએ છે.
મારો મેસેજ એકદમ સિમ્પલ છે તમે હંમેશાંથી જેમજ વોટ આપતા આવ્યા છો એટલા માટે જ વોટ ન કરો. પ્રોબ્લેમ્સ અને ઇશ્યૂઝને સમજો, કેન્ડીડેટ્સને કમ્પેર કરો અને વોટ આપતા પહેલાં બે વાર વિચાર કરો. જો તમને લાગતું હોય કે બ્રામ્પટનને હવે એક નવા બદલાવ ની જરૂર છે, તો મને તમને રિપ્રેઝન્ટ કરવાની એક તક ચોક્કસ આપો જે તમે આજસુધી અનેક ઉમેદવારો ને આપી છે અને રિજલ્ટ તમારી તો સામેજ છે.” નિર્ણય તમારો છે શું બદલાવ લાવવો છે..? તો આપણે પણ બદલાવવું જ પડશે.
એડિટોરિયલ નોંધ :
ધ્વનિ કમ્યુનિટી ન્યૂઝપેપના ચીફ એડિટર હિતેશ જગડે પોતાના ખાસ સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ મુલાકાત કોઈ ચોક્કસ ઉમેદવારનું સમર્થન કે એન્ડોર્સમેન્ટ નથી. ધ્વનિનો મુખ્ય હેતુ વાચકોને ઉમેદવારોના વિચારોથી માહિતગાર કરવાનો અને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય કરવાનો છે. ખાસ કરીને ઓન્ટેરિયો અને કેનેડાના રાજકારણમાં આગળ આવી રહેલા ગુજરાતી ઇન્ડો-કેનેડિયન ઉમેદવારોને પ્લેટફોર્મ પૂરું પાડવું એ પણ અખબારની સામાજિક જવાબદારી છે.
હિતેશ જગડે કમ્યુનિટીના લોકોને આહ્વાન કર્યું છે કે આપણે માત્ર ડ્રોઇંગ રૂમ, ચા-કોફીની ચર્ચા કે વોટ્સએપ ગ્રૂપ સુધી રાજકારણને સીમિત ન રાખતા ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. ઉમેદવારોને પ્રશ્નો પૂછો, તેમના વચનો ચકાસો અને સભાન બનીને મતદાન કરો. તમારો વોટ કોઈ રાજકીય પક્ષ, સોશિયલ મીડિયા ગ્રૂપ કે કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનનો નથી, પણ તમારો પોતાનો છે. તેથી ૨૦૨૬ની આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ અત્યંત વિવેક અને સમજુતીપૂર્વક કરો.
રીડર્સ માટે ધ્વનિનો પારદર્શિતાનો સંદેશ
ધ્વનિ કમ્યુનિટી ન્યૂઝપેપર પોતાના રીડર્સ સાથે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે. કેવલ શાહ સાથેનો આ ઇન્ટરવ્યૂ સંપૂર્ણપણે અનપેઇડ (Unpaid) છે. આ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવાર કે તેમની ચૂંટણી ટીમ પાસેથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ લેવામાં આવ્યું નથી.
આ ખાસ ઇન્ટરવ્યૂ સિરીઝનો મુખ્ય હેતુ કોઈ ઉમેદવારનો પ્રચાર કે સમર્થન કરવાનો નથી, પરંતુ કમ્યુનિટીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, તેમના વિચારો, યોજનાઓ અને વિઝનને વધુ સારી રીતે જાણવાની તક આપવાનો છે. અમારો પ્રયાસ છે કે વોટર્સ ઉમેદવારો સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓને સમજે, પ્રશ્નો પૂછે, અલગ-અલગ ઉમેદવારોની સરખામણી કરે અને મતદાન કરતી વખતે પોતાનો સ્વતંત્ર અને માહિતીસભર નિર્ણય (Informed Decision) લઈ શકે.
ધ્વનિનું માનવું છે કે જાગૃત વોટર જ મજબૂત લોકશાહીનો સાચો પાયો છે.
આ ઇન્ટરવ્યૂ અથવા ધ્વનિના ચૂંટણી કવરેજ અંગે કોઈપણ પ્રશ્ન, સૂચન કે પ્રતિભાવ માટે અમને ઈમેલ કરો: dhwaninewsmedia@gmail.com

