5 September 2026

ઓન્ટેરિયોમાં થંડરસ્ટોર્મ : પાવર આઉટેજ અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત

0

    ગ્વેલ્ફ :

    સોઉથર્ન ઓન્ટેરિયોમાં બુધવાર, ૨ સપ્ટેમ્બરના રોજ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સાંજના સમયે અત્યંત તીવ્ર વાવાઝોડા તેમજ મૂસળધાર વરસાદે સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ સર્જ્યો છે. કીચનર-વોટરલૂ અને ગ્વેલ્ફથી શરૂ કરીને ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) સુધી વિસ્તરેલા આ વિસ્તારમાં કલાકના ૧૧૦ કિલોમીટરથી પણ વધુ ઝડપે ફૂંકાયેલા પવન, કરા અને ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. એન્વાયરન્મેન્ટ કેનેડાએ અગાઉથી જ આ વિસ્તારમાં ખતરનાક વાવાઝોડું, પૂર અને ટોરનેડો (ચક્રવાત) આવવાની ગંભીર ચેતવણી જારી કરી હતી, જે બાદમાં અક્ષરશઃ સાચી સાબિત થઈ હતી. આ ગંભીર કુદરતી હોનારતમાં અનેક મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

    મોડી બપોરના સમયે વોટરલૂ રીજન અને ગ્વેલ્ફ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. એન્વાયરન્મેન્ટ કેનેડા દ્વારા રડાર સિસ્ટમ પર કલાકના લગભગ ૧૦૦ કિલોમીટરની ઝડપે પૂર્વ તરફ વધી રહેલા વિનાશક વાવાઝોડાની હિલચાલ નોંધાતા તાત્કાલિક ધોરણે ‘રેડ લેવલ’ ટોરનેડો વોર્નિંગ જારી કરવામાં આવી હતી. આ ચેતવણીમાં સેન્ટ જેકોબ્સ, વોટરલૂ, ગ્વેલ્ફ, અબેરફોયલ, ઈડન મિલ્સ, મોરિસ્ટેન અને રોકવુડ જેવા જાણીતા વિસ્તારોને વાવાઝોડાની સીધી ઝપેટમાં આવવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. વાવાઝોડું આ વિસ્તારોમાંથી પસાર થતાં જ સર્વત્ર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.

    કીચનર શહેરમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. રાત્રે ૯:૩૦ વાગ્યા સુધીમાં તો સીટી ફોરેસ્ટ્રી ટીમને રસ્તાઓ અને મકાનો પર વૃક્ષો ધરાશાયી થવાની તેમજ કચરો પથરાઈ જવાની ૬૦થી પણ વધુ ઇમરજન્સી કોલ્સ મળી ચૂક્યા હતા. તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે સવારે સૌથી પહેલા મુખ્ય રસ્તાઓ પર પડેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા પ્રાથમિકતા આપવામાં આવી હતી, જે બાદ ડ્રાઇવ-વે અને સાઇડવોક સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નોર્ધન ટોરનેડોઝ પ્રોજેક્ટના અધિકારીઓએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમની એક સ્પેશિયલ સરવે ટીમ કેમ્બ્રિજ તરફ જતા આ સમગ્ર કોરિડોરમાં ટોરનેડોથી થયેલા નુકસાનની તપાસ માટે સ્થળ પર પહોંચી રહી છે.

      જેમ જેમ આ સિસ્ટમ પૂર્વ તરફ આગળ વધીને ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) તરફ પહોંચી, તેમ તેમ તેની વિનાશકતા બેહદ વધી ગઈ હતી. કેનેડાના સૌથી મોટા શહેર ટોરોન્ટોમાં મૂસળધાર વરસાદ અને તેજ પવને અતિશય નુકસાન પહોંચાડ્યું હતું. શહેરના મુખ્ય એક્સપ્રેસવે અને માર્ગો પર ક્ષણવારમાં પાણી ભરાઈ જતાં અનેક વાહનો અડધા ડૂબી ગયા હતા અને ચાલકો અટવાઈ પડ્યા હતા. ડાન વેલી પાર્કવે (DVP), એલન રોડના અમુક ભાગો, લેક શોર બુલવર્ડ અને ગાર્ડિનર એક્સપ્રેસવે જેવા અતિ વ્યસ્ત હાઇવે પર પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. વાવાઝોડાના પીક અવર્સ દરમિયાન એક સમયે ટોરોન્ટો હાઇડ્રોના આશરે ૬૫,૦૦૦ જેટલા કસ્ટમર્સના ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બુધવારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં પણ આશરે ૪૫,૦૦૦ ઘરો અંધારપટમાં જ રહ્યા હતા.

      ટોરોન્ટો ઉપરાંત આસપાસના સાબરબન વિસ્તારોમાં પણ કુદરતી આફતે સખત મારો ચલાવ્યો હતો. બ્રામ્પ્ટન શહેરમાં વિલિયમ્સ પાર્કવે નજીક વાવાઝોડાના અતિશય તેજ પવનને કારણે એક ઈમારતનું આખું છાપરું ઉડી ગયું હતું અને તેનો કાટમાળ રસ્તા પર પથરાઈ ગયો હતો, જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. વોન (Vaughn) શહેરમાં સ્થિતિ વધુ કટોકટીપૂર્ણ બની હતી, જ્યાં ભારે પૂરના કારણે અનેક કાર, ટ્રક અને ટ્રાન્સિટ બસો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમોએ પાણીમાં ડૂબેલી કારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા પડ્યા હતા.

      પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટોરોન્ટો મહાનગરપાલિકા દ્વારા અધિકૃત રીતે ‘સિગ્નિફિકન્ટ વેધર ઇવેન્ટ’ જાહેર કરવામાં આવી છે. ગુરુવારે સવારથી જ સિટી ક્રૂના કર્મચારીઓ રસ્તાઓ પરથી પૂરના પાણી નિકાલ કરવા, ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવા અને કચરો સાફ કરવા માટે યુદ્ધના ધોરણે કામે લાગી ગયા છે. બુધવારે આવેલા આ ભયાનક વાવાઝોડાએ સાબિત કરી દીધું છે કે સમર સીઝનમાં કેનેડાનું હવામાન કેટલી ઝડપથી ખતરનાક અને વિનાશક રૂપ ધારણ કરી શકે છે. સાઉથર્ન ઓન્ટેરિયોના સમગ્ર કોરિડોરમાં, ખાસ કરીને કીચનર-વોટરલૂ-કેમ્બ્રિજ, ગ્વેલ્ફ અને જીટીએના રહેવાસીઓને સરકારી વેધર એલર્ટ્સને ગંભીરતાથી લેવા, પૂર ભરાયેલા રસ્તાઓ પર વાહન ન ચલાવવા અને તૂટી પડેલા વીજળીના વાયરો કે વૃક્ષોથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે.

      Share with friends

      What do you feel about this?

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      You may have missed

      Total
      0
      Share