ભારતના અયોધ્યા અને થાઇલૅન્ડના અયુથ્યા વચ્ચે શું સંબંધ છે?

વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70 કિલોમીટર દૂર આવેલા અયુથ્યા શહેરમાં પગ રાખતાની સાથે જ ત્યાનાં વિશાળ ખંડરો ધ્યાન આકર્ષે છે. શહેરનું નામ અયુથ્યા પણ ભારતના અયોધ્યા સાથે મળતું આવે છે. અયોધ્યા સરયુ નદીને કિનારે તેવી જ રીતે 3500 કિલોમીટર દૂર આવેલું થાઇલૅન્ડનું અયુથ્યા પણ ત્રણ નદીઓથી ઘેરાયેલું છે.

બૅંગકોકની ચુલાલાંગકોર્ન યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટડીઝના ફાઉન્ડર ડાયરેક્ટર પ્રોફેશર હોરાચાયકુલ સૂરત ભારતીય મૂળના છે. તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા અને અયુથ્યાનું નામ સમાન હોવું એ કોઈ સંયોગ નથી. સંસ્કૃતના શબ્દોને થાઇ ભાષામાં ઢાળીને અહીં નવાં-નવાં નામો બનતાં આવ્યાં છે. પ્રાચીન ભારતીય સભ્યતાની દક્ષિણ એશિયા પર ઘણી અસર છે. અયુથ્યાની સ્થાપના પહેલાં રામાયણ થાઇલૅન્ડ પહોંચી હતી અને તેને અહીં રામકિએન કહેવામાં આવે છે. કોઈ પણ સમયમાં તમે તમારા સામ્રાજ્ય કે શહેરનું નામ એવું રાખવા માગો છો જેને શુભ માનવામાં આવે અને જે હમેશાં માટે કાયમ રહે. કેટલાક ઇતિહાસકારો અયુથ્યાના નામની અયોધ્યા સાથે સમાનતાને આવી રીતે સમજાવે છે.

પ્રોફેસર સૂરતનો પરિવાર ઉત્તર પશ્ચિમી ફ્રન્ટિયર પ્રોવિંસમા રહેતો હતો. જોકે, વિભાજન પહેલાં જ તેમનો પરિવાર થાઇલૅન્ડ આવી ગયો હતો. તેઓ ત્રીજી પેઢીના ભારતીય મૂળના થાઇ નાગરિક છે. સૂરતે ઉમેર્યું હતું કે, “થાઇલૅન્ડમાં અમારે અહીં રાજાને વિષ્ણુનો અવતાર માનવામા આવતો હતો. થાઇલૅન્ડના અલગ-અલગ રાજાઓનાં નામ એટલે જ રામા-1, રામા-2, રામા-10 જેવાં અનેક નામોથી ઓળખાય છે. સંસ્કૃત અને પાલી જેવી ભાષાની અસર થાઇલૅન્ડમાં સ્પષ્ટ દેખાય છે.

ડૉ. ઉદય ભાનુસિંહ દક્ષિણ-પૂર્વ એશિયાના જાણકાર છે અને એમપી-આઈડીએસએ સાથે જોડાયેલા છે.

તેઓ કહે છે કે “આ વર્ષે થાઇલૅન્ડ અને ભારતના રાજદ્વારી સંબંધોને 77 વર્ષ થઈ જશે. જોકે, બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધ સદીઓથી છે. થાઇલૅન્ડમાં અયુથ્યા શહેર (જેની સ્થાપના વર્ષ 1350માં થઈ હતી)ને અયોધ્યા સાથે જોડવામાં આવે છે. અયુથ્યાની સ્થાપના રાજા રમાતીબોધી-1એ કરી હતી. આજે અયુથ્યા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.”

ડૉ. સિંહે જણાવ્યું, “થાઇલૅન્ડમાં બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ છે. જોકે, અહીંના શાહી પરિવારે હિંદુ ધર્મ સાથે જોડાયેલી કેટલીય પરંપરાને અપનાવી છે.”

વરિષ્ઠ ઇતિહાસકાર ડીપી સિંઘલ લખે છે કે ‘ચીન જેવા દેશોની સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિએ થાઇલૅન્ડમાં વધુ છાપ છોડી છે. રામાયણના સંસ્કરણને થાઇલૅન્ડમાં રામાકિએન કહેવામાં આવે છે.’

સદીઓ પહેલાં દક્ષિણ ભારતથી સમુદ્રમાર્ગે લોકો થાઇલૅન્ડ આવનજાવન કરતા અને આમ રામાયણ પણ થાઇલૅન્ડ પહોંચી. આ ગ્રંથની ઘણી આવૃત્તિઓ બનાવવામાં આવી અને થાઇ રાજા રામા-1એ તેને ફરીથી લખી હતી. થાઇલૅન્ડમાં આજે પણ રામકિએનનું મંચન થાય છે જેને થાઇ રામાયણનો દરજ્જો મળ્યો છે. રામકિએન અને રામાયણમાં અનેક સમાનતા છે. જોકે, સ્થાનિક સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મ અનુસાર બન્નેમાં ઘણા તફાવતો પણ છે. કહેવાય છે કે રામકિએનમાં થૉસકન નામનું પાત્ર રામાયણમાં રાવણ જેવું જ છે. અહીં થૉસનો અર્થ દસ થાય છે. રામકિએનમાં ફ્રા રામ એ ભગવાન રામ છે.

ભારત-થાઇ સંબંધોની વાત કરીએ તો રૉયલ થાઇ કાઉન્સલેટ જનરલની વેબસાઇટ અનુસાર, થાઇલૅન્ડના રાજા રામા-5 વર્ષ 1872માં સમુદ્રમાર્ગે સિંગાપુર અને યૈંગોન થઈને ભારત આવ્યા હતા. તેઓ 13 જાન્યુઆરીના રોજ કલકત્તા પહોંચ્યા અને ત્યાંથી ટ્રેન મારફતે બૈરકપુર, દિલ્હી, આગરા, કાનપુર અને લખનઉ પણ આવ્યા હતા.

આજનું અયુથ્યા 14મીથી 18મી સદી વચ્ચે સ્યામ નામના એક સમૃદ્ધ સામ્રાજ્યનું પાટનગર હતું. આ ઉપરાંત તે વિશ્વનું એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી અને વેપારનું કેન્દ્ર હતું. બર્માએ વર્ષ 1767માં આ શહેરનો નાશ કર્યો હતો. અયુથ્યા શહેરને ફરીથી ન બનાવાયું પરંતુ તેની પાસે બૅંગકોક નામનું એક નવું પાટનગર બનાવવામાં આવ્યું. બૅંગકોક શહેરની વચોવચ અયુથ્યા રોડ નામનો રોડ પણ જોવા મળે છે.

બુદ્ધની વિશ્વની સૌથી મોટી (આરામ કરતી મૂર્તિ)માંથી એક મૂર્તિ પણ તમને અહીં જ જોવા મળશે. અહીંયાં બુદ્ધની વિશાળ પ્રતિમાઓ છે પરંતુ કેટલીક પ્રતિમાઓમાં માથાનો ભાગ નથી. કહેવાય છે કે જ્યારે શહેરને તબાહ કરવામાં આવ્યું ત્યારે ઘણી મૂર્તિઓનો પણ નાશ કરવામાં આવ્યો અને લોકોએ ઘણી મૂર્તિઓનાં માથાં તોડીને યુરોપમાં વેચી દીધાં. જોકે, અહીં એક એવી પ્રતિમા છે જેનું માથું ધડથી અલગ થઈ ગયું છે પરંતુ સદીઓ પછી પણ તે ધડ સંપૂર્ણપણે વૃક્ષના મૂળ વચ્ચે અટવાઈ ગયું છે. તે વિદેશી પ્રવાસીઓ માટે પ્રખ્યાત પર્યટનસ્થળ બની ગયું છે. તમે ત્યાં ઊભા રહીને તસવીરો પડાવી શકતા નથી. તમે માત્ર બેસીને કે નમન કરીને જ તસવીર પડાવી શકો છો. આ વૃક્ષ અયુથ્યાના માટ મહાથાટ મંદિરમાં છે. અયુથ્યાની ઇમારતોમાં તમને 17મી અને 18મી સદીના ભારત, ચીન, જાપાન અને યુરોપની કલાત્મક શૈલીનું મિશ્રણ જોવા મળશે અને સંસ્કૃતિમાં ભારતની છાપ પણ દેખાશે. બીબીસી ગુજરાતીમાં અયોધ્યા અને અયુથ્યા વિશેના વિવરણમાં જણાવવામાં આવ્યું છે કે, લેખક એસ.એન. દેસાઈએ હિંદુઇઝ્મ ઇન થાઇ નામના પુસ્તકમાં આ વિશે વિગતવાર લખ્યું છે.

હિંદુઇઝ્મ ઇન થાઇ નામના પુસ્તકમાં એસ.એન. દેસાઈ લખે છે, “થાઇલૅન્ડનું અયુથ્યા શહેર ભગવાન રામની અસરનું સાક્ષી છે. જોકે, થાઇલૅન્ડમાં રામને લઈને પુરાતત્ત્વ સાથે જોડાયેલાં કોઈ પ્રમાણ નથી. જોકે, લોકકળાના માધ્યમથી રામ અને રામાયણ સદીઓથી લોકો સુધી પહોંચ્યાં છે. થાઇલૅન્ડમાં અન્ય એક શહેર છે લોપબુરી. માન્યતા છે કે ભગવાન રામના પુત્ર લવના નામ પરથી આ શહેરનું નામ રાખવામા આવ્યું છે. આ શહેરમાં એક ગલીનું નામ ફ્રા રામ છે.” અયુથ્યાની વાત કરીએ તે સમયની જેમ આજે પણ તમને દરેક જગ્યાએ હાથી જ જોવા મળશે.

આમ, રામાયણ કે તેમના પાત્રો જ નહીં ઐતિહાસિક નગરીઓમાં પણ સામ્યતા જોવા મળી રહી છે.

#ayodhya #RAM #RAMAYAN #INDONESIA #INDIA 

Next Post

ભારતમાં રામરાજ્યઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

Tue Jan 23 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ સર્જાયો છે. આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી હતી. ભારતીય પરિધાનમાં જ્યારે હાથમાં છત્ર લઇને પીએમ મોદી રામ દરબારમાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share