- ખાલિસ્તાનીઓ અમને ટાર્ગેટ કરે છે પણ પોલીસ કે FBI કોઈ કાર્યવાહી કરતી નથીઃ ભારતીયોનો આક્રોશ
અમેરિકામાં એફબીઆઈ, પોલીસ વિભાગ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાનીઓ દ્વારા થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવાનો હતો. તેમાં ખાલિસ્તાની સમર્થકો મંદિરો, સ્કૂલો અને દુકાનોને ટાર્ગેટ કરતા હોવા અંગે આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જણાવાયું હતું કે, ખાલિસ્તાની સમર્થકો ખુલ્લેઆમ એર ઈન્ડિયાના વિમાનો ઉડાવી દેવાની ધમકી આપે છે, હિન્દુઓને ટાર્ગેટ કરીશુ તેવી ધમકી લખેલા બેનરો જાહેરમાં લઈને ફરી રહ્યાં છે.
બેઠકનું આયોજન કરનાર અજય જૈન ભૂટોરિયાએના જણાવ્યા અનુસાર પોલીસ અને એફબીઆઈના અધિકારીઓએ એવી આશ્ચર્યજનક દલીલ કરી હતી કે તેમને ખાલિસ્તાન આંદોલન અંગે કોઈ જાણકારી જ નથી તેમજ સંસાધનોની અછત તથા ફંડની કમીના કારણે કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ભારતીય મૂળના લોકોએ ખાલિસ્તાનીઓ દ્વારા અમેરિકાની ધરતી પરથી થઈ રહેલી ભારત સામેની પ્રવૃત્તિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય મૂળના લોકોના નેતા અજય જૈન ભૂટોરિયા દ્વારા આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બે ડઝનથી વધારે નાગરિકો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ભારતીય અમેરિકન નાગરિકોએ કહ્યુ હતુ કે, અમેરિકામાં મંદિરો પરના હુમલા વધી ગયા છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે. ખાલિસ્તાનીઓ અમારી દુકાનો તેમજ અમારા બાળકો જે સ્કૂલોમાં ભણે છે તેની બહાર ટ્રકો ઉભી રાખીને અમને ડરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
ભારતીય અમેરિકન નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી કે, આ પ્રકારની હરકતો છતા પણ એફબીઆઈ અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ રહી નથી. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના દૂતાવાસને આગ લગાડવાનો પ્રયત્ન કરનાર તત્વો આજે પણ પોલીસની પકડમાં આવ્યા નથી.
આ બેઠકમાં હાજર સિખ સમુદાયના નેતા સુક્ખી ચહલે કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી પન્નુના સંગઠન સિખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા ખાલિસ્તાની સમર્થકો મંદિરો, સ્કૂલો અને દુકાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારતીય મૂળના આગેવાનોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, પોલીસ દ્વારા ભારતના લોકોના ડરને દૂર કરવા માટે અને અમેરિકામાં ચાલી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિ પર અકુંશ લગાવવા માટે કોઈ મદદ કરવામાં આવી રહી નથી. ખાલિસ્તાની સમર્થકો ખુલ્લેઆમ એર ઈન્ડિયાના વિમાનો ઉડાવી દેવાની ધમકી આપે છે, હિન્દુઓને ટાર્ગેટ કરીશુ તેવી ધમકી લખેલા બેનરો જાહેરમાં લઈને ફરે છે.
બેઠકમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે લોકોને ખાતરી આપી હતી કે, ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે એક વર્કિંગ ગ્રુપ બનાવાશે અને તેમાં ભારતીય સમુદાયના લોકોને સામેલ કરવામાં આવશે.
#USA #America #Washington #Khalistani #FBI #Indian-Americans #Terror-Activities-in-US
#Ajai-Jain-Bhutoria