સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની  વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની  વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ – સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગઃ મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં સહભાગી થયા

વંચિત વર્ગોના વિકાસ વિના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે નહીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

વંચિતોના સન્માન અને વિકાસની ઝુંબેશ આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપી બનશે અને વંચિતોના વિકાસથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે એ મોદીની ગેરંટી છેઃ વડાપ્રધાનશ્રી

વડાપ્રધાનશ્રીએ ‘નમસ્તે’ યોજના અંતર્ગત સફાઈ મિત્રોને પીપીઈ કિટ અને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ કર્યું

૫૦૦થી વધુ જિલ્લાઓના ૧ લાખ લાભાર્થીઓના ખાતમાં ડીબીટીથી રૂ. ૭૨૦ કરોડ ટ્રાન્સફર થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  • શ્રી નરેન્દ્રભાઈએ નાના વ્યવસાયકારોના ગેરન્ટર બની તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે*
  • આજે વિશ્વની ફોર્ચ્યુન ફાઈવ હન્‍ડ્રેડ કંપનીઓ પૈકી ૧૦૦ કંપનીઓએ ગુજરાતમાં મૂડી રોકાણ કર્યું છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની  વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ-સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગ થયું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દલિત અને વંચિત સમુદાયો માટે લાભકારી નીતિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વંચિત વર્ગના સન્માન અને વિકાસની ઝુંબેશ આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપી બનશે અને વંચિતોના વિકાસથી અમે વિકસિત ભારતનું સપનું સાકાર કરીશું એ મોદીની ગેરંટી છે. છેવાડાના માણસોના ઉત્થાન માટેની યોજનાઓ અને નીતિઓ વંચિતોને ગૌરવ અને ન્યાય પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય વંચિત વર્ગના વિકાસ વિના પ્રાપ્ત થઈ શકે નહીં તેમ વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળની માનસિકતા તોડીને ગેસ કનેક્શન, બેંક ખાતા, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ દલિતો, પછાત, વંચિતો અને આદિવાસીઓને ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાનશ્રીએ વિચરતી અને અર્ધ-વિચરતી જાતિ-સમુદાયો માટેની યોજનાઓ અને સફાઈ કર્મચારીઓ માટે નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (NAMASTE-નમસ્તે) યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ યોજના અંતર્ગત સફાઈ મિત્રોને પીપીઈ કિટ અને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૫૦૦થી વધુ જિલ્લાઓના ૧ લાખ લાભાર્થીઓના ખાતમાં ડીબીટીથી રૂ. ૭૨૦ કરોડ ટ્રાન્સફર કરાયા હતા.

મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત આ અંગેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નાનામાં નાના અને છેવાડાનો માણસ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.

આ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું કામ વિકસિત ભારત યાત્રાએ કર્યું છે. મોદીની ગેરંટીનો રથ ગામે ગામે પહોંચ્યો છે, અને લાભાર્થીઓને લાભ પહોંચાડ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

લોકોની આરોગ્ય સુખાકારી અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગંભીર બીમારીઓની સારવાર માટે ગરીબ પરિવાર વ્યાજના ચુંગાલમાં આવી જતો હતો ,પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન કાર્ડ થકી વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં દેશના ૨૫ કરોડ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ મોદીજીની સરકારે કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પી.એમ. – સ્વનિધિ યોજના થકી નાના ફેરિયાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા વગર ગેરંટીએ લોન આપવાનું કામ પણ મોદીજીની સરકારે કર્યું છે. મોદીજીએ આવા નાના વ્યવસાયકારોના ગેરન્ટર બની તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરાવેલી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩થી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારથી દેશ-વિદેશના ઉદ્યોગકારોના રોકાણ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે.

 આજે વિશ્વની ૫૦૦ મોટી કંપનીઓ પૈકી ૧૦૦ મોટી કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

સેમિકંડક્ટર ઇન્‍ડસ્ટ્રીની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે દેશના અગાઉના વડાપ્રધાનશ્રીઓએ આ ઇન્‍ડસ્ટ્રી ભારતમાં આવે તે માટે પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી નહોતી. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પારદર્શક પોલિસીના કારણે આ સ્વપ્ન સાકાર થયું છે. આજે માઈક્રોન અને ટાટા જેવી મોટી કંપનીઓએ પોતાના સેમિકંડક્ટર ઉત્પાદન એકમો સ્થાપવાની શરૂઆત કરી છે.

પી.એમ. સુરજ પોર્ટલ અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નાના વ્યવસાયકારો, ધંધા રોજગાર માટે ઓછા વ્યાજ દરે લોન મળી રહેશે, જેનાથી તેમની આર્થિક સદ્ધરતા સાથે જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. તેમણે આ યોજનાઓનો લાભ લઈને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પણ આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અંત્યોદય વર્ગને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો સીધો લાભ મેળવવાનું આ પોર્ટલ માધ્યમ બનશે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની રૂપરેખા તેમણે આ તકે આપી હતી.

આ પ્રસંગે સાંસદશ્રીઓ ડૉ. કિરીટ સોલંકી, હસમુખ પટેલ, અમદાવાદ શહેરનાં મેયર સુશ્રી પ્રતિભા જૈન, ધારાસભ્ય સર્વેશ્રીઓ અમિતભાઈ શાહ, બાબુભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. પાયલબહેન કુકરાની, દર્શનાબહેન વાઘેલા તથા દિનેશસિંહ કુશવાહા સહિત કમિશનર શ્રી એમ. થેન્નારસન, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Post

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિક્સની ફરિયાદ ખાલિસ્તાનીઓ મંદિર, સ્કૂલ્સને ટાર્ગેટ કરી રહ્યાં છે

Thu Mar 14 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 અમેરિકામાં એફબીઆઈ, પોલીસ વિભાગ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાનીઓ દ્વારા થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવાનો હતો. તેમાં ખાલિસ્તાની સમર્થકો મંદિરો, સ્કૂલો અને દુકાનોને […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share