૧૫ મિલિયન ડોલરના લોન વિવાદમાં પૂર્વ MP રાજ ગ્રેવાલ અને GTAના બે પ્રમુખ ગુરુદ્વારા સામે અદાલતી દાવો

Dhwani News Online : Brampton
ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં વસતા સાઉથ એશિયન સમુદાય, બિઝનેસ નેટવર્ક અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવતા એક મોટા કાનૂની વિવાદમાં બ્રામ્પ્ટનના પૂર્વ સાંસદ અને જાણીતા વકીલ રાજ ગ્રેવાલ તેમજ ક્ષેત્રની બે અત્યંત સન્માનિત શિખ ધાર્મિક સંસ્થાઓ સામે ૧૫ મિલિયન ડોલરનો મોટો દાવો દાખલ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ ઓફ જસ્ટિસમાં નોન-બેંકિંગ પ્રાઇવેટ લેન્ડર્સ SSMT Management Inc. અને Oculus Mortgage GP Inc. દ્વારા દાખલ કરવામાં આવેલા સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ અનુસાર, રાજ ગ્રેવાલ અને તેમણે સ્થાપેલી લો ફર્મ RSG Law ફરતે નાણાકીય અને કાનૂની મુશ્કેલીઓનો ઘેરાવો વધુ ઘેરો બન્યો છે. આ દાવો શિખ સ્પિરિચ્યુઅલ સેન્ટર ટોરોન્ટો (ઈટોબીકોક ગુરુદ્વારા) અને બ્રામ્પ્ટનની લોકપ્રિય ધાર્મિક સંસ્થા નાનકસર ઠાઠ ઈશર દરબાર સંયુક્ત રીતે મેળવેલા મોર્ટગેજ ફાઇનાન્સિંગ સાથે સીધો જોડાયેલો છે.
અદાલતી દસ્તાવેજોમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, શરૂઆતમાં આ મોર્ટગેજ લોનની રકમ ૧૧ મિલિયન ડોલર નક્કી કરવામાં આવી હતી, જેને બાદમાં વધારીને ૧૫ મિલિયન ડોલર સુધી પહોંચાડવામાં આવી હતી. ધિરાણકર્તાઓ તરફથી આશરે ૧૨ મિલિયન ડોલરની રકમ ખરેખર એડવાન્સ તરીકે ચૂકવવામાં આવી હતી. પરંતુ લોનની શરતોનો ભંગ થતાં અને માસિક હપ્તાઓ અટકી જતાં, દાવો દાખલ થયો ત્યાં સુધીમાં ૨૪ ટકાના વાર્ષિક વ્યાજ દર લેખે ૧૩ મિલિયન ડોલરથી વધુની રકમ લેણી નીકળતી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિશાળ લોન માટે પૂર્વ એમપી રાજ ગ્રેવાલ પોતે પર્સનલ ગેરંટર બન્યા હતા. આ ઉપરાંત બંને ગુરુદ્વારાના પ્રમુખ અમરજીત સિંહ દેઓલ અને ગુરમેલ સિંહ નિર્માણ તરીકે ઓળખાવાયેલી વ્યક્તિઓએ પણ ગેરંટી આપી હતી, જે લોન બંને ધાર્મિક સંસ્થાઓની કિંમતી પ્રોપર્ટીઝ સામે સિક્યોર્ડ કરવાની કરારબદ્ધ શરત હતી.
આ સમગ્ર કેસનો સૌથી સંવેદનશીલ અને કાનૂની રીતે જટિલ મુદ્દો લોનની સિક્યોરિટી રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલો છે. ફરિયાદી લેન્ડર્સનો સીધો આરોપ છે કે RSG Law અને રાજ ગ્રેવાલ દ્વારા વારંવાર ખાતરીઓ આપવામાં આવી હોવા છતાં, બ્રામ્પ્ટન સ્થિત નાનકસર ગુરુદ્વારાની પ્રોપર્ટી પર આ કાનૂની ચાર્જ ક્યારેય રજિસ્ટર કરવામાં આવ્યો નહોતો. કેનેડિયન રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સિંગ કાયદા મુજબ, આવી રજિસ્ટર્ડ સિક્યોરિટી બોરોઅર નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે ધિરાણકર્તાના હિતોનું રક્ષણ કરે છે. આ સાત મહિનાની મુદતવાળી મોર્ટગેજ લોન જાન્યુઆરીમાં પાકી ગઈ હોવા છતાં તેની આખી રકમ ભરપાઈ કરાઈ નહોતી. રિપોર્ટ્સ દર્શાવે છે કે આશરે ૧૮૭,૦૦૦ ડોલરનો છેલ્લો માસિક વ્યાજનો હપ્તો એપ્રિલમાં ચૂકવાયો હતો, ત્યારબાદની ચૂકવણીઓ સંપૂર્ણપણે અટકી ગઈ છે.
આ તબક્કે અદાલતમાં બચાવ પક્ષ તરફથી સ્ટેટમેન્ટ ઓફ ડિફેન્સ રજૂ કરાયું નથી, અને રાજ ગ્રેવાલ કે ગુરુદ્વારા મેનેજમેન્ટ સામેનો કોઈ પણ આરોપ કોર્ટમાં સાબિત થયો નથી. ગ્રેવાલના લીગલ કાઉન્સિલ સિમન બીબરે જણાવ્યુ હતું કે તેમની માહિતી મુજબ આ કેસનો ઉકેલ આવી ગયો છે, જ્યારે ફરિયાદી પક્ષના વકીલ મારિયા નાઇમાર્કે કેસ ચાલુ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
સામાજિક અને ચેરિટેબલ ધાર્મિક ટ્રસ્ટો આ વિવાદમાં ઘેરાતાં કેનેડાના ઈન્ડો-કેનેડિયન સમુદાયમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વર્લ્ડ શિખ ઓર્ગેનાઈઝેશન (WSO) ના પ્રવક્તા બલપ્રીત સિંહે સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અદાલતી દાવવા હંમેશા એકતરફી રજૂઆત કરતા હોય છે. આ કેસ સિવાય પણ રાજ ગ્રેવાલ, RSG Law અને સંબંધિત વકીલો સામે રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સને લગતા વિવિધ સિવિલ કેસો ચાલી રહ્યા છે, જેમાં વિવાદિત રકમનો કુલ આંકડો ૨૦૦ મિલિયન ડોલરથી પણ વધુ હોવાનો અંદાજ છે. લો સોસાયટી ઓફ ઓન્ટારિયો દ્વારા પણ વ્યાવસાયિક આચારસંહિતા ભંગની તપાસ ચાલતી હોવાથી ગ્રેવાલે સ્વેચ્છાએ પોતાની લો પ્રેક્ટિસ મુલતવી રાખી છે, જ્યારે ફર્મ સાથે સંકળાયેલા રવિન્દર ખત્રાનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. અદાલતી સુનાવણી અને પુરાવાઓ આધારે જ આગામી દિવસોમાં સત્ય સામે આવશે.
First published on The Pointer by Joe Wittenbel Sept, 16th, 2026, Brampton

