પાઇલટ કૅપ્ટન સ્મિતની હોસ્પિટલમાંથી પીએમ મોદી સાથે ભાવુક વાતચીત : વડાપ્રધાન મોદીએ પાઇલટ સ્મિત ની વીરતાને બિરદાવી

Image credit: Screenshot from a video posted on Prime Minister Narendra Modi’s official X account, October 2, 2026.
ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | Guelph, ON, Canada.
પીએમ મોદીની બિરદાંજલિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૅપ્ટન સ્મિતના નિર્ણય અને સાહસને બિરદાવતા કહ્યું કે, “ભારતીયો જીવ લેવા વાળા નહીં, પણ જીવ બચાવવા વાળા છે. આખા દેશને તમારા પર ગર્વ છે.”
આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ જ્યારે મોત સામે આવીને ઊભું હતું, ત્યારે એક ભારતીય પાઇલટે બતાવેલી અસાધારણ શૌર્યતા અને અપ્રતિમ સાહસે સેંકડો મુસાફરોના જીવ બચાવીને ઈતિહાસ સર્જ્યો છે. ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં કૉકપિટની અંદર સર્જાયેલા ગંભીર હુમલા અને ઈજાઓ છતાં, ગંભીર રીતે ઘવાયેલા કૅપ્ટન સ્મિત મછારે જે અદ્ભુત ધૈર્ય, સમયસૂચકતા અને વ્યાવસાયિક ફરજિનષ્ઠા દર્શાવી, તેની આજે સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે કૉકપિટનો દરવાજો ખોલીને મુસાફરો અને અન્ય વિમાન કર્મચારીઓને અંદર આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો, જેના કારણે એક ભયાનક એર ઈમરજન્સી અને આકાશી અકસ્માતને સલામત લેન્ડિંગમાં ફેરવી શકાયો હતો.
ગત ૩૦ સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહેલી આ ફ્લાઈટ દરમિયાન અચાનક કૉકપિટની અંદર હિંસક બનાવ બન્યો હતો. સાઉદી અરેબિયાના સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કૅપ્ટન સ્મિત મછાર પર તેમના જ સહ-પાઇલટ (કો-પાઇલટ) દ્વારા અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સહ-પાઇલટ દ્વારા આ આખું વિમાન ક્રેશ કરવાનો અથવા તો જમીન પર પછાડી દેવાનો કથિત ષડયંત્રપૂર્ણ પ્રયાસ હતો કે કેમ, તે અંગે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર તપાસ ચાલી રહી છે.
હોસ્પિટલના બિછાનેથી ઓક્ટોબર ૨ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી ખાસ વીડિયો કોન્ફરન્સિંગ વાતચીતમાં કૅપ્ટને તે ભયાનક ક્ષણો વાગોળી હતી. કૉકપિટના ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં પડેલા હોવા છતાં, પોતાના વર્ષોના એવિએશન અનુભવના આધારે તેઓ સમજી ગયા હતા કે વિમાન અત્યંત ઝડપથી નીચેની તરફ જઈ રહ્યું છે અને ઊંચાઈ ગુમાવી રહ્યું છે. પોતાની જાન બચાવવાની સાથે તેમણે તુરંત નિર્ણય લીધો કે જો કૉકપિટનો સિક્યોરિટી ડોર કોઈપણ ભોગે અનલૉક કરવામાં આવે, તો બહાર રહેલા લોકો અંદર આવીને મદદ કરી શકશે. અત્યંત ઘાયલ અવસ્થામાં અને સતત હુમલા વચ્ચે પણ તેમણે પોતાની તમામ તાકાત એકઠી કરીને દરવાજો ખોલ્યો હતો.
કૉકપિટનો દરવાજો ખુલતાની સાથે જ વિમાનમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકો અને કેબિન ક્રૂ અંદર પ્રવેશ્યા હતા અને ઉન્મત્ત બનેલા કો-પાઇલટને કાબૂમાં લીધો હતો. આ દરમિયાન વિમાનની ઊંચાઈમાં ખૂબ જ નાટ્યાત્મક ફેરફારો નોંધાયા હતા. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટરાડાર24 ના ડેટા મુજબ, વિમાન અત્યંત ઝડપથી નીચે આવ્યું, ત્યારબાદ ફરી ઉપર ગયું અને અંતે ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ સ્થિર થયું હતું. વિમાને પહેલા સામાન્ય ઈમરજન્સી કોડ ૭૭૦૦ અને બાદમાં હાઈજેકિંગ અથવા ગેરકાયદેસર હસ્તક્ષેપ દર્શાવતો કટોકટી કોડ ૭૫૦૦ ટ્રાન્સમિટ કર્યો હતો.
ઈઝરાયેલી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે કૉકપિટમાં પ્રવેશીને કો-પાઇલટને દબોચી લીધો હતો, જેના કારણે એ જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા ફ્લાયદુબઈના અન્ય બે પાઇલટ્સ કૉકપિટનો ચાર્જ સંભાળવામાં સફળ રહ્યા હતા. વિમાનને વાયવ્ય સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ મોડીફાઈ કરીને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું અત્યંત સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરલાઈને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સાઉદી અરેબિયામાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ કૅપ્ટન સ્મિતને સંયુક્ત આરબ અમીરાત (UAE) ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં કૅપ્ટને જણાવ્યું હતું કે, આ કપરી કટોકટી વખતે તેઓ સતત હનુમાન ચાલીસાના પાઠ કરીને આત્મબળ મેળવી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કૅપ્ટનની અદભુત હિંમત, ધૈર્ય અને નિર્ણયશક્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે શુભેચ્છા પાઠવી હતી.
કેનેડા અને વિદેશમાં વસતા ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે કૅપ્ટન સ્મિતની આ દેશભક્તિ, ધાર્મિક આસ્થા અને વ્યાવસાયિક નિષ્ઠા ભારે પ્રેરણાદાયી બની રહી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએઈના પ્રમુખના સલાહકાર અનવર ગરગાશે પણ આ ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી કૅપ્ટનની બહાદુરીને બિરદાવી છે. હાલમાં ફ્લાયદુબઈએ તેલ અવીવની તમામ ઉડાન સ્થગિત કરીને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. પરંતુ આ આખી ઘટનામાં સૌથી મોટી બાબત એ રહી કે, પોતાના જીવના જોખમે પણ કૅપ્ટન સ્મિત ‘હું બીજા કોઈને મરવા ન દઉં’ના સંકલ્પ સાથે સેંકડો નિર્દોષ લોકોના શ્વાસ બચાવી લીધા.



