13 October 2026

ધ્વનિ વિષેશ તંત્રીલેખ : પંજાબની ‘કેન્સર ટ્રેન’: જીવવાની આશા અને ૩૨૫ કિલોમીટરની આકરી મુસાફરી

0
Illustrative image of Punjab’s Cancer Train at Bathinda Junction, showing passengers and families boarding an overnight train to Bikaner for cancer treatment, with a route map and Dhwani News Online editorial headline.
    Punjab’s “Cancer Train” has become a heartbreaking symbol of the struggle faced by cancer patients and their families travelling from Bathinda to Bikaner, Rajasthan, in search of affordable treatment. The overnight journey raises important questions about healthcare accessibility, environmental concerns and the human cost of serious illness. Dhwani News Online editorial illustration

    ‘સ્લો પોઇઝન’ અને આપણી થાળી: પંજાબની કેન્સર ટ્રેન થી કેનેડા સુધી ફૂડ સેફ્ટીની ગંભીર ચેતવણી! સસ્તા ખોરાકની કિંમત સ્વાસ્થ્યથી ન ચૂકવો: કેન્સર ટ્રેનની કહાનીમાંથી શીખવા જેવો મોટો પાઠ

    ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | ગ્વેલ્ફ, ઓન્ટારિયો

    તંત્રીલેખ | ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬

    વ્હાલા ‘ધ્વનિ’ વાચકો,

    આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવા માંગુ છું જેણે મારા હૃદયને ઊંડે સુધી હચમચાવી મૂક્યું છે. આ કોઈ રાજકારણ, અર્થતંત્ર, ઇમિગ્રેશન કે આપણા ઇન્ડો-કેનેડિયન સમુદાયની સિદ્ધિઓ વિશેનો સામાન્ય તંત્રીલેખ નથી. આ માનવીય પીડાની વાત છે, આપણા માતૃભૂમિની એક કડવી અને ભયાનક વાસ્તવિકતા છે. ટેલિવિઝનની સ્ક્રીન બંધ થઈ ગયા પછી પણ એક પ્રશ્ન સતત મારા મનમાં ઘૂમરાયા કરે છે.

    તાજેતરમાં મેં કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડે અભિનીત હિન્દી ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી: સ્લો પોઇઝન ઇન પ્રોગ્રેસ’ જોઈ. આ ફિલ્મ જંતુનાશકો (pesticides), ખોરાકની સુરક્ષા, પર્યાવરણીય પ્રદૂષણ અને જાહેર આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. પરંતુ આ કોઈ ફિલ્મનું રિવ્યુ નથી.

    ફિલ્મ જોતી વખતે મને તેની પાછળના વાસ્તવિક મુદ્દાઓ વિશે જાણવાની ઉત્સુકતા થઈ. મેં ન્યૂઝ રિપોર્ટ્સ, સરકારી આંકડા અને વૈજ્ઞાનિક સંશોધનો શોધવાનું શરૂ કર્યું. કે શું ખરેખર આવી કોઈ ટ્રેન છે..? અને મારી આંખો પર મને વિશ્વાસ ના રહ્યો આવી ટ્રેન છેલ્લા 16 વર્ષ ની ચાલે છે.

    એક ટ્રેન! હા, એક ટ્રેન

    આ કોઈ આલીશાન ટ્રેન નહોતી. કોઈ પ્રવાસન સ્થળે લઈ જતી ટ્રેન નહોતી. કોઈ નવી નોકરી, યુનિવર્સિટી કે પરિવારના પ્રસંગમાં જોડાવા માટે લોકોને લઈ જતી ગાડી નહોતી. પંજાબના બઠિંડાથી(ભટિંડા) રાજસ્થાનના બીકાનેર સુધી દોડતી એક સામાન્ય પેસેન્જર ટ્રેન, જેને વર્ષોથી એક અત્યંત હૃદયદ્રાવક ઉપનામ મળેલું છે: ‘ધ કેન્સર ટ્રેન’.

      હું કદાચ આજે આ બાબત પ્રત્યે જાગૃત થયો હોઈશ, અને આપણા વાચકોમાંથી ઘણા લોકો આ વિશે પહેલેથી જ જાણતા પણ હશે. પરંતુ મને ખાતરી છે કે આપણા ઘણા વાચકો આ ‘કેન્સર ટ્રેન’ વિશે આજે પહેલીવાર વાંચી રહ્યા હશે. શરૂઆતમાં તો મને પોતાને પણ આ વાંચવા પર વિશ્વાસ જ ન બેઠો. કેન્સરના દર્દીઓ સાથે જોડાયેલી ટ્રેન? સારવાર માટે રાતોરાત મુસાફરી કરતા પરિવારો? આનંદ માટે નહીં પણ ફક્ત જીવતા રહેવાની આશામાં કરાતી ૩૨૫ કિલોમીટરની આકરી મુસાફરી? અને ત્યારબાદ એક વિગતે મને વધુ વ્યથિત કરી દીધો: રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે ઉપડતી આ ટ્રેનમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ બીકાનેરમાં સસ્તા દરે કેન્સરની સારવાર મેળવવા રાતભર મુસાફરી કરે છે.

      શું દરરોજ રાત્રે? ખરેખર ? એક સામાન્ય રેલવે મુસાફરી આખા વિસ્તારમાં એક જીવલેણ રોગના નામે ઓળખાવા લાગે, તો વિચાર કરો કે ત્યાં પીડા અને લાચારીનું સ્તર કેવું હશે?

      મેં મારું સંશોધન ચાલુ રાખ્યું. જેમ જેમ હું વધુ વાંચતો ગયો તેમ મને સમજાયું કે આ કોઈ ફિલ્મ સર્જકની કલ્પના નથી. આ રેલવે મુસાફરી અને તેની પાછળ રહેલી આરોગ્ય ક્ષેત્રની લાચારી વર્ષોથી દસ્તાવેજીકૃત થયેલી છે. ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા ૨૦૧૧માં જ નોંધવામાં આવ્યું હતું કે બઠિંડાથી(ભટિંડા) બીકાનેર દરરોજ આશરે ૭૦ થી ૧૦૦ કેન્સરના દર્દીઓ વ્યાજબી સારવાર માટે મુસાફરી કરે છે. એપ્રિલ ૨૦૧૨માં આયોગના હસ્તક્ષેપ બાદ પંજાબ સરકારે કેટલાક જોખમી જંતુનાશકો સામે પગલાં લીધાં હતાં.

        જરા વિચાર કરો. આજે આપણે ઓક્ટોબર ૨૦૨૬માં છીએ. આ ટ્રેન ૨૦૧૧થી સતત ચાલી રહી છે – એટલે કે આખા ૧૬ વર્ષથી! આ કોઈ ગઈકાલે સામે આવેલી સમસ્યા નથી અને દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અને આ જ બાબત આ વાતને વધુ દર્દનાક બનાવે છે.

        ઇન્ડો-કેનેડિયન્સ તરીકે આપણામાંથી ઘણા લોકો કેનેડામાં પોતાનું જીવન બનાવવા માટે હજારો કિલોમીટર દૂર આવ્યા છે. કેટલાક માત્ર એક સૂટકેસ, શિક્ષણ, મહત્વાકાંક્ષા અને સપના લઈને આવ્યા હતા. કેટલાકે સફળ વ્યવસાયો સ્થાપ્યા છે, ઘર ખરીદ્યા છે, બાળકોને ઉછેર્યા છે અને કેનેડિયન સમાજના આદરણીય સભ્યો બન્યા છે. તો કેટલાક હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે. મોંઘા ઘરો, ગ્રોસરીના વધતા ભાવ, પરિવહન ખર્ચ અને કરિયર સેટ કરવાની ચિંતાથી નવા આવેલા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. બીજી તરફ, ભારતમાં હજારો લોકો હજુ પણ કેનેડા આવવાના સપના જોઈ રહ્યા છે.

        આપણામાંથી ઘણા લોકો પોતાની કારકિર્દી અને ભવિષ્ય માટે ચિંતિત છે, પણ ત્યાંના કેટલાક પરિવારો કેનેડા શિફ્ટ થવાના કે વિદેશ વસવાટના સપના પણ નથી જોઈ રહ્યા; તેઓ તો બસ એ આશામાં દિવસો ગણે છે કે તેમના પિતા કીમોથેરાપીના વધુ એક સેશનમાંથી જીવતા બહાર આવી જાય! કેટલીક માતાઓ આગામી ફેમિલી હોલિડે કે રજાઓની ચિંતા નથી કરી રહી, પણ એ મૂંઝવણમાં રાતો ગાળે છે કે બાળકના આગામી મેડિકલ ટેસ્ટના પૈસા ક્યાંથી લાવવા. કેટલાક બાળકો જન્મદિવસની ઉજવણીના દિવસો નથી ગણતા, પણ હોસ્પિટલના પલંગ પરથી તેમના માતા-પિતા ક્યારે ઘરે પાછા આવશે તેની રાહ જોઈ રહ્યા છે. આ એ પરિવારોની કડવી વાસ્તવિકતા છે જેમના માટે જીવવાનો સંઘર્ષ બીકાનેર જતી એ રેલવે મુસાફરી સાથે જોડાઈ ગયો છે.

          ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના આંકડા મુજબ પંજાબમાં ૨૦૨૨માં ૪૦,૪૩૫, ૨૦૨૩માં ૪૧,૩૩૭ અને ૨૦૨૪માં ૪૨,૨૮૪ કેન્સરના નવા કેસો નોંધાયા હતા. આ બે વર્ષમાં ૪.૬ ટકાનો વધારો દર્શાવે છે. એક વર્ષમાં ૪૨,૨૮૮ નવા કેસ! પંજાબના માળવા વિસ્તારમાં ભૂગર્ભ જળમાં આર્સેનિક, યુરેનિયમ અને કેમિકલ્સના ભારે વપરાશ સામે સંશોધનો થયા છે. ‘હરિયાળી ક્રાંતિ’ એ દેશને અનાજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યો, પણ તે માટે વપરાયેલા જંતુનાશકોની કિંમત આજે સામાન્ય જનસમુદાય ચૂકવી રહ્યો છે. ખેડૂતો કોઈ દોષિત નથી, તેઓ તો સિસ્ટમનો ભોગ બન્યા છે.

          ભારતીય રેલવે કેન્સર દર્દીઓને સ્લીપર અને થર્ડ એસીમાં ૧૦૦% ભાડામાં છૂટ આપે છે અને પંજાબ સરકાર પણ ‘મુખ્યમંત્રી પંજાબ કેન્સર રાહત કોષ’ હેઠળ ₹૧.૫૦ લાખ સુધીની સહાય આપે છે. ચંદીગઢ અને બઠિંડામાં (ભટિંડા) હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને એઇમ્સ (AIIMS) જેવી સુવિધાઓ ઊભી થઈ છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ સુવિધાઓ ગ્રામીણ વિસ્તારો સુધી પૂરતી ઝડપે પહોંચી રહી છે?

          હું સ્પષ્ટ કરી દઉં કે આ લેખ બિલકુલ ભારત કે ભારત સરકારની વિરુદ્ધ નથી. આ લેખ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે ૨૦૨૬માં છીએ છતાં આ પરિસ્થિતિ કેમ છે..?

            કેનેડામાં વસતા ઇન્ડો-કેનેડિયન્સ માટે ફૂડ સેફ્ટી અને જાગૃતિનો મહત્વનો પાઠ

            આ કરુણ વાત માત્ર ભારત પૂરતી સીમિત નથી, પરંતુ કેનેડામાં વસતા આપણા સમગ્ર ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે પણ ‘ફૂડ સેફ્ટી’ (ખોરાકની સુરક્ષા) અને દૈનિક જીવનશૈલી અંગેનો એક બહુ મોટો ચેતવણીરૂપ પાઠ છે. આપણે કેનેડા જેવા વિકસિત દેશમાં રહીએ છીએ, જ્યાં ખોરાકની ગુણવત્તા અને જાહેર આરોગ્ય અંગેના કડક કાયદાઓ છે. પરંતુ તેમ છતાં, શું આપણે આપણી દૈનિક ખાણીપીણીની પસંદગીઓ પ્રત્યે ખરેખર જાગૃત છીએ?

            ઘણીવાર ભાગદોડ ભરેલી ઝીંદગીમાં અથવા ગ્રોસરીના બિલમાં માત્ર થોડા સેન્ટ્સ કે ડોલર બચાવવાની લાલચમાં, આપણે શાકભાજી, ફળો કે પ્રોસેસ્ડ ફૂડ ખરીદતી વખતે તેના સોસિંગ (ઉત્પાદન) અને ગુણવત્તા વિશે વિચારવાનું ટાળીએ છીએ.

            • તપાસીને ખરીદો, સમજીને ખાઓ: આપણે શું ખાઈ રહ્યા છીએ અને લાંબા ગાળે તેની આપણા અને આપણા બાળકોના શરીર પર શું અસરો પડશે તે જાણવું અત્યંત જરૂરી છે.
            • બરાબર ધોઈને ઉપયોગ કરો: બજારમાંથી લાવેલા શાકભાજી કે ફળો પર વાપરેલા જંતુનાશકો અને પ્રોસેસિંગ કેમિકલ્સને દૂર કરવા માટે તેને વાપરતા પહેલા નવશેકા પાણી કે વિનેગર વાળા પાણીથી યોગ્ય રીતે બરાબર ધોઈ લેવાની ટેવ પાડો.
            • કેમિકલયુક્ત અને પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાકથી દૂર રહો: લાંબા સમય સુધી સચવાયેલા ટીન ફૂડ (canned food), પ્રોસેસ્ડ પેકેજ્ડ આઇટમ્સ અને કૃત્રિમ પ્રિઝર્વેટિવ્સથી ભરેલા ખોરાકનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો. કુદરતી અને તાજો ખોરાક જ શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખે છે.

              યાદ રાખો, વાપરતા કે ખાતા પહેલા બે વાર વિચારવું જરૂરી છે. આ તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય છે, અને તેનાથી મોટું કોઈ રોકાણ નથી. હું એવું બિલકુલ નથી કહેતો કે આપણે કેનેડામાં સંપૂર્ણપણે અસુરક્ષિત છીએ, પરંતુ અહીં પણ આપણે ખોરાકની પસંદગી પ્રત્યે એટલા જ સાવચેત અને જાગૃત રહેવાની જરૂર છે.

              દેશનો વિકાસ માત્ર ટ્રેનો કેટલી ઝડપે દોડે છે તેનાથી નથી મપાતો, પરંતુ દેશ નાગરિકો કેટલા સ્વસ્થ રહે છે તેનાથી મપાય છે.

              સ્વછ અને સ્વસ્થ ભારતની મનોકામના ના ચિંતન, સંવેદના અને આશા સાથે,

              હિતેશ જગડ | ચીફ એડિટર, ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન |ઇન્ડો-કેનેડિયન કમ્યુનિટી ન્યૂઝપેપર

                Share with friends

                What do you feel about this?

                Leave a Reply

                Your email address will not be published. Required fields are marked *

                You may have missed

                Click to listen highlighted text!
                Total
                0
                Share