ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો. જેને ભારતે રદીયો આપ્યો હતો. આ બાબતે પહેલીવાર ઇન્ટરનેશનલ પ્રતિક્રિયા આવી છે, કેનેડાના મિત્ર દેશ ન્યૂઝીલેન્ડ તરફથી. ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમ વિન્સટન પીટર્સે કેનેડાના દાવા અંગે નિવેદના આપ્યા બાદ આ મામલો ફરી લાઇમલાઈટમાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ અને કેનેડા ફાઈવ આઈઝ નામના જાસૂસી ગઠબંધનના સભ્ય છે. જેમાં સામેલ બીજા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે.
ટ્રુડોએ ફાઈવ આઈઝ ગઠબંધન દ્વારા મળેલી ગુપ્ત માહિતીનો હવાલો આપીને જ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ મુકયો હતો. હવે ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમ વિન્સટન પીટર્સે ભારતના એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે, આ વિવાદ સર્જાયો ત્યારે હું ન્યૂઝીલેન્ડની સરકારમાં નહોતો પણ ક્યારેક ક્યારેક તમે ફાઈવ આઈઝની ગુપ્ત માહિતીને માત્ર સાંભળતા હોય છે અને તેના પર કોઈ ટિપ્પણી કરતા નથી હોતા.તમને ખબર નથી હોતી કે જે જાણકારી મળી રહી છે તેનુ મૂલ્ય કે તેની ગુણવત્તા કેવી છે.તમે માત્ર એવુ વિચારીને ખુશ થાવ છો કે કોઈ ગુપ્ત માહિતી હાથ લાગી છે.ક્યારેક ક્યારેક આ પ્રકારે શેર થતી જાણકારી બહુ મહત્વની પણ પૂરવાર થતી હોય છે. પણ હું ફરી કહીશ કે નિજજરનો મામલો અગાઉની સરકારે ધ્યાને લીધો હતો.
ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર વિન્સટન પીટર્સે આગળ કહ્યુ હતુ કે, હું એક અનુભવી વકીલ છું અને એ રીતે જોઉં તો મને લાગે છે કે, નિજ્જર હત્યાકાંડમાં જે દાવો થયો હતો તેના પૂરાવા ક્યાં છે અને તેના બીજા તારણો પણ ક્યાં છે?…મને તો એક પણ પૂરાવો જોવા મળી રહ્યો નથી.
ફાઈવ આઈઝ સંગઠનના સભ્ય દેશ પૈકી કોઈ એક દેશે નિજજર મામલામાં કેનેડાના દાવા પર સંદેહ વ્યક્ત કર્યો હોય તેવી આ પહેલી ઘટના છે અને તેના કારણે ટ્રુડોના દાવાની વિશ્વસનિયતા પર ફરી સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.
ભારત તો પહેલેથી જ નિજ્જરની હત્યામાં પોતાની કોઈ સંડોવણી હોવાનુ ઈનકાર કરતુ રહ્યુ છે. ભારતે કેનેડા પાસે તેના દાવાને પૂરવાર કરવા માટે પૂરાવા પણ માંગ્યા છે.જોકે ટ્રુડો સરકાર હજી સુધી એક પણ પૂરાવો જાહેર કરી શકી નથી.
ન્યૂઝીલેન્ડના ડે.પીએમની ટીપ્પણી બાદ ફરી આ મામલો ગરમાય એવું લાગી રહ્યું છે. આ બાબતે હજી સુધી કેનેડાની સત્તાવાર પ્રતિક્રિયા જાહેર થઇ નથી. ત્યારે અન્ય દેશો પણ કેવી પ્રતિક્રિયા આપે છે એની ઉપર સૌની નજર મંડાયેલી છે.
#canada #Justin-trudeau #New-Zealand #Nijjar-killing #Five-Eyes-partner #New-Zealand-dy.PM #Winston-Peters #India