8 October 2026

માર્ક કાર્નીની લોકપ્રિયતા ૬૬ ટકાએ પહોંચી: પોઈલિયેવરેના નેતૃત્વ સામે કન્ઝર્વેટિવ પક્ષમાં મંથન શરૂ

    ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | Guelph

    કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર (Prime Minister) માર્ક કાર્નીની લોકપ્રિયતા તાજેતરના નેશનલ સર્વેમાં ૬૬ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. બીજી તરફ, ફેડરલ લિબરલ્સ (Federal Liberals) પક્ષે કન્ઝર્વેટિવ્સ પર બે આંકડાની મજબૂત લીડ જાળવી રાખી છે. આ નવીનતમ રાજકીય સ્થિતિના કારણે કન્ઝર્વેટિવ પક્ષના આંતરિક વર્તુળોમાં પક્ષની વ્યૂહરચના અને પિયર પોઈલિવ્રે (Pierre Poilievre) ના નેતૃત્વ અંગે ગંભીર ચર્ચાઓ અને મનોમંથન તેજ બન્યું છે.

    તાજેતરમાં ૧૪ સપ્ટેમ્બરે જાહેર થયેલા લિયાઝન સ્ટ્રેટેજીસ (Liaison Strategies) ફેડરલ ટ્રેકર સર્વે અનુસાર, સતત બીજા અઠવાડિયે પ્રાઇમ મિનિસ્ટર કાર્નીનો એપ્રુવલ રેટ (Approval Rating) ૬૬ ટકા નોંધાયો છે. જે મતદારોએ પોતાનો નિર્ણય લઈ લીધો છે અથવા જેમનું ઝૂકાવ ચોક્કસ પક્ષ તરફ છે, તેવા વોટર્સમાં લિબરલ્સ ૪૪ ટકા સમર્થન સાથે પ્રથમ સ્થાને છે. તેની સરખામણીએ કન્ઝર્વેટિવ્સને ૩૨ ટકા અને એનડીપી (NDP) ને ૧૪ ટકા સમર્થન મળ્યું છે. બીજી તરફ, પોઈલિવ્રેની લોકપ્રિયતામાં થોડો સુધારો થઈને ૩૬ ટકા થઈ છે, જ્યારે ૫૧ ટકા લોકો તેમના વિશે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. ૩૦ ઓગસ્ટથી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન ૧,૫૨૬ કેનેડિયનો સાથે ઇન્ટરેક્ટિવ વોઇસ રેકોર્ડિંગ દ્વારા આ સરવે કરવામાં આવ્યો હતો.

    અન્ય એક પ્રતિષ્ઠિત સંસ્થા એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (Angus Reid Institute) દ્વારા ૧૦ સપ્ટેમ્બરે જાહેર કરાયેલા સરવેમાં પણ સમાન રાજકીય ચિત્ર ઉપસી આવ્યું છે. ૨ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ૧,૮૧૧ કેનેડિયન પુખ્ત વયના લોકો પર કરાયેલા આ ઓનલાઈન સરવેમાં ૬૧ ટકા લોકોએ કાર્ની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું, જ્યારે માત્ર ૩૨ ટકા લોકો પોઈલિવ્રેને અનુકૂળ નજરે જુએ છે. વોટ ઇન્ટેન્શનની દ્રષ્ટિએ લિબરલ્સને ૪૬ ટકા અને કન્ઝર્વેટિવ્સને ૩૨ ટકા સમર્થન મળ્યું છે.

    આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે લીડીંગ ન્યુસ ચેનલ ના અહેવાલ મુજબ કેટલાક કન્ઝર્વેટિવ સાંસદો (MPs) માં અસંતોષ અને ચિંતા વધી રહી છે. બ્રિટિશ કોલંબિયાના પેન્ટિક્ટોન ખાતે યોજાયેલી પક્ષની કોકસ મિટિંગ (Caucus Retreat) દરમિયાન વાત કરનારા અંદરના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ (U.S.) વચ્ચેનો વિવાદ રાષ્ટ્રીય રાજકારણમાં છવાયેલો હોવાથી પક્ષના કાર્યકરો અને સાંસદોનું મનોબળ ડાઉન જોવા મળ્યું હતું.

    પોઈલિવ્રે તાજેતરમાં અમેરિકન મીડિયામાં ઇન્ટરવ્યુ આપીને કેનેડા-યુએસ સંબંધો પર પોતાનું વલણ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં, યુએસ સાથેના સંબંધો જ્યારે દેશનો સૌથી મોટો મુદ્દો બન્યા હોય, ત્યારે ઓફિશિયલ ઓપોઝિશન (Official Opposition) તરીકે લિબરલ સરકારથી પક્ષને અલગ કેવી રીતે દર્શાવવો, તે અંગે કન્ઝર્વેટિવ સાંસદોમાં હજુ પણ શંકાઓ સેવાઈ રહી છે.

      કન્ઝર્વેટિવ પક્ષના ડેપ્યુટી લીડર મિલિસા લેન્ટ્સમેને જાહેર રૂપે સ્વીકાર્યું હતું કે પક્ષ હાલ જે રાજકીય સ્થાન પર હોવો જોઈએ ત્યાં નથી, અને આ ફોલ સત્રમાં પોતાની પ્લેબુક એટલે કે રાજકીય વ્યૂહરચનામાં ફેરફાર કરશે. બીજી તરફ કન્ઝર્વેટિવ સાંસદ જામિલ જિવાનીએ દલીલ કરી હતી કે વિપક્ષે દેશવાસીઓ સમક્ષ લિબરલ્સના વિકલ્પ તરીકે એક સ્પષ્ટ રોડમેપ રજૂ કરવાની જરૂર છે.

      આંતરિક મતભેદો હોવા છતાં, કન્ઝર્વેટિવ સાંસદો પોઈલિયેવરેને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યા હોય તેવા કોઈ સંકેતો નથી. જાન્યુઆરીમાં યોજાયેલી લીડરશિપ રિવ્યુમાં તેમને મોટું સમર્થન મળ્યું હતું, અને સાંસદ માઇકલ બેરેટે આ પરિણામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે પક્ષના ગ્રાઉન્ડ લેવલના સભ્યો હજુ પણ પોઈલિયેવરે સાથે છે. આ ઉપરાંત, એંગસ રીડના સર્વે મુજબ ૨૦૨૫માં કન્ઝર્વેટિવને મત આપનારા ૬૭ ટકા લોકો પોઈલિયેવરેની કામગીરીથી સંતુષ્ટ છે.

      રાજકારણમાં સ્થિતિ ઝડપથી બદલાતી હોય છે. પાર્લામેન્ટનું સત્ર શરૂ થશે ત્યારે કન્ઝર્વેટિવ્સ મોંઘવારી (Inflation), અફોર્ડેબિલિટી (Affordability), સરકારી ખર્ચ અને આર્થિક દબાણો જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. હાલ પોઈલિવ્રે અને કન્ઝર્વેટિવ પક્ષ સામે સૌથી મોટો પડકાર એવા પ્રાઇમ મિનિસ્ટરનો સામનો કરવાનો છે, જેમની લોકપ્રિયતા પોતે પોતાના પક્ષ કરતાં પણ ઘણી વધારે છે.

      Share with friends

      What do you feel about this?

      You may have missed

      Total
      0
      Share