કૃષ્ણમય જીવન: ત્યાગ, સમર્પણ અને કર્મનો મહામાર્ગ

Article by : પારૂલ શાહ, બ્રેમ્પટન, કેનેડા
શ્રાવણ ની હેલી વરસતી હોય, મધ્ય રાત્રી નો પહોર હોય, પૂરી સૃષ્ટિ એકાકાર થઈ ને કાના ની રાહ જોતી હોય ત્યારે તે સાંસારિક બંધનો માં બંધાવવા જેલ ની કાળી કોટડી માં પ્રકાશ પૂંજ બની ને ,ભક્તિ અને જ્ઞાન ના પ્રતીક રૂપી જન્મ લે છે.
આનંદ ઉલ્લાસ નું અવતરણ એટલે કૃષ્ણ જન્મોત્સવ, ધાર્મિક તા સાથે આધ્યાત્મિકતા નું જોડાણ કરવા થી કૃષ્ણ નું અવતરણ થાય છે.જીવન ના સંઘર્ષ નો જન્મ તેના જન્મ ની સાથે શરૂ થઈ જાય છે વિરહ ના રૂપ માં. કિશોરાવસ્થા માં પ્રેમ ની અનુભૂતિ કરવી અને એ પ્રેમ પરાકાષ્ઠા સુધી પહોંચે તે પહેલા તેનો ત્યાગ કરવો તે કૃષ્ણ જ કરી શકે. જીવન માં બધું બધા પ્રાપ્ત નથી કરી શકતા. જે ગુમાવ્યું છે તે આપણા જીવન માં હતું જ નહીં. તે સમજાવે તે કૃષ્ણ.
કૃષ્ણ એટલે આશા, વિશ્વાસ છે.એ આપણા માં બેઠેલા કંસ નો નાશ પણ કરી શકે છે.એમણે સમગ્ર સૃષ્ટિ ને સમજાવ્યુ કે શાંત ચિત્તે,નમ્ર બની ને, સામર્થ્ય હોવા છતાંપણ સંયમ કેવી રીતે રાખવો. જીવન માં બધું જ છૂટતું જાય તો પણ પોતાની મર્યાદા, ગરિમા નો ત્યાગ કયારેય ના કરવો જોઈએ.
“કર્મણયેવાધિકારસતે મા ફલેષુ કદાચન “
કર્મ એ આપણો અધિકાર છે,પરિણામ નથી. સારા કર્મ કરવા, આપણી વિચારધારા ને સકારાત્મક રાખવી અને મન ના અટૂટ વિશ્વાસ ને પોતાના જીવન માં સ્થાન આપવું . કેટકેટલી વિષમ થી વિષમ પરિસ્થિતિ ઓ માં સત્ય, ધર્મ અને કર્મ નો માર્ગ કયારેય ના છોડવો અને હસતાં હસતાં તેનો સામનો કરવો. જીવન ના કર્તવ્યો ને પૂરી નિષ્ઠા થી, પરિણામ ની ચિંતા કર્યા ના વગર નિભાવવા તે કૃષ્ણ જ બતાવી શકે છે.

કૃષ્ણ બનવું શું સહેલુ છે? કૃષ્ણ સામાન્ય નથી. તેની નટખટ લીલા ઓ,રાસલીલાઓ ને આપણું સ્વાર્થી મન તેને સામાન્ય બનાવી ને જ માને છે, પરંતુ તેના હાથ માં કોમળ બાંસુરી ના સૂર છે તો એ જ હાથ સુદર્શન ચક્ર ને પણ ધારણ કરે છે. કૃષ્ણ સમજાવે છે કે ક્યારે પ્રેમ થી સમર્પણ કરવું અને ક્યારે જીવન નાં મહાભારત ને લડવાનું છે.
જીવન માં રામ જેટલા જરૂરી છે તેટલુંજ કૃષ્ણ નું હોવું જરૂરી છે. રામ મર્યાદા શીખવે છે તો કૃષ્ણ સમર્પણ-પ્રેમ શીખવે છે. “રામ નું જીવન સુવાક્ય છે તો કૃષ્ણ નું જીવન ઉખાણું છે. ”
જીવન ના મહાભારતના યુદ્ધ થી આપણે ભાગવું ના જોઈએ પણ મજબૂતી થી પોતાના ધર્મ નું પાલન કરવું જોઈએ. કૃષ્ણ એ બતાવ્યુ કે દોષો નો સ્વીકાર પણ જીંવતતાથી કરવો જોઈએ ને તેના પરિણામ થી દૂર ના જવું જોઈએ. જીવન માં આવતી અવનવી ભૂમિકા ને ખેલદિલી થી ને પૂર્ણ રૂપ થી ભજવવી જોઈએ.
જીવન ને કૃષ્ણમય બનાવી દેવા થી પરમાનંદ નો અનુભવ થાય છે. આશા, ઉમંગ,અને સપનાઓ ની છલકતી મટકી ઓ ને ફોડી ને તેને સાકાર કરવા ની સ્થિતિ ફક્ત કૃષ્ણ પાસે જ છે. તે બતાવે છે કે આપણી ચેતના, આપણો વિવેક, આપણા કર્મ, અને આપણી મુસ્કાન કયારેય ના છૂટવી જોઈએ. તેથી જ જીવન માં કૃષ્ણ ને આત્મસાત કરવા અનિવાર્ય છે.

