10 September 2026

એપલનો નવો ધડાકો: ફોલ્ડેબલ આઈફોન ડ્યુઓ સાથે સ્માર્ટફોન યુગમાં સિંહફાળ

0
    Media from the official Apple News Release

    ટોરોન્ટો (ધ્વનિ ન્યૂઝ): ટેકનોલોજી ક્ષેત્રની દિકગજ કંપની એપલે સત્તાવાર રીતે ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં પગરણ કરીને પોતાની પ્રથમ ફોલ્ડિંગ ડિવાઇસ આઈફોન ડ્યુઓ (iPhone Duo) લોન્ચ કરી છે. લગભગ બે દાયકા પહેલાં મૂળ આઈફોને મોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી, ત્યારબાદની આ સૌથી મોટી અને મહત્વપૂર્ણ ડિઝાઇનની ઉત્ક્રાંતિ માનવામાં આવે છે.

    કેનેડિયન ગ્રાહકો માટે આ વિજ્ઞાન અને ટેકનોલોજીની લાંબી છલાંગ સાથે તેનો ભાવ પણ આંખો અંજાઈ જાય તેવો સામે આવ્યો છે. આઈફોન ડ્યુઓની શરૂઆતી કિંમત CAD $2,999 નક્કી કરવામાં આવી છે, જે તેને સ્માર્ટફોન માર્કેટના સૌથી પ્રીમિયમ સ્તર પર મૂકે છે. કેનેડાના ગ્રાહકો આ ડિવાઇસ માટે 16 ઓક્ટોબરથી પ્રી-ઓર્ડર કરી શકશે, જ્યારે 23 ઓક્ટોબરથી તે બજારમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ મોડેલ સ્ટાર વ્હાઇટ અને નાઇટ સ્કાય રંગોમાં તેમજ 256GB થી લઈને 2TB સુધીના સ્ટોરેજ વિકલ્પોમાં મળશે.

    આઈફોન ડ્યુઓની મુખ્ય વિશેષતા એ છે કે તે સામાન્ય ખિસ્સામાં સમાઈ જતા સ્માર્ટફોનમાંથી ક્ષણભરમાં એક મોટો ડિજિટલ વર્કસ્પેસ બની જાય છે. બંધ હોય ત્યારે યુઝર્સને 5.4-ઇંચની આઉટર સ્ક્રીન મળે છે. પરંતુ જેવું આ ડિવાઇસ ખોલવામાં આવે, કે તરત જ અંદરની 7.6-ઇંચની વિશાળ સુપર રેટિના XDR સ્ક્રીન ખુલી જાય છે. આ વિશાળ ડિસ્પ્લેના કારણે વિડીયો જોવા, ગેમિંગ, વાંચન અને ઓફિસના કામકાજ માટે અદભુત અનુભવ મળે છે. એપલના દાવો અનુસાર, ખુલેલી સ્થિતિમાં આ અત્યાર સુધીનો સૌથી પાતળો આઈફોન છે.

    Video from the official Apple News Release.

    આ ફોલ્ડિંગ ફોર્મેટનો પૂર્ણ ઉપયોગ કરવા માટે એપલે વિશેષરૂપે iOS 27 ડિઝાઇન કર્યું છે. આઈફોનના ઇતિહાસમાં પ્રથમ વખત યુઝર્સ સ્પિલટ વ્યૂ (Split View) ફીચર દ્વારા એકસાથે બે એડવાન્સ્ડ એપ્સ ચલાવી શકશે. દાખલા તરીકે, યુઝર સ્ક્રીનના એક ભાગ પર શોપિંગ વેબસાઇટ અને બીજા ભાગ પર અન્ય પ્રોડક્ટની સરખામણી કરી શકે છે, અથવા વાતચીત ચાલુ રાખવાની સાથે બીજા એપમાંથી માહિતી મેળવી શકે છે. આ સિવાય એકસાથે બે સફારી વિન્ડો પણ ઓપરેટ કરી શકાય છે.

    આ વર્ષના અંત સુધીમાં આમાં એપલ પેન્સિલ (Apple Pencil) સપોર્ટ પણ ઉમેરાવાની ધારણા છે, જે અત્યાર સુધી માત્ર આઈપેડ પૂરતું મર્યાદિત હતું. આ મોટો સ્ક્રીન બિઝનેસ યુઝર્સ, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે અત્યંત આકર્ષક સાબિત થશે જેઓ વધારાનું ટેબ્લેટ સાથે રાખ્યા વિના બહુવિધ કાર્યો એક જ ડિવાઇસ પર કરવા માંગે છે.

      આ નવીનતમ ડિઝાઇનની અંદર એપલની શક્તિશાળી A20 Pro ચિપ લગાવવામાં આવી છે, જે કસ્ટમ વેપર-ચેમ્બર કુલિંગ સિસ્ટમ અને ડ્યુઅલ-બેટરી આર્કિટેક્ચર સાથે કામ કરે છે. એપલ જણાવે છે કે આ સિસ્ટમ આઈફોન 17 પ્રો કરતાં 35 ટકા વધુ ઝડપી અને બહેતર પરફોર્મન્સ આપે છે. બેટરી બેકઅપની વાત કરીએ તો, અંદરની મોટી સ્ક્રીન પર 31 કલાક અને બહારની સ્ક્રીન પર 44 કલાક સુધીનો વિડીયો પ્લેબેક સમય મળી રહે છે.

      ફોલ્ડેબલ ફોન્સ માર્કેટમાં આવ્યા ત્યારથી જ તેમની મજબૂતાઈ અને ટકાઉપણા પર પ્રશ્નો ઊભા થતા આવ્યા છે. એપલે આ પડકારનો મજબૂત ઉકેલ શોધવા ભારે એન્જિનિયરિંગ કૌશલ્ય દાખવ્યું છે. આઈફોન ડ્યુઓમાં ગ્રેડ 5 ટાઇટેનિયમ, સિરામિક શીલ્ડ પ્રોટેક્શન અને 100 થી વધુ ઝીણા સ્પેરપાર્ટ્સ ધરાવતું પ્રિસીઝન હિંજ (મિજાગરું) વાપરવામાં આવ્યું છે. અંદરની સ્ક્રીન પર અનેક રક્ષણાત્મક સ્તરો છે જેથી વારંવાર ફોલ્ડ કરવા છતાં સ્ક્રીન પર પડતી કરચલી (crease) નગણ્ય દેખાય. આ ફોન IP68 રેટિંગ ધરાવે છે જે પાણી, ધૂળ અને છાંટા સામે સંપૂર્ણ રક્ષણ આપે છે.

        ફોટોગ્રાફી હંમેશા આઈફોનનો મુખ્ય પ્રાણ રહી છે. ડ્યુઓમાં 48-મેગાપિક્સલનો ફ્યુઝન મેઈન કેમેરા અને 48MP ફ્યુઝન અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. બે સ્ક્રીનવાળી આ ડિઝાઇને ફોટોગ્રાફીમાં નવો જ રોમાંચ ઉમેર્યો છે. જે વ્યક્તિનો ફોટો પાડવામાં આવી રહ્યો હોય તે બહારની સ્ક્રીન પર પોતાનો લાઈવ પ્રીવ્યૂ જોઈ શકે છે, જ્યારે યુઝર્સ પાછળના હાઇ-રિઝોલ્યુશન કેમેરાનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ સેલ્ફી લઈ શકે છે.

        વિડીયો રેકોર્ડિંગ ક્ષમતામાં, મુખ્ય કેમેરા દ્વારા ડોલ્બી વિઝનમાં પ્રતિ સેકન્ડ 120 ફ્રેમ્સ પર 4K રેકોર્ડિંગ શક્ય બને છે. ઉપરાંત, આ ફોલ્ડેબલ ડિઝાઇનના કારણે ટ્રાયપોડ કે સ્ટેન્ડ વિના પણ ફોનને ટેબલ પર મૂકીને વિડીયો કોલ અથવા રેકોર્ડિંગ સરળતાથી કરી શકાય છે.

        આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ એપલની આ નવી રજૂઆતનો મોટો હિસ્સો છે. આઈફોન ડ્યુઓ એપલ ઇન્ટેલિજન્સ અને સિરી AI નું અદ્ભુત સંયોજન ધરાવે છે. એપલના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ વ્યક્તિગત સંદર્ભ, સ્ક્રીન પર દેખાતી માહિતી અને સપોર્ટેડ એપ્સની વિગતો સમજીને વધુ ચોક્કસ અને ઉપયોગી સહાય પૂરી પાડે છે. આ સાથે એપલે પોતાની પ્રાઇવસી પોલિસી જાળવી રાખીને ડેટા પ્રોસેસિંગ ડિવાઇસ પર જ થાય અને પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટ ટેકનોલોજી સુરક્ષિત રહે તે પર ભાર મૂક્યો છે.

          આ ડિવાઇસ કેનેડા સહિત વિશ્વભરમાં માત્ર eSIM-ઓન્લી ફોર્મેટમાં જ ઉપલબ્ધ થશે. એપલ અનુસાર વિશ્વભરના 500 થી વધુ ટેલિકોમ પ્રોવાઇડર્સ દ્વારા eSIM સપોર્ટ કરવામાં આવે છે, જેમાં કેનેડાના મુખ્ય નેટવર્ક પ્રોવાઇડર્સ જેવા કે બેલ (Bell), રોજર્સ (Rogers) અને ફ્રીડમ મોબાઇલ (Freedom Mobile) નો પણ સમાવેશ થાય છે.

          તમામ અદ્યતન ફિચર્સ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે એપલ એક અદભુત ફોલ્ડેબલ ફોન બનાવી શકે છે કે નહીં, પરંતુ ખરીદદારો આ ફોન માટે લગભગ 3,000 ડોલર ખર્ચવા તૈયાર છે કે નહીં!

          ટેક્સ ઉમેર્યા વિના CAD $2,999 ની કિંમતે આવતો આઈફોન ડ્યુઓ સામાન્ય સ્માર્ટફોનની શ્રેણી વટાવીને પ્રીમિયમ લેપટોપની કિંમતની હરોળમાં આવી જાય છે. આ કિંમત ટેકનોલોજીની સફળતા સાથે સાથે ગ્રાહકોની ક્ષમતા અને માનસિકતાની પણ મોટી પરીક્ષા કરશે. ફોલ્ડેબલ ફોન્સ અન્ય સ્પર્ધક કંપનીઓ દ્વારા વર્ષોથી બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ આ કેટેગરી હજુ સુધી સામાન્ય ગ્રાહકોમાં સંપૂર્ણપણે હોટ-ફેવરિટ બની શકી નથી.

            એપલનો ઇતિહાસ રહ્યો છે કે તે કોઈપણ નવી કેટેગરીમાં ઉતાવળ કરવાને બદલે મોડી એન્ટ્રી કરે છે. કંપની હંમેશા ટેકનોલોજી સંપૂર્ણ પરિપક્વ થાય ત્યાં સુધી રાહ જુએ છે, અને ત્યારબાદ તે અનુભવને સરળ બનાવીને વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચાડે છે. આઈફોન ડ્યુઓ એપલની આ જ વ્યૂહરચનાની સૌથી મોટી કસોટી સાબિત થશે.

            કેનેડાના એપલ પ્રેમીઓ માટે ઓક્ટોબર મહિનો એ નક્કી કરવાનો પ્રથમ અવસર બનશે કે શું આ ફોલ્ડિંગ આઈફોન સ્માર્ટફોન ક્ષેત્રે ભવિષ્યની નવી ક્રાંતિ છે, કે પછી એક મોંઘી લક્ઝરી આઇટમ જે માત્ર અમુક ચોક્કસ વર્ગ સુધી જ સીમિત રહેશે. આ બધી ચર્ચાઓ વચ્ચે એક વાત ચોક્કસ છે; વર્ષોથી એક સરખા લંબચોરસ આઈફોન જોયા પછી, એપલે આખરે કંઈક એવું રજૂ કર્યું છે જે હાથમાં લેતા જ આંખે વળગે છે: આઈફોન હવે ફોલ્ડ થાય છે!

            News based on official News release, including pictures.

              Share with friends

              What do you feel about this?

              Leave a Reply

              Your email address will not be published. Required fields are marked *

              You may have missed

              Total
              0
              Share