27 September 2026

GTAમાં ગુનાખોરીનું નવું ચિત્ર: એક તરફ રાહત, તો બીજી તરફ આંકડા ચોંકાવનારા!

0
Toronto Police cruiser with flashing red and blue lights on a residential street at dusk, with the Toronto skyline and a crime map graphic in the background.
    GTA crime report examines police-reported trends across Toronto, Halton and Peel. This illustration does not depict an actual incident or show real crime locations.

    ધ્વનિ (Dhwani) ક્રાઇમ રિપોર્ટ સ્પેશિયલ: ટોરોન્ટોથી પીલ સુધી ક્યાં ગુના ઘટી રહ્યા છે અને ક્યાં વધી રહ્યું છે ચોરીનું જોખમ? જાણો સંપૂર્ણ વાસ્તવિકતા

    ટોરોન્ટો, બ્રામ્પટન, મિસીસાગા, બર્લિંગટન અને ઓકવિલ જેવા ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) ના શહેરોમાં વસતા દક્ષિણ એશિયાઈ અને ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે ઘર અને પરિવારની સુરક્ષા એ સૌથી મહત્વનો મુદ્દો છે. જ્યારે સમગ્ર રીજન કે પ્રાંતમાં ગુનાખોરીના આંકડા ઘટી રહ્યા હોવાનું કહેવાય, ત્યારે પણ જો ઘરની બહાર પાર્ક કરેલી ગાડીની ચોરી થાય, ઘરમાં ખાતર પડે કે પછી કોઈ લૂંટનો ભોગ બને, તો પરિવારની માનસિક શાંતિ અને સુરક્ષાની ભાવના ક્ષણભરમાં છીનવાઈ જાય છે. તાજેતરમાં વિવિધ પોલીસ વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા દર્શાવે છે કે “શું જીટીએમાં ગુનાખોરી વધી રહી છે?” એ સવાલનો જવાબ સરળ નથી. વાસ્તવિકતા એ છે કે કેનેડાના આ વિસ્તારમાં ચોક્કસ પ્રકારના ગુનાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે, તો સામે પક્ષે ગાડીઓમાંથી સામાન ચોરાવા જેવા ચોક્કસ ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

      સૌપ્રથમ ટોરોન્ટો શહેર અને તેના આસપાસના વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ. પોલીસ-રિપોર્ટેડ ઘટનાઓને ટ્રેક કરતી ‘બ્રેકમેપ’ (BreakMap) ડિજિટલ સિસ્ટમના ડેટા અનુસાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન ટોરોન્ટોમાં ૭૭૧ ગુનાહિત ઘટનાઓ નોંધાઈ હતી, જે તેની અગાઉના અઠવાડિયાની સરખામણીએ ૧૬ ટકા ઓછી હતી. જોકે, માત્ર બે અઠવાડિયાના આંકડા પરથી કોઈ કાયમી તારણ કાઢી શકાય નહીં, કારણ કે ઘણીવાર પોલીસ રિપોર્ટ સિસ્ટમમાં અપડેટ થવામાં થોડા દિવસોનો સમય લાગતો હોય છે. પરંતુ ટોરોન્ટો પોલીસ સર્વિસ (TPS) નો વાર્ષિક અને લાંબા ગાળાનો ટ્રેક રેકોર્ડ વધુ સ્પષ્ટ ચિત્ર આપે છે. પોલીસ ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪ની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં વ્યક્તિઓ સામેના ગંભીર ગુનાઓમાં ૫.૨ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મિલકત સંબંધિત પ્રોપર્ટી ક્રાઇમમાં ૮.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, શહેરમાં ગોળીબાર (Shootings) અને હત્યા (Homicides) ના કિસ્સાઓમાં સુધારો થયો છે. પરંતુ આ રાહત વચ્ચે હેટ ક્રાઇમ (ધ્રુણાસ્પદ ગુનાઓ) અને હોમ ઇન્વેઝન (ઘરમાં ઘૂસીને કરાતી લૂંટ) જેવા ગુનાઓ ટોરોન્ટો પોલીસ માટે હજુ પણ ભારે ચિંતાનો વિષય બનેલા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર શહેરમાં ગુના ઘટ્યા હોવા છતાં, કોઈ ચોક્કસ વિસ્તાર કે ગુનાની શ્રેણીમાં જોખમ વધી પણ શકે છે.

        હાલટન રીજનલ પોલીસ, જે ઓકવિલ અને બર્લિંગટન જેવા સમૃદ્ધ વિસ્તારોની સુરક્ષા સંભાળે છે, તેના જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ સુધીના છ મહિનાના ડેટા ખૂબ આશાસ્પદ છે. આ સમયગાળા દરમિયાન કુલ ૬,૬૨૩ ગુનાહિત બનાવો નોંધાયા હતા, જે ૨૦૨૫ના પ્રથમ છ મહિનાની સરખામણીએ ૯૦૦ ઓછા એટલે કે સીધો ૧૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. અહીં હિંસક ગુનાઓ ૧,૨૯૨ થી ઘટીને ૧,૦૫૪ થયા છે, જ્યારે પ્રોપર્ટી ક્રાઇમ ૫,૫૬૧ થી ઘટીને ૪,૯૨૯ પર આવી ગયો છે. દક્ષિણ એશિયાઈ સમુદાય માટે ચિંતાનો વિષય બનતી ઓટો થેફ્ટ એટલે કે વાહન ચોરીના કિસ્સા પણ ૫૪૨ થી ઘટીને ૫૦૯ નોંધાયા છે.

          બીજી તરફ, જ્યાં આપણો ઇન્ડો-કેનેડિયન સમુદાય સૌથી મોટી સંખ્યામાં વસે છે તેવા બ્રામ્પટન અને મિસીસાગાને આવરી લેતા પીલ રીજનલ પોલીસના આંકડા મિશ્ર સંકેતો આપે છે. જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૬ સુધીના સાત મહિનામાં પીલ રીજનમાં લૂંટફાટના ૩૦૨ કિસ્સા બન્યા, જે ગયા વર્ષના આ જ સમયગાળાના ૫૧૦ કિસ્સા કરતા નોંધપાત્ર રીતે ઓછા છે. ઘરોમાં થતી ચોરીઓ (Break and enters) ૧,૫૭૮ થી ઘટીને ૧,૧૭૬ થઈ છે. પરંતુ પીલ રીજનમાં એક વિશિષ્ટ ગુનાએ ભારે ચિંતા જગાડી છે અને તે છે – ‘થેફ્ટ ફ્રોમ મોટર વ્હીકલ’ (વાહનમાંથી સામાનની ચોરી). ગાડી આખી ચોરી કરી જવી અને ગાડીનો કાચ તોડીને કે લોક તોડીને અંદરથી લેપટોપ, પાકીટ કે અન્ય સામાન ચોરી જવો – એ બંને અલગ ગુના છે. પીલ રીજનમાં ગાડીઓમાંથી સામાન ચોરાવાના બનાવો ૧,૮૯૯ થી સીધા વધીને ૨,૮૮૪ પર પહોંચી ગયા છે. એટલે કે માત્ર સાત મહિનામાં વાહનોમાંથી ચોરીના લગભગ ૧,૦૦૦ વધારાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત તોડફોડ અને નુકસાન પહોંચાડવાના કિસ્સા (Mischief) ૨,૭૩૪ થી વધીને ૩,૦૪૫ થયા છે, અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ અથવા ડ્રગ્સ પીને વાહન ચલાવવાના કિસ્સા ૫૪૬ થી વધીને ૬૧૧ થયા છે.

            આ સંજોગોમાં કેનેડામાં વસતા આપણા ભારતીય પરિવારોએ શું સાવચેતી રાખવી જોઈએ? સુરક્ષા નિષ્ણાતોના મતે, ગભરાવાને બદલે જાગૃત બનવું જરૂરી છે. ઘર, નોકરીના સ્થાન કે બાળકોની શાળાના વિસ્તારના સ્થાનિક સમાચાર અને પોલીસ એલર્ટ પર નજર રાખો. કાર પાર્ક કરતી વખતે અંદર કિંમતી સામાન, પર્સ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ક્યારેય ખુલ્લા ન છોડો. ઘરના દરવાજા-બારીઓ હંમેશા લોક રાખો, રાત્રે પોર્ચ લાઈટ ચાલુ રાખો અને જો રજાઓમાં બહારગામ જતા હોવ તો કોઈ સગા કે વિશ્વાસુ પાડોશીને ઘરની સંભાળ રાખવા કહો. જો ક્યારેય ઘરે પાછા ફરતા ઘરનો દરવાજો તૂટેલો દેખાય કે ખાતર પડ્યાની આશંકા જાય તો અંદર જવાની ભૂલ કર્યા વિના તુરંત જ બહારથી પોલીસનો સંપર્ક કરો. કોઈપણ કટોકટી કે ગુનો બની રહ્યો હોય ત્યારે વિલંબ કર્યા વિના ૯૧૧ (911) પર કોલ કરો. સાચી માહિતી અને યોગ્ય સાવચેતી જ જીટીએમાં આપણા પરિવારને સુરક્ષિત રાખવાની સૌથી મોટી ચાવી છે.

            Share with friends

            What do you feel about this?

            Leave a Reply

            Your email address will not be published. Required fields are marked *

            You may have missed

            Total
            0
            Share