સમાજસેવા અને સાંસ્કૃતિક વારસાના દ્રઢ સંકલ્પ સાથે GPAC ના નવા યુગનો પ્રારંભ : ગુજરાતી સમુદાયના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે GPAC ની નવી કારોબારી સજ્જ

ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | ટોરોન્ટો, ઓન્ટારિયો
કેનેડામાં વસતા વિશાળ ગુજરાતી સમુદાયના અવાજને મજબૂત કરવા, યોગ્ય પ્રતિનિધિત્વ પૂરું પાડવા અને સમુદાયના સર્વાંગી કલ્યાણ માટે સદાય તત્પર એવી અગ્રણી સંસ્થા ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ’ (GPAC) દ્વારા તેની નવી ચૂંટાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એડવાઈઝરી કમિટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬ માં અત્યંત નિષ્ઠા અને સેવાની ભાવના સાથે સ્થપાયેલી આ સંસ્થાએ પોતાના વ્યાપક સમુદાય જોડાણ, સાંસ્કૃતિક ઉત્સવો અને લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા કેનેડિયન ભૂમિ પર એક આગવી ઓળખ ઊભી કરી છે. હવે નવી નેતાગીરીના આગમન સાથે GPAC પોતાના મૂળભૂત ઉદ્દેશ્યોને વધુ મજબૂત બનાવીને કેનેડાભરમાં વસતા ગુજરાતી પરિવારોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ બની છે.
નવી કારોબારી સમિતિમાં ચેરપર્સન તરીકે ઋષિકેશ ભટ્ટ, પ્રમુખ તરીકે રાજેશ શાહ, ઉપપ્રમુખ તરીકે ફેનિલ પટેલ, સેક્રેટરી તરીકે પાર્થ પટેલ, ટ્રેઝરર તરીકે રજનીકાંત પટેલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ભાવિક પરીખ તેમજ ડિરેક્ટર તરીકે પથિક શુક્લા, રાહુલ વ્યાસ અને પ્રકાશ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાના માર્ગદર્શન માટે રચાયેલી એડવાઈઝરી કમિટીમાં રમેશભાઈ ચોટાઈ, હરેશભાઈ મહેતા અને અજયભાઈ શાહ જેવા અનુભવી અગ્રણીઓનો સમાવેશ થાય છે. ધ્વનિ ઈન્ડો-કેનેડિયન ન્યૂઝપેપર આ તમામ નવચૂંટાયેલા હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે.

આ સત્તાવાર જાહેરાત બાદ ‘ધ્વનિ’ ન્યૂઝપેપરે સંસ્થાના નવચૂંટાયેલા પ્રમુખ રાજેશ શાહ સાથે વિશેષ વાર્તાલાપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે GPAC ની પ્રથમ અને સર્વોચ્ચ પ્રાથમિકતા ઈન્ડો-કેનેડિયન ગુજરાતી સમુદાયને શક્ય તમામ રીતે મદદરૂપ થવાની છે. કેનેડામાં નવઆગંતુક તરીકે આવતા ન્યૂ-કમર્સ, ભવિષ્ય ઘડવા આવતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને સ્થાનિક સ્તરે રોજગારની શોધમાં ભટકતા સમુદાયના સભ્યોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું એ અમારી પ્રાથમિકતા રહેશે. કેનેડામાં નવી શરૂઆત કરવી એ મોટી તકો સાથે અનેક પડકારો પણ લાવે છે, જેમાં સ્થાનિક સિસ્ટમ સમજવી, પ્રથમ જોબ મેળવવી અને પ્રોફેશનલ નેટવર્ક ઊભું કરવું અત્યંત સમય માંગી લે છે.
ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વતનથી હજારો કિલોમીટર દૂર રહીને શિક્ષણ, આર્થિક વ્યવસ્થાપન અને નવા વાતાવરણ સાથે અનુકૂલન સાધવું એક મોટો માનસિક અને વ્યાવસાયિક પડકાર હોય છે. GPAC આ તમામ વર્ગોને સાચી માહિતી, કાનૂની અને સામાજિક સંસાધનો તેમજ એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ પૂરું પાડીને એક મજબૂત આધારસ્તંભ બનવા માંગે છે. સંસ્થાનો હેતુ માત્ર કાર્યક્રમો યોજવાનો નથી, પરંતુ એક એવું વ્યાપક નેટવર્ક ઊભું કરવાનો છે જ્યાં લોકો એકબીજા સાથે જોડાઈ શકે, જ્ઞાનની આપ-લે કરી શકે અને એકબીજાને મદદરૂપ થઈ શકે.
આ સાથે જ કેનેડાના બહુસંસ્કૃતિવાદી સમાજમાં ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પરંપરાઓ, સંગીત અને વાનગીઓને જીવંત રાખવી એ પણ GPAC નો મુખ્ય મુદ્રાલેખ છે. સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતી સમર પિકનિક, ગરબા મહોત્સવ અને દિવાળી ઉજવણી જેવા કાર્યક્રમો નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ગુજરાતી ઈન્ડો-કેનેડિયન સમુદાયની સતત વધતી વસતી સાથે સામાજિક સંસ્થાઓની ભૂમિકા પણ વ્યાપક બની રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે હવે સિવિક એંગેજમેન્ટ, યુવા ભાગીદારી અને મજબૂત સામાજિક પ્રતિનિધિત્વ સમયની માંગ છે. GPAC ની નવી નેતાગીરી આ જવાબદારી સ્વીકારીને કેનેડામાં વસતા દરેક ગુજરાતીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા કટિબદ્ધ છે.


