બ્રૅમ્પટનમાં ‘જય હિંદ સિનિયર ક્લબ’ દ્વારા ઉત્સાહ અને ઉમંગસભર સમર સીઝનની ભવ્ય ઉજવણી: સિનિયરો માટે તંદુરસ્તી, સંસ્કૃતિ, અધ્યાત્મ અને એકતાનો અનોખો સંગમ

Community News – Dhwani – News Release provided by Jai Hind Senior Club, Edited by Hitesh Jagad Dhawani News Chief Editor. Email : dhwaninewsmedia@gmail.com
બ્રૅમ્પટન, ઓન્ટારિયો: કેનેડાના બ્રૅમ્પટન શહેરમાં વસતા ભારતીય સમુદાયના વરિષ્ઠ નાગરિકોની સક્રિયતા, આરોગ્ય અને સામાજિક સુખાકારી માટે સતત કાર્યરત ‘જય હિંદ સિનિયર ક્લબ બ્રૅમ્પટન’ તથા ‘જય હિંદ કેનેડિયન સોસાયટી ઇન્ક.’ દ્વારા આ વર્ષની સમર સીઝન અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવી હતી. યોગ અભ્યાસ, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, ધાર્મિક યાત્રાઓ, કેનેડા ડે અને ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તેમજ આઉટિંગ્સ જેવા વિવિધ કાર્યક્રમો થકી ક્લબે વરિષ્ઠ નાગરિકોને શારીરિક રીતે સક્રિય, માનસિક રીતે ઉત્સાહી અને સામાજિક રીતે જોડાયેલા રાખવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.
સંસ્થાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ કાર્યરત આ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય હેતુ મનોરંજક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સિનિયર સિટિઝન્સના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પરસ્પર સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. કેનેડિયન મલ્ટીકલ્ચરલ સોસાયટીમાં ભારતીય મૂલ્યો અને સંસ્કારોને જીવંત રાખવાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે.
સમર સીઝનના નવા સત્રનો પ્રારંભ ૧ જૂનના રોજ કન્ટ્રી ગાર્ડન રિક્રિએશન ક્લબ ખાતે “એજલેસ રિધમ એન્ડ ગોલ્ડન બિટ્સ” કાર્યક્રમ સાથે થયો હતો. જેમાં વરિષ્ઠ સભ્યો દ્વારા નૃત્ય, સંગીત, શાયરી અને કાવ્યપઠન રજૂ કરવામાં આવ્યા હતા. અરુણભાઈ પટેલ, ડો. અજય રાયઝાદા અને ભાવેશ વ્યાસે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની વિધિવત શરુઆત કરી હતી, ત્યારબાદ ગણેશ વંદના કરવામાં આવી હતી. કૌશિક શુક્લ, અંકિલ શાહ, પારૂલબેન શાહ, પ્રમોદ પટેલ, પરેશ પાઠક, યશ પટેલ અને જીમિશ ઠક્કર જેવા કલાકારોએ પોતાની કળા દર્શાવીને સિનિયર સમુદાયની આંતરિક પ્રતિભાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે સેટલમેન્ટ કાઉન્સેલર જીજ્ઞા નાયકે સિનિયરો માટે ઉપલબ્ધ સરકારી સેવાઓ જેવી કે લેંગ્વેજ લર્નિંગ, પીઆર કાર્ડ (PR Card) રિન્યુઅલ અને સિટીઝનશિપ એપ્લિકેશન અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.
આરોગ્ય જાગૃતિના ભાગરૂપે ૨ જૂનથી ક્લબ દ્વારા નિયમિત સવારના યોગ સેશન્સ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં તાલીમબદ્ધ ઇન્સ્ટ્રક્ટર્સ જયશ્રીબેન, પિનાકી માંડલિયા, સિમરન જી, પ્રવીણાબેન, સરોજબેન અને કામિનીબેને સિનિયરોને યોગ અને પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારપછી ૧૪ જૂનના રોજ લગભગ ૧૦૦ જેટલા સભ્યો બે લક્ઝરી બસો મારફતે ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)ના ૧૦ મુખ્ય મંદિરોના દર્શનાર્થે આધ્યાત્મિક પ્રવાસે ગયા હતા. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૧૩૦થી વધુ સભ્યોએ બે કલાક સુધી ઝુમ્બા મ્યુઝિક સાથે વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કરી હતી અને ત્યારબાદ પૌષ્ટિક નાસ્તાની મજા માણી હતી.
કેનેડા ડેની ઉજવણી ૪ જુલાઈના રોજ બ્રૅમ્પટનના જીમ આયર્ન્સ પાર્ક ખાતે યોજાઈ હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ગુજરાતી ગરબા, બાળકોના ભાંગડા, ફેમિલી ગેમ્સ, લકી ડ્રો અને રાત્રિ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે આ પ્રસંગે સમુદાયની એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને કેનેડા દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કમ્યુનિટી લીડર્સ, મ્યુનિસિપલ ઉમેદવારો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ૨૫ જુલાઈના રોજ ક્લબના સિનિયર સભ્યોએ બ્રૅમ્પટનના પ્રખ્યાત રોઝ થિયેટર (Rose Theatre) ખાતે મંત્રમુગ્ધ કરી દે તેવા ગુજરાતી ગરબા રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓની દિલજીતી લીધી હતી.











દેશભક્તિનો અનોખો જઝબો ૧૫ ઓગસ્ટે ફરી જોવા મળ્યો, જ્યારે સભ્યોએ જીમ આયર્ન્સ પાર્કમાં એકઠા થઈને ભારતનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો અને સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું. ૨૩ ઓગસ્ટે ક્લબના વાર્ષિક પિકનિક પ્રવાસમાં ૯૦થી વધુ સભ્યો બે બસો દ્વારા બ્લૂ માઉન્ટેન અને વસાગા બીચ (Blue Mountain & Wasaga Beach)ની મુલાકાતે ગયા હતા. સભ્યોએ ઓન્ટારિયોના કુદરતી સૌંદર્યની માણવાની સાથે ભોજન, વાતો અને હાસ્યની ક્ષણો શેર કરી હતી. આ પ્રવાસમાં મૂળ પાકિસ્તાનના એક મહિલા સભ્યની ભાગીદારી રાષ્ટ્રીયતા અને ધર્મથી પર વધીને માનવતા અને મૈત્રીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી હતી.
૨૪ ઓગસ્ટે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જીમ આયર્ન્સ પાર્ક ખાતે સામૂહિક રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું. જેમાં ૯ શિવલિંગો પર ૮૧ ભક્તોએ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે રુદ્રી પૂજન કર્યું હતું. આ ધાર્મિક વિધિમાં પારૂલબેન શુક્લ, હેમાબેન પંડ્યા, પારૂલ શાહ, રેખાબેન પાઠક, જયશ્રીબેન જોશી, કાર્તિકભાઈ પંડ્યા, કૌશિકભાઈ શુક્લ અને વર્ષાબેન ઠાકરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
સમર સીઝનની પૂર્ણાહુતિ ૩૦ ઓગસ્ટે થઈ, જ્યારે ક્લબના સભ્યોએ વોન (Vaughn) ખાતે CHORD દ્વારા આયોજિત “હિંદુ વિશ્વ બંધુ” કાર્યક્રમમાં RSS સરસંઘચાલક મોહન ભાગવતજીના પ્રબોધનમાં હાજરી આપી હતી. મોહન ભાગવતજીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ અને વૈશ્વિક એકતાના ભારતીય દર્શન વિશે વાત કરી હતી. તેમણે ઇન્ડો-કેનેડિયન ડાયસ્પોરાને કેનેડાના વફાદાર અને સમર્પિત નાગરિક બનીને એકતા, સેવા અને મૈત્રીનો સંદેશ પ્રસરાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
જય હિંદ સિનિયર ક્લબના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, તમામ હોદ્દેદારો અને ડિરેક્ટર્સે આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા બદલ તમામ માનવંત મહેમાનો, ડોનર્સ, વોલન્ટિયર્સ અને સભ્યોનો આભાર માન્યો હતો. સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી અને મીડિયા કો-ઓર્ડિનેટર ડો. અજય રાયઝાદાએ જણાવ્યું હતું કે ક્લબ ભવિષ્યમાં પણ આવી જ એકતા, પરસ્પર સહયોગ અને સમુદાયિક ભાવના સાથે પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.
‘ધ્વનિ ઇન્ડો-કેનેડિયન ન્યૂઝપેપર’ પરિવાર જય હિંદ સિનિયર ક્લબ, તેના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, તમામ ડિરેક્ટર્સ અને વોલન્ટિયર્સને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને સમુદાયિક એકતા માટે કરવામાં આવેલા આ પ્રશંસનીય અને અદ્ભુત કાર્યો બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. આ સાથે જ, કેનેડામાં શુદ્ધ ભાવના અને સમર્પણ સાથે કાર્ય કરતી અન્ય તમામ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને ‘ધ્વનિ ન્યૂઝ’ નિમંત્રણ આપે છે કે, જો તમે પણ સમુદાયના ઉત્થાન અને જોડાણ માટે આવી ઉમદા પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવ, તો તમારી પ્રવૃત્તિઓ અને અહેવાલો ‘ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન’ (Dhwani News Online) પર ચોક્કસ મોકલી આપો. તમારા સત્કાર્યોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને આપણા ઇન્ડો-કેનેડિયન સમુદાયને સતત માહિતગાર, પ્રોત્સાહિત અને પ્રેરિત રાખવામાં સહભાગી બનતાં અમને અત્યંત આનંદ અને ગૌરવ થશે. (Dhwani Email – dhwaninewsmedia@gmial.com)

