6 October 2026

નકલી ગરબા ટિકિટોનો વિવાદ: સાચી તપાસ વગર દોષારોપણ ન કરો, સત્ય જાણવું જરૂરી

0

    Dhwnai Online News : મિસિસાગા:

    કેનેડામાં અત્યારે ગરબા ઉત્સવ પૂર્ણ બહારે ખીલી ઊઠ્યો છે. સમગ્ર દેશમાં વસતો ગુજરાતી સમાજ પોતાની સાંસ્કૃતિક વિરાસત, સંગીત અને પરંપરાઓની ઉત્સાહભેર ઉજવણી કરવા એકત્ર થઈ રહ્યો છે. સ્થાનિક કલાકારોથી લઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારોના કાર્યક્રમો કેનેડામાં ઉછેરી રહેલી નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક મૂળિયાં સાથે જોડી રાખવામાં એક મહત્વપૂર્ણ સેતુ સમાન સાબિત થયા છે. પરંતુ, આ રંગેચંગે ઉજવાતા નવરાત્રિ મહોત્સવ દરમિયાન કથિત રીતે વેચાયેલી બોગસ કે નકલી ટિકિટોને લઈને ઊભો થયેલો વિવાદ હવે ચિંતાનો વિષય બન્યો છે. આ સ્થિતિ સમુદાય માટે ઠગાઈ સામે જાગૃતિ, પારદર્શિતા અને સામાજિક જવાબદારી કેળવવાનો એક મોટો પાઠ પણ પૂરો પાડે છે.

      ગત શનિવાર, ૩ ઓક્ટોબરના રોજ ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત ‘નવરંગ નવરાત્રિ ફેસ્ટિવલ કેનેડા ૨૦૨૬’ અંતર્ગત મિસિસાગાના પ્રખ્યાત ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીનો ભવ્ય ગરબા પ્રોગ્રામ યોજાયો હતો. જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આ કાર્યક્રમની અધિકૃત ટિકિટનો દર ૪૫ ડૉલરથી શરૂ થતો હતો. પરંતુ આ કાર્યક્રમ પૂર્ણ થયાના બીજા જ દિવસે સવારે, ધ્વનિ ન્યૂઝ ઓનલાઈનના ધ્યાન પર સોશિયલ મીડિયાની કેટલીક એવી વીડિયો રીલ્સ આવી જેમાં કેટલાક લોકોએ એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમણે ખરીદેલી ટિકિટો ઈવેન્ટના સ્થળે માન્ય ગણવામાં આવી નહોતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમુક ગ્રુપોએ ૨૦ થી ૨૫ જેટલી ટિકિટો ખરીદી હતી, જેના કારણે ૪૫ ડૉલર લેખે તેમને આશરે ૧,૦૦૦ ડૉલર જેટલું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

      આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે આવતા ગરબાપ્રેમીઓમાં આક્રોશ અને પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ વિવાદ સાથે એક અત્યંત મહત્વનો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે આખરે આ ટિકિટો વેચી કોણે હતી?

        આ સમગ્ર મામલે ધ્વનિ ન્યૂઝે સત્યતા જાણવા અને સ્પષ્ટતા મેળવવા માટે ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશનનો સંપર્ક સાધ્યો હતો. સંસ્થાના જણાવ્યા અનુસાર, તેમણે ઈવેન્ટના આયોજન પહેલાં જ અનધિકૃત ટિકિટ વિક્રેતાઓ અને શંકાસ્પદ વેબસાઈટ્સ અંગે કોમ્યુનિટીને વારંવાર સચેત કરી હતી. જાહેર માધ્યમો પર ઉપલબ્ધ સામગ્રી પણ આ વાતની પુષ્ટિ કરે છે. અને તેમના સ્ક્રીન શોટ્સ અને સોશિયલ મીડિયા લિંક્સ પણ શેર કરી રહી, જારી કરવામાં આવેલી એક ચેતવણીમાં સ્પષ્ટ જણાવાયું હતું કે એક અનધિકૃત પ્લેટફોર્મ ડાયવર્સિટીના પ્રોગ્રામ્સની ટિકિટો વેચી રહ્યું છે, તેથી બિનઅધિકૃત સ્ત્રોતોમાંથી ખરીદેલી ટિકિટો અમાન્ય ઠરી શકે છે. આયોજકોએ લોકોને માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જ બુકિંગ કરાવવા વિનંતી કરી હતી. સંસ્થાએ ધ્વનિ ન્યૂઝને વધુમાં જણાવ્યું હતું કે તેમણે આવી ગેરકાયદેસર વેબસાઈટ્સ સામે કાનૂની પગલાં પણ લીધાં હતાં, અને કાર્યક્રમના સ્થળે આવી નકલી ટિકિટો સામે આવવી તે તેમની માટે પણ એક અત્યંત ગંભીર બાબત છે.

          ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યક્રમમાં ક્ષમતા કરતા વધુ ટિકિટોનું વેચાણ (Over-sold), ઓવર-બુકિંગ કે મર્યાદા કરતા વધુ ભીડ (Over-crowded) થઈ નહોતી. સંસ્થાએ કાર્યક્રમ માટે જરૂરી તમામ સરકારી અને સ્થાનિક નિયમો તથા શરતોનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું. પોતાની પારદર્શિતા સાબિત કરવા માટે તેમણે વિના સંકોચે ઈવેન્ટના વીડિયો ક્લિપ્સ પણ શેર કર્યા હતા. આ સાથે સંસ્થાએ વિક્ટિમ્સને ખુલ્લી અપીલ કરી છે કે તેમણે આ ટિકિટો ક્યાંથી અને કોની પાસેથી ખરીદી હતી તેની વિગતો તેમના સત્તાવાર ઈમેઈલ પર મોકલી આપે . આ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત (Anonymous) રાખવામાં આવશે. સંસ્થાએ આવી ગેરકાયદેસર વેબસાઈટ્સ સામે કાનૂની પગલાં પણ લીધાં હતાં, અને કાર્યક્રમના સ્થળે આવી નકલી ટિકિટો સામે આવવી તે તેમની માટે પણ એક અત્યંત ગંભીર બાબત છે.

          હાલના તબક્કે, ધ્વનિ ન્યૂઝે સ્વતંત્ર રીતે એ બાબતની પુષ્ટિ કરી નથી કે આ બોગસ ટિકિટો કોણે બનાવી કે વેચી હતી. આ ઉપરાંત, ૩ ઓક્ટોબરની આ ઘટના અંગે પીલ રીજનલ પોલીસ દ્વારા કોઈ ચોક્કસ તપાસ હાથ ધરાઈ હોવાની કોઈ સત્તાવાર પ્રેસ રિલિઝ પણ મળી નથી. આથી, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કેવળ આરોપોને એ વાતની સાબિતી માની શકાય નહીં કે આયોજકોએ પોતે નકલી ટિકિટો ઈશ્યૂ કરી હતી અથવા કોઈ ચોક્કસ ત્રીજા પક્ષે આ ફ્રોડ આચર્યું છે.

            જોકે, ગ્રેટર ટૉરન્ટો એરિયા (GTA) માં ટિકિટ ફ્રોડ એ એક વાસ્તવિક અને વધતી જતી સમસ્યા છે. પીલ રીજનલ પોલીસે અગાઉ પણ કોન્સર્ટ અને ઈવેન્ટ્સમાં જનારા લોકોને રીસેલ ટિકિટો અંગે ચેતવણી આપી છે. પોલીસે હંમેશા વેરીફાઈડ રીસેલ વેબસાઈટ્સનો ઉપયોગ કરવા, સોશિયલ મીડિયા પર આવતી અજાણી ટિકિટ જાહેરાતોથી બચવા અને ‘ઈમરજન્સી’ કે ‘અત્યારે જ ખરીદો’ જેવું દબાણ ઊભું કરતા વિક્રેતાઓથી સાવધ રહેવાની સલાહ આપી છે.

            અહીં જ સમુદાય તરીકે આપણી જવાબદારી મહત્વની બની જાય છે. જો કોઈ વ્યક્તિ સાથે નકલી ટિકિટનો ફ્રોડ થયો હોય, તો નાણાં ગુમાવ્યા પછી તેમનો ગુસ્સો અને નિરાશા સમજી શકાય તેવાં છે. પરંતુ, ટિકિટ વાસ્તવમાં ક્યાંથી ખરીદવામાં આવી હતી તેની ચકાસણી કર્યા વિના સોશિયલ મીડિયા પર સીધા આયોજકો પર દોષારોપણ કરવાથી અસલી ગુનેગાર સુધી પહોંચી શકાશે નહીં. ખાસ કરીને, ફેસબુક માર્કેટપ્લેસ (Facebook Marketplace) કે વૉટ્સએપ (WhatsApp) ગ્રુપો જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ક્યારેય ટિકિટો ખરીદશો નહીં. જ્યારે કોઈ એવી પોસ્ટ જુઓ કે “અમારી પાસે આદિત્ય ગઢવીના શોની ૫૦ ટિકિટો ઉપલબ્ધ છે” અથવા “અમે જઈ શકીએ તેમ નથી એટલે ૪ ટિકિટો વેચવાની છે”, ત્યારે તરત અટકીને તેની અધિકૃતતા ચકાસો. કોઈ વ્યક્તિ મૂળ કિંમત કરતાં સસ્તા ભાવે કે વધુ ભાવે ટિકિટ ઓફર કરે ત્યારે જાતને પૂછો કે શું આવા અજાણ્યા સ્ત્રોત પાસેથી ટિકિટ ખરીદવી સુરક્ષિત છે? આ તમારી સખત મહેનતની કમાણી છે, તેથી ખરીદતા પહેલા વિચાર કરો.

              જો તમે ભૂલથી પણ આવા અનધિકૃત સ્ત્રોતો પાસેથી ટિકિટ ખરીદતા હોવ, તો પેમેન્ટ રેકોર્ડ, ઈ-ટ્રાન્સફર (e-Transfer) ની વિગતો, ઈમેઈલ્સ, ફોન નંબર, સ્ક્રીનશોટ્સ, વૉટ્સએપ ચેટ અને વેચનારના ફોટા પાડીને તમામ પુરાવા સાચવી રાખો. જો કોઈ સંશય હોય તો આયોજક સંસ્થાનો સીધો સંપર્ક કરો અથવા ઈમેઈલ કરીને ખાત્રી કરો, અને ખાસ કેશ માં પેમેન્ટ ના કરો, તમે ફ્રોડનો ભોગ બન્યા હોવ તો અન્ય પર આંધળો દોષ મૂકવાને બદલે કાનૂની રીતે ફરિયાદ નોંધાવો, પુરાવા આપીને સહયોગ કરો જેથી સાચા ગુનેગારને પકડી શકાય અને અન્ય લોકોને પણ જાગૃત કરી શકાય.

              આવા મોટા સાંસ્કૃતિક આયોજનો માટે મહિનાઓની મહેનત, હોલનું બુકિંગ, કલાકારોનું મેનેજમેન્ટ, સિક્યોરિટી અને મોટું આર્થિક જોખમ રહેલું હોય છે. ભારતમાંથી ખ્યાતનામ કલાકારોને કેનેડા લાવીને આ સંસ્થાઓ આપણા પરિવારને પોતાની સંસ્કૃતિ માણવાની તક આપે છે. આ યોગદાનની કદર થવી જોઈએ, જ્યારે આયોજકોએ પણ ટિકિટિંગ સિસ્ટમ પારદર્શક રાખવી અને ફરિયાદો પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે.

                ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે. ટિકિટ ખરીદતા પહેલા ‘નવરંગ’ની સત્તાવાર સાઈટ અને ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશન દ્વારા દર્શાવવામાં આવેલી સત્તાવાર બુકિંગ લિંક્સનો જ ઉપયોગ કરો. જ્યારે ખાત્રી કરવાને બદલે ગેરસમજ ફેલાય છે ત્યારે જ છેતરપિંડી કરનારા સફળ થાય છે. જો તમે છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તમારો સૌથી કિંમતી પ્રતિભાવ વગર પુરાવાના આરોપો નહીં, પણ નક્કર પુરાવા અને કાનૂની કાર્યવાહી છે. તમારા પૈસા સુરક્ષિત રાખો, તમારા સમુદાયને સુરક્ષિત રાખો અને કેનેડામાં આપણી સાંસ્કૃતિક ઉજવણીઓની ગરિમા જાળવી રાખો.

                Share with friends

                What do you feel about this?

                Leave a Reply

                Your email address will not be published. Required fields are marked *

                You may have missed

                Total
                0
                Share