31 August 2026

ધ્વનિ વિશેષ: તસવીરો અને તાલીઓ વચ્ચે છૂટી ગયેલો મોટો અવાજ — શું આપણે કેનેડિયન લોકશાહીમાં ‘ગુજરાતી એકતા’ દર્શાવવાનો અવસર ગુમાવ્યો?

0

    તંત્રીલેખ: હિતેશ જગડ | ધ્વનિ ન્યૂઝપેપર

    બ્રેમ્પટન —  કેનેડાના ગુજરાતી ઈન્ડો-કેનેડિયન સમુદાય માટે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તાજેતરની કેનેડા મુલાકાત નિઃસંદેહ એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ હતી. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત – કેનેડા (FOG Canada) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેનેડાભરના અગ્રણી વેપારીઓ, પ્રોફેશનલ્સ, સામાજિક આગેવાનો અને જાણીતા ગુજરાતી ચહેરાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

    આટલા મોટા પાયે સફળ કાર્યક્રમ યોજવા બદલ FOG Canada ચોક્કસપણે અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. કેનેડા વસતા અનેક ગુજરાતીઓને મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળવાનો, તેમનું સ્વાગત કરવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો આહલાદક અવસર મળ્યો. કાર્યક્રમ પૂરો થતાં જ સોશિયલ મીડિયા પર તસવીરો, વીડિયો અને ગૌરવની ક્ષણોનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો.

    આવા ગૌરવશાળી પ્રસંગોની ઉજવણી કરવી અને આનંદ વ્યક્ત કરવો એમાં કશું જ ખોટું નથી. પરંતુ, સોશિયલ મીડિયા પર શેર થયેલી સેંકડો તસવીરો અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે એક અગત્યનો અને વિચારવા જેવો પ્રશ્ન ઉભો થાય છે: શું આપણે આ માત્ર ક્ષણિક ઉજવણીમાં જ રચ્યાપચ્યા રહ્યા અને કોઈ બહુ મોટી તક ગુમાવી દીધી?

    આગળની ચર્ચા કરતા પહેલા, અમારા વાચકો સમક્ષ પૂરી પારદર્શિતા રાખવી જરૂરી છે. ‘ધ્વનિ ન્યૂઝપેપર’ (Dhwani Newspaper) ને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, મીડિયા કવરેજ માટે ધ્વનિનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને FOG Canada દ્વારા શ્રી પથિક શુક્લ મારફતે પ્રેસ રિલીઝ મોકલવામાં આવી હતી, જે બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ કવરેજ ઉપલબ્ધ જાહેર માહિતી, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સોશિયલ મીડિયા તેમજ ટોરોન્ટો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલની માહિતી અને FOG Canada ની પ્રેસ રિલીઝના આધારે તૈયાર કરવામાં આવી હતી.

    આ ચર્ચા ધ્વનિને આમંત્રણ મળ્યું કે નહીં તે વિશે બિલકુલ નથી. ખરી વાત તો એ છે કે, શું આપણે કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયની વાસ્તવિક તાકાત અને એકતા દર્શાવવાની આ દુર્લભ તકનો પૂરેપૂરો ઉપયોગ કર્યો?

    કેનેડામાં મ્યુનિસિપલ ઇલેક્શન (સ્થાનિક ચૂંટણીઓ) નજીક આવી રહી છે, ત્યારે અનેક ગુજરાતી ઈન્ડો-કેનેડિયનો જાહેર જીવનમાં આવીને ઉમેદવારી નોંધાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત એક એવો શ્રેષ્ઠ મંચ બની શક્યો હોત, જ્યાં ચૂંટણી લડી રહેલા તમામ ગુજરાતી ઉમેદવારોને એકસાથે મંચ પર લાવીને તેમનો પરિચય મુખ્યમંત્રીશ્રી સાથે કરાવી શકાયો હોત.

    આ કોઈ રાજકીય સમર્થન કે કેમ્પેઈન ન હતું. આ માત્ર સમુદાય તરીકે આપણા પોતાના લોકોની ઓળખ અને પ્રોત્સાહન હતું. જરા કલ્પના કરો કે મુખ્યમંત્રીશ્રીને એવું કહેવામાં આવ્યું હોત: “સાહેબ, આ એ ગુજરાતી ઈન્ડો-કેનેડિયન ઉમેદવારો છે જેમણે કેનેડિયન લોકશાહીમાં સક્રિય ભાગ લેવાની હિંમત દર્શાવી છે. અને આગામી મ્યુનિસિપલ ઇલેક્શન મા ઉમેદવારી નોંધાવી છે “

    વિવિધ રાજકીય વિચારસરણી ધરાવતા, અલગ-અલગ સમર્થકો ધરાવતા અને કદાચ આવતીકાલે ચૂંટણીના મેદાનમાં સામસામે લડનારા ઉમેદવારો પણ જો તે ક્ષણે એકસાથે ઊભા રહ્યા હોત, તો એ દ્રશ્ય અદ્ભુત હોત. કોઈએ કોઈનું સમર્થન કરવાની જરૂર નહોતી, કે કોઈએ વોટનું વચન આપવાનું નહોતું. એ માત્ર એ સાબિત કરત કે આપણે રાજકીય રીતે અલગ હોઈ શકીએ, પણ સમુદાય તરીકે એકબીજાને પ્રોત્સાહિત કરી શકીએ છીએ.

    ઘણા વાચકોએ નોંધ્યું હશે કે કાર્યક્રમમાં દર વખતે જોવા મળતા જ કેટલાક જાણીતા ચહેરાઓ આ વખતે પણ આગળ હતા. એમાંથી કેટલાક ભૂતકાળમાં MP, MPP કે કાઉન્સિલરની ચૂંટણી લડી ચૂક્યા છે અથવા ભવિષ્યમાં લડવા માગે છે. રાજકીય ભાગીદારી પ્રોત્સાહક છે, પણ આ સ્થિતિ સમુદાયના નેતૃત્વ, પરસ્પર સહયોગ અને નૈતિકતા પર મોટા પ્રશ્નો ઊભા કરે છે.

    જ્યારે તમે પોતે ચૂંટણી લડો છો, ત્યારે સમુદાય પાસે મદદ, વોટ, ડોનેશન અને વોલન્ટિયર્સ માગો છો અને કહો છો કે “આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ.” તો શું આ સિદ્ધાંત અન્ય ગુજરાતી ઉમેદવાર સામે આવે ત્યારે લાગુ ન પડવો જોઈએ? એકતા માત્ર આપણને જરૂર હોય ત્યારે જ ન માગી શકાય.

    આ મુલાકાત આપણી ‘સેલ્ફી કલ્ચર’ અને ‘વીઆઈપી કલ્ચર’ પ્રત્યેની ઘેલછા પણ છતી કરે છે. વીઆઈપીની કેટલા નજીક ઊભા રહ્યા કે કોની સાથે ફોટો પડાવ્યો તેનાથી સમુદાયનું ભવિષ્ય નક્કી નથી થતું. સમુદાયની સાચી તાકાત એમાં છે કે પ્રસ્થાપિત નેતાઓ પોતાના પછી આવનારી નવી પેઢી માટે દરવાજા કેટલા ખોલે છે.

    FOG Canada એ એક ઉત્કૃષ્ટ કાર્યક્રમ યોજ્યો છે અને આ લેખનો હેતુ કોઈ વ્યક્તિ કે સંસ્થાને ટાર્ગેટ કરવાનો નથી, પરંતુ સમુદાયમાં નેતૃત્વ અને એકતા અંગે સકારાત્મક ચર્ચા શરૂ કરવાનો છે.

    સૌથી સુંદર તસવીર તો એ હોત જ્યાં તમામ ગુજરાતી ઉમેદવારો એકસાથે ઊભા રહીને આખા કેનેડાને સંદેશ આપત કે “આપણે એક છીએ.”

    જો આ વિશ્લેષણથી કોઈની લાગણી દુભાઈ હોય તો ‘ધ્વનિ’ ક્ષમાપ્રાર્થના કરે છે. અમારો આશય માત્ર સમુદાયની એકતા માટેનો છે,

    — હિતેશ જગડ, ધ્વનિ ન્યૂઝપેપર

    Share with friends

    What do you feel about this?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You may have missed

    Total
    0
    Share