Brampton Community Cultural Guelph Gujarat Local Main Stories Mississauga Ontario Toronto

વડોદરાના આંગણે રચાયો વિશ્વવિક્રમ: ૯૨મા પ્રાગટ્ય પર્વે બાળ મંડળે મહંત સ્વામી મહારાજને ચરણે ધરી અજોડ ભક્તિ-ભેટ

    ધ્વનિ : વડોદરા, ૩ ફેબ્રુઆરી, ૨૦૨૬

    સંસ્કારી નગરી વડોદરાના પાવન ધામમાં ભક્તિ, અનુશાસન અને સનાતન સંસ્કારોના ત્રિવેણી સંગમ સમાન એક ઐતિહાસિક ઘટના આકાર પામી છે. બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી પ્રસંગે, હજારો બાળકોએ એકસાથે પવિત્ર ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનું મુખપાઠ ગાન કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપી ઇતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ કેનેડામાં વસતા હજારો ગુજરાતી પરિવારો અને સમગ્ર ઇન્ડો-કેનેડિયન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.

    ૩ થી ૧૩ વર્ષની વયના ૧૨,૭૨૩ બાળકોએ જ્યારે વડોદરાની ધરતી પર એકસાથે, એક લયમાં અને એક રાગમાં સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું, ત્યારે વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું. ઇંગ્લેન્ડથી ખાસ પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ આ અદ્ભુત દ્રશ્ય નિહાળીને તેને ‘હિન્દુ ધર્મગ્રંથના સૌથી મોટા સમૂહ ગાન’ તરીકે સત્તાવાર માન્યતા આપી હતી. પૂર્ણાહુતિ સમારોહ દરમિયાન આ ઐતિહાસિક સિદ્ધિનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

      કેનેડાના ટોરોન્ટો, એડમોન્ટન અને વાનકુવર જેવા શહેરોમાં વસતા ગુજરાતી પરિવારોએ જ્યારે આ દ્રશ્યો લાઈવ નિહાળ્યા, ત્યારે તેમની આંખોમાં હર્ષના આંસુ હતા. આ માત્ર આંકડાઓનો રેકોર્ડ નથી, પરંતુ આજની ડિજિટલ યુગની પેઢીમાં સંસ્કાર અને શ્રદ્ધા જીવંત છે તેનું જીવંત ઉદાહરણ છે. કેનેડામાં ઉછરી રહેલી નવી પેઢી માટે આ ઘટના એક દીવાદાંડી સમાન બની છે, જે સાબિત કરે છે કે જો સાચું માર્ગદર્શન મળે તો પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે પણ ભારતીય મૂલ્યો ખીલી શકે છે.

      આ રેકોર્ડ પાછળ એક વર્ષની કઠોર સાધના રહેલી છે. મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના ૩૧૫ શ્લોકોને ૧૫,૬૬૬ બાળકોએ કંઠસ્થ કર્યા હતા. આ ગ્રંથ માત્ર ધાર્મિક લખાણ નથી, પરંતુ નૈતિક જીવન, સામાજિક જવાબદારી અને આધ્યાત્મિક ઉન્નતિનું માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે. એક સ્વયંસેવકે જણાવ્યું હતું કે, “અમે બાળકોને માત્ર શ્લોકો નથી શીખવ્યા, પણ ધીરજ, એકાગ્રતા અને નમ્રતાના પાઠ ભણાવ્યા છે.”

      રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ

      પાંચ મહિના સુધી ચાલેલા આ મહોત્સવના સમાપન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો શુભેચ્છા સંદેશ પણ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવે ગૌરવભેર જણાવ્યું હતું કે, મહંત સ્વામી મહારાજનું જન્મસ્થળ જબલપુર (મધ્યપ્રદેશ) છે, જે જાણીને ઉપસ્થિત જનમેદનીમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.

      ઉજવણીની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે પૂજ્ય સ્વામીજીએ અનેક નવીન કાર્યોની શરૂઆત કરી:

      • હર ઘર શિક્ષા કી જ્યોત જલે: અંતરિયાળ અને આદિવાસી વિસ્તારો માટે ‘મોબાઇલ સ્કૂલ પ્રોજેક્ટ’નું ઉદ્ઘાટન.
      • BAPS Kids YouTube Channel: વિશ્વભરના બાળકોને મૂલ્યનિષ્ઠ મનોરંજન પૂરું પાડવા ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.
      • નવું પુસ્તક: મહંત સ્વામી મહારાજ લિખિત ‘ઇનસાઇટ્સ ફ્રોમ સત્સંગ દીક્ષા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

      જેમ જેમ સૂર્ય આથમ્યો, તેમ આખું મેદાન હજારો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. ૨ લાખથી વધુ હરિભક્તોએ એકસાથે સામૂહિક આરતી કરી હતી. મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, “જીવનમાં શ્રદ્ધા, નમ્રતા અને સેવાનો ગુણ કેળવવો એ જ સાચી ભક્તિ છે.” આ સંદેશ કેનેડા જેવા બહુસાંસ્કૃતિક દેશોમાં વસતા ગુજરાતી પરિવારો માટે અત્યંત પ્રાસંગિક છે, જેઓ પોતાના બાળકોને સંસ્કાર આપવા મથામણ કરી રહ્યા છે.

      આ ભવ્ય આયોજનમાં ૮૦૦ સંતો, ૧૪,૦૦૦ સ્વયંસેવકો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો હતો. કેનેડાના મંદિરોમાં સક્રિય હજારો ઈન્ડો-કેનેડિયન પરિવારો માટે આ ગિનિસ રેકોર્ડ એ ગૌરવની ક્ષણ છે, જે દર્શાવે છે કે સનાતન પરંપરાઓ પેઢી દર પેઢી વધુ મજબૂત બની રહી છે.

      BAPS સ્વામિનારાયણ સંસ્થા વિશે

      BAPS સ્વામિનારાયણ સંસ્થા એ સ્વયંસેવકો દ્વારા સંચાલિત એક આધ્યાત્મિક સંસ્થા છે, જે શ્રદ્ધા, સેવા અને સંવાદિતાના હિન્દુ મૂલ્યો દ્વારા વ્યક્તિગત ઉત્કર્ષ સાધવા માટે પ્રતિબદ્ધ છે. વિવિધ વ્યવસાયિક અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતા હજારો સ્વયંસેવકોના સમર્પણ અને વાર્ષિક લાખો કલાકોના નિઃસ્વાર્થ સેવાકાર્ય દ્વારા આ સંસ્થા સમાજને સમૃદ્ધ બનાવે છે.

      પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ, BAPS સંસ્થા ઉત્તર અમેરિકામાં ૧૨૦થી વધુ મંદિરો અને વિશ્વભરમાં પ,૦૦૦થી વધુ કેન્દ્રો દ્વારા હિન્દુ પરંપરાઓનું જતન અને સંવર્ધન કરે છે. આ સમુદાયોના માધ્યમથી સંસ્થા સર્વાંગી વ્યક્તિગત વિકાસ માટે કાર્ય કરે છે, સામાજિક પ્રગતિને વેગ આપે છે અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે સૌનો સ્વીકાર કરી વિવિધતાને પ્રોત્સાહન આપે છે.

      વધુ વિગતો માટે, www.baps.org ની મુલાકાત લો.

      News based on, press release provided on by Media Contact: Media Representative Niranjan Brahmbhatt, Toronto, ON, Canada.

        Share with friends
        Total
        0
        Share