
ધ્વનિ : ટોરોન્ટો: ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) ના લો-એન્ફોર્સમેન્ટ સર્કલમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને ભ્રષ્ટાચારની એક વ્યાપક તપાસ બાદ ટોરોન્ટો પોલીસના 7 સર્વિંગ ઓફિસર્સ અને એક રિટાયર્ડ ઓફિસર સહિત કુલ 27 લોકો સામે ગંભીર ગુનાઓ હેઠળ ચાર્જીસ ફાઈલ કરવામાં આવ્યા છે.
યોર્ક રિજનલ પોલીસે ગુરુવારે ‘પ્રોજેક્ટ સાઉથ’ (Project South) ના પરિણામો જાહેર કર્યા હતા. મહિનાઓ સુધી ચાલેલી આ ઇન્વેસ્ટિગેશનમાં પોલીસ ઓફિસર્સ અને ક્રિમિનલ નેટવર્ક વચ્ચેના કનેક્શનનો ખુલાસો થયો છે. આ ગ્રુપ લાંચ-રુશ્વત (bribery), ડ્રગ ટ્રાફિકિંગ, ખંડણી, લૂંટ અને હત્યાના કાવતરામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
તપાસની શરૂઆત અને ઇન્ટરનલ કરપ્શન આ તપાસ ગયા વર્ષે જૂન મહિનામાં શરૂ થઈ હતી, જ્યારે એક જેલ અધિકારીના ઘરની બહાર પાર્ક કરેલા યોર્ક પોલીસના માર્ક કરેલા ક્રૂઝર (Cruiser) ને જાણીજોઈને ટક્કર મારવામાં આવી હતી. ડેપ્યુટી ચીફ રાયન હોગને જણાવ્યું કે, 36 કલાકની અંદર આ પ્રકારનો આ ત્રીજો પ્રયાસ હતો. આ કેસની ઉંડી તપાસ કરતા પોલીસ વિભાગની અંદર ચાલતા ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચી શકાયું હતું.

સૌરભજીત બેદી સહિતના પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં આ કેસમાં ખાસ કરીને ઇન્ડો-કેનેડિયન સમુદાયમાં પણ ચર્ચા જાગી છે, કારણ કે પકડાયેલા અધિકારીઓમાં સૌરભજીત બેદી નામના અધિકારીનો પણ સમાવેશ થાય છે. અન્ય આરોપી અધિકારીઓમાં ડેરેક મેકકોર્મિક, એલિયાસ મૌઆદ, જોન મેડલી જુનિયર, તિમોથી બાર્નહાર્ટ, રોબર્ટ બ્લેક અને કાર્લ ગ્રેલેટ સામે ગુનો નોંધાયો છે.
શું છે સમગ્ર કૌભાંડ? યોર્ક પોલીસના ડેપ્યુટી ચીફ રાયન હોગને જણાવ્યું હતું કે, આ તપાસ ગયા વર્ષે જૂન મહિનામાં શરૂ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે આ અધિકારીઓ ગુનાહિત ગેંગના સંપર્કમાં હતા અને પોલીસના અત્યંત ગુપ્ત ડેટાબેઝમાંથી માહિતી ચોરીને ગેંગસ્ટરોને પહોંચાડતા હતા. આ લીક થયેલી માહિતીનો ઉપયોગ કરીને ગુનેગારો શહેરમાં ગોળીબાર, લૂંટ અને ખંડણી જેવી પ્રવૃત્તિઓ કરતા હતા.
લાંચ, ડ્રગ્સ અને ગેરકાયદે વેપાર પોલીસના જણાવ્યા અનુસાર, બ્રાયન ડા કોસ્ટા નામનો શખ્સ આ આખા નેટવર્કનો માસ્ટરમાઈન્ડ છે. આરોપી પોલીસ અધિકારીઓ તેની પાસેથી લાંચ લઈને ગેરકાયદેસર રીતે ચાલતા ગાંજા (Cannabis) ના સ્ટોર્સને પોલીસ રેડથી બચાવતા હતા. એટલું જ નહીં, કેટલાક અધિકારીઓ પર કોકેઈનની તસ્કરીમાં સામેલ હોવાના પણ ગંભીર આક્ષેપો છે.
પોલીસ ચીફ અને મેયરની લાલ આંખ ટોરોન્ટો પોલીસ ચીફ માયરન ડેમકિવે આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવતા કહ્યું કે, “જ્યારે સંગઠિત ગુનાખોરી પોલીસ વિભાગમાં ઘૂસી જાય છે, ત્યારે તે માત્ર કાયદાનો ભંગ નથી પણ જનતાના વિશ્વાસ પર સીધો પ્રહાર છે.” તેમણે તમામ આરોપી અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમાંથી ચારને તો પગાર વગર સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચૌએ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદાર અધિકારીઓને કડક સજા કરવામાં આવશે.
સમુદાય પર અસર કેનેડામાં વસતા દક્ષિણ એશિયાઈ સમુદાય માટે આ સમાચાર આઘાતજનક છે, કારણ કે પોલીસ તંત્રમાં વિશ્વાસ એ સામાજિક સુરક્ષાનો પાયો છે. હાલમાં આ તમામ કેસો કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર GTAમાં પોલીસની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.




