દસ વર્ષ, એક આસ્થા: બ્રેમ્પટનમાં પથિક શુક્લ પરિવારનો ભવ્ય ગણેશોત્સવ

ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં વસતા ખાસ કરીને ઇન્ડો-કેનેડિયન કોમ્યુનિટી માટે પોતાની ધાર્મિક આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોને વિદેશની માટી પર જીવંત રાખવી એ હંમેશા એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પડકાર રહ્યો છે. વિદેશમાં ઉછરી રહેલી નવી પેઢીને પોતાના મૂળિયાં અને રૂટ્સ સાથે જોડી રાખવા માટે ભક્તિ, શ્રદ્ધા અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય કેવી રીતે સાધી શકાય, તેનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ બ્રેમ્પટન શહેરમાં રહેતા પથિક શુક્લ પરિવારે પૂરું પાડ્યું છે. બ્રેમ્પટન સ્થિત પથિક શુક્લ અને રૂચા શુક્લના નિવાસસ્થાને સતત ૧૦મા વર્ષે અત્યંત હર્ષોલ્લાસ, ભક્તિભાવ, સંગીતમય વાતાવરણ અને કોમ્યુનિટી સ્પીરિટ સાથે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઉજવણી હવે માત્ર એક ધાર્મિક પૂજા વિધિ પૂરતી મર્યાદિત ન રહેતાં, સમગ્ર ઇન્ડો-કેનેડિયન સમુદાય માટે એકતા, સંસ્કૃતિનું જતન અને સંગઠનનું એક અનોખું અને દિવ્ય પ્રતીક બની ચૂકી છે.
ભારતથી હજારો કિલોમીટર દૂર વિદેશની ધરતી પર વસ્યા પછી પણ પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક મૂલ્યોને અક્ષિણ રાખવાં તેમજ કેનેડામાં જન્મેલા કે ઉછરી રહેલાં બાળકોમાં આ દિવ્ય સંસ્કારોનું સિંચન કરવું એ શુક્લ પરિવારનો મુખ્ય હેતુ રહ્યો છે. ગણેશ ચતુર્થીના પવિત્ર અને શુભ પ્રારંભે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિઘ્નહર્તા, બુદ્ધિદાતા અને સર્વ શુભ કાર્યોના પ્રણેતા એવા ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવ્ય પૂજા અને ધાર્મિક વિધિઓ સ્થાનિક પ્રખ્યાત પંડિત દીપકભાઈ વ્યાસ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. હિન્દુ શાસ્ત્રો અને પરંપરામાં ગણપતિ બાપ્પાનું સ્થાન સર્વોપરી છે, અને તેમની આરાધના દરેક કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે.
શુક્લ પરિવારના આ ૧૦ વર્ષના ગણેશોત્સવની સૌથી મોટી અને આકર્ષક ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે એક નવી, વિશિષ્ટ અને સર્જનાત્મક થીમ પસંદ કરે છે. રૂચા શુક્લ ઘરમાં જ ખૂબ જ મહેનત અને કલ્પનાશક્તિથી આખી ડેકોરેશન ડિઝાઇન તૈયાર કરે છે. આ તૈયારીઓમાં તેમનાં બાળકો હર્ષ અને ક્રીશા તેમજ પરિવારના વડીલો ધર્મિષ્ઠાબેન અને અંગિરસ શુક્લ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે. આ પ્રક્રિયા પોતે જ પરિવાર માટે એક અનોખી ટ્રેડિશન બની ગઈ છે, જ્યાં ઘરમાં ત્રણ-ત્રણ પેઢીઓ એક સાથે મળીને કલા, સર્જનાત્મકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિના રંગો પૂરે છે. વિતેલાં વર્ષોમાં આ પરિવારે ૧૨ શિવ જ્યોતિર્લિંગ, શ્રી રામ મંદિર, માતૃત્વ, ચોકલેટ, રેઇનફોરેસ્ટ અને મોટરકાર જેવા અત્યંત વૈવિધ્યસભર અને આકર્ષક થીમ્સ પર ગણેશોત્સવનું સુંદર આયોજન કર્યું છે.

આ વર્ષે ૧૦મા વર્ષની ખાસ ઉજવણી માટે શુક્લ પરિવારે “મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ” એટલે કે સંગીતના સાધનોનો આકર્ષક થીમ પસંદ કર્યો હતો. રૂચા શુક્લ અને પરિવાર દ્વારા હાથેથી તૈયાર કરાયેલાં હાર્મોનિયમ, પિયાનો, ઢોલ, વાંસળી અને સિતાર જેવાં સંગીતના વિવિધ વાજિંત્રોની સુંદર પ્રતિકૃતિઓ વચ્ચે ભગવાન શ્રી ગણેશજીની દિવ્ય મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી. આ વર્ષની ગણેશજીની મૂર્તિ પણ થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી, જેમાં ગણપતિ બાપ્પા એક વિશાળ વાંસળી પર બિરાજમાન હતા, જ્યારે તેમની બાજુમાં ડેકોરેટિવ તબલાંની જોડી સંગીતમય વાતાવરણમાં ઉમેરો કરતી હતી.
આ આધુનિક યુગમાં ધાર્મિક શ્રદ્ધાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ઇકો-ફ્રેન્ડલી અભિગમ જાળવી રાખવો એ પણ આ પરિવારની ટ્રેડિશનનો એક મુખ્ય ભાગ રહ્યો છે. ડેકોરેશનમાં રીયુઝેબલ અને હોમમેઇડ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ગણેશજીની મૂર્તિ માટે પણ પર્યાવરણને અનુકૂળ એવો ઇકો-ફ્રેન્ડલી એપ્રોચ અપનાવવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા નવી પેઢીને એક ખૂબ જ સુંદર અને સ્પષ્ટ મેસેજ આપવામાં આવે છે કે આપણી ધાર્મિક ટ્રેડિશન અને પર્યાવરણની સુરક્ષા બંને એકસાથે ખૂબ જ સુંદર રીતે ઉજવી શકાય છે.

ઉત્સવ દરમિયાન શુક્લ પરિવારના નિવાસસ્થાને દરરોજ સવાર-સાંજ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હતું. સાંજના સમયે બ્રેમ્પટન તથા આસપાસની કોમ્યુનિટીમાંથી સગાં-સંબંધિઓ, મિત્રો અને પરિવારો મોટી સંખ્યામાં એકઠા થતા હતા, જેના કારણે આ હોમ સેલિબ્રેશન એક વિશાળ અને ઉષ્માસભર કોમ્યુનિટી ગેધરિંગમાં ફેરવાઈ ગયું હતું. ઉત્સવ દરમિયાન કેનેડાના અનેક વિશિષ્ટ રાજકીય અને સામાજિક લીડર્સ તેમજ પબ્લિક ઓફિશિયલ્સે પણ શુક્લ પરિવારના ઘરે મુલાકાત લઈને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. મુલાકાતીઓમાં બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન, ડેપ્યુટી મેયર હરકિરણ સિંહ, કાઉન્સિલર રોડ પાવર, એમપી રૂબી સહોતા, ઓન્ટારિયોના સિટિઝનશિપ અને મલ્ટિકલ્ચરલિઝમ મિનિસ્ટર તથા એમપીપી ગ્રેહામ મેકગ્રેગર, એમપીપી હરદીપ ગરેવાલ, એમપીપી અમરજોત સંધૂ અને એમપીપી દીપક આનંદ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એટોબીકો નોર્થના કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના કેન્ડિડેટ ડોન પટેલ પણ વિઝિટર્સમાં સામેલ હતા.
ગણેશોત્સવનો સમાપન સમારોહ અત્યંત ભાવુક અને ઉત્સાહસભર વાતાવરણમાં “ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા” ના નારાઓ સાથે થયો હતો. ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન સાડીઓમાં સજ્જ મહિલાઓએ સુંદર લેઝિમ ડાન્સ રજૂ કરીને ભારતીય કલ્ચરલ હેરિટેજનો એક ધબકતો રંગ રજૂ કર્યો હતો. વિસર્જન ઉત્સવ પહેલાં પરિવારના સભ્યો, સ્થાનિક રહેવાસીઓ અને ફ્રેન્ડ્સે ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટ બોલાવી હતી. આજુબાજુના કેનેડિયન નેબર્સે પણ આ ઉત્સવમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જે એ વાત સાબિત કરે છે કે સાંસ્કૃતિક ઉજવણીઓ માત્ર એક પરિવાર કે સમુદાય પૂરતી મર્યાદિત ન રહેતાં, સમાજમાં ભાઈચારો અને મજબૂત કનેક્શન જનરેટ કરે છે.
પથિક અને રૂચા શુક્લ માટે કેનેડા જેવા મલ્ટિકલ્ચરલ દેશમાં આ પરંપરા સતત જાળવી રાખવી એ ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. તેમની વિચારસરણી ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે: ભારતથી દૂર રહેવાનો અર્થ એ ક્યારેય ન હોવો જોઈએ કે આપણે આપણી પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓ અને સંસ્કારોથી વિખૂટા પડી જઈએ. આ જ ફિલોસોફી તેમનાં બાળકો હર્ષ અને ક્રીશાના સક્રિય ભાગીદારીમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. પોતાના માતા-પિતા અને દાદા-દાદી સાથે મળીને ડેકોરેશન બનાવવાથી લઈને પૂજા-આરતીમાં લીન થવાથી, આ બાળકો માત્ર સંસ્કૃતિ વિશે વાતો નથી સાંભળતાં, પરંતુ તેને પ્રત્યક્ષ રીતે અનુભવી રહ્યાં છે.
ઇમિગ્રન્ટ પરિવારો માટે પોતાની મૂળ સંસ્કૃતિનું જતન કરવું એ માત્ર માતૃભૂમિની જૂની વાર્તાઓ સંભળાવવાથી શક્ય નથી બનતું. સંસ્કૃતિ ત્યારે જ જીવંત રહે છે જ્યારે બાળકો આવા કલ્ચરલ ફેસ્ટિવલ્સ જાતે એક્સપિરિયન્સ કરે, પૂજા અને પ્રાર્થનાના પવિત્ર મંત્રો સાંભળે, વડીલો સાથે મળીને તૈયારીઓ કરે અને આ પરંપરાઓ પાછળનું સાચું મહત્વ સમજે. આ રીતે એક સામાન્ય ઘરમાંથી શરૂ થયેલો આ ગણેશોત્સવ આજે એક દશક લાંબી કૌટુંબિક અને સામાજિક પરંપરાનું રૂપ ધારણ કરી ચૂક્યો છે. શુક્લ પરિવારનો આ ૧૦ વર્ષનો પ્રેરણાદાયી પ્રવાસ દર્શાવે છે કે ઇન્ડો-કેનેડિયન પરિવારો પોતાની કલ્ચરલ આઇડેન્ટિટી અને હેરીટેજને જાળવી રાખીને કેનેડિયન સોસાયટીમાં સુંદર રીતે ભળી શકે છે. બ્રેમ્પટનના આ ઘર તરફથી મળતો સંદેશ અત્યંત સ્પષ્ટ છે: જિંદગી આપણને દુનિયાના ગમે તે ખૂણે લઈ જાય, પરંતુ જો પરિવારો પ્રયત્ન કરે, પોતાની પરંપરાઓને જીવે અને નવી પેઢીને તેનો વારસો સોંપે, તો સંસ્કૃતિનો દીવો હંમેશાં પ્રજ્વલિત રહે છે.
Ganpati Celebration Pictures Provided by Shri Pathik Shukla.












