બ્રામ્પ્ટનમાં ગૂંજ્યો શ્રીકૃષ્ણનો અમર સંદેશ: બજાજ પરિવારના નિવાસસ્થાને આસ્થા અને સંસ્કૃતિની ભવ્ય ઉજવણી

ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન | બ્રામ્પ્ટન
કેનેડાના બ્રામ્પ્ટન શહેરમાં રાશી અને નવલ બજાજ (Rashi and Naval Bajaj) ના નિવાસસ્થાને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને નંદ ઉત્સવની અત્યંત ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક કૌટુંબિક પરંપરાએ ફરી એકવાર આસ્થા, સંસ્કૃતિ, સામાજિક એકતા અને દિવ્ય ભાવનાનો એક અદ્ભુત સમન્વય સર્જ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પરિવારો, સમુદાયના અગ્રણીઓ અને વિશિષ્ટ મહાનુભાવો એ ભાગ લીધો હતો .
બજાજ પરિવાર છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી, જેમાં કેનેડામાં ૧૫ વર્ષથી પણ વધુ સમયનો સમાવેશ થાય છે, જન્માષ્ટમીની આ ઉજવણી સતત આયોજિત કરી રહ્યા છે. એક અત્યંત અંગત શ્રદ્ધા અને ભક્તિભાવથી શરૂ થયેલો આ ઉપક્રમ સમય જતાં એક વિરાટ સાંસ્કૃતિક મહોત્સવમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે.
આ વર્ષની ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને ઉપદેશોથી પ્રેરિત પ્રેમ, હૂંફ, સમર્પણ અને આત્મવિશ્વાસના સંદેશ પર કેન્દ્રિત હતી. આખા નિવાસસ્થાનને sસ્કાય બ્લૂ અને પિન્ક ) રંગોના મનમોહક સંયોજનથી સજાવવામાં આવ્યું હતું. દિવ્ય ભક્તિમય વાતાવરણ વચ્ચે જ્યારે પરિવારો ઉત્સવ મનાવવા પહોંચ્યા ત્યારે સમગ્ર પરિસર એક પવિત્ર અને ઉત્સાહવર્ધક ઊર્જાથી મહેકી ઊઠ્યું હતું.
હિંદુ ધર્મપરંપરામાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે પૂજાતા ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય પર્વ તરીકે જન્માષ્ટમી ઉજવાય છે. કંસના અત્યાચારી શાસન દરમિયાન મથુરામાં જન્મેલા બાલકૃષ્ણને તેમના પિતા વસુદેવજીએ યમુના નદી પાર કરાવીને ગોકુળમાં નંદબાબા અને યશોદાજીના ઘરે પહોંચાડ્યા હતા. સદીઓથી શ્રીકૃષ્ણનું જીવન ધર્મના વિજયનું અને અન્યાય સામે સત્ય, કરુણા, જ્ઞાન અને સતકર્મનું પ્રતિક રહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપવામાં આવેલા તેમના ઉપદેશો આજે પણ માનવજાતને જીવનના પડકારો, જવાબદારીઓ અને અનિશ્ચિતતાઓ સામે સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે માર્ગદર્શન પૂરું પાડે છે.
બ્રામ્પ્ટનની આ ઉજવણીમાં આ વૈશ્વિક સંદેશ સ્પષ્ટપણે ઝળકતો હતો. બજાજ પરિવાર માટે આ પર્વ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો, કૌટુંબિક મૂલ્યોને મજબૂત કરવાનો અને સમાજને એકતાના તાંતણે બાંધવાનો એક પવિત્ર અવસર છે.
આ ભક્તિમય સંધ્યામાં મનોહર ભજનો, શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો પર આધારિત નૃત્ય-નાટિકાઓ, રાસ-ગરબા અને શાસ્ત્રીય સંગીતની રમઝટ બોલી હતી. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હેમંત પંવાર, વૈષ્ણવી પંવાર, વેદાંશ પંવાર અને તેમની ટીમે તેમના મધુર સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની સાથે અજય ત્યાગી, મનોજ જી અને તેમની ટીમે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગરબા ગાયક સચિન જોશી અને તેમની ટીમે ભક્તિગીતો તેમજ લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવીને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. સચિન જોશીએ સમગ્ર સાઉન્ડ અને મ્યુઝિક અરેન્જમેન્ટનું પણ સરસ સંચાલન કર્યું હતું.
ઉજવણીમાં નાના બાળકો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ઘણા બાળકો ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપ-ગોપીઓના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. કેનેડા જેવા બહુસાંસ્કૃતિક દેશમાં નવી પેઢીને પોતાના મૂલ્યો, પરંપરાઓ અને વારસો વારસામાં આપવાનો આ એક ઉત્તમ પ્રયાસ હતો. ઘરમાં પ્રવેશતા જ માર્ગ પર દોરેલા બાલકૃષ્ણના નાના પગલાં (ચરણ પાદુકા) ની પરંપરાગત ભાત સૌનું ધ્યાન ખેંચતી હતી, જે ઘરમાં પ્રભુના આગમન અને દિવ્ય આશીર્વાદનું પ્રતિક ગણાય છે.
બજાજ ફેમિલી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભગવાન શ્રીકૃષ્ણને ૨૫૬ થી વધુ પ્રકારની વ્યંજનો, ૧૦૧ પ્રકારના ફળો અને ૩૧ પ્રકારના સુકા મેવા (Dry Fruits) નો ભવ્ય અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મહાપ્રસાદ તમામ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો, જે સેવા અને સમર્પણની ભાવના દર્શાવે છે.
આ ઉત્સવમાં કેનેડાના અગ્રણી રાજકારણીઓ, ડિપ્લોમેટ્સ અને કમ્યુનિટી લીડર્સે હાજરી આપી હતી. અતિથિઓમાં ઓન્ટેરિયોના ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર પ્રભમીત સિંહ સરકારિયા (Prabmeet Singh Sarkaria), MPP અમરજોત સંધૂ (Amarjot Sandhu), બ્રામ્પ્ટનના મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown), સિટી કાઉન્સિલર રોડ પાવર (Rod Power) અને ભારતીય વાઇસ કાઉન્સિલ (Vice Consul of India) યાદુ રામ જી (Yadu Ramji ) સહિત વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેયર પેટ્રિક બ્રાઉને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા બ્રામ્પ્ટનની વિવિધતાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે વિવિધ સંસ્કૃતિઓ શહેરની ઓળખને સમૃદ્ધ બનાવે છે. તેમણે રાશી અને નવલ બજાજની આ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા બદલ પ્રશંસા કરી હતી. મંત્રી પ્રભમીત સિંહ સરકારિયાએ પણ પરિવારના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો.
રાશી બજાજ અને સાઇશા બજાજે તમામ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાશી બજાજે પોતાના વક્તવ્યમાં આધ્યાત્મિકતાને જીવનની સકારાત્મકતા સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને યુવા પેઢીને ટાંકીને જણાવ્યું હતું કે, આધ્યાત્મિકતા એ માત્ર પરંપરા કે વિધિ નથી, પરંતુ તે આંતરિક શાંતિ, આત્મવિશ્વાસ, ખુશી અને જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાનો સશક્ત માર્ગ છે.
નવલ બજાજે તમામ સ્નેહીજનો, કમ્યુનિટી લીડર્સ અને ઉપસ્થિત ભક્તોનો આભાર માન્યો હતો. તેમણે આ પવિત્ર અવસરની યજમાની કરવાની તકને એક મહાન આશીર્વાદ ગણાવી હતી. તેમણે સૌને શ્રીકૃષ્ણના ઉપદેશો અને ભગવદ્ ગીતાના જ્ઞાનને દૈનિક જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. કેનેડા જેવા દેશમાં પોતાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખીને તેને અન્ય સમુદાયો સાથે વહેંચવાની સ્વતંત્રતાને તેમણે બિરદાવી હતી.

નવલ બજાજે આ વિશાળ આયોજન પાછળ તેમની પત્ની રાશી બજાજના સમર્પણ તેમજ વલ્લભ અને સાઇશાના યોગદાનની સરાહના કરી હતી. તેમના ભાઈ બાલકિશન બજાજ અને ભાભી રેખા બજાજ, જેઓ આ પવિત્ર મહોત્સવમાં સહભાગી થવા ખાસ ભારતથી પધાર્યા હતા, તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કાર્યક્રમને બહોળા સમુદાય સુધી પહોંચાડવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો. બજાજ પરિવારે વર્ષ ૨૦૨૭ માં યોજાનારી જન્માષ્ટમી ઉજવણી માટે પણ અત્યારથી જ સમગ્ર કમ્યુનિટીને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.
સાંસ્કૃતિક વારસાની અખંડ જ્યોત
અંતમાં, આ મનોહર સંધ્યા ભક્તિ, સંગીત, મહાપ્રસાદ અને એકતાના અદ્ભુત અનુભવ સાથે સંપન્ન થઈ હતી. સજાવટ અને પ્રદર્શનોથી આગળ વધીને, આ કાર્યક્રમે કેનેડાના બહુસાંસ્કૃતિક તાણાવાણામાં પરંપરાઓને જીવંત રાખવાનો એક નવો માર્ગ દર્શાવ્યો છે. બ્રામ્પ્ટનમાં યોજાયેલા આ જન્માષ્ટમી મહોત્સવે સાબિત કર્યું કે ધર્મના માર્ગે ચાલીને, પ્રેમ વહેંચીને અને પડકારોનો આત્મવિશ્વાસથી સામનો કરીને જ સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે.


























