જાગૃતિ ભટ્ટ: બ્રામ્પટન સિટી હોલમાં નવી ‘જાગૃતિ’ લાવવાનો મક્કમ સંકલ્પ!

બ્રામ્પટન, ઓન્ટેરિયો: બ્રામ્પટનમાં વર્ષ ૨૦૨૬ની મ્યુનિસિપલ ઇલેક્શનની ધમાધમ શરૂ થઈ ચૂકી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચારેય બાજુ ઉમેદવારોના કેમ્પેઇન સાઇન, સોશિયલ મીડિયા પોસ્ટ, ડોર-નોકિંગ નો દોર શરૂ થઈ ચૂક્યો છે અને ફોટોગ્રાફ્સનો ઉપાડ દેખાઈ રહ્યો છે. આવા સમયે સ્થાનિક રહીશોના મનમાં અનેક પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા છે. ધ્વનિ કમ્યુનિટી ન્યૂઝપેપરે આ સામાન્ય નાગરિકોના અવાજને ઉમેદવારો સુધી પહોંચાડવા માટે એક ખાસ ઈન્ટરવ્યૂ શ્રેણીની શરૂઆત કરવાની વાત કહી હતી, તો તેના પ્રથમ ચરણમાં ધ્વનિના ચીફ એડિટર હિતેશ જગડ દ્વારા બ્રામ્પટનના મેયર પદના ઉમેદવાર જાગૃતિ ભટ્ટ સાથે તેમના મેયર પદ માટે ના પ્લેટફોર્મના મુદ્દાઑ પર ચર્ચા કરી હતી જેમાં તેમણે પ્રોપર્ટી ટેક્સ, ટ્રાફિક, ક્રાઇમ, ચાઇલ્ડ સેફ્ટી, સ્પીડ કેમેરા, હાઉસિંગ, મેન્ટલ હેલ્થ અને એડિક્શન જેવા મહત્વના મુદ્દાઓ પર અત્યંત ખુલ્લા મનથી અને તીખા પ્રશ્નો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ ધ્વનિના ચીફ એડિટર હિતેશ જગડે હળવા અંદાજમાં પ્રશ્ન પૂછ્યો કે, ‘જાગૃતિ’ નામનો અર્થ જ જાગૃતિ કે ચેતના લાવવી એવો થાય છે, તો શું તમે બ્રામ્પટન સિટી હોલમાં કોઈ નવો બદલાવ કે જાગૃતિ લાવવા માટે ચૂંટણી લડી રહ્યા છો? આ સાંભળીને જાગૃતિ ભટ્ટે સ્મિત સાથે સંવાદની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે મેયર પદ માટે ઉમેદવારી નોંધવવી એ બહુ મોટી જવાબદારી છે. આજે બ્રામ્પટનના લોકો મહેનત કરી રહ્યા છે પરંતુ પ્રોપર્ટી ટેક્સ, ટ્રાફિક, સેફ્ટી અને રોજબરોજના વધતા ખર્ચના કારણે અનેક પરિવારો સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ સિટી હોલમાં એવી જવાબદારી અને પારદર્શિતા લાવવા માંગે છે જેથી ચૂંટણી સમયે આપેલા વચનો માત્ર કાગળ પર ન રહે પણ લોકો તેની અમલવારી જોઈ શકે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દરેક ઉમેદવાર બદલાવની વાતો કરે છે, પણ જો તેઓ મેયર બને તો પ્રથમ પગલું શું હશે? આના જવાબમાં જાગૃતિ ભટ્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં જ શહેરના ચોપડાઓ તપાસશે. અગાઉના મોટા પ્રોજેક્ટ્સ, કોન્ટ્રાક્ટ્સમ, ગ્રાંટસ અને સિટી સર્વિસીસનો ગંભીર રિવ્યૂ કરવામાં આવશે. કરદાતાઓ પાસે વધુ પૈસા માંગતા પહેલા અથવા નવો મોટો પ્રોજેક્ટ શરૂ કરતા કે ગ્રાન્ટ મંજૂર કરતાં પેહલા સિટી હોલમાં થઈ રહેલા ખર્ચાઓની ચકાસણી થવી જરૂરી છે. પ્રોપર્ટી ટેક્સ વધારા અંગે વાત કરતા તેમણે કહ્યું કે ગવર્નમેન્ટને જ્યારે વધુ ફંડની જરૂર પડે ત્યારે પહેલો બોજ ટેક્સપેયર્સ પર નાખવાને બદલે સિટી હોલમાં થઈ રહેલા બિનજરૂરી ખર્ચ અને વેસ્ટેજને રોકવો જોઈએ.

વધતી જતી મોંઘવારી, હાઈ મોર્ગેજ રેટ, ગ્રોસરી અને ઈન્સ્યોરન્સના વધતા બોજ વિશે વાત કરતા જાગૃતિ ભટ્ટે સ્વીકાર્યું કે મેયર ગ્રોસરીના ભાવ કે બેંકના વ્યાજદર સીધા નિયંત્રિત કરી શકતા નથી. પરંતુ મ્યુનિસિપલ ગવર્નમેન્ટ પોતાના ફી, ટેક્સ અને લોકલ ખર્ચાઓ પર કાપ મૂકીને નાગરિકોને રાહત આપી શકે છે. બ્રામ્પટનમાં કાર ઈન્સ્યોરન્સના ઊંચા પ્રીમિયમ અંગે તેમણે પ્રોવિન્સિયલ ગવર્નમેન્ટ સામે મજબૂત અવાજ ઉઠાવવાની અને પોસ્ટલ કોડ આધારિત પ્રીમિયમ સિસ્ટમ નાબૂદ કરવા માટે લડત આપવાની ખાતરી આપી હતી.
બાળકોની સુરક્ષા અને ટ્રાફિકના પ્રશ્નો અંગે જાગૃતિ ભટ્ટે જણાવ્યું કે સ્કૂલ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં ચાઇલ્ડ સેફ્ટી સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. સ્પીડ કેમેરા અંગે તેમણે કહ્યું કે તેનો હેતુ માત્ર દંડ વસૂલવાનો કે ટિકિટો કાપવાનો નહીં પરંતુ ખરેખર ટ્રાફિક સેફ્ટી સુધારવાનો હોવો જોઈએ. બાઇક લેન અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સાયકલ લેનના વિરોધમાં નથી, પરંતુ યોગ્ય અભ્યાસ કર્યા વગર અને રોડ કેપેસિટી જોયા વગર ગમે ત્યાં બાઇક લેન બનાવી દેવી અયોગ્ય છે. અનિયંત્રિત ગ્રોથ અને ડેવલપમેન્ટને કારણે રોડ પર ટ્રાફિક વધે છે, તેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું જરૂરી છે.
શહેરમાં વધી રહેલી કાર ચોરીઓ, ઘરફોડ ચોરીઓ અને હિંસક ગુનાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જાગૃતિ ભટ્ટે સ્પષ્ટ અને વાસ્તવિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે માત્ર પોલીસ પેટ્રોલિંગ વધારવાથી કે પોલિટિકલ સ્ટેટમેન્ટ્સ આપવાથી ગુનાખોરી અટકાવી શકાશે નહીં. મેયર એકલા પીલ પ્રાદેશિક પોલીસ (Peel Regional Police)ને નિયંત્રિત કરી શકતા નથી કે ગુનાખોરી રાતોરાત ગાયબ કરી દેવાનું પોકળ વચન આપી શકતા નથી, પરંતુ મેયર તરીકે યોગ્ય સંસાધનો (Resources), પોલીસ દળને જરૂરી સપોર્ટ અને વધુ સારું કોઓર્ડિનેશન પૂરું પાડવું તેમની પ્રાથમિકતા રહેશે.
તેમણે ઉમેર્યું કે ગુનાખોરી ડામવા માટે માત્ર કાયદાકીય કાર્યવાહી જ કાફી નથી, પણ ગુના થતા અટકાવવા (Prevention) માટે તેના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. આજે અનેક યુવાનો ભટકી રહ્યા છે ત્યારે તેમને મુખ્યધારામાં લાવવા માટે યોગ્ય જોબ ઓપોર્ચ્યુનિટીઝ, કૌશલ્ય વર્ધક તાલીમ, સ્પોર્ટ્સ-રિક્રિએશનલ પ્રવૃત્તિઓ અને યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવી પડશે. આ સાથે પબ્લિક સ્પેસમાં સ્ટ્રીટ લાઇટિંગ અને સુરક્ષિત અર્બન ડિઝાઇન દ્વારા પણ નાગરિકોની સુરક્ષા વધારી શકાય છે. માત્ર પોલીસિંગ દ્વારા સમાજના દરેક પ્રશ્નનો ઉકેલ શક્ય નથી, તેથી યુવાનોને ગુનાખોરી તરફ જતા રોકવા માટે મજબૂત સામાજિક માળખું ઊભું કરવું પડશે.
માનસિક સ્વાસ્થ્ય (મેન્ટલ હેલ્થ), વ્યસનમુક્તિ (એડિક્શન) અને હોમલેસનેસના ગંભીર મુદ્દાઓ પર વાત કરતા જાગૃતિ ભટ્ટે ભારપૂર્વક કહ્યું કે આ વિષયો પર હવે ખુલ્લા મનથી ચર્ચા કરવાની તાતી જરૂરિયાત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માનસિક તણાવ કે એડિક્શનની સમસ્યા કોઈ પણ વ્યક્તિને અસર કરી શકે છે — પછી તે કોઈ યુવાન હોય, વરિષ્ઠ નાગરિક હોય, નોકરી ગુમાવનાર વ્યક્તિ હોય કે કોઈ ગંભીર આર્થિક અને સામાજિક દબાણ હેઠળ જીવતો પરિવાર હોય. હેલ્થકેર પ્રોવિન્સિયલ સરકાર હેઠળ આવે છે, છતાં મ્યુનિસિપલ લીડર તરીકે વિવિધ સંસ્થાઓને એક મંચ પર લાવવાની અને યોગ્ય સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની આપણી પણ ફરજ છે. પરિસ્થિતિ એકદમ કટોકટી કે ક્રાઇસિસ સુધી પહોંચે તેની રાહ જોવાને બદલે શરૂઆતથી જ સમયસર મદદ મળી રહે તેવી સિસ્ટમ બનાવવી પડશે. બેઘર લોકો (હોમલેસનેસ) અને વ્યસનની સમસ્યા પર તેમણે ઉમેર્યું કે હોમલેસ વ્યક્તિ પણ એક માણસ છે અને તે કયા કારણોસર (હાઉસિંગ, મેન્ટલ હેલ્થ, એડિક્શન કે બેરોજગારી) આ સ્થિતિમાં પહોંચ્યો છે તે સમજીને કાયમી ઉકેલ લાવવો પડશે. માત્ર લોકોને એક પાર્કમાંથી બીજા પાર્કમાં ખસેડવાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો. પીલ રીજન, માનસિક સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે દયા અને સહાનુભૂતિની સાથે સામાન્ય પરિવારો જાહેર સ્થળો, પાર્ક, લાઇબ્રેરી અને ટ્રાન્ઝિટનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી પણ એટલી જ જરૂરી છે.
બેઝમેન્ટ રેન્ટલ અને રેસિડેન્શિયલ રેન્ટલ લાયસન્સિંગ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક મકાનમાલિક કે લેન્ડલોર્ડને ગુનેગાર તરીકે ન જોવો જોઈએ, પરંતુ ફાયર સેફ્ટી અને અનધિકૃત ઓવરક્રાઉડિંગ સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ. સિટીના સ્થાનિક બિઝનેસિસને મદદ કરવા માટે તેમણે બિઝનેસ લાયસન્સ ફીમાં ૩૦ થી ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાની યોજના રજૂ કરી હતી. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને નવા આવેલા ઇમિગ્રન્ટ્સને અસુરક્ષિત હાઉસિંગ અને શોષણથી બચાવવા માટે કોલેજો અને કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ઇન્ટરવ્યૂના અંતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતે પણ એક ગૌરવશાળી ગુજરાતી ઇન્ડો-કેનેડિયન છે, ત્યારે વાચકો તેમને શા માટે વોટ આપે? ત્યારે જાગૃતિ ભટ્ટે ખૂબ જ પરિપક્વ જવાબ આપતા કહ્યું કે, “હું સ્ત્રી છું માત્ર એ કારણસર મને વોટ ન આપો. મારા વિચારો, મારા પ્લાન્સ અને વિઝનને જુઓ. પ્રશ્નો પૂછો અને અન્ય ઉમેદવારો સાથે મારી સરખામણી કરો. જો કોઈ પાસે મારા કરતા વધુ સારા સોલ્યુશન્સ હોય તો લોકોએ તેનો પણ વિચાર કરવો જોઈએ. સિટી હોલમાં ખરેખર જવાબદારી અને પારદર્શિતા લાવવા માટે નાગરિકોની જાગૃતિ જ સૌથી મોટું શસ્ત્ર છે.”
તંત્રીલેખ: પ્રજાતંત્રમાં તમારો વોટ જ તમારી સાચી શક્તિ છે
ધ્વનિ કમ્યુનિટી ન્યૂઝપેપના ચીફ એડિટર હિતેશ જગડે પોતાના ખાસ સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ મુલાકાત કોઈ ચોક્કસ ઉમેદવારનું સમર્થન કે એન્ડોર્સમેન્ટ નથી. ધ્વનિનો મુખ્ય હેતુ વાચકોને ઉમેદવારોના વિચારોથી માહિતગાર કરવાનો અને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય કરવાનો છે. ખાસ કરીને ઓન્ટેરિયો અને કેનેડાના રાજકારણમાં આગળ આવી રહેલા ગુજરાતી ઇન્ડો-કેનેડિયન ઉમેદવારોને પ્લેટફોર્મ પૂરું પાડવું એ પણ અખબારની સામાજિક જવાબદારી છે.
હિતેશ જગડે કમ્યુનિટીના લોકોને આહ્વાન કર્યું છે કે આપણે માત્ર ડ્રોઇંગ રૂમ, ચા-કોફીની ચર્ચા કે વોટ્સએપ ગ્રૂપ સુધી રાજકારણને સીમિત ન રાખતા ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. ઉમેદવારોને પ્રશ્નો પૂછો, તેમના વચનો ચકાસો અને સભાન બનીને મતદાન કરો. તમારો વોટ કોઈ રાજકીય પક્ષ, સોશિયલ મીડિયા ગ્રૂપ કે કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનનો નથી, પણ તમારો પોતાનો છે. તેથી ૨૦૨૬ની આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ અત્યંત વિવેક અને સમજુતીપૂર્વક કરો.
રીડર્સ માટે ધ્વનિનો પારદર્શિતાનો સંદેશ
ધ્વનિ કમ્યુનિટી ન્યૂઝપેપર પોતાના રીડર્સ સાથે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે. જાગૃતિ ભટ્ટ સાથેનો આ ઇન્ટરવ્યૂ સંપૂર્ણપણે અનપેઇડ (Unpaid) છે. આ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવાર કે તેમની ચૂંટણી ટીમ પાસેથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ લેવામાં આવ્યું નથી.
આ ખાસ ઇન્ટરવ્યૂ સિરીઝનો મુખ્ય હેતુ કોઈ ઉમેદવારનો પ્રચાર કે સમર્થન કરવાનો નથી, પરંતુ કમ્યુનિટીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, તેમના વિચારો, યોજનાઓ અને વિઝનને વધુ સારી રીતે જાણવાની તક આપવાનો છે. અમારો પ્રયાસ છે કે વોટર્સ ઉમેદવારો સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓને સમજે, પ્રશ્નો પૂછે, અલગ-અલગ ઉમેદવારોની સરખામણી કરે અને મતદાન કરતી વખતે પોતાનો સ્વતંત્ર અને માહિતીસભર નિર્ણય (Informed Decision) લઈ શકે.
ધ્વનિનું માનવું છે કે જાગૃત વોટર જ મજબૂત લોકશાહીનો સાચો પાયો છે.
આ ઇન્ટરવ્યૂ અથવા ધ્વનિના ચૂંટણી કવરેજ અંગે કોઈપણ પ્રશ્ન, સૂચન કે પ્રતિભાવ માટે અમને ઈમેલ કરો: dhwaninewsmedia@gmail.com
