4 September 2026

મેડ ઇન કેનેડા : ચાળીસ વર્ષ બાદ કેનેડામાં રેલ ઉત્પાદનનો ઐતિહાસિક પુનર્જન્મ: VIA Rail માટે $4.7 બિલિયનનું મેગા રોકાણ

0

    ઓટવા : કેનેડાના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. છેલ્લા ચાર દાયકાના લાંબા સમયગાળા બાદ પ્રથમ વખત પેસેન્જર રેલ-કાર બનાવવાનું કામ દેશમાં પરત ફરી રહ્યું છે. વડાપ્રધાન માર્ક કાર્નીએ વીઆઈએ રેલ (VIA Rail)ના જૂના થઈ ગયેલા ટ્રેન ફ્લીટને આધુનિક બનાવવા અને દેશમાં સેંકડો નવી રોજગારીઓ ઊભી કરવા માટે $4.7 બિલિયનથી વધુના ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી છે. ફેડરલ સરકારના આ નિર્ણાયક પગલાંથી કેનેડિયન મેન્યુફેક્ચરિંગ સેક્ટરને એક નવું જીવન મળ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ અલસ્ટોમ કેનેડા (Alstom Canada) પાસેથી 313 નવી પેસેન્જર રેલ કાર ખરીદવામાં આવશે અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવશે. આ VIA Railના સમગ્ર ઇતિહાસનું સૌથી મોટું રોકાણ છે અને એક પેઢી પછી કેનેડિયન સિટી-ટુ-સિટી પેસેન્જર રેલ સર્વિસમાં કરાયેલું સૌથી મહત્વપૂર્ણ રોકાણ માનવામાં આવે છે. આ નવી રેલ કારનું ઉત્પાદન અને એસેમ્બલીંગ ઓન્ટારિયોના થંડર બે (Thunder Bay) અને ક્યુબેક ના લા પોકેટીયર (La Pocatière) ખાતે કરવામાં આવશે. જ્યારે તેની ડિઝાઈનિંગ અને એન્જિનિયરિંગનું મહત્વનું કામ ક્યુબેક ના સેન્ટ-બ્રુનો-ડી-મોન્ટારવિલે (Saint-Bruno-de-Montarville) ખાતે હાથ ધરાશે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના જણાવ્યા અનુસાર, આ વિશાળ પ્રોજેક્ટથી ઓન્ટારિયો અને ક્વિબેકમાં લગભગ 700 જેટલી સીધી નોકરીઓને સપોર્ટ મળશે અને દેશના અર્થતંત્રને $1.6 બિલિયનથી વધુનો આર્થિક લાભ થશે. આ ઉપરાંત અલસ્ટોમ કંપની તેના 900થી વધુ કેનેડિયન સપ્લાયર્સના નેટવર્કનો ઉપયોગ કરશે તેમજ ટ્રેનના માળખાકીય એસેમ્બલીઝ અને પાર્ટ્સમાં કેનેડિયન સ્ટીલનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરશે.

    આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે કેનેડા તેના સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા અને વિદેશી સપ્લાય ચેઇન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. ભૂતકાળમાં VIA Railના મોટાભાગના સાધનો અને ટ્રેનો કેનેડા બહાર એટલે કે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સમાં બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન માર્ક કાર્નીએ આ પ્રસંગે ગર્વ સાથે જણાવ્યું હતું કે, ચાર દાયકામાં પહેલીવાર VIA Railની પેસેન્જર કાર સંપૂર્ણપણે કેનેડામાં જ બનશે. આ રોકાણનો સીધો અર્થ એ છે કે કેનેડિયન સપ્લાયર્સને નવા કોન્ટ્રાક્ટ્સ મળશે, દેશના વર્કર્સને ગૌરવપૂર્ણ રોજગારી મળશે અને દેશનો રૂપિયો કેનેડિયન સમુદાયોની અંદર જ રહેશે. આ નિર્ણય માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ VIA Rail સામે ઊભેલા એક મોટા પડકારને ઉકેલવા માટે પણ ખૂબ જરૂરી હતો. હાલમાં દેશના દૂરના વિસ્તારો, પ્રાદેશિક અને લાંબા અંતરના રૂટ પર દોડતી કેટલીક ટ્રેનો 70 વર્ષથી વધુ જૂની થઈ ગઈ છે અને તેમની ઓપરેશનલ લાઇફના અંતિમ તબક્કા તરફ પહોંચી ગઈ છે. કેનેડામાં જ બનેલી આ નવી ટ્રેનો મુસાફરોને બહેતર એક્સેસિબિલિટી, અલ્ટીમેટ રિલાયબિલિટી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. ખાસ વાત એ છે કે કેનેડિયન રેલવેની આગવી ઓળખ સમાન વિશિષ્ટ ફીચર્સ જેવા કે આકર્ષક ડોમ કાર, ફૂલ-સર્વિસ ડાઇનિંગ અને સોશિયલ એરિયાને નવી ટ્રેનોમાં પણ જાળવી રાખવામાં આવશે.

      નોંધનીય છે કે આ $4.7 બિલિયનની જાહેરાત પહેલાં જ જુલાઈ મહિનામાં ફેડરલ સરકારે 45 નવા પેસેન્જર લોકોમોટિવ્સ અને મોન્ટ્રીયલમાં એક નવું એસેમ્બલી અને મેન્ટેનન્સ ફેસિલિટી ઊભી કરવા માટે $1.95 બિલિયનનું રોકાણ જાહેર કર્યું હતું. જો આ બંનેને ઉમેરવામાં આવે તો ઓટાવા સરકાર VIA Railના લોંગ-ડિસ્ટન્સ, રીજનલ અને રિમોટ ફ્લીટને સંપૂર્ણપણે નવો લુક આપવા માટે કુલ $6.6 બિલિયનથી વધુનું માતબર રોકાણ કરી રહી છે. સમગ્ર કેનેડાના નાગરિકો માટે આ જાહેરાત માત્ર નવી ટ્રેનો ખરીદવા પૂરતી સીમિત નથી. આ પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નોકરીઓને કેનેડામાં પાછી લાવવા, ડોમેસ્ટિક સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાતા અબજો ડોલરથી પોતાના જ દેશમાં આર્થિક તકો ઊભી કરવાનો એક મોટો અને ઐતિહાસિક પ્રયાસ દર્શાવે છે.

      Quotes

      વડાપ્રધાન માર્ક કાર્ની (The Rt. Hon. Mark Carney, Prime Minister of Canada)

      “મજબૂત વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ આત્મવિશ્વાસથી છલોછલ કેનેડા નિર્માણનો માર્ગ પસંદ કરી રહ્યું છે. ચાર દાયકામાં પહેલીવાર VIA Rail ની પેસેન્જર કાર કેનેડામાં જ બનશે. જે ટ્રેન કાર્સ એક સમયે યુનાઇટેડ સ્ટેટ્સમાં બનતી હતી, તે હવે અહીં આપણા પોતાના દેશમાં બનશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કેનેડિયન સપ્લાયર્સને નવા કોન્ટ્રાક્ટ્સ મળશે, કેનેડિયન વર્કર્સને સારી નોકરીઓ મળશે અને મહેનતની કમાણી આપણા પોતાના જ શહેરો અને નગરોમાં રહેશે. દેશને શક્તિશાળી બનાવવાનો આ જ સાચો માર્ગ છે.”

      ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સ્ટેફન મેકિનોન (The Hon. Steven MacKinnon, Minister of Transport)

      “કેનેડાના નાગરિકો એક એવી પેસેન્જર રેલ સિસ્ટમ મેળવવાના હકદાર છે જે આધુનિક હોય, ભરોસાપાત્ર હોય અને આવનારી પેઢીઓની સેવા માટે તૈયાર હોય. આ રોકાણ કેનેડિયન વર્કર્સને સારી આવક આપતી નોકરીઓ પૂરી પાડવાની સાથે આપણા સ્થાનિક રેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવે છે. સેન્ટ-બ્રુનો-ડી-મોન્ટારવિલેના કેનેડિયન ડિઝાઈનિંગ અને એન્જિનિયરિંગ કૌશલ્યના સપોર્ટ સાથે, થંડર બે અને લા પોકેટીયરમાં આ રેલ કાર્સનું ઉત્પાદન કરીને આપણે કેનેડિયન વર્કર્સ, કેનેડિયન ઇનોવેશન અને એક વધુ મજબૂત તથા સક્ષમ અર્થતંત્રમાં રોકાણ કરી રહ્યા છીએ.”

      પેટ્ટી હાજદુ, મિનિસ્ટર (The Hon. Patty Hajdu, Minister of Jobs and Families)

      “આ રોકાણ થંડર બે અને નોર્ધન ઓન્ટારિયો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર છે. કેનેડામાં પેસેન્જર રેલ કાર્સ બનાવવા નો અર્થ છે કે કેનેડિયનો માટે સારી આવક ધરાવતી સ્કીલ્ડ જોબ્સ અને રેલ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા સ્થાનિક બિઝનેસ માટે નવી તકો. આ રોકાણ દ્વારા આપણે આપણા અર્થતંત્રને મજબૂત કરી રહ્યા છીએ, સમુદાયોને સપોર્ટ આપી રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે કેનેડિયન વર્કર્સ દેશમાં જ પેસેન્જર રેલનું ભવિષ્ય કંડારવામાં અગ્રણી ભૂમિકા ભજવતા રહે.”

      મેથ્યુ પેકેટ, વચગાળાના પ્રેસિડેન્ટ અને સીઈઓ, વીઆઈએ રેલ કેનેડા (Mathieu Paquette, Interim President & CEO, VIA Rail Canada)

      “આજની આ જાહેરાત VIA Rail ના ઓલ-કેનેડા ફ્લીટના ભવિષ્યને આકાર આપવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે. કેનેડામાં બનેલી આ નવી પેસેન્જર રેલ કાર્સ આધુનિક સુવિધાઓ, શ્રેષ્ઠ એક્સેસિબિલિટી અને ઉચ્ચ ભરોસાપાત્રતા સાથે પોતાની ખાસ ઓળખ સમાન ફીચર્સ જેવા કે ડોમ કાર, ફૂલ-સર્વિસ ડાઇનિંગ અને સોશિયલ એરિયાને જાળવી રાખશે. તે આપણને દૂરના વિસ્તારોમાં પણ આવશ્યક સેવાઓ જાળવી રાખવામાં મદદ કરશે અને ટ્રેનની મુસાફરી દ્વારા કેનેડાને અનોખી રીતે એક્સપ્લોર કરવાનો યાદગાર અનુભવ પૂરો પાડશે. પેસેન્જર રેલના ભવિષ્ય માટે આ ઐતિહાસિક રોકાણ કરવા બદલ અમે કેનેડા સરકારનો આભાર માનીએ છીએ.”

      Share with friends

      What do you feel about this?

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      You may have missed

      Total
      0
      Share