બ્રેમ્પટનમાં ગરવી ગુજરાત સીનિયર્સ ગ્રુપ દ્વારા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી: ૩૦૦થી વધુ ગુજરાતીઓ દેશભક્તિના રંગે રંગાયા

બ્રેમ્પટન : માતૃભૂમિથી હજારો કિલોમીટર દૂર વિદેશની ધરતી પર વસીને પણ ભારતીયતાનો રંગ અને માટીની સુગંધ અક્ષુણ્ણ રાખી શકાય છે તેનો જીવંત પુરાવો બ્રેમ્પટનના ગરવી ગુજરાત સીનિયર્સ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરના વિશાળ સાંસ્કૃતિક હોલ ખાતે ૧૪ ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય પર્વની એક અત્યંત ભાવાત્મક, રંગારંગ અને યાદગાર ઉજવણી સંપન્ન થઈ હતી. આ ભવ્ય સમારોહમાં ૩૦૦થી વધુ સભ્યોએ સંપૂર્ણ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માત્ર સ્વતંત્રતા દિવસનો ઉત્સવ જ નહીં, પરંતુ ઈન્ડો-કેનેડિયન સમુદાય વચ્ચેના પરસ્પર સ્નેહ, સંસ્કૃતિના જતન અને સમુદાયના આત્મીય સંગઠનનું અદ્ભુત ઉદાહરણ બની રહ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમની વિધિવત શરૂઆત થાય તે પહેલાં, સમુદાયના અગ્રણી સભ્યો ચંદ્રકાંતભાઈ શાહ અને નયનાબેન શાહે તેમની લગ્નજીવનની ૫૦મી ગોલ્ડન જૂબિલી મેરેજ એનિવર્સરી પ્રસંગે ઉપસ્થિત તમામ સભ્યોને રાજભોગ આઈસ્ક્રીમનું વિતરણ કરીને ખુશી વ્યક્ત કરી હતી. ગરવી ગુજરાત સીનિયર્સ ગ્રુપના તમામ હોદ્દેદારો અને સભ્યોએ આ દંપતીને તેમના સુખી દાંપત્ય જીવનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ, સંસ્થાના પ્રારંભિક સમયથી જોડાયેલા અને તાજેતરમાં જ પ્રભુચરણ પામેલા વરિષ્ઠ સભ્ય અનિલાબેન ભાવસારની પવિત્ર સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળીને ઉપસ્થિત તમામ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વત્સલાબેન વ્યાસના કુશળ મંત્રમુગ્ધ કરી દે તેવા સંચાલન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં થઈ હતી. ઈશ્વર સ્તુતિ બાદ દેશભક્તિના સૂર ગુંજવા લાગ્યા હતા. કાર્યક્રમના પ્રથમ ચરણમાં દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં દીનાબેન ગોપાણી અને શિલ્પાબેને ” રંગીલા મેરા દેશ ” ગીત પર ભાવવાહી પ્રસ્તુતિ આપી હતી. ત્યારબાદ પદ્માબેન કંસારા, સુશીલાબેન જોશી અને હર્ષાબેન જયસ્વાલે ” એ દેશ હૈ વીર જવાનોં કા ” પર સુંદર નૃત્ય રજૂ કરીને હોલમાં ઉપસ્થિત સૌ કોઈનામાં જોશ ભરી દીધું હતું. રાજેશ્વરીબેન શુક્લા અને તેમના ગ્રુપ દ્વારા ” ભારત કે ગૌરવ ” શીર્ષક હેઠળ રજૂ થયેલા કાર્યક્રમે માતૃભૂમિના ભવ્ય વારસાની યાદ અપાવી હતી. ભાનુ મિશ્રીએ પોતાની આગવી શૈલીમાં મ્યુઝિકલ ડાન્સ રજૂ કર્યો હતો, જ્યારે મુકેશભાઈ પાઠક, દીપિકાબેન પાઠક અને તેમના સાથીદારોએ ” એસા દેશ હૈ મેરા ” ગીત પર સુંદર મનોરંજક રજૂઆત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.










કાર્યક્રમના બીજા ચરણમાં સાંસ્કૃતિક અને મનોરંજનના વિવિધ કાર્યક્રમોએ ધૂમ મચાવી હતી. સુશીલાબેન જોશી દ્વારા મહાભારતના પ્રસંગ આધારિત એક વિશેષ અને પ્રભાવશાળી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેની પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી. રેણુકાબેન દેસાઈ અને રમાબેન શાહે તેમની વિશેષ પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમમાં રંગ પૂર્યો હતો. જ્યારે નયનાબેન પાઠકના કોમેડી પર્ફોર્મન્સે સમગ્ર હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. સંગીતના ક્ષેત્રે પ્રવીણભાઈ બારોટ અને અરૂણભાઈ દવે દ્વારા બોલિવૂડના સદાબહાર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. આ ભવ્ય ઉજવણીનું સમાપન એક અત્યંત ઉર્જાવાન અને પરંપરાગત ગુજરાતી કોરિયોગ્રાફ્ડ ગરબા ” વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ” દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કલાકારો અને સભ્યો જોડાયા હતા અને કાર્યક્રમમાં કેનેડાની ધરતી પર ગુજરાતનો અસલ સાંસ્કૃતિક રંગ ભેળવ્યો હતો.
આ ઉત્સવમાં બ્રેમ્પટનની આગામી મ્યુનિસિપલ ઇલેક્શનના ઉમેદવારો પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેયર પદના ઉમેદવાર જાગૃતિ ભટ્ટ અને કાઉન્સિલ પદના ઉમેદવાર નયન બ્રહ્મભટ્ટે હાજરી આપી હતી. ગરવી ગુજરાત સીનિયર્સ ગ્રુપ દ્વારા બંને નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવામાં ગરવી ગુજરાત સીનિયર્સ ગ્રુપના તમામ એક્ઝિક્યુટિવ સભ્યો, કલાકારો અને વોલન્ટિયર્સે ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થા દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો. ખાસ કરીને સાઉન્ડ સિસ્ટમની ઉત્કૃષ્ટ વ્યવસ્થા માટે અનિલભાઈ અને દિલીપભાઈ પારેખ તથા મનોરમ ફોટોગ્રાફી અને ભવ્ય સ્ટેજ ડેકોરેશન માટે ભાનુ મિશ્રીની સેવાઓની ખાસ સરાહના કરવામાં આવી હતી.
આ દેશભક્તિ સભર મિલનનું સમાપન પરંપરાગત ગુજરાતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન સાથે થયું હતું. સભ્યોએ પૂરી, શાક, દાળ-ભાત અને મોહનથાળની લિજ્જત માણી હતી. આ પ્રસંગે તમામ વરિષ્ઠ નાગરિકોએ આગામી ૨૫ સપ્ટેમ્બરે ફરી એકવાર ઉત્સાહભેર મળવાના કોલ સાથે વિદાય લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનો અહેવાલ ગરવી ગુજરાત સીનિયર્સ ગ્રુપના જનરલ સેક્રેટરી વિઠ્ઠલભાઈ અમીન દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે
