Gujarat Budget 2024 : ગુજરાતનો વિકાસદર 14.9 ટકા થયો

  • વિધાનસભામાં શુક્રવારે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો
  • ગુજરાતનું 3 લાખ 32 હજાર 465 કરોડ રૂપિયાનું બજેટ, નાણામંત્રીએ કૃષિ, આરોગ્ય, મહિલાઓ માટે જાણો કઈ કઈ કરી જાહેરાત
  • આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી 

ગુજરાત વિધાનસભામાં શુક્રવારે ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. ગુજરાતના નાણામંત્રી દ્વારા વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરાઈ છે.

દરેક ખાતામાં માટે મહત્તમ જોગવાઈ : નાણામંત્રી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભામાં બજેટ રજૂ કરતા પૂર્વે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત 2047નું આહવાન છે ત્યારે ગુજરાત સરકારે રોડ મેપ રજૂ કર્યો છે. ગરીબ, યુવાન, નારીશક્તિ અને અન્નદાતા માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. આ ઉપરાતં  નાણામંત્રીએ જણાવ્યું હતું કે દરેક ખાતામાં માટે મહત્તમ જોગવાઈ છે.

નમો લક્ષ્મી યોજનાની કરી જાહેરાત

વિકસિત ગુજરાત 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે.તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક ₹10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક ₹15 હજારની સહાય કરવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ -12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ 250 હજારની સહાય મળવાપાત્ર કરવાનો છે. સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. તેમજ 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ

વિધાનસભામાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. નાણાપ્રધાન કનુ દેસાઇએ 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. ગત્ત વર્ષની સરખામણીએ 31,44 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ વખતના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટમાં NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ કરાઈ છે. નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની ફાળવણી કરાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ.  પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ તથા જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ કરાઈ છે.

ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડની જોગવાઈ

બજેટની જોગવાઈ અનુસાર એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે. યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ. ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ. અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ ફાળવાયા છે.

સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની ફાળવણી

નાણામંત્રીએ સરકારી છાત્રાલય,આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડ, પ્રિ-મેટ્રીકના 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 176 કરોડ, દૂધ સંજીવની યોજના હેઠળ 150 કરોડ, ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય માટે 120 કરોડ અને અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે 23 કરોડની ફાળવણી કરી હતી.

ગૃહ વિભાગ માટે મોટી જાહેરાત

આ વખતે નાણામંત્રીએ બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રૂ.10,378 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડ, કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડ, મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડ અને માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રામ વિકાસ

મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ કરાઈ છે. સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે 751 કરોડની જોગવાઇ કરાઈ છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી 30 લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે 262 કરોડની જોગવાઇ છે. ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા 42 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા 164 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઇ કરાઈ છે.

ગુજરાત 2.0 અંતર્ગત યોજનાકીય કામો સાથે જન-ભાગીદારી થકી લાંબાગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને યોજનાઓના અમલમાં ગતિ અને ગુણવત્તા લાવવા પંચાયતી રાજની સંસ્થાઓમાં 2000 નવી તાંત્રિક અને બિન તાંત્રિક જગ્યાઓ ઉભી કરી સમગ્ર વહીવટી માળખાને સુદ્રઢ કરવામાં આવશે. 

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઇ

પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-2024 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે. • NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ કરાઈ છે. NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઈ કરાઈ છે. નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ કરાઈ છે. “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ કરાઈ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે કઈ કઈ જોગવાઈ

સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ધોરણ-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે 250 કરોડની જોગવાઇ છે.  મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 2000 કરોડની જોગવાઇ કરાઈ છે. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ કરાઈ છે. મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2308 કરોડની જોગવાઇ કરાઈ છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ કરાઈ છે. આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઇ કરવામાં આવી  છે. સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઇ છે. G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઇ કરાઈ છે

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ

નાણામંત્રીએ આદિજાતિ વિકાસના વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરી હતી. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ. નાણામંત્રીએ શિક્ષણ વિભાગ માટે 55114 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

અન્ય વિભાગો માટે કેટલું બજેટ ફાળવ્યું?

આ સાથે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે જળસંપતિ વિભાગ માટે કુલ રૂ. 11,535 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો થયો છે. ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન છે. અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે. બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ. જ્યારે બીજી બાજુ ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ બજેટમાં મહિલા, યુવાનો અને ખેડૂતો પર ફોકસ : પ્રવક્તા મંત્રી

બજેટ રજૂ થાય તે પહેલાં સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે કે માત્ર એક બે નહીં પરંતુ આગામી 25 વર્ષના વિઝન સાથે આ બજેટ રજૂ થશે. કનુ દેસાઇ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ કરવામાં આવશે.

મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવ

બજેટ પહેલા બેનરો લગાવીને કોંગ્રેસી નેતાઓ વિરોધ માટે વિધાનસભાની બહાર પહોંચ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ તેમની સાથે છે. ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, ‘રાજ્ય સરકારનું બજેટ 450 રૂપિયે સિલિન્ડર માંગે છે. રાજસ્થાનમાં 450 રૂપિયા હોય તો ગુજરાતમાં કેમ નહીં.’ કોંગ્રેસના 15 પૈકીના 13 ધારાસભ્યો વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો છે. અમિત ચાવડાની આગેવાનીમાં આ દેખાવ કરવામાં આવી રહ્યો છે. મોંઘવારીથી મુક્તિના સ્લોગન સાથે દેખાવ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ  જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, તેઓ બંને કામ હોવાથી અગાઉથી રજા લઈને ગયા છે.

બજેટ હાઈલાઇટ્સ

  • વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ
  • નાણામંત્રીની બજેટમાં જાહેરાત અનુસાર 6 ITIને મેગા ITI બનાવાશે.
  • 900 એકરમાં ફેલાયેલી ગિફ્ટી સિટીનું 3300 એકરમાં વિસ્તરણ કરાશે.
  • 962 કરોડના ખર્ચે તૈયાર થયેલો દ્વારકા-ઓખા સિગ્નેચર બ્રિજ હવે પૂર્ણતાના આરે છે.
  • અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે, કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે
  • સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ કરાઇ છે.
  • 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે. આ સાથે નવી 2500 જેટલી એસટી બસો ખરીદાશે.
  • પોલીસ, ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર 
  • અમદાવાદ અને સુરત જિલ્લામાં બનશે અદ્યતન હોસ્પિટલ
  • ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ
  • સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત કરાઈ છે
  • પંચાયત, ગ્રામગૃહ નિર્માણ, ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ
  • 7 શહેરો બનશે મહાનગરપાલિકા
  • નમો સરસ્વતી યોજનાની જાહેરાત
  • 3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા કરાશે
  • 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ થશે
  • શૈક્ષણિક સહાય માટે નમો લક્ષ્મી યોજના લાગૂ થશે
  • ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે
  • ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે
  • 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવાશે
  • ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. તેના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

#Gujarat-budget-2024 #ગુજરાત-બજેટ-2024 #ગુજરાત-બજેટ #Gandhinagar #Gujarat-CM #Gujarat-Finance-Minister #kanu-Desai #Bhupendrabhai Patel #BJP #CONGRESS #Gujarat-Assembly-budget-session #gujarat-legislative-assembly

Next Post

અંડર-19 વર્લ્ડકપ: ભારત નવમી વાર ફાઇનલમાં રમશે

Wed Feb 7 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતીય યુવા ક્રિકેટ ટીમ ફરી કમાલ કરવાની તૈયારી કરી રહી છે. બ્લૂ બ્રિગેડ અત્યાર સુધી અંડર-19 વર્લ્ડકપમાં અપરાજિત રહી છે. અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં તેણે જગ્યા બનાવી લીધી છે. અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમ નવમી અને સતત પાંચમીવાર વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી છે. ઉદય […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share