અમેરિકામાં આઈટી સહિતના દરેક ક્ષેત્રમાં ભારતીયોની માંગ વધી રહી છે. ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સાંસદ મેટ કાર્ટરાઈટે તો સ્પષ્ટપણે કહ્યુ છે કે, ભારતીય પ્રોફેશનલ્સની અમેરિકામાં તાતી જરૂરિયાત છે અને આ માટે ભારતીયોને ગ્રીન કાર્ડ આપવા માટે લગાવવામાં આવેલો સાત ટકાનો ક્વોટા હટાવી દેવો જોઇએ.
ભારતની ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં અમેરિકન સાસંદે કહ્યુ હતુ કે, અમેરિકાને હાઈસ્કિલ્ડ લોકોની જરૂર છે અને એટલા માટે જરૂરી છે કે, નોકરી મેળવવા માંગતા ભારતીયો અમેરિકામાં આવીને વસવાટ કરે.
અમેરિકા દર વર્ષે સાત ટકા ભારતીયોને જ ગ્રીન કાર્ડ આપે છે. આ ક્વોટાને હટાવવા માટે મેટ કાર્ટરાઈટ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાએ દરેક દેશના સાત ટકા નાગરિકોને જ ગ્રીન કાર્ડ આપવાનુ નક્કી કર્યુ છે. તેના કારણે ભારત જેવા લોકશાહી અને અમેરિકાના મિત્ર દેશને નુકસાન થઈ રહ્યુ છે. ભારતમાં ઉચ્ચ શિક્ષિત લોકોની મોટી સંખ્યા છે પણ અમેરિકાની ક્વોટા સિસ્ટમના કારણે તેમને અમેરિકામાં તક નથી મળી રહી અને તેમને મોકો નહીં આપીને અમેરિકા મુર્ખામી કરી રહ્યુ છે.
ભારત અને અમેરિકા વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ બહુ જરૂરી છે અને તેના માટે ભારતથી મહત્તમ લોકો અમેરિકા આવે તે પણ અનિવાર્ય છે. ત્યારે પોતાના દેશની ઈકોનોમી મજબૂત કરવા માટે અમેરિકાએ હંમેશા તિવ્ર બુધ્ધિમતા ધરાવતા અને ઉચ્ચ કક્ષાની આવડતવાળા લોકોનું સ્વાગત કર્યુ છે અને આ નીતિ સેંકડો વર્ષોથી ચાલતી આવી છે એટલે સાત ટકાનો ક્વોટા લાગુ કરવાનો નિર્ણય એક મોટી ભૂલ છે.
મેટ કાર્ટરાઈટ જે ક્વોટાનો વિરોધ કરી રહ્યા છે તેમાં ગ્રીન કાર્ડ મળે છે. અમેરિકામાં આવતા જે લોકોને ગ્રીન કાર્ડ મળે તેમને અમેરિકામાં કાયમ માટે રહેવાનો અધિકાર મળતો હોય છે. અમેરિકાએ દરેક દેશના લોકોને ગ્રીન કાર્ડ આપવા માટે એક મર્યાદા રાખી છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં એશિયાઈ મૂળના 2.35 કરોડ લોકો રહે છે. જેમાં 48 લાખ લોકો ભારતીય મૂળના છે.
#United-States #India #Green-Cards #Matt-Cartwright #Pennsylvania