- રામમંદિરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિમાં સામેલ થયા હતા
- પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને જોતાં અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી
- પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંતો, નેતાઓ અને બોલીવૂડની સેલેબ્રિટીઝે હાજરી આપી હતી
ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ સર્જાયો છે. આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી હતી. ભારતીય પરિધાનમાં જ્યારે હાથમાં છત્ર લઇને પીએમ મોદી રામ દરબારમાં પહોંચ્યા ત્યારે 500 વર્ષ પૂર્વે જોયેલું સપનું સાકાર થતાં જોઇને દરેક દેશવાસીની આંખમાં આંસ આવી ગયા. આ ક્ષણ દરેક દેશવાસી માટે ભાવુક કરનાર હતી. આ અવસરે ભારતના પીએમ મોદી પણ ભાવુક થયા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં રામ લલાની શૃંગારની વસ્તુઓ લઇને રામ મંદિર પહોંચ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક સહિતની પૂજા વિધિ પૂર્ણ થઇ અને બાદ મંગળ આરતી કરી હતી. આ અલૌકિક ક્ષણે પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા.
આ દરમિયાન ભારતના પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. આ ખાસ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યા ધામમાં શ્રીરામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ દરેકને ભાવુક કરી દેશે. આ દિવ્ય કાર્યક્રમનું સાક્ષી બનવું મારૂં સૌભાગ્ય છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત મંદિરના ગર્ભગૃહમાં હાજર રહ્યા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણપ્રતિષ્ઠાની વિધિઓ કરી હતી. ગર્ભગૃહમાં યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.
મંદિર નિર્માણના કામની સંભાળ રાખતી રામમંદિર કમિટીએ પ્રાણપ્રતિષ્ઠા આયોજનમાં ભાગ લેવા માટે 7,000 સાધુ-સંતો સિવાય બીજા 4,000 લોકોને નિમંત્રણ આપ્યું હતું. દસ હજાર સીસીટીવી કૅમેરા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સયુક્ત ડ્રોન્સ અહીં સુરક્ષાવ્યવસ્થામાં તહેનાત કરવામાં આવ્યાં હતાં. પોલીસ પણ સાદી વરદીમાં તહેનાત હતી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, રામની મૂર્તિને રવિવારના વિભિન્ન તીર્થસ્થળોથી લાવવામાં આવેલા “ઔષધિયુક્ત” જળ અને પવિત્ર જળથી ભરાયેલા 114 ઘડાઓથી સ્નાન કરાવવામાં આવ્યું હતું.
ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમનાં પત્ની નીતા અંબાણી સાથે સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર મુકેશ અંબાણીએ પત્રકારોએ કહ્યું કે આ દિવસ બહુ વિશેષ છે. મુકેશ અંબાણીએ કહ્યું, “આજે શ્રીરામ પધારી રહ્યા છે. 22 જાન્યુઆરી સંપૂર્ણ દેશ માટે આગળ રામદિવાળી છે.”
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે લખનૌમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જે મૂર્તિ અત્યાર સુધી પથ્થર હતી તે આજે પ્રાણપ્રતિષ્ઠા બાદ ભગવાનનું રૂપ લઈ લેશે. જે લોકો નીતિ, રીતિ અને મર્યાદાનું સન્માન કરે છે તે ભગવાન રામના સૌથી મોટા ભક્તો છે. તેઓ પોતાના પરિવાર સાથે પછી રામમંદિરના દર્શન કરશે.
આ આયોજનમાં કૉંગ્રેસે પણ સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. કૉંગ્રેસનું કહેવું છે કે આ ધાર્મિક આયોજન નથી પરંતુ ભાજપ આને રાજનૈતિક ઇવેન્ટ બનાવી રહ્યો છે. એનસીપી નેતા શરદ પવાર અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ પછી રામમંદિર દર્શન કરવા આવશે.
પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આવનારા લોકોમાં મહાપ્રસાદનું વિતરણ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમારોહમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત લોકોને મહાપ્રસાદ આપવામાં આવશે. મહાપ્રસાદના 20 હજાર પૅકેટ બનાવવામાં આવ્યાં છે. મહાપ્રસાદ શુદ્ધ ઘી, પંચમેવા, ખાંડ અને ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યો છે. મહાપ્રસાદ બનાવવા માટે 5000 કિલો સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 200 લોકોની ટીમ પ્રસાદ બનાવી રહી છે. રામજન્મભૂમિ ટ્રસ્ટ પહેલેથી જ દરરોજ પાંચ હજાર સંતો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમની રહેવાની વ્યવસ્થા ઉદાસીન આશ્રમ રાણોપાલીમાં કરવામાં આવી છે. તેમને ધાબળા, ગાદલા અને બેડશીટની કિટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત અલગ-અલગ મંદિર પરિસરમાં સાધુઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અયોધ્યામાં આયોજીત સમારોહમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મધુર ભંડારકર અને કંગના રનૌત, વિવેક ઓબેરોય, રજનીકાંત, ધનુષ, રણદીપસિંહ હુડ્ડા અને તેમનાં પત્ની લિન લૈશરામ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, ડાયરેક્ટર રોહિત શેટ્ટી, કટરીના કેફ, વિક્કી કૈશલ, કંગના રનૌત, માધુરી દીક્ષિત અને આયુષ્માન ખુરાના સહિત અનેક બોલીવૂડના સેલેબ્રિટી પણ સામેલ થઇ હતી. પૂર્વ ક્રિકેટર અનિલ કુમ્બલે અને વેંકટેશ પ્રસાદ સચીન તેંડુલકર પણ અયોધ્યા પહોંચ્યા હતા. બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે અયોધ્યા પહોંચ્યા બાદ કહ્યું હતું કે, “આ મારું સૌભાગ્ય છે કે હું અહીં સુધી પહોંચી શકી છું. અમે તે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે મંદિર ખુલશે અને અમે રામલલ્લાના દર્શન કરી શકીશું.”
માત્ર અયોધ્યાના લોકો જ નહીં પણ ભારતભરમાં શ્રદ્ધાળુઓ રામનામના જાપ કરી, રામધૂન અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી રહ્યા છે. ભારતમાં 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. માત્ર ભારતમા જ નહીં અન્ય દેશોમાં પણ ભગવાન રામચંદ્રજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. #rammandir #narendramodi #yogiadityanath #UP #india #lordram #pranpratishtha