વડાપ્રધાનશ્રીએ સાબરમતી ખાતેથી પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આશ્રમ ભૂમિ વંદનાપ્રોજેક્ટનો શુભારંભ

વડાપ્રધાનશ્રીએ સાબરમતી ખાતેથી પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

  • સાબરમતી આશ્રમે બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્ર સેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવાના દર્શનના મૂલ્યોને જીવંત રાખ્યાં છે
  • અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાળમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું
  • જે રાષ્ટ્ર પોતાના વારસાને સાચવવામાં સક્ષમ નથી, તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે
  • બાપુનો સાબરમતી આશ્રમ દેશનો જ નહીં માનવતાનો વારસો છે
  • ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો
  • આજે જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીનું આ તિર્થધામ આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  • આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ  થયો
  • પુનઃનિર્માણ પ્રોજેક્ટથી સાબરમતી ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ બનશે
  • પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યારથી આ આશ્રમ રચનાત્મક કાર્યો, મૂળભૂત સિદ્ધાંતો, સત્યાગ્રહ અને આધ્યાત્મિક વિચારોના પ્રયોગાત્મક કેન્દ્રની ભૂમિ રહ્યો છે
  • આઝાદી પહેલાં અનેક જનઆંદોલનના નિર્ણયો આ પવિત્ર ભૂમિ પરથી લેવાયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાંડીકૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરીને ‘આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો, સાથે સાથે પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદય કુંજની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે પુનઃ નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આશ્રમ પરિસરમાં વડાપ્રધાનશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમ હંમેશાં અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. અહીંયા આવીને આપણે બાપુની પ્રેરણા અનુભવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે,સાબરમતી આશ્રમે પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્રસેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જોવાના મૂલ્યોને જીવંત રાખ્યા છે.

વડાપ્રધાનશ્રીએ કોચરબ આશ્રમમાં ગાંધીજીના સમયનું વર્ણન કર્યું હતું. ગાંધી બાપુએ દાંડીકૂચની શરૂઆત કરી અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જે તારીખ સુવર્ણ અક્ષરો લખાઈ એ 12મી માર્ચની નોંધ લેતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક દિવસ સ્વતંત્ર ભારતમાં નવા યુગની શરૂઆતનો સાક્ષી છે.

આજનો દાંડીકૂચ દિવસ ઐતિહાસિક દિવસ છે. સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીયાત્રાએ આઝાદ ભારતની પૃષ્ઠભૂમિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, એવું તેમણે ઉમેર્યું હતું.

12મી માર્ચે જ સાબરમતી આશ્રમથી રાષ્ટ્રએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી તે વાતને યાદ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમે દેશની ભૂમિના બલિદાનોને યાદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાળમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું, અમૃત મહોત્સવ પ્રસંગે દેશમાં જનભાગીદારીનું એવું વાતાવરણ બન્યું હતું, જેવું આઝાદી પહેલાના સમયમાં જોવા મળ્યું હતું.

તેમણે મહાત્મા ગાંધીના આદર્શો અને મૂલ્યોનો પ્રભાવ અને અમૃત મહોત્સવના વ્યાપ વિશે વાત કરી હતી.

વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ અંતર્ગત 3 કરોડથી વધુ લોકોએ પંચ પ્રણ શપથ લીધા હતા, 2 લાખથી વધુ અમૃતવાટિકાનું નિર્માણ કરાયું હતું તથા 2 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. સાથે સાથે જળસંરક્ષણની દિશામાં પણ કાર્ય કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 70,000થી વધારે અમૃત સરોવરોનું નિર્માણ કરાયું છે. તેવું તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત, હર ઘર તિરંગા અભિયાન થકી સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગના રંગાયો હતો અને મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ થકી લાખો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા 2 લાખથી વધુ શિલાફલકમની સ્થાપના કરવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. બાપુનો સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં માનવતાનો વારસો છે. આ અમૂલ્ય વારસાની લાંબી અવગણનાને યાદ કરતાં વડાપ્રધાને આશ્રમનો વિસ્તાર 120 એકરથી ઘટીને 5 એકર થવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 63 ઇમારતોમાંથી માત્ર 36 ઇમારતો જ રહી છે અને માત્ર 3 ઇમારતો મુલાકાતીઓ માટે ખુલ્લી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામમાં આશ્રમના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને સાચવવાની 140 કરોડ ભારતીયોની જવાબદારી છે.

વડાપ્રધાનશ્રીએ આશ્રમની 55 એકર જમીન પાછી મેળવવામાં આશ્રમવાસીઓના સહકારને સ્વીકાર્યો હતો તથા આશ્રમની તમામ ઈમારતોને તેમના મૂળ સ્વરૂપમાં સાચવવાનો ઈરાદો દર્શાવ્યો હતો.

વડાપ્રધાનશ્રીએ આવા સ્મારકોની લાંબી અવગણના માટે ઇચ્છાશક્તિના અભાવ, સંસ્થાનવાદી માનસિકતા અને તુષ્ટિકરણને જવાબદાર ઠેરવ્યું હતું.

દેશની ધાર્મિક અને ઐતિહાસિક વિરાસતોના વિકાસ અંગે વાત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સરકારની મજબૂત ઈચ્છાશક્તિના પરિણામે તથા લોકોના સહકાર દ્વારા 12 એકર જમીન પ્રોજેક્ટ માટે બહાર આવી, જેના પર ભક્તો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી. જેના પરિણામે કાશી વિશ્વનાથ ધામના પુનઃવિકાસ પછી 12 કરોડ શ્રદ્ધાળુઓનું આગમન થયું. તેવી જ રીતે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના વિસ્તરણ માટે 200 એકર જમીન મુક્ત કરવામાં આવી હતી. ત્યાં પણ છેલ્લા 50 દિવસમાં 1 કરોડથી વધુ ભક્તો દર્શન માટે ગયા છે.

ગુજરાતમાં વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ અંગે વાત કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે,  ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો. તેમણે સરદાર પટેલના નેતૃત્વમાં સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. ચાંપાનેર અને ધોળાવીરા, લોથલ, ગિરનાર, પાવાગઢ, મોઢેરા અને અંબાજી સાથે વર્લ્ડ હેરિટેજ સિટી  અમદાવાદ જેવાં ઉદાહરણો ગણાવ્યાં હતાં.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામથી સંબંધિત વારસાના પુનઃસંગ્રહ માટેના વિકાસ અભિયાનનો ઉલ્લેખ કરતાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્તવ્ય પથના સ્વરૂપમાં રાજપથના પુનઃવિકાસ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર સ્વતંત્રતા સંબંધિત સ્થળોના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. ‘પંચ તીર્થ’ના રૂપમાં બી.આર.આંબેડકર સાથે સંબંધિત સ્થળોનો વિકાસ, એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમની પુનઃસ્થાપન આ દિશામાં એક નિર્ણાયક પગલું છે.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ભવિષ્યની પેઢીઓ અને સાબરમતી આશ્રમની મુલાકાત લેનારાઓને ચરખાની શક્તિ અને ક્રાંતિને જન્મ આપવાની તેની ક્ષમતામાંથી પ્રેરણા મળશે. “બાપુએ એવા રાષ્ટ્રમાં આશા અને વિશ્વાસ ભરી દીધો હતો જે સદીઓની ગુલામીને કારણે નિરાશાથી પીડાઈ રહ્યું હતું”

બાપુનું વિઝન દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા બતાવે છે તેની નોંધ લેતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, સરકાર ગ્રામીણ ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહી છે અને મહાત્મા ગાંધીએ આપેલા આત્મનિર્ભરતા અને સ્વદેશીના આદર્શોને અનુસરીને આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહી છે. વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે વાત કરતાં કહ્યું કે, ગુજરાતમાં 9 લાખ કૃષિ પરિવારોએ કુદરતી ખેતી અપનાવી છે, જેના કારણે 3 લાખ મેટ્રિક ટન યુરિયાના વપરાશમાં ઘટાડો થયો છે.

વડાપ્રધાનશ્રીએ આધુનિક સ્વરૂપમાં પૂર્વજો દ્વારા  સ્થાપાયેલા આદર્શોને અનુસરવા પર ભાર મૂક્યો હતો અને ગ્રામીણ ગરીબોની આજીવિકા અને આત્મનિર્ભર ઝુંબેશને પ્રાથમિકતા આપવા ખાદીનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો.

ગામડાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, બાપુનું ગ્રામ સ્વરાજનું વિઝન આજે જીવંત થઈ રહ્યું છે. તેમણે મહિલાઓની વધતી ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “સ્વ-સહાય જૂથો, 1 કરોડથી વધુ લખપતિ દીદીઓ, મહિલાઓ ડ્રોન પાઈલટ બનવા માટે તૈયાર હોય એવું આ પરિવર્તન એક મજબૂત ભારતનું ઉદાહરણ છે અને સર્વસમાવેશક ભારતનું ચિત્ર પણ છે.

વડાપ્રધાનશ્રીએ સરકારના પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અવકાશ ક્ષેત્રમાં ભારતની તાજેતરની સિદ્ધિઓ પણ વર્ણવી હતી. તેમણે કહ્યું કે, “આજે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીનું આ મંદિર આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે. તેથી સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમનો વિકાસ એ માત્ર ઐતિહાસિક સ્થળોનો વિકાસ નથી. તે વિકસિત ભારતના સંકલ્પ અને પ્રેરણામાં આપણો વિશ્વાસ પણ મજબૂત કરે છે.” સાથે જ, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે બાપુના આદર્શો અને તેમની સાથે સંકળાયેલા પ્રેરણાત્મક સ્થાનો રાષ્ટ્રનિર્માણમાં આપણાં પ્રવાસને માર્ગદર્શન આપતા રહેશે.

વડાપ્રધાનશ્રીએ ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાઈડ માટે સ્પર્ધા યોજવાનું આહ્વાન કરીને શાળાઓને દરરોજ ઓછામાં ઓછા 1000 બાળકોને સાબરમતી આશ્રમ લઈ જવા અને સમય પસાર કરવા અપીલ કરી હતી.

“આ આપણને કોઈ પણ વધારાના બજેટની જરૂરિયાત વિના ઐતિહાસિક ક્ષણોને ફરીથી જીવવાની મંજૂરી આપશે” તેમ જણાવીને સંબોધન સમાપ્ત કરતાં વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એક નવા પરિપ્રેક્ષ્ય  થકી દેશની વિકાસ યાત્રાને બળ મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ આ ભૂમિ પરથી 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ કરી બ્રિટિશ શાસનની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા આઝાદીની ચળવળનો પ્રારંભ કર્યો હતો. આજે એ જ ભૂમિ પર આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ થઈ રહ્યો છે, એ આપણાં સૌ દેશવાસીઓ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યારથી લઈને આ આશ્રમ રચનાત્મક કાર્યો, મૂળભૂત સિદ્ધાંતો, સત્યાગ્રહ અને આધ્યાત્મિક વિચારોના પ્રયોગાત્મકની કેન્દ્ર ભૂમિ રહ્યો છે. આઝાદી પહેલાં અનેક જનઆંદોલનના નિર્ણયો આ પવિત્ર ભૂમિ પરથી લેવાયા છે. એટલું જ નહિ દેશની આઝાદીનું સપનું પણ આ ભૂમિ પરથી જ સાકાર થયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પુનઃનિર્માણ પ્રોજેક્ટથી સાબરમતી ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ 2021માં પોતાની મુલાકાત દરિમયાન સાબરમતી ગાંધી આશ્રમના પુનઃ નિર્માણનો વિચાર વ્યક્ત કર્યો હતો અને  એ વિચાર આજે સાકાર થઈ રહ્યો છે.

આ પ્રોજેક્ટથી નૈતિકતા, સત્વ અને તત્ત્વનું મૂળ જાળવવાની સાથે ધરોહર તેમજ ગાંધી વિચારો અને ગાંધી મુલ્યોને નૂતન સ્વરૂપે વિશ્વમાં વિસ્તરવાનું માધ્યમ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના પર્વે વડાપ્રધાનશ્રીએ એક ભારત – શ્રેષ્ઠ ભારત અને ભારતને વિશ્વગુરુ બનાવવાના વિચારને સાકાર કરવા 12 માર્ચ 2021ના રોજ ગાંધીઆશ્રમ ખાતેથી જ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટના માધ્યમથી વિકાસ અને વિરાસતના જતનની ગેરંટી પ્રમાણે નવું પરિસર વિરાસતના ગૌરવને વધારશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

જમીન સંપાદનની પ્રક્રિયાને અનોખી ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આશ્રમવાસી અને ટ્રસ્ટીશ્રીઓ સાથે સંવાદ અને સહયોગથી કાયદાના ઉપયોગ વગર જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે, જેનાથી નવનિર્માણનું કામ સમયસર શરૂ થઈ રહ્યું છે.

1200 કરોડની માતબર રકમ સાથે 55 એકરમાં આકાર પામનારા નૂતન પરિસરમાં કેન્દ્ર સરકારના આર્થિક સહયોગ બદલ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે સાથે આ પ્રોજેકટમાં સહયોગ આપનાર સહુ કોઈનો પણ  મુખ્યમંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂ. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે.

આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે.  અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે.

આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી મૂકેશભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, લોકસભા સાંસદ શ્રી ડો.કિરીટભાઇ સોલંકી, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, શહેરનાં મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, સ્મારક મંડળના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ તથા શહેરના સર્વે ધારાસભ્યશ્રીઓ, ગાંધીવાદીઓ, સ્વછાગ્રહીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post

નિજ્જરની હત્યાકેસમાં ન્યૂઝીલેન્ડના ડે.પીએમના નિવેદનથી કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી

Wed Mar 13 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો. જેને ભારતે રદીયો આપ્યો હતો. આ બાબતે પહેલીવાર ઇન્ટરનેશનલ પ્રતિક્રિયા આવી છે, […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share