18 October 2026

OSAP ગ્રાન્ટ્સમાં ૧ બિલિયન ડોલરથી વધુનું કૌભાંડ? ઓન્ટારિયો સરકારે સ્ટુડન્ટ આસિસ્ટન્સ પેમેન્ટ્સ ફ્રીઝ કરતાં ઇન્ડો-કેનેડિયન વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા

0
    Ontario’s OSAP funding controversy puts student assistance and government oversight under scrutiny, image is editorial illustration.

    ટોરોન્ટો (ધ્વનિ ન્યૂઝ ઓનલાઇન): ઓન્ટારિયો સ્થિત પ્રાઇવેટ કેરિયર કોલેજોના વિદ્યાર્થીઓને ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આપવામાં આવેલી લગભગ ૧ બિલિયન કેનેડિયન ડોલર (આશરે ૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ)ની પ્રોવિન્શિયલ ગ્રાન્ટ્સ OSAP હવે તીવ્ર સરકારી અને રાજકીય તપાસના ઘેરામાં આવી ગઈ છે. પ્રોવિન્શિયલ સરકારે અચાનક તમામ પ્રકારના સ્ટુડન્ટ આસિસ્ટન્સ પેમેન્ટ્સ ફ્રીઝ (સ્થગિત) કરી દેતાં અને વર્ષો જૂની ચેતવણીઓ છતાં પગલાં ન લેવાયા હોવાના અહેવાલો બહાર આવતાં સમગ્ર પ્રોવિન્સમાં અને ખાસ કરીને ભારતીય મૂળના ઇન્ડો-કેનેડિયન સમુદાય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ વિવાદે સ્ટુડન્ટ એપ્લિકેશન્સની ચકાસણી, સરકારી દેખરેખની ખામીઓ અને જે વિદ્યાર્થીઓ મંજૂર થયેલા ફંડિંગ પર નિર્ભર હતા તેમના ભવિષ્ય સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી દીધા છે.

      ઓન્ટારિયોના કોલેજિસ એન્ડ યુનિવર્સિટીઝ મિનિસ્ટર નોલાન ક્વિને ૬ ઓક્ટોબરના રોજ પેમેન્ટ્સ અટકાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રાઇવેટ પોસ્ટ-સેકન્ડરી ઇન્સ્ટિટ્યુશન્સમાં ઓન્ટારિયો સ્ટુડન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ (OSAP) અરજીઓની આંતરરાષ્ટ્રીય ઓડિટિંગ ફર્મ કેપીએમજી (KPMG) દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસ બાદ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારી સમીક્ષાઓ અને આંતરિક તપાસમાં ગંભીર ગડબડો સામે આવ્યા બાદ ઓગસ્ટ ૨૦૨૬માં આ ક્ષેત્રની ઊંડી તપાસ માટે KPMGની નિમણૂક કરવામાં આવી હતી.

        મિનિસ્ટર ક્વિનના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન અનેક આંચકાજનક વિગતો બહાર આવી છે, જેમાં પ્રાઇવેટ કોલેજો અને ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ્સ વચ્ચેની શંકાસ્પદ ભાગીદારી તથા મિલીભગત, કોલેજોની વહેંચાયેલી માલિકી (Shared Ownership), વિદ્યાર્થીઓની પાત્રતા અને નોંધણી (Enrolment)ની અપૂરતી ચકાસણી, શૈક્ષણિક પરિણામોના નબળા પુરાવા અને ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાંથી એકસાથે અસાધારણ સંખ્યામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે. સરકારી પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે આ ગંભીર બાબતોની ઊંડી તપાસ જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક સંસ્થા કે દરેક વિદ્યાર્થી દોષિત છે.

          બીજી તરફ, ઓન્ટારિયો લિબરલ પાર્ટી દ્વારા ૬ ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ૧ બિલિયન ડોલરની આ રકમ પ્રોવિન્શિયલ ગ્રાન્ટ્સ તરીકે દર્શાવવામાં આવી છે, જોકે આ સંપૂર્ણ રકમ ફ્રોડ કે છેતરપિંડી છે તેવું હજુ સત્તાવાર રીતે સાબિત થયું નથી. સ્થાનિક કેનેડિયન મીડિયા હાઉસ ટ્રિલિયમના અહેવાલ મુજબ, ૨૦૨૪-૨૫માં ખાનગી સંસ્થાઓના ૮૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઓસાપ ગ્રાન્ટ્સ અને લોન પેટે કુલ ૨.૪ બિલિયન ડોલરથી વધુની રકમ આપવામાં આવી હતી. નિષ્ણાતોના મતે ગ્રાન્ટ અને લોનના આ આંકડા અલગ-અલગ કેટેગરીના છે અને તેને એકસાથે ઉમેરી શકાય નહીં. વ્યક્તિગત અરજીઓ, પાત્રતાના માપદંડો, એન્રોલમેન્ટ રેકોર્ડ્સ અને ચુકવણીઓની સંપૂર્ણ તપાસ કર્યા વિના ધાંધલીના વાસ્તવિક આંકડા પર પહોંચવું શક્ય નથી.

            આ સમગ્ર મામલામાં સરકારી ભંડોળના એક ચોક્કસ વિતરણ પર સખત પ્રશ્નો ઊભા થયા છે. કેનેડિયન પ્રેસના અહેવાલ મુજબ, ૨૦૨૪-૨૫ના વર્ષમાં માત્ર સાત ખાનગી કેરિયર કોલેજોના વિદ્યાર્થીઓને જ આશરે ૩૮૫ મિલિયન ડોલરની પ્રોવિન્શિયલ ગ્રાન્ટ ચૂકવવામાં આવી હતી. આ રકમ સમગ્ર ઓન્ટારિયોની તમામ પબ્લિકલી ફંડેડ (સરકારી) કોલેજોના વિદ્યાર્થીઓને આપેલી કુલ રકમ જેટલી જ થવા જાય છે. આ સરખામણીએ રાજકીય વર્તુળોમાં ભારે ધાંધલ-ધમાલ મચાવી દીધી છે અને પ્રાઇવેટ સેક્ટરમાં થયેલા ઝડપી ગ્રોથ સામે યોગ્ય દેખરેખ રખાઈ હતી કે નહીં તે અંગે તીખા સવાલો ઊભા કર્યા છે.

            સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ટાઇમલાઇન મુજબ, આ ક્ષેત્રે ફરિયાદોનો સિલસિલો ૨૦૨૪ના ઉત્તરાધાર્ધમાં શરૂ થયો હતો. ફેડરલ ગવર્નમેન્ટ દ્વારા મે ૨૦૨૫માં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ જુલાઈ ૨૦૨૫થી ચોક્કસ તપાસ શરૂ કરાઈ હતી. ડિસેમ્બર ૨૦૨૫માં પ્રોવિન્સની ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ટીમને આમાં સામેલ કરવામાં આવી હતી અને છ કેમ્પસિસની OSAP પાત્રતા રદ કરવામાં આવી હતી.

              જોકે, કોર્ટના દસ્તાવેજોને ટાંકીને કેનેડિયન પ્રેસે સળગતો ખુલાસો કર્યો છે કે ‘કેરિયર કોલેજિસ ઓન્ટારિયો’ નામના સંગઠને જાન્યુઆરી ૨૦૨૩ જેટલા વહેલા સમયથી પ્રોવિન્શિયલ સરકારને આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે લેખિત ચેતવણી આપી હતી. આ એસોસિએશન પ્રાઇવેટ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે અને વિદ્યાર્થીઓની અરજીઓ પ્રોસેસ કરે છે. અર્લી વૉર્નિંગ્સ છતાં મંત્રાલયે શા માટે સમયસર પગલાં ન લીધાં તે હવે મોટો રાજકીય મુદ્દો બન્યો છે.

              ઓન્ટારિયો લિબરલ્સ પક્ષે મિનિસ્ટર નોલાન ક્વિનના રાજીનામાની માંગણી કરતાં આરોપ લગાવ્યો છે કે સરકારે આટલું મોટું કૌભાંડ ફૂલ્યું-ફાલ્યું ત્યાં સુધી આંખ આડા કાન કર્યા હતા. બીજી તરફ, મિનિસ્ટર ક્વિને જણાવ્યું છે કે સરકારે આ મામલે ઓડિટર જનરલને જાણ કરી છે અને ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસ (OPP)ને વિગતો સોંપી છે. હાલમાં ૧૪ ઓક્ટોબરે ગ્લોબલ ન્યૂઝના અહેવાલ મુજબ પોલીસ આ આરોપોની પ્રાથમિક સમીક્ષા કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ સંસ્થા સામે સત્તાવાર ફોજદારી કેસ કે ધારાધોરણ મુજબની તપાસ દાખલ કરવામાં આવી નથી.

                કેનેડામાં વસતા હજારો ઇન્ડો-કેનેડિયન પરિવાર, જેમના બાળકો અથવા સગાં-સંબંધીઓ આ ખાનગી કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ ટ્રેનિંગ મેળવી રહ્યા છે, તેમના માટે અત્યારે સૌથી મોટો યક્ષપ્રશ્ન એ છે કે તેમની ટ્યુશન ફી અને લિવિંગ એક્સપેન્સિસ (રહેવા-જમવાનો ખર્ચ) કેવી રીતે કવર થશે. OSAP પેમેન્ટ્સ ફ્રીઝ થવાથી નિર્દોષ વિદ્યાર્થીઓ ભારે આર્થિક અને માનસિક તણાવમાં મુકાયા છે. શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે સરકારે તાત્કાલિક અસરથી તમામ કાયદેસર અને પ્રામાણિક વિદ્યાર્થીઓના નાણાકીય હિતોનું રક્ષણ કરવું જોઈએ અને આર્થિક ગડબડો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ આંચ ન આવે.

                  Share with friends

                  What do you feel about this?

                  Leave a Reply

                  Your email address will not be published. Required fields are marked *

                  You may have missed

                  Total
                  0
                  Share