ફ્લાવર સિટી ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ડાયાબિટીસ સેમિનાર યોજાયો: વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય અને સંસ્કૃતિનો સંગમ

Dhwani Online News-Brampton
બ્રેમ્પટન, ઓન્ટારિયો — આરોગ્યલક્ષી જાગૃતિ, સાંસ્કૃતિક ઉજવણી અને સામાજિક એકતાનો એક અનોખો સંગમ ત્યારે જોવા મળ્યો જ્યારે ‘ફ્લાવર સિટી ફ્રેન્ડ્સ ક્લબ’ (FCFC) દ્વારા ગત ૬ સપ્ટેમ્બરે બ્રેમ્પટનના પોલ પેલેસ્કી રિક્રિએશન સેન્ટર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે એક વિશેષ ડાયાબિટીસ અવેરનેસ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રેમ્પટન સિટીના વિશેષ સહયોગથી યોજાયેલા આ સફળ કાર્યક્રમમાં ૧૨૫થી વધુ કલબ મેમ્બર્સ અને લોકલ સિનિયર્સે હાજરી આપી હતી. આ બપોર માત્ર આરોગ્ય વિષયક માહિતી પૂરતી સીમિત ન રહેતા, ડાયાબિટીસ કંટ્રોલ, હેલ્ધી લિવિંગ અને એક્ટિવ એજિંગના મહત્વપૂર્ણ સંદેશાઓ સાથે સંગીત, શાયરી, રંગાચંગ ગીધ્ધા ડાન્સ, બર્થડે સેલિબ્રેશન અને સ્વાદિષ્ટ ડિનર સાથે એક યાદગાર ઉત્સવમાં ફેરવાઈ ગઈ હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર નેહા કૌશલે “સિટીઝન્સ અને ડાયાબિટીસ” વિષય પર એક અત્યંત માહિતીપ્રદ સેશન લીધું હતું. તેમણે દૈનિક જીવનમાં બ્લડ શુગર મેનેજમેન્ટ, પૌષ્ટિક ન્યુટ્રિશન, શારીરિક પ્રવૃત્તિઓ, સમયસર મેડિકેશન અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. FCFCના ચેરપર્સન જ્ઞાન પોલે જણાવ્યું હતું કે ઉત્તમ સ્વાસ્થ્ય વરિષ્ઠ નાગરિકોને વધુ આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને બહેતર ક્વોલિટી ઓફ લાઈફ આપે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સિનિયર ઓર્ગેનાઇઝેશન્સ માત્ર સોશિયલ ગેટ-ટુગેધર પૂરતી સીમિત ન રહેતા, સભ્યોને તેમના આરોગ્ય વિશે સાચા અને સચોટ નિર્ણયો લેવામાં મદદરૂપ થાય તેવી ઉપયોગી માહિતી પૂરી પાડવાની જવાબદારી પણ નિભાવવી જોઈએ.




દક્ષિણ એશિયાઈ અને ખાસ કરીને પંજાબી ખોરાક અંગે નેહા કૌશલની ચર્ચાએ શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે ડાયાબિટીસ હોવા છતાં આપણા ટ્રેડિશનલ ફૂડને થાળીમાંથી સંપૂર્ણપણે હટાવવાની જરૂર નથી, પરંતુ રસોઈમાં હેલ્ધી ઇન્ગ્રેડિઅન્ટ્સનો ઉપયોગ, ઓછી તળેલી બનાવટ, કાર્બોહાઇડ્રેટનું સંતુલન અને પોર્શન સાઇઝ એટલે કે ખોરાકના પ્રમાણ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. તેમણે વય, શારીરિક ક્ષમતા અને મેડિકલ સ્થિતિ મુજબ નિયમિત એક્ટિવ રહેવા, નિયમિત બ્લડ શુગર ચેકઅપ કરવા, ડૉક્ટર સાથે રેગ્યુલર ફોલો-અપ રાખવા અને આપેલી દવાઓ નિયમસર લેવા ખાસ વિનંતી કરી હતી.
પ્રશ્નોત્તરીના ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન ઉપસ્થિત સિનિયર્સે દૈનિક ખોરાક, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ (ઉપવાસ) અને દવાઓની આડઅસરો અંગેના પોતાના પ્રશ્નો પૂછ્યા હતા. કૌશલે સલાહ આપી હતી કે જે સિનિયર્સ ઇન્સ્યુલિન અથવા અન્ય ડાયાબિટીસની દવાઓ લેતા હોય, તેમણે ડાયેટમાં કોઈ મોટો ફેરફાર કરતા કે ફાસ્ટિંગ શરૂ કરતા પહેલા પોતાના ફેમિલી ડૉક્ટર અથવા હેલ્થકેર પ્રોવાઇડરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
આરોગ્ય સેશન પૂર્ણ થયા બાદ માહોલ જ્ઞાનચર્ચામાંથી આનંદ અને ઉત્સાહમાં ફેરવાઈ ગયો હતો. ક્લબના સભ્યોએ ગીતો, જોક્સ, શાયરી અને પંજાબના લોકનૃત્ય ગીધ્ધાની રંગારંગ પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે જ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવતા સભ્યોના જન્મદિનની ઉજવણી કેક કાપીને ધામધૂમથી કરવામાં આવી હતી. FCFCના પ્રમુખ જસવિંદર દૈંદે તમામ આયોજકો, વોલન્ટિયર્સ, કલાકારો અને સહભાગીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે ક્લબનો મુખ્ય હેતુ કેનેડામાં રહેતા આપણા સિનિયર્સને હંમેશા “ઇન્ફોર્મ્ડ, ઇનવોલ્વ્ડ અને કનેક્ટેડ” રાખવાનો છે. ચેરપર્સન પોલે બ્રેમ્પટન સિટીના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સફળ આયોજન બાદ FCFC હવે ૪ ઓક્ટોબરે યોજાનારા પોતાના આગામી કમ્યુનિટી પ્રોગ્રામની તૈયારીઓમાં લાગી ગયું છે.
(નોંધ: પ્રેસ રિલીઝ આધારિત સમાચાર તેમજ તમામ તસવીરો: ‘સૌજન્ય – ફ્લાવર સિટી ફ્રેન્ડ્સ ક્લબ (FCFC)’ / Photos Courtesy: Flower City Friends Club)
