વંદન પટેલ: ઇમિગ્રન્ટથી એમપીપી ઉમેદવાર સુધી – ધીરજ, સામાજીક સેવા અને સમર્પણની સફર

    ઇમિગ્રન્ટથી હેલ્ડિમેન્ડ-નોરફોક, ઓન્ટારિયોના MPP ઉમેદવાર બનવાની સફર

    પ્રોવિન્શિયલ લિબરલ પાર્ટીના હેલ્ડિમેન્ડ-નોરફોક કાઉન્ટી માટેના MPP ઉમેદવાર વંદન પટેલે ધ્વનિ સાથે વાતચીત કરી અને પોતાની પ્રેરણાદાયી સફર અંગે માહિતી આપી. એક ઇમિગ્રન્ટ તરીકેના શરૂઆતના સંઘર્ષોથી લઈને એક સન્માનનીય રાજકીય વ્યક્તિગતાની ભૂમિકા સુધીની તેમની સ્ટોરી સતત મહેનત, સંકલ્પશક્તિ અને સમુદાય સેવાની અટૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

    પ્રારંભથી જ, પટેલ સમુદાય સેવા પર વિશ્વાસ રાખતા હતા અને માતૃભૂમિમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા. પોતાના કોલેજ વર્ષોમાં, તેમણે જનરલ સેક્રેટરી (GS) તરીકે સેવા આપી હતી, જે તેમના પ્રારંભિક નેતૃત્વ કૌશલ્યોને દર્શાવે છે. એક બિઝનેસમેન તરીકે, તેમણે કેમ્બ્રિજમાં ૧૨ વર્ષ સુધી પિઝ્ઝા સ્ટોર ચલાવ્યો, જ્યાં તેમને અનેક જરૂરતમંદ સમુદાય સભ્યોને મળવાની તક મળી. સમર્થન સેવાઓમાં દેખતી ખામી ઓને ઓળખીને અને પોતાની ભૂતકાળની અનુભૂતિઓ પરથી પ્રેરાઈને, પટેલે સ્થાનિક રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો અને કેનેડાની લિબરલ પાર્ટી સાથે જોડાયા.

    તેમનો રાજકીય સફરનો પ્રારંભ કેમ્બ્રિજમાં સિટી કાઉન્સિલર પદ માટે ચૂંટણી લડવાથી થયો. ભલે તેઓ તે વખતે ચૂંટાયા ન હોય, પણ પટેલ આ અનુભૂતિને મૂલ્યવાન શીખવા જેવી તક તરીકે જોય. “જીત અને હાર જીવનનો એક ભાગ છે, પણ તે અનુભવ મેળવવા અને પડકાર સ્વીકારવાની વાત છે,” તેમણે જણાવ્યું. આ દૃષ્ટિકોણે તેમની જનસેવા પ્રત્યેની ઉત્કટતા અને પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.

      પટેલે તેમના કાર્ય દ્વારા, સમગ્ર વિશ્વમાંથી કેનેડામાં વસવાટ માટે આવેલા માઈગ્રન્ટ્સના વિવિધ અનુભવોને સમજવાની તક મેળવી છે. તેઓ માને છે કે, તેમના સંઘર્ષો અને સિદ્ધિઓને જાણવી એ એક સમૃદ્ધ અનુભવ રહ્યો છે. સમુદાયમાં તેમની સક્રિય સેવા અને અપરંપાર સમર્પણના કારણે, તેઓ કેમ્બ્રિજમાં રોયલ લીજન બોર્ડના સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

      “જ્યારે તમે કોઈ કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થાવ છો, ત્યારે લોકો એને જોવે છે કે નહીં, એ અંગે ચિંતા કરવાની જરૂર નથી. કોઈક ના કોઈક તો તમને નિહાળી રહ્યા જ હોય છે, અને તમને ક્યારેય ખબર નહીં હોય કે એ તમારા માટે કઈ નવી તક લાવશે. જે કરવું છે, તે કરતા રહો,  કોઈપણ અપેક્ષા રાખ્યા વિના—તમારો સમય અવશ્ય આવશે,” પટેલે શેર કર્યું.

      સમુદાય માટેના તેમના સમર્પણનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ એ છે કે, એક યુક્રેનિયન પરિવાર તેમના  પીઝા સ્ટોર પર મળવા આવ્યું અને યુક્રેનિયન ધ્વજ લહેરાવાની ઉજવણી કરવા ઈચ્છા વ્યક્ત કરી. પટેલે તેમને તેમના  પીઝા સ્ટોર પર આમંત્રિત કર્યા અને એકતા દર્શાવવા માટે યુક્રેનિયન ધ્વજ પણ લહેરાવ્યો. જે ૨૦૧૭માં માત્ર ત્રણ પરિવારો સાથે શરૂ થયું હતું, તે ૨૦૨૩માં એક મોટા સમુદાયિક કાર્યક્રમમાં પરિવર્તિત થયું, જ્યાં ૧૦૦થી વધુ પરિવારો યુક્રેનિયન ડે ઉજવવા માટે એકત્ર થયા. તેમના આ યોગદાનને માન્યતા આપવા માટે, યુક્રેનિયન ચર્ચ દ્વારા પટેલ નું સન્માન કરવામાં આવ્યું, જેમાં ઔપચારિક કેક કટિંગ સમારોહ પણ યોજાયો.

      જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમનું પ્રેરણાસ્ત્રોત કોણ છે, ત્યારે પટેલ ગર્વપૂર્વક જવાબ આપ્યો કે, “મારા કેનેડિયન ફેલો, કેનેડિયન નાગરિકોતેઓજ મારું પ્રેરણાસ્ત્રોત છે.

      તેમ છતાં, તેઓ એક ઈન્ડો-કેનેડિયન ગુજરાતી તરીકે એક મહત્ત્વની ચિંતા વ્યક્ત કરી. તેઓ દર્શાવે છે કે, ગુજરાતીઓની મોટી આબાદી હોવા છતાં, આખા ઓન્ટારિયોમાં માત્ર બે ગુજરાતી ઉમેદવારો પ્રાંતીય ચૂંટણી માટે લડી રહ્યા છે. “ચારે મુખ્ય પ્રાંતીય રાજકીય પાર્ટીઓમાં, કોઈપણ પાર્ટી ઈન્ડોકેનેડિયન ગુજરાતી ઉમેદવારોને પસંદ કરવામાં ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી,” તેમણે કહ્યું.

      પટેલ માને છે કે, ગુજરાતી સમુદાયે કેનેડામાં ભારે મહેનત કરી છે અને તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ તેઓ એકઠા થઈને એક મજબૂત સંયુક્ત અવાજ તરીકે ઊભા રહ્યા નથી.આવા સમયે  આપણું વિખરાયેલું રહેવાં સારું નથી, આપણો અવાજ કેનેડાના તમામ શાસનના સ્તરો સુધી પહોંચવો જોઈએ,” તેઓ ભારપૂર્વક ઉમેરે છે.

      પટેલ હેલ્ડિમેન્ડ-નોરફોકમાં પોતાની ઉમેદવારી પર પ્રકાશ પાડતાં જણાવે છે કે આ વિસ્તારમાં માત્ર ૨% ઈન્ડો-કેનેડિયન વસવાટ કરે છે, જ્યારે બાકીના ૯૮% કેનેડામાં જન્મેલા નાગરિકો છે. તેમ છતાં, લિબરલ પાર્ટીએ તેમની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા ઓળખી અને તેમને MPP ઉમેદવાર તરીકે તક આપી.તેઓએ મારી સમર્પણભાવના અને મારા સમુદાયની સંકલ્પશક્તિ જોઈ છે, અને તેમને વિશ્વાસ છે કે વિસ્તાર માટે હું યોગ્ય ઉમેદવાર છું,” પટેલ ગૌરવભેર જણાવે છે.

        જો તેમની પાર્ટી ચૂંટાઈ આવે, તો પટેલ અને ઓન્ટારિયો લિબરલ પાર્ટી, બોની ક્રોમ્બી ની નેતૃત્વ હેઠળ,  ઓન્ટારિયનોના તમામ મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

        મુખ્ય પ્રાથમિકતાઓમાં આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે, જેમાં લાંબા ઇમરજન્સી વેઇટ ટાઈમ, ડૉક્ટરો અને નર્સોની અછતને દૂર કરવી છે. “આજે કેનેડા જેવા વિકસિત દેશમાં તબીબી સ્ટાફની ઉણપને કારણે લોકોને ફોન પર ડાયગ્નોઝ કરવામાં આવે, જે સ્વીકાર્ય નથી,” પટેલ જણાવે છે. તેઓ આરોગ્ય સેવાનો ધાંધિયો સુધારવા પર ભાર મૂકે છે અને 401 હેઠળ ટનલ જેવા અનાવશ્યક પ્રોજેક્ટ્સ માટે ખર્ચ કરવાનો વિરોધ કરે છે.

        શિક્ષણ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.  શાળાઓના આધુનિકીકરણ, શિક્ષકોના સમર્થન અને ઉચ્ચ અભ્યાસ માટે વિધાર્થીઓ અને પરિવારોની આર્થિક તકલીફ ઓછી કરવા OSAP ગ્રાન્ટ ફરીથી લાવવાનો સંકલ્પ રાખે છે.સસ્તું હાઉસિંગ અને આશ્રયની સુવિધાઓ પણ પ્રાથમિકતાઓમાં છે, જેથી રહેઠાણની વિકટ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.

          પટેલ એક મહત્વની ચિંતાને પણ ઉઠાવે છે—ઓન્ટારિયો ભવિષ્યની સંકટપરિસ્થિતિઓ માટે તૈયાર છે કે નહીં?જો ફરી એકવાર COVID-19 જેવી મહામારી આવે, તો શું આપણે તૈયાર છીએ?” તેઓ પૂછે છે.

          તેમનું મક્કમ માનવું છે કે ઓન્ટારિયોમાં દરેક પરિવારને એક ફેમિલી ડૉક્ટર મળવો જોઈએ, જેથી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બની શકે.

          જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો ચૂંટાઈ આવે તો તેઓ ખાસ કરીને ઇન્ડો-કેનેડિયન અને ગુજરાતી સમુદાય માટે શું કરશે, ત્યારે પટેલે સ્પષ્ટ અને સમાવિષ્ટ સંદેશ આપ્યો. “મારી જે ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે તે MPP ની છે, અને તે જાતિ કે સમુદાયથી પર છે. મારા માટે બધા ઓન્ટારિયનો સમાન છે. હું અહીં દરેકની સેવા કરવા આવ્યો છું, માત્ર એક સમુદાય માટે નહીંહું પક્ષપાતમાં વિશ્વાસ કરતો નથી,” તેઓએ જણાવ્યું.

          તેમણે સ્વીકાર્યું કે પ્રતિનિધિત્વ મહત્વનું છે, અને તેમણે ઇન્ડો-કેનેડિયન અને ગુજરાતી સમુદાયના સભ્યોને ખાતરી આપી કે તેઓ પોતાના પ્રશ્નો માટે સીધા તેમના સંપર્કમાં રહી શકે. “તેઓની જરૂરિયાતોને સંબોધવા માટે મને ગૌરવ થશે. તેઓ મારો સંપર્ક હિન્દી, ગુજરાતી અથવા કોઈપણ ભારતીય રાષ્ટ્રીય ભાષામાં કરી શકે છે, જેથી તેમની ચિંતાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે,” પટેલે ઉમેર્યું.

          જ્યારે પૂછવામાં આવ્યું કે મતદાતાઓએ તેમને શા માટે પસંદ કરવા જોઈએ, ત્યારે પટેલે આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, “મારા કેનેડામાંના ઇતિહાસ પર નજર નાખો. હું હંમેશાં સમુદાય માટે હાજર રહ્યો છું, હંમેશાં મદદ માટે આગળ આવ્યો છું અને તેમનો અવાજ બન્યો છું. હું પહેલાં સમુદાયને મુકું છું, પછી મને.” તેમની આગવી સેવાભાવી પ્રતિબદ્ધતા અને ઓન્ટારિયોના રહેવાસી માટે નિષ્ઠાપૂર્વકની સેવામાં રહેલો અડગ સમર્પણ  ભાવ તેમને MPP માટે એક સશક્ત ઉમેદવાર બનાવે છે.

          પટેલ લિબરલ પાર્ટીની મૂળભૂત મૂલ્યોમાં મજબૂત વિશ્વાસ રાખે છે અને મતદાતાઓને વિશ્વાસપૂર્વક તેમનો સમર્થન આપવા અપીલ કરે છે. “લિબરલ પાર્ટીને મત શા માટે આપવો જોઈએ? અન્ય કોઈ પણ રાજકીય પક્ષોએ ઇન્ડોકેનેડિયન ગુજરાતી ઉમેદવારોને નામાંકિત કર્યા નથીઓન્ટારિયોમાં કુલ 124 ઉમેદવારોમાંથી માત્ર બે ગુજરાતી ઉમેદવારો છે!” તેમણે ભારપૂર્વક જણાવ્યું. પટેલ વિશ્વાસ ધરાવે છે કે જો લિબરલ પાર્ટી ચૂંટણી જીતશે, તો બોની ક્રોમ્બી ઓન્ટારિય માટે એક અદ્ભુત નેતા સાબિત થશે.

            તેમણે ઇન્ડો-કેનેડિયન અને ખાસ કરીને ગુજરાતી સમુદાયને અપીલ કરી કે પાર્ટી નહીં પણ વ્યક્તિના સમર્થનમાં આગળ આવે, ભલે તે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર હોય. “વ્યક્તિગત મતભેદોને બાજુએ મુકો અને એકતા દર્શાવો. આપણો અવાજ સરકારના તમામ સ્તરે સંભળાવવો જરૂરી છે. જો આજે આપણે પગલું નહીં ઉઠાવીએ, તો ઘણું મોડું થઇ જશે,” પટેલે ઉલ્લેખ્યું.

            મતદાતાઓને સમજદાર નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરતા, તેમણે ઉમેર્યું, “મત આપતા પહેલા વિચારોતમે કોને મત આપી રહ્યા છો અને શા માટે? એ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે કે સંપૂર્ણ ઓન્ટારિયો ચૂંટણીમાં માત્ર બે ગુજરાતી ઉમેદવારો છે. તેમનો સમર્થન કરો. લિબરલ પાર્ટીની નીતિઓ વાંચો, ભલે તમે જે કોઈ પણ પાર્ટીમાં વ્યક્તિગત વિશ્વાસ રાખતા હો, પણ માત્ર સમુદાયના કાર્યક્રમમાં સેલ્ફી લેવા માટે મત આપોરીયલ ચેન્જ લાવવા માટે મત આપો!

            વંદન પટેલ સમુદાયને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ સ્વીકાર કરે છે કે ઘણા રાજકીય પક્ષો ઇન્ડો-કેનેડિયન સમુદાયના નીચા મતદાન દર અંગે ચિંતિત છે. “તમારા માટે કોઈ બોલાવા આવે તેની રાહ ના જુઓતમારે પોતે આગળ વધવું પડશે, બદલાવ લાવવો પડશે અને સમુદાયના ઉમેદવારોને સમર્થન આપવું પડશે. તેમની સાથે ઊભા રહો, મદદ કરો, અને તમારા લોન પર તેમના નિશાન લગાવો,” પટેલ આગ્રહપૂર્વક કહે છે.

            તેમણે ઉલ્લેખ કર્યો કે જ્યારે અન્ય સમુદાયોના ઉમેદવારો ચૂંટણીમાં લડે છે, ત્યારે તેમને મજબૂત અને એકસાથે સમર્થન મળે છે.તો પછી ઇન્ડોકેનેડિયન સમુદાય એકસાથે ઊભા થવામાં પાછળ કેમ છે? આ આશ્ચર્યજનક છે પણ હકીકત છે—ચાલો, આ બદલાવ સાથે એકસાથે આગળ વધીએ!” પટેલે જોર આપ્યું કે સાચા પ્રતિનિધિત્વ માટે એકતા જરૂરી છે, જેથી આપણા હકનો અવાજ સરકારના તમામ સ્તરે પહોંચે.

            છેલ્લા દાયકામાં, વંદન પટેલ સ્થાનિક સ્તરે લિબરલ પાર્ટીના સક્રિય સભ્ય તરીકે કાર્યરત રહ્યા છે અને મહાનગરપાલિકા, પ્રાંતિય અને ફેડરલ સ્તરે અનેક માનસન્માન પ્રાપ્ત કર્યા છે. તેમના સૌથી નોંધપાત્ર સન્માનોમાં ઓટાવામાં તેમને મળેલું પ્રતિષ્ઠિત ક્વીન એલિઝાબેથ II એવોર્ડ છે.

              એક ગૌરવભર્યા ગુજરાતી તરીકે, તેઓ આ પણ ગર્વથી જણાવે છે કે તેઓ કેવળ લિબરલ પાર્ટી નહીં, પણ તમામ રાજકીય પક્ષોમાં સમગ્ર કેનેડામાં સૌથી વધુ ડોરનૉકિંગ કરનાર વ્યક્તિ તરીકે ઓળખાયેલા છે. એક ખાસ માન્યતા તેમના આઉટરીચ પ્રયત્નોને ઉજાગર કરતી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેઓ 100 થી વધુ વિવિધ દેશોના સમુદાયના સભ્યો સાથે જોડાઈ ચૂક્યા છે, જે તેમના સમાવિષ્ટતા (Inclusivity) અને નાગરિક સક્રિયતા (Civic Engagement) પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.

              વંદન પટેલની સફર આપણા સર્વ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે, જે ધીરજ, મહેનત અને સમુદાય સાથેના જોડાણની મહત્તા દર્શાવે છે. એમપીપી પદ માટે તેમની પસંદગીના ભાગ રૂપે, તેમની આ સ્ટોરી ઘણા ભારતીયો (ઇમિગ્રન્ટ્સ) માટે આશાનું કારણ બની છે, જે પોતાં સપનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ સાથે કેનેડા આવે છે. પટેલનો સંદેશ સ્પષ્ટ છે—અટક્યા વિના સતત પ્રયાસ કરો, અને સફળતાનો માર્ગ તમારું સ્વાગત અવશ્ય કરશે.

                Next Post

                Vandan Patel: From Immigrant to MPP Candidate – A Journey of Patience, Community Service, and Dedication

                Fri Feb 21 , 2025
                Total 0 Shares 0 0 0 0 0 0 A Journey from Immigrant to MPP Candidate for Haldimand-Norfolk, Ontario Vandan Patel, the Provincial Liberal Party’s candidate for MPP in Haldimand-Norfolk County, recently sat down with Dhwani to share his inspiring journey. From an immigrant facing early struggles to a respected […]

                આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

                સમાચાર હાઇલાઇટ્સ

                Subscribe Our Newsletter

                Total
                0
                Share