- લોકસભા 2024 ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર સાતમી વખત BJP એ મનસુખ વસાવાને ટિકિટ આપી
- ભરૂચ બેઠક પર 18 વખત યોજાયેલી ચૂંટણીમાં BJP 10 અને કોંગ્રેસ 8 વખત જીત્યું છે
- 6 વખત મનસુખ વસાવા, 4 વાર ચંદુભાઈ દેશમુખ, 3 વખત અહેમદ પટેલ બન્યા વિજેતા
ભાજપ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત 195 ઉમેદવારોની જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં. ગુજરાતની 26 માંથી 15 બેઠકોના ઉમેદવારોમાં ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાઈ છે.
લોકસભા 2024 ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર સાતમી વખત BJP એ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. 2022ની વિધાનસભામાં ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર પ્રચંડ વિજય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
ભરૂચમાં વિધાનસભા જનસંપર્ક કાર્યાલય 2023 ના ઉદ્ઘાટનમાં CR પાટીલે મનસુખ વસાવાને મંચ પરથી કહ્યું હતું, સાતમી વખત સાંસદ બનવું હોય તો કાર્યાલય જોઈશે. ગત વર્ષે ભરૂચમાં એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા MP મનસુખ વસાવાને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ધારાસભ્યના જનસંપર્ક કાર્યલયના ઉદ્વાટન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલે કાર્યક્રમમાં લોકોને સંબોધન કર્યું હતું. દરમિયાન સાંસદ મનસુખ વસાવાને લઈ સી.આર.પાટીલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલ દ્વારા મનસુખ વસાવા સતત સાતમી વખત લોકસભા લડી શકે તેવા સંકેત આપવામાં આવ્યા હતા. એક વર્ષ પેહલા તે સમયે મનસુખ વસાવા વિશે વાત કરતા સી.આર.પાટીલ કહ્યું હતું કે, મનસુખભાઈએ ભાષણમાં કાર્યાલયનું મહત્વ સમજાવ્યું. પણ પોતાનું કાર્યાલય નથી કર્યું. મનસુખભાઈ કાર્યાલય ખોલે તો ઉદ્વાટનમાં હું આવું. હવે સતત સાતમી વખત તેઓ લોકસભાની ચૂંટણી લડે તેવા એક વર્ષ પેહલા સી.આર.પાટીલે આપેલા સંકેત સાચો ઠર્યો છે. અને આજે તેમને સાતમી વખત ટિકિટ મળી ગઈ છે.
ભરૂચ લોકસભા બેઠક ભરૂચ, નર્મદા 2 જિલ્લા અને 7 વિધાનસભા, 2 પંચાયત, 5 પાલિકા, 13 તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ છે. સાતમાંથી 6 વિધાનસભા અને તમામ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો સાથે પાલિકાઓ પર BJP નું રાજ છે.
રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલનો ગઢ ગણાતી ભરૂચ બેઠક કોંગ્રેસ 1989 બાદથી જીતી શકી નથી.ભરૂચ બેઠક ભાજપ 10 કોંગ્રેસ 8 વખત જીત્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1951માં ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ વિજેતા બન્યાં હતાં. 1989 બાદથી આ બેઠક પર ભાજપ વિજેતા બનતું આવ્યું છે. ભાજપના ચંદુભાઇ દેશમુખ 4 વખત, મનસુખ વસાવા 6 વખત જયારે કોંગ્રેસના અહમદ પટેલ 3 વખત વિજેતા બન્યાં છે.
ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ અપાઈ છે. આ બેઠક પર 16 લાખ ઉપરાંતના મતદારો પૈકી આદિવાસી વોટની સંખ્યા 4.50 લાખ ઉપરાંત છે.
ગત 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ભાજપ- કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ત્રિપાંખીયા જંગથી મુકાબલો રસપ્રદ બન્યો હતો. જાહેર થયેલા પરિણામોમાં ભાજપે કલીન સ્વીપ કર્યો હતો. ભરૂચ લોકસભા બેઠક પર ઇવીએમથી 11.45 લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપના મનસુખ વસાવાને 6.35 લાખ, કોંગ્રેસના શેરખાન પઠાણને 3.02 લાખ અને બીટીપીના છોટુ વસાવાને 1.43 લાખ મત મળ્યાં હતાં.
આ વખતે AAP ના ઉમેદવારને ટિકિટને લઈ નારાજ કોંગ્રેસ પહેલેથી જ વિરોધ નોંધાવી ચુકી છે. આપ અને કોંગ્રેસના પોકેટ મતદારો સાથે ગત લોકસભાના પરિણામોની સરખામણી કરવામાં આવે તો પણ ભાજપને મળેલા મતોની સરખામણી કરી શકે તેમ નથી, એવું ભાજપ પહેલેથી જ જાહેર કરી ચૂક્યું છે.
હવે ભરૂચ બેઠક પર મનસુખ વસાવા વિરુદ્ધ ચૈતર વસાવાના ચૂંટણી જંગમાં 6 ટર્મથી MP મનસુખ વસાવા કેટલા મતોથી જીતે છે કે ચૈતર વસાવા કેવી લડત આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
#loksabha-election-2024 #mansukh-vasava #chitar-vasava- congress #APP